મુથૈયા મુરલીધરન-જાદુગર બાલરની ક્રિકેટમાંથી વિદાય...


જાદુગર બાલરની ક્રિકેટમાંથી વિદાય...
વિદાય હો તો એસી...
22 જુલાઈ, 2010 શ્રીલંકન ક્રિકેટનો ઐતિહાસિક દિવસ બનવા જઈ રહ્યો હતો. આ દિવસ શ્રીલંકાના નંબર વન સ્પીનર (બાલર) માટે ઐતિહાસિક સિદ્ધિ મેળવી ક્રિકેટજગતમાંથી વિદાય લેવાનો હતો. શ્રીલંકાનું ‘ગાલ’ સ્ટેડિયમ હજારો પ્રેક્ષકોથી છલોછલ ભરેલુ હતું. ટેસ્ટ મેચના પાંચમા દિવસે ભારતનો સ્પીનર પ્રજ્ઞેશ ઓઝા 49 બાલને ફેસ કરી ભારતની છેલ્લી બેટિંગ લાઇન સંભાળી પીચ પર ઊભો છે. શ્રીલંકાને ટેસ્ટ મેચમાં વિજય મેળવવા અને બાલરને ઐતિહાસિક સિદ્ધિ મેળવવા માત્ર એક વિકેટની જ‚ર છે. પ્રેક્ષકોની પ્રોત્સાહન‚પી કિકિયારીઓ વચ્ચે શ્રીલંકન બાલર બાલ ફેંકે છે. બાલ પ્રજ્ઞેશ ઓઝાના બેટને કિસ કરી સીધો શ્રીલંકન ખેલાડી મહેલા જયાવર્ધનેના હાથમાં જાય છે. ભારતની આ છેલ્લી વિકેટ સાથે શ્રીલંકાને ટેસ્ટમાં વિજય મળે છે અને તે બાલ ફેંકનાર બાલરને ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ લેવાની સિદ્ધિ મળે છે. શ્રીલંકાનો આ ઐતિહાસિક બાલર એટલે ફિરકીનો જાદુગર મુથૈયા મુરલીધરન.
***
ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપવામાં અનોખા સિમાચિહ્નની સાથે આખરી ટેસ્ટમાં શ્રીલંકાને વિજય અપાવી વિદાય લઈ રહેલો લેજન્ડ સ્પીનર મુરલીધરન આજે સ્પીનરોનો મહાનાયક બની ગયો છે. વિશેષજ્ઞોનું માનીએ તો જે રીતે ડાન બ્રેડમેન 99.94ની એવરેજથી રન બનાવી ઐતિહાસિક શિખર પર એકલો પહોંચેલો છે તેવી જ રીતે મુરલીધરન પણ ટેસ્ટ ક્રિકેટમાં 800 વિકેટ ઝડપ્નારો એક માત્ર બાલર હશે. મુરલીધરન પછી આસ્ટ્રેલિયાના શન વોર્ને 708 વિકેટો ઝડપી છે પણ તેની ક્રિકેટજગતમાંથી ક્યારનીય વિદાય થઈ ચૂકી છે. આવા રેકોર્ડે તૂટવા આજે મુશ્કેલ છે, કારણ કે ક્રિકેટ જગતમાં મુરલી અને શન વોર્ન જેવા ખેલાડી વારંવાર ન જન્મી શકે. 21મી સદીની ટેક્નોલોજીમાં જ્યારે વીડિયો વિશ્ર્લેષણ દ્વારા દરેક બાલરની સ્ટાઇલ, આવડત, બેસ્ટમેનને હેરાન કરવાની રીતનું વિશ્ર્લેષણ કરી શકાય છે ત્યારે બાલરો માટે હંમેશા ર્ફોમમાં રહેવું અસંભવ લાગે છે. આવા સમયે બાલરોએ હંમેશાં કઈક નવું નવું કરવું જ પડે છે. આજની બેસ્ટમેનોની ક્રિકેટમાં બાલરો માટે ટકી રહેવું મુશ્કેલ છે. ત્યારે મુરલીધરન જેવા માનસિક દ્ઢતાવાળા બાલરો જ આવી સફળતા મેળવી શકે છે. 1992માં આંતર્રાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યા બાદ મુરલીધરન હંમેશાં તેની સ્ટાઇલના કારણે વિવાદમાં રહ્યો છે. પોતાની 18 વર્ષના કેરિયરમાં અનેક ચડાવ-ઉતાર અને સંઘર્ષ પછી મુરલીધરને 800 વિકેટ લેવાની ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. 27 ડિસેમ્બર, 1995નો એ દિવસ લગભગ દરેક શ્રીલંકનને યાદ હશે. આ દિવસે મુરલીધરની એક્સન પર એમ્યાપર ડેરેલ હેપરે આરોપ લગાવ્યો હતો. મેલબર્ન ટેસ્ટ મેચના બીજા દિવસે આસ્ટ્રેલિયાના આ એમ્પાયરે થ્રો એક્સનના કારણે 7 વાર નો બોલ આપ્યા હતા. આસ્ટ્રેલિયા અને ઇંગ્લન્ડ માટે આ જાદુગર બાલરની એક્સનને થ્રો ગણતા હોય પણ દરેક તપાસ પછી રમતની ઉત્તમ અને શ્રેષ્ઠ સંસ્થા આઈસીસીએ મુરલનીની આ મેજિક સ્ટાઇલને ક્લિનચીટ આપી હતી, જોકે મુરલીધરન પ્રત્યે ગોરા ખેલાડીઓનો હંમેશાં અણગમો રહ્યો છે. મુરલીધરનને એક મેચ દરમિયાન અશ્ર્વેત કહેવાયો, તેના પર અનેક જાતિવાદી કામેન્ટ થઈ, તેના પર ઈંડાં ફેંકવામાં આવ્યાં. આસ્ટ્રેલિયામાં તો મુરલીધરન સામે આવું ઘણું બધું થયું. પણ તેમ છતાં મુરલીધરન પોતાના માર્ગ પર ફેંકેલા પથ્થરોને સાઇડમાં કરી આગળ વધતો ગયો. ક્રિકેટના મેદાનમાં ઘણી ટીમો અભદ્ર ભાષા (સ્લેજિંગ)ને પોતાનું હથિયાર બનાવે છે પણ મુરલીધરને પોતાની મર્યાદા ક્યારેય ન ઓળંગી. દરેક અભદ્ર ભાષાનો જવાબ મુરલીએ પોતાની સ્માઇલિંગ એગ્રેશન (કાતિલ સ્માઇલ)થી આપ્યો. ક્રિકેટજગતમાં આ ભદ્ર ખેલાડીને તેની 800 વિકેટની સિદ્ધિની સાથે એક શાલીન, ભદ્ર અને મજબૂત વ્યક્તિ તરીકે પણ લોકો યાદ રાખશે.
.800 વિકેટની સિદ્ધિ
ટેસ્ટ - 133
વિકેટ - 800
શ્રેષ્ઠ - 9/51
સરેરાશ - 2.47
પાંચ વિકેટ - 67
દસ વિકેટ - 22

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.