એક મોટા મંદિરમાં રોજ સત્સંગ થતો. ઠેરઠેરથી મહિલાઓ આવતી. એક દિવસ એક મહિલા આવીને સ્વામીજી પાસે બેઠી. એ થોડા દિવસોથી બહુ દુ:ખી જણાતી હતી. એક દિવસ સ્વામીજીએ એની ઉદાસી પારખી લઈ પૂછ્યું, "બહેન, કેમ હમણાં હમણાંથી બહુ દુ:ખી અને ઉદાસ રહો છો ? કાંઈ મુશ્કેલી છે ઘરમાં ?
મહિલાએ ઢીલા અવાજે કહ્યું, "સ્વામીજી, ઘરમાં તો કોઈ મુશ્કેલી નથી, પણ મારા પતિથી હું ખૂબ દુ:ખી છું.
"કેમ કોઈ આડાઅવળા રસ્તે ચડી ગયા છે ?
"ના, સ્વામીજી એવું નથી પણ એ કોઈ દિવસ મંદિરે નથી જતા, કોઈ સત્સંગમાં પણ નથી બેસતા એટલા માટે હું દુ:ખી છું. એ રોજ મને મંદિરે મૂકવા આવે છે. હું રોજ એમને કહું છું કે ચાલો, ભગવાનનાં દર્શન કરી લો, પાંચેક મિનિટ સત્સંગ પણ સાંભળી લો, તો કહે છે કે ના, તું જઈ આવ, મને એમાં રસ નથી. હું અહીંયાં જ ઊભો છું. હવે તમે જ કહો, નીચે ઊભા રહે છે એના કરતાં અહીં આવે તો શું ખોટું છે ?
"કાંઈ વાંધો નહીં બહેન. એમની ઇચ્છા નહીં થતી હોય એટલે નહીં આવતા હોય. એમાં દુ:ખી નહીં થવાનું.
"દુ:ખની વાત છે અને દુ:ખી નહીં થવાનું એ તો કેમ બને ? એમની આ હરકતોથી મને તો રાતે ઊંઘ નથી આવતી. મારું જીવન બગડી ગયું છે. આવું ને આવું કરશે તો ભગવાન રૂઠી જશે.
સ્ત્રી વાત કરતાં કરતાં રડવા લાગી એટલે સ્વામીજીએ એને સમજાવ્યું, "બહેન, સાચું કહું તો જેને તું દુ:ખ કહે છે એ દુ:ખ છે જ નહીં. તું તારી વિચારવાની રીત બદલી દે. પૉઝિટિવ વિચાર કર. પતિ મંદિરે નથી આવતો, સત્સંગમાં નથી બેસતો એ વાતનું દુ:ખ લગાડવાને બદલે તું એ વિચાર કે એને મંદિરમાં નથી ગમતું, સત્સંગ નથી ગમતો છતાં એ તને આ બધું કરવા દે છે. એટલું જ નહીં, પણ એ રોજ તને સ્કૂટર લઈને મૂકવા પણ આવે છે. ઘણા પતિઓ તો એવા હોય છે કે જે એમને ન ગમતું કામ ખુદ પણ નથી કરતા અને પત્નીને પણ નથી કરવા દેતા. માટે તારે તો ખુશ થવું જોઈએ. તું સત્સંગ કરી આરામથી જાય ત્યાં સુધી એ બિચારો ટાઢ, તાપ અને વરસાદમાં પણ તારી રાહ જોઈને ઊભો રહે છે. આજ તો છે દુ:ખમાંથી સુખ શોધવાની કલા. તમે કોઈ પણ દુ:ખને પૉઝિટિવલી લેશો તો આપોઆપ દુ:ખમાંથી સુખ ઊછળી પડશે.