લોકો ગરમીથી ત્રાહિમામ્ પોકારતા હોય ત્યારે આયુર્વેદિક અને કુદરતી ફળો તેમજ ફૂલોમાંથી ઘરબેઠાં ઠંડક મેળવી શકાય... કુદરતે આપેલાં ફળો તેમજ ફૂલોમાંથી બનાવેલા શરબત ઉનાળામાં પણ તન અને મનને લાંબા સમય માટે ઠંડક બક્ષે છે.
કેરી
આ ફળ સૌનું માનીતું ફળ છે. કેરીને ફળોનો રાજા કહેવામાં આવે છે. આજે આપણે શરબતની વાત કરવાના છીએ તે કાચી કેરીનો શરબત અને કેરીનો બાફલો, કાચી કેરીને છીણીને તેમાં સાકાર નાખી પાણી રેડીને બનાવેલો શરબત અદ્ભુત હોય છે. તે શરીરને ઠંડક આપે છે પરંતુ ગામડામાં ઉનાળામાં બપોરના સમયે કાચી કેરીને બાફીને તેમાં સાકર કે ગોળ તેમજ જીરું નાખીને બનાવેલો બાફલો અદ્ભુત શરબત છે. બાફલાથી લૂ લાગતી નથી અને શરીરને અંદરથી ખૂબ જ ઠંડક આપે છે તેમજ શરીરના પિત્તને પણ ઓછું કરે છે.
ફાલસા
ઉનાળાની શરૂઆત થતાં જ લારીઓમાં લાલ કે જાંબલી રંગના ફાલસા જોવા મળે છે. સ્વાદે ખટમધુર, ફાલસાનું શરબત તન અને મનને અદ્ભુત ઠંડક આપે છે. ફાલસાના પાકા ફળને પાણીમાં મરોડી અને તેમાં સાકર ફાલસા નાખીને ગાળીને તેનું શરબત બનાવાય છે.
કોકમ
કોકમ આમ તો બારેમાસ બજારમાં મળે છે. તેના કાળા કે જાંબલી રંગનાં ફળ લાવીને તેને પાણીમાં પલાળતાં તે પાણી જાંબલી રંગનું બને છે. કોકમને ત્રણથી ચાર કલાક પલાળી મસળી તેમાં સાકર નાખીને ગાળીને શરબત બનાવી શકાય છે. કોકમનો શરબત ગુલાબી કે જાંબલી રંગનો દેખાવે પણ સુંદર અને સ્વાદે ખટમધુરો શરીરને ખૂબ જ ઠંડક આપે છે. શરીરના પિત્તને પણ આ શરબત દૂર કરે છે.
ગુલખેરું
ગુલખેરુ બગીચામાં ઉગાડવામાં આવતો ફૂલઝાડ છે. તેનું વૈજ્ઞાનિક નામ આલ્થીયા રોઝીયા છે. તેના ગુલાબી, જાંબલી, લાલ, સફેદ એમ વિવિધ રંગનાં ફૂલછોડ જોવા મળે છે. તેના ફૂલને કચરતાં ચીકણો લુઆબ થાય છે. તેમાં સાકર નાખીને થોડીવાર રાખી મૂકી ગાળીને બનાવેલું શરબત ફૂલના રંગ જેવું દેખાવે મનમોહક અને ઠંડક આપનારું હોય છે. આ શરબત લૂ અને શરીરના દાહથી રક્ષણ આપે છે અને શરીરમાં શક્તિનો સંચાર પણ કરે છે. નોકરીથી ઘરે આવ્યા બાદ આ શરબત પીવાથી તન અને મનને તાજગી બક્ષે છે.
વરિયાળી
વરિયાળી બજારમાં બારેમાસ જોવા મળે છે. સૂકી વરિયાળીને અધકચરી ખાંડીને તેને પાણીમાં બેથી ત્રણ કલાક માટે પલાળીને તેને ગ્રાઇન્ડરમાં કચરી અને તેમાં સાકર નાખીને ગાળીને બનાવેલું શરબત સ્વાદે અદ્ભુત અને તન અને મનને અભૂતપૂર્વ ઠંડક આપનારું શરબત બને છે.
લીમડો
લીમડો સ્વાદે કડવો પણ શરીરમાં ગયા પછી ખૂબ જ ઠંડો છે. તેથી જ ગ્રીષ્મની શરૂઆત એટલે કે ચૈત્ર માસમાં લીમડો પીવાનો રિવાજ છે, જેથી ઉનાળામાં ગરમી ઓછી લાગે અને ગરમીથી થતા રોગોથી બચી શકાય. લીમડાનાં તાજાં પાન, ફૂલોની માંજર વગેરેને કચરી પાણી નાખીને શરબત બનાવી શકાય છે. લીમડાના શરબતથી શરીરની આંતરિક ગરમી દૂર થાય છે.