વિશ્ર્વ કાંસ્ય પદક વિજેતા બાક્સર લોકોને ચા પીરસે છે



વિશ્ર્વ કાંસ્ય પદક વિજેતા બાક્સર લોકોને ચા પીરસે છે


16 જુલાઈ, 2010સ્થળ: એનઆઈએસ પટિયાલા. અહીં એથ્લિટોના અભ્યાસ અર્થે અનેક કેમ્પો ચાલી રહ્યા છે, પરંતુ આજે અહીં થોડી વધારે જ ચહલ-પહલ વર્તાઈ રહી છે, કારણ આજે અહીં મિલાન (ઈટલી) ખાતે યોજાનાર વિશ્ર્વ બાક્સિંગ સ્પર્ધા માટે સિલેકશન ટ્રાયલ છે. તેને લઈને અહીં બાક્સિંગ ક્ષેત્રે સંકળાયેલા અનેક લોકો સહિત મોટી સંખ્યામાં માધ્યમકર્મીઓ પણ હાજર છે.એઆઈએસના આટલા ભવ્ય આયોજનમાં સ્વભાવિક રીતે જ મહેમાનોની તેમજ માધ્યમ-જગતની આગતા સ્વાગતા માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું જ હોય. હાથમાં ટ્રે પકડી ચાના કપ સંભાળતી બે યુવતીઓ આવે છે. તેમનો ચહેરો ઉપસ્થિત પત્રકારોને ભૂતકાળની કાંઈક આછી યાદ અપાવે છે. પત્રકાર તેની આંખો ઝીણી કરી યુવતીને ઓળખવા મગજ પર દબાણ વધારે છે. અચાનક તેના મગજમાં એક ઝબકારો થાય છે, જેનો લીસોટો છેક તેના દિલ સુધી પહોંચે છે. પત્રકારને હજુ પણ તેની આંખો પર વિશ્ર્વાસ નથી બેસતો. તેનું દિમાગ કહે છે કે આ એ જ યુવતી છે... જ્યારે દિલ કહે છે કે, એ શક્ય નથી. એઆઈએસ દ્વારા આટલી મોટી ભૂલ (ગુનો) કેવી રીતે થઈ શકે? મિનિટો સુધી તેના દિલ અને દિમાગ વચ્ચે ચાલેલા યુદ્ધમાં દિમાગ વિજયી બને છે. કોઈ હોટલના સામાન્ય વેઈટરની માફક અતિથિઓને ચા-નાસ્તો-પાણી આપવાનું કામ કરી રહેલી આ યુવતીઓમાંની એક વર્ષ 2006ની બાક્સિંગમાં વિશ્ર્વકક્ષાએ કાંસ્ય પદક જીતી ભારતનું નામ ગાજતું કરનાર રેનુ ગોરા હતી.મહેમાનોની જી-હજૂરીમાં લાગેલ રેનુ જાણે છે કે, આ કામ એનું નથી જ. પરંતુ તે મજબૂર છે, કારણ કે તેની પાસે હાલ કોઈ જ કામ નથી અને આર્થિક સંકડામણ એટલી બધી છે કે, તેણે અહીં એક વર્ષ સુધી કોચિંગના ક્લાસ કરવા પડી રહ્યા છે. ‘બોલો! જોયું છે ક્યાંય આવું કે એક સમયે બાક્સિંગ ક્ષેત્રે વિશ્ર્વસ્તરે કાઠું કાઢનારે કોચિંગ ક્લાસમાં જોડાવું પડે? ધન્ય છે એનઆઈએસ અને ધન્ય છે આ દેશનું ખેલમંત્રાલય. ચલો! માની લઈએ કે બોક્સિંગનું વધુ જ્ઞાન મેળવવા રેનુ માટે કોચિંગ ક્લાસ કરવા જ‚રી હતા, તો પછી રેનુ પાસે અહીં ચા-પાણી પીરસવાનું કામ શું કામ કરાવવામાં આવતું હતું? રેનુ કહે છે કે અહીં અમારે અમારા સીનિયર સાહેબ જે કહે તે બધું જ કરવું પડે છે. આજે અમે અહીં લોકોને ચા-પાણી આપી રહ્યાં છીએ તે પણ અમારા સીનિયર સાહેબના આર્ડરથી જ કરી રહ્યાં છીએ. આ બધું અમને બિલકુલ ગમતું નથી, પણ અમારે કરવું જ પડે છે. રેનુ કહે છે 2006માં વિશ્ર્વ બાક્સિંગ સ્પર્ધામાં મને કાંસ્ય પદક મળ્યો ત્યારે તત્કાળ તો મારી ભારે વાહ-વાહ થઈ, અને મને રેલવે અધિકારીની નોકરી આપવાની પણ જાહેરાત કરવામાં આવી. વાર માત્ર એપોઇન્ટમેન્ટ લેટરની હતી, પરંતુ મારા માટે એ ખરેખર વાર જ સાબિત થઈ અને 2008માં મને જણાવી દેવામાં આવ્યું કે તમારી ઉંમર થઈ ગઈ હોવાથી આ નોકરી માટે લાયક ઠરતાં નથી. રેનુ કહે છે કે મારી સાથે આ અન્યાય નહિ તો બીજું શું છે? હું ત્રણ-ત્રણ વાર રાષ્ટ્રીય ચેમ્પિયન રહી ચૂકી છું, છતાં મારે બાક્સિંગના કોચિંગ ક્લાસમાં એક નવા ખેલાડી તરીકે જોડાવું પડે છે. એક પત્રકારનો કમેરા આ બદનસીબ એવી વિશ્ર્વવિજેતા રેનુ તરફ ફેંકાયો ત્યારે દેશના લોકો ખબર પડી કે આ દેશને વૈશ્ર્વિક સ્તરે સન્માન અપાવનાર રમતવીરોનું આપણી સરકાર કેવું સન્માન કરે છે!

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.