
ગાંધીગીરી અણ્ણાની અને લોકોની
ભ્રષ્ટાચારને કાયમ માટે દેશવટો આપવા માટેની અણ્ણા હજારેની ‘આગસ્ટ ક્રાંતિ’ હવે આખા દેશમાં ફેલાઈ ગઈ છે. યુવાનો, વૃદ્ધો, બાળકો મહિલાઓ સ્વેચ્છાએ અણ્ણાને સમર્થન આપવા આગળ આવી રહ્યાં છે. અણ્ણા પણ આ સમર્થનથી ખુશ ખુશ થઈ ગયા છે. તેમની ઊર્જા વધી ગઈ છે. ત્રણ દિવસના અનશન પછી પણ તે જોરદાર ઉત્સાહપૂર્વક ભાષણ કરી શકે છે, ચાલી શકે છે, યુવાનની જેમ દોડી શકે છે. અણ્ણાના આંદોલને ફરી દેશને એક તાંતણે બાંધી દીધો છે. અણ્ણાની આ ક્રાંતિ દરમિયાન યુવાનોની, આપણા લોકોની અનેક ખાસિયતો બહાર આવી છે. ક્રાંતિ અને અનશન કઈ રીતે કરાય તે ભારતના લોકોએ દુનિયાને ફરી એકવાર બતાવી દીધું છે.....
ગાંધીગીરી અણ્ણાની અને લોકોની
તિહાડ જેલની બહાર એક યુવાને નારો આપ્યો... મહાત્મા અણ્ણા કી... જય...
‘ગાંધીગીરી’ શબ્દ ‘મુન્નાભાઈ એમ. બી. બી. એસ.’ ફિલ્મ પછી પ્રચલિત થયો હશે, પણ ગાંધીગીરી એટલે શું? તેને અમલમાં કેવી રીતે મુકાય, તે આજે અણ્ણાએ શીખવ્યું છે. એક અહિંસક અને લાગણીયુક્ત, માનવપ્રેમભર્યું આંદોલન કોને કહેવાય તે અણ્ણાના આંદોલને લોકોને, દુનિયાને બતાવ્યું છે. લાખોની સંખ્યામાં સરકારનો વિરોધ કરવા દિલ્હી જેવા શહેરમાં લોકો ભેગા થાય છે અને ત્યાં હિંસાનું એક તણખલું પણ ન ઝરે તેને શું કહેવાય? અફકોર્સ! ગાંધીગીરી!
અહિંસા... અહિંસા અને અહિંસા... ભ્રષ્ટાચાર વિરુદ્ધનું આંદોલન, હજારો લોકો ભેગા થાય, પણ એક પણ સાર્વજનિક કે વ્યક્તિગત મિલકતનું નુકસાન ન થાય, કોઈ તોડફોડ ન થાય, પોલીસ અને આંદોલનકારી વચ્ચે અથડામણ કે સંઘર્ષ ન થાય, લોકો સ્વેચ્છાએ પોતાની જવાબદારી સમજે અને તેને નિભાવે...
અણ્ણાએ કહ્યું, લોકો અહિંસક બની આંદોલનમાં જોડાય. લોકોએ એવું જ કર્યું. અણ્ણાએ કહ્યું, શાંતિથી લોકો સાંસદોના ઘરની બહાર ધરણાં કરે. લોકોએ એવું જ કર્યું.
અણ્ણા તિહાડ જેલમાં હતા તે દરમિયાન હજારો લોકો તેમને સમર્થન આપવા તિહાડ જેલની બહાર જ અનશન પર બેસી ગયા, પરિણામે આ લોકો બેઠા હતા ત્યાં નકામા કાગળ, પ્લાસ્ટિકના કચરાનો ઢગલો થઈ ગયો. થોડી વાર પછી જોયું તો તે કચરો સાફ હતો. લોકો જાતે જ પોતાની જવાબદારી સમજી આ કચરાને સાફ કરવા લાગ્યા. દિલ્હીમાં તિહાડ જેલ સહિત અનેક જગ્યાએ પ્રદર્શન થયાં, પરિણામે ટ્રાફિક જામ પણ થયો પણ અણ્ણાના સમર્થકોમાંથી સ્વેચ્છાએ એક વોલન્ટિયર ઊભો થાય છે અને તે ટ્રાફિક નિયમન કરવાના કામે લાગી જાય છે. દિલ્હીના એક સ્ટુડન્ટને એવું લાગ્યું કે તિહાડ જેલની બહાર બેઠેલા લોકોને પાણી અને અન્ય સગવડ પહોંચાડવી જોઈએ. તેણે આ વાત લોકો સમક્ષ મૂકી અને માત્ર 19 મિનિટમાં 7000 પિયા ભેગા થઈ ગયા. એક ગરીબ રેંકડીવાળાએ તો પોતાની લારીનાં બધાં જ કેળાં આ લોકોને વહેંચી દીધાં છે. છે ને, અણ્ણાની અને ભારતના લોકોની આ અદ્ભુત ગાંધીગીરી.... યે હૈ ઇન્ડિયા મેરી જાન....
યુવાક્રાંતિ
જ્યારે યુવાન ઊભો થાય છે ત્યારે ક્રાંતિ થાય છે, એક નવો ઇતિહાસ લખાય છે. જરા વિચારો, અણ્ણાના સમર્થનમાં યુવાનો આગળ ન આવ્યા હોત તો? તો... સરકાર સફાળી જાગી ન હોત... બાબા રામદેવની જેમ અણ્ણા પણ રાલેગણ સિદ્દીમાં બેઠા હોત... ‘આજના યુવાનો બગડી ગયા છે’ એવાં અનેક વાક્યો, મહેણાંઓ આજનો યુવાન સાંભળતો આવ્યો છે. પણ પ્રશ્ર્ન એ થાય છે કે શું ખરેખર આજનો યુવાન બગડેલો છે? વાત અલગ છે કે આજનો યુવાન પશ્ર્ચિમી સંસ્કૃતિના રવાડે ચડી કંઈક અરુચિકર પ્રવૃત્તિ કરી બેસે છે, પણ એનો મતલબ એ નથી કે તે ભારતને, તેની સંસ્કૃતિને પ્રેમ કરતો નથી. તે ફ્રેન્ડશિપ ડે, મધર ડે ઊજવે છે પણ હોળી, દિવાળી અને જન્માષ્ટમી પણ એટલા જ ઉત્સાહથી ઊજવે છે. ભારતીય સંસ્કૃતિ, સંસ્કાર હિન્દુસ્થાનના યુવાનોના લોહીમાં છે જ પણ તે પશ્ર્ચિમી સંસ્કૃતિને પણ અપ્નાવી રહ્યો છે. પૂર્વ-પશ્ર્ચિમની સંસ્કૃતિના સમન્વયના કારણે દુનિયાને સમજવાનો જે પાવર આપણા યુવાનોમાં આવ્યો છે તે કદાચ વિશ્ર્વના કોઈપણ દેશના યુવાન પાસે નથી. કદાચ એટલે જ દુનિયા આખી ભારતીય યુવાન મગજની, તેની કાર્યશૈલીની ઈર્ષા કરે છે.
અણ્ણા ટીમ મેનેજમેન્ટ વિરુદ્ધ સરકાર મેનેજમેન્ટ
થોડા મહિના પહેલાં જ બનેલી આંગળીના વેઢે ગણાય તેટલા લોકોની અણ્ણા ટીમના મેનેજમેન્ટ સામે 125 વર્ષ જૂની કાઁગ્રેસ પાર્ટીના લોકોનું મેનેજમેન્ટ ફિક્કું પડી ગયું. અણ્ણા ટીમની વ્યવસ્થા જુઓ. દરેક સભ્યની જવાબદારી નક્કી હતી. કોણ કેટલું, ક્યારે, કયા મુદ્દા પર બોલશે એ પણ તેમને ખબર છે. 16મી આગસ્ટે શું થવાનું છે તે કોઈને ખબર ન હતી પણ અણ્ણા ટીમે આગળનું વિચારી લીધું. જો સરકાર અનશન પહેલાં જ અથવા રાત્રે ઘરેથી જ અણ્ણાની ધરપકડ કરે તો? અણ્ણા ટીમે અણ્ણાનો સંદેશ રેકોર્ડ કરી લીધો. અને યૂ-ટ્યૂબ પર તેને રાત્રે જ અપલોડ કરી દીધો. અંતે અણ્ણા ટીમનો તર્ક સાચો પડ્યો. સવાર થતાં જ અણ્ણા અને ટીમની ધરપકડ થઈ, તેમના ફોન જપ્ત કરવામાં આવ્યા. પણ કોઈ ફરક ન પડ્યો. ન્યૂઝ ચેનલ્સ દ્વારા અણ્ણાનો સંદેશ લોકો સુધી પહોંચી જ ગયો. સરકારની બોલતી બંધ થઈ ગઈ. અણ્ણાને જેલમાં નાખી ખામોશ રાખવાની સરકારી ચાલ સફળ ન થઈ. અણ્ણા ટીમે મિસકોલ, મેસેજ, ફેસબુક, ટ્વિટર, યૂ-ટ્યૂબ દ્વારા લાખો યુવાનો સુધી પોતાનો સંદેશો પહોંચાડ્યો. અણ્ણા જેલમાં હશે તો આંદોલનનું નેતૃત્વ કોણ કરશે તે પણ નક્કી હતું. પ્રશાંત ભૂષણે તે કામગીરી અદ્ભુત રીતે નિભાવી. અણ્ણા ટીમે સોશિયલ મીડિયાનો અદ્ભુત ઉપયોગ કર્યો. પણ સત્તામાં બેઠેલી સરકાર પોતાની એક પણ વાત લોકોના ગળે ન ઉતારી શકી.
તિરંગો... તિરંગો... તિરંગો જ
આજની નવી પેઢીએ આવાં દ્શ્યો પહેલીવાર જ જોયાં હશે. હજારોની સંખ્યામાં હાથમાં તિરંગો લઈ લોકો અણ્ણાના સમર્થનમાં નીકળી પડ્યા. આપણે અત્યાર સુધી રેલીઓમાં કમળ, પંજો, સાઈકલ, હાથીનાં નિશાનવાળા ઝંડા લોકોના હાથમાં જોયા છે પણ માત્ર તિરંગો જ બધાના હાથમાં હોય એવી આ પહેલી રેલી હતી.
પ્લીઝ એરેસ્ટ મી.....
જેલ ભરો આંદોલન તમને યાદ છે. અણ્ણાને સાથ આપવા, હિન્દુસ્થાનને સાથ આપવા લોકોએ સ્વેચ્છાએ ધરપકડ વહોરી. લોકો અહિંસક રીતે સામે ચાલીને પોલીસવાળાઓને કહેતા કે ‘પ્લીઝ એરેસ્ટ મી’. લોકોએ ધરપકડને પણ પિક્નિકની જેમ ઊજવી. લોકોને ભેગા કરી બસમાં બેસાડી એક નિશ્ર્ચિત જગ્યાએ લઈ જવાતા. ત્યાં જ ઘણા લોકોએ પિક્નિકની ઉજવણી કરી. ત્યાં જ પ્રેમથી ખાધું, ખવડાવ્યું ને લહેર કરી.
હવે આવું કહેવાશે...?
આપણા માટે આઝાદી એટલે 15મી આગસ્ટ અને 26મી જાન્યુઆરી... આપણા દેશમાં આઝાદીનો જશ્ન 15મી આગસ્ટ અને 26મી જાન્યુઆરીની સાંજે બેંડના ટ્રમ્પેટની ગુંજ સાથે પૂર્ણ થઈ જાય છે. આ યુવાનોનો ગુલામ દેશ છે. વૃદ્ધ સપ્નોમાં કેદ થયેલ યુવાન દેશ... વર્લ્ડકપ્ની કે ક્રિકેટની જીત પર જ ઇન્ડિયા જાગે છે. ક્રિકેટ જ હિન્દુસ્થાનને ભેગું કરી શકે છે. સરકાર સામે ટક્કર લેવી શક્ય નથી. આજના યુવાનો શું કરી શકવાના હતા... યુવાન ખોવાયો છે.
વાત વાતમાં આવી ટિપ્પણી કરતા લોકો હવે આવું બોલી પણ નહિ શકે અને લખી પણ નહિ શકે...
શું આ શક્ય છે?
અણ્ણાની લડાઈ ખૂબ લાંબી છે. સત્તા પક્ષને ઝુકાવી પોતાની વાત યોગ્ય રીતે મનાવવી શક્ય છે? એક સર્વે મુજબ 543 લોકસભા સભ્યોમાંથી ઘણા બધા સંસદ સભ્યો પર ભ્રષ્ટાચારનો આરોપ લાગેલો છે. શું આ નેતાઓ પોતાના માટે છટકબારી નહિ રાખે? 43 વર્ષથી આ લોકપાલ બિલ સંસદમાંથી પાસ થયું નથી એનો સીધો મતલબ શું જનતા નથી જાણતી?
પ્રશ્ર્ન એ છે કે શું આ આંદોલનથી ભ્રષ્ટાચાર દૂર થશે? નેતાઓને સજા મળશે? કદાચ નહિ, પણ એક માર્ગ કાઁગ્રેસે જ બતાવ્યો છે. ટીમ અણ્ણા ચૂંટણી લડે અને સત્તા મેળવે.
શું એવું શક્ય છે કે આ દેશના બધા જ સારા નેતાઓ, મળીને એક પક્ષ બનાવે, લોકોનો મત મેળવે અને કેન્દ્રમાં સત્તા મેળવે? આવું થાય તો આ લડાઈ એકદમ નાની બની જશે. જીત મેળવી વ્યવસ્થિત રીતે વ્યવસ્થા પરિવર્તન કરો... જે લોકહિતમાં હોય તે કરો... પણ ફરી એ જ કહેવું પડે - શું આ શક્ય છે?
અણ્ણા હજારેના સમર્થનમાં ચા ફક્ત . 3-00
ભ્રષ્ટાચાર સામે એક ‘આમ આદમી’માં કેટલો રોષ છે તેની આ સાબિતી છે. મોંઘવારી વચ્ચે અમદાવાદમાં આખી ચા બાર પિયે વેચાઈ રહી છે, ત્યારે ઇન્કમટેક્સ સર્કલ પર ચાની લારી ચલાવતા માધવભાઈ અણ્ણા હજારેના સમર્થનમાં માત્ર પિયા ત્રણમાં ચા વેચી રહ્યા છે. ચાની પ્યાલી ભરતાં-ભરતાં તે ગ્રાહકોને અણ્ણા હજારેના આંદોલનમાં જોડાવા અપીલ પણ કરે છે.
પાકિસ્તાનનો અણ્ણા
અણ્ણા હજારેના અનશનની લહેર હવે પાકિસ્તાન સુધી પહોંચી ગઈ છે. અણ્ણાના આંદોલનથી પ્રેરણા લઈને પાકિસ્તાનના સમાજસેવી કાર્યકર્તા જહાંગીર અખ્તરે પાકિસ્તાનમાંથી ભ્રષ્ટાચાર હટાવવા અનશન કરવાની યોજના બનાવી છે. અખ્તર ઇચ્છે છે કે પાકિસ્તાનની સંસદમાં પણ ભારતના જેવું જ જનલોકપાલ બિલ રજૂ થાય.
અણ્ણા માટે 120 વર્ષ પછી કરી હડતાલ
મુંબઈના ડબ્બાવાળાઓએ અણ્ણાના સમર્થન માટે પહેલી વાર પોતાની પરંપરા તોડી છે. છેલ્લાં 120 વર્ષથી આ ડબ્બાવાળાઓએ ક્યારેય હડતાલ પાડી નથી. આ ડબ્બાવાળાઓએ શુક્રવારે અણ્ણાના સમર્થનમાં મુંબઈમાં ચર્ચગેટ સ્ટેશનથી આઝાદ મેદાન સુધી રેલી કાઢી હતી. આ રેલીમાં 5000થી વધારે ડબ્બાવાળાઓ જોડાયા હતા. નૂતન ડબ્બાવાળા ટ્રસ્ટના સચિવ કિરણ ગવોંડએ કહ્યું હતું કે ‘અમે શુક્રવારે લોકોને ટિફિન ન પહોંચાડીને અમારી 120 વર્ષ જૂની પરંપરાને તોડીએ છીએ. અણ્ણાના સમર્થનમાં અમે કમ-સે-કમ આટલું તો કરી જ શકીએ.
માફ કરજો પણ વાસ્તવિકતા આ પણ છે
ભ્રષ્ટાચાર નાબૂદ કરવા, જનલોકપાલ બિલ પાસ કરાવવા અણ્ણાના સમર્થનમાં લાખો લોકો આગળ આવ્યા છે. ખૂબ જ સારી વાત છે. ભારતમાં ભ્રષ્ટાચાર તો ખતમ થવો જ જોઈએ ને! પણ જેટલા લોકો અણ્ણા સાથે તેમના સમર્થનમાં જોડાયા છે તેમાંથી કેટલાએ એવું નક્કી કર્યું છે કે તે આજ પછી ભ્રષ્ટાચાર નહિ કરે? જન્મનો ખોટો દાખલો લેવા, ગેરકાયદેસર એડ્મિશન લેવા, નિયમ તોડી ટ્રાફિક પોલીસ પાસેથી છૂટવા અથવા કોઈ નકલી સર્ટિફિકેટ લેવા તે લાંચ નહિ જ આપે અને આવું કશું ગેરકાનૂની કામ પણ નહિ કરે! આપણે વ્યવસ્થા પરિવર્તન તો કરવા ઇચ્છીએ છીએ પણ નાગરિક જવાબદારીનું પાલન કરવા આપણે તૈયાર છીએ? અણ્ણાના સમર્થનમાં જેટલા લોકો આગળ આવ્યા છે, એટલા લોકો જ ભ્રષ્ટાચારનો ત્યાગ કરે તો સ્થિતિ ઘણા અંશે સુધરી શકે છે. પણ આપણે તો હંમેશાં સગવડિયો ધરમ અપ્નાવીએ છીએ. મારી ગરજે હું ગમે તે કરું, પણ બીજા તેવું જ કામ કરે તો તે ભ્રષ્ટાચાર છે. આ તો એવું જ થયું ને કે હમ કરે તો...
વિવેચકો કદાચ સાચું જ કહે છે. આ દુનિયામાં કોઈ ઈમાનદાર નથી. જે ઈમાનદાર છે તેમને બેઈમાની કરવાની તક મળી નથી. હમામમેં સબ...!
સત્ય તો એ જ છે કે મોટા ભાગના લોકો પોતાના સ્તરે ભ્રષ્ટાચાર કરે જ છે, નિયમો તોડે જ છે. ફરક એટલો જ છે કે તેઓ તેમના સ્તરે ભ્રષ્ટાચાર કરે છે અને આપણે આપણા સ્તરે ભ્રષ્ટાચાર કરીએ છીએ.
જો પરિવર્તન લાવવું જ હોય તો આપણા ઘરથી જ શઆત કરવી પડશે. આપણે વ્યક્તિગત પ્રતિજ્ઞા લેવી પડશે કે હું લાંચ લઈશ નહિ અને આપીશ પણ નહિ. જો આવી પ્રતિજ્ઞા ન લઈ શકીએ તો દેખાડો બંધ કરવો જોઈએ અને સિસ્ટમ બદલવાનાં રોદણાં રડવાનું બંધ કરવું જોઈએ. સામાન્ય માણસે સામાન્ય માણસ જ બનીને બેસી રહેવું હોય તો બીજા શું કરે!
કદાચ આ શબ્દો આપણને તીખા, આકરા, ખરાબ લાગે પણ જરા થોડું વિચારી જુઓ. આ આપણી વાસ્તવિકતા નથી? જો તમને આ વાસ્તવિકતા ન લાગતી હોય તો મને માફ કરજો અને વાંચીને ભૂલી જજો.
બાકી ભૂલ-ચૂક લેવી-દેવી.