જનલોકપાલ બિલ જોઇએ કે નહી આ દેશમાં?





પાર્લામેન્ટ માટે પડકારજનલોકપાલ બિલ

ભારતમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ થવો જોઈએ કે નહિ? ભ્રષ્ટાચારીની સંપત્તિમાંથી તેણે કરેલા કૌભાંડની રકમ વસૂલવી જોઈએ કે નહિ? આ દેશના વડાપ્રધાન હોય, કે એક સામાન્ય માણસ હોય જો તે ભ્રષ્ટાચાર કરે તો તેને સજા મળવી જોઈએ કે નહિ? આ પ્રશ્ર્નો આજે દેશના કોઈ પણ નાગરિકને પૂછો, જવાબ ‘હા’ જ આવશે. આજે સૌ કોઈને લાગે છે કે આ દેશની વ્યવસ્થામાં પરિવર્તન લાવવાની જ‚ર છે અને કદાચ એટલા માટે જ અણ્ણા હજારેના જનલોકપાલ બિલને અભૂતપૂર્વ અને અહિંસક સમર્થન મળ્યું. લોકોને એક આશા બંધાઈ છે કે જનલોકપાલ ભારતમાંથી ભ્રષ્ટાચાર દૂર કરશે. સરકાર પહેલાં તો અણ્ણાનું જનલોકપાલ બિલ કોઈ કાળે સ્વીકારવા તૈયાર નહોતી પણ આખરે અડીખમ અણ્ણા અને જનતા સામે સરકારે ઝૂકવું પડ્યું અને બિલની જે ત્રણ માંગો માટે સરકાર રાજી નહોતી એ માટે રાજી થવું પડ્યું. સરકારે આ બિલ સ્વીકાર્યું તો ખરું પણ ખરેખર પાર્લામેન્ટ માટે ચેલેન્જ હવે શ‚ થશે. પાર્લામેન્ટ માટે આ બિલ પડકાર ‚પ છે. અત્યાર સુધી જનલોકપાલ બિલના મુદ્દાઓની ચર્ચા આપણે જ‚રી કરી છે પણ આજે એને એકદમ સરળ અને લોકભોગ્ય ભાષામાં ઉદાહરણો સહિત આપ્ના માટે રજૂ કરી રહ્યા છીએ.

તમારે રેશન કાર્ડ બનાવવું છે? પૂરતા દસ્તાવેજો લઈને તમે સરકારી કચેરીમાં પહોંચો છો. કચેરીની આફિસમાં દાખલ થતાં જ તમને એક ચાર્ટ (સિટીજન ચાર્ટર) દેખાય. તેમાં સ્પષ્ટપણે લખ્યું હોય કે રેશન કાર્ડ કયો આફિસર કેટલા દિવસમાં બનાવી આપશે. આફિસમાં જઈ રેશન કાર્ડ બનાવવાનું ફોર્મ ભરી જ‚રી દસ્તાવેજો આપો અને આરામથી ઘરે જતા રહો છો. તમને આપેલી તારીખે તમે તમારું રેશન કાર્ડ લેવા જાવ. તમે આફિસમાં પહોંચો એટલે કોઈ પણ માથાકૂટ કે લાંચ કે બક્ષિસ આપ્યા વગર તમારા હાથમાં તમારું રેશન કાર્ડ પેલો આફિસર મૂકી દે. નવાઈ લાગશે ને!

હવે ધારો કે તમને આપેલી સમયમર્યાદામાં તમારું રેશન કાર્ડ બન્યું નથી. માટે તેની ફરિયાદ કરવા તમે જન શિકાયત અધિકારી (પીજીઓ) પાસે જાવ છો. આ પીજીઓ તમારી ફરિયાદ પર માત્ર 30 દિવસમાં જે તે અધિકારી સામે તપાસ કરી તમને ન્યાય અપાવે છે. જો તપાસમાં રેશન કાર્ડ બનાવનારો અધિકારી ગુનેગાર સાબિત થાય તો તેને માત્ર 30 દિવસમાં સજા મળી જાય છે. તેનો પગાર કાપી લેવામાં આવે છે. તમને તમારું રેશન કાર્ડ ‘વળતર’ સાથે મળી જાય છે. તમારી ફરિયાદ પર યોગ્ય તપાસ કર્યા બાદ આ બધું માત્ર 30 દિવસમાં થાય!
***

કરોડો ‚પિયાનું કૌભાંડ કરનારા એ. રાજા સામે કેસ ચાલે છે. ફટાફટ કૌભાંડની તપાસ થાય છે. માત્ર અને માત્ર એક જ વર્ષમાં આ કૌભાંડની તપાસ પૂર્ણ થઈ જાય. એ. રાજા ગુનેગાર સાબિત થાય તો, તેને આજીવન કેદની સજા થાય, રાજાને સજા કાપવા જેલ ભેગો કરી દેવાય. હવે પ્રશ્ર્ન થાય કે તેણે કૌભાંડ કરેલા કરોડો ‚પિયાનું શું? તો અહીં એ. રાજાને જેલમાં મોકલી તેની સંપત્તિ જપ્ત કરવાની વાત છે. જ‚ર પડે તો તેના પરિવારની સંપત્તિ પણ જપ્ત કરીને નુકસાનની ભરપાઈ કરવામાં આવે, અને આ બધું માત્ર એક-બે વર્ષમાં જ થાય.
***
ઉપરના બે કિસ્સા વાંચ્યા બાદ આપણને એવું જ લાગે કે આજે આ શક્ય જ નથી. રેશન કાર્ડ નિશ્ર્ચિત સમયમાં લાંચ કે બક્ષિશ આપ્યા વગર બનતું હશે? એ. રાજાને કે આ લાંચિયા સાંસદોને માત્ર એક જ વર્ષમાં સજા થઈ શકે? આજે આપણને આ હવામાં બાચકાં ભરવા જેવી વાત લાગે. પણ ટીમ અણ્ણા આ કિસ્સાઓને જનલોકપાલ લાવી વાસ્તવિક બનાવવા માગે છે. ટીમ અણ્ણા કહે છે કે જો જનલોકપાલ બિલ આવી જાય તો ભારતમાંથી 65% ભ્રષ્ટાચાર ખતમ થઈ જશે. સામાન્ય માણસને સરકારી કચેરીમાંથી કામ લેવા લાંચ કે બક્ષિસ નહિ આપવી પડે. આજે આપણા દેશમાં જે કાયદા છે તેનાથી કોઈ નેતાઓ કે અધિકારીઓને ભ્રષ્ટાચાર કરવા બદલ સજા થતી જ નથી. કાયદાઓનો સરવાળો - બાદબાકી કરી આ વગદાર લોકો હંમેશાં છટકી જાય છે. એ. રાજાએ જે કૌભાંડ કર્યું છે તે સાબિત થાય તો આજના કાયદા મુજબ તેને માત્ર છ મહિના કે 7 વર્ષની જેલની સજા થાય, 7 વર્ષ પછી તે જેલમાંથી છૂટે એટલે તેણે જે કરોડો ‚પિયા કૌભાંડ કરી મેળવ્યા હતા તે તેના થઈ જાય. કોઈ પૂછતું નથી. પણ જનલોકપાલ બિલ કહે છે કે એ. રાજાને જન્મટીપ્ની સજા કરો, કૌભાંડના આ કરોડો ‚પિયાની રીકવરી કરો, જ‚ર પડે તો તેની અને તેના પરિવારની સંપત્તિ જપ્ત કરો અને દેશને થયેલા નુકસાનની ભરપાઈ કરો. શું આ શક્ય છે?
લોકપાલની જ‚ર શું છે?
તમે ઇચ્છો છો કે દરેક ભ્રષ્ટાચારીને સજા થાય? તમે ઇચ્છો છો કે 2-જી સ્પેક્ટ્રમ કૌભાંડ, આદર્શ કૌભાંડ, કોમનવેલ્થ ગેમ્સ કૌભાંડની માત્ર એક વર્ષમાં જ તપાસ પૂર્ણ થાય, ગુનેગારોને સજા મળે તેમની સંપત્તિ જપ્ત કરવામાં આવે? તમે ઇચ્છો છો કે વડાપ્રધાન હોય કે ન્યાયાધીશ હોય, સાંસદ હોય કે કોઈ ચીફ અધિકારી હોય જો તેમના વિરુદ્ધ કોઈ ભ્રષ્ટાચારનો આરોપ લાગે તો એક વર્ષમાં તેમની વિરુદ્ધ નિષ્પક્ષ તપાસ થાય? તમે ઇચ્છો કે આ તપાસમાં જો આ લોકો દોષી સાબિત થાય તો તેમને એક જ વર્ષમાં કાયદા મુજબ સજા મળે? તમે ઇચ્છો છો કે કોઈ પણ સરકારી કચેરીમાં તમારે તમારું સાચું કામ કરાવવા માટે લાંચ કે બક્ષિશ ન આપવી પડે, ધક્કા ન ખાવા પડે? જો જવાબ હા હોય તો લોકપાલની આપણને જ‚ર છે.
કેમ કે લોકપાલ બિલ દ્વારા આવું જ કંઈક કરવાની ખેવના છે. અણ્ણા ટીમનું કહેવું છે કે આપણી વ્યવસ્થામાં જે કમી છે તેનો ફાયદો ઉઠાવી આ અધિકારીઓ, નેતાઓ સામાન્ય માણસનું લોહી ચૂસી રહ્યા છે. જનલોકપાલ આવું નહિ થવા દે.
જનલોકપાલ બિલ શું છે?
જનલોકપાલ એક એવો કાયદો છે જેની અંતર્ગત ભ્રષ્ટાચારની નિષ્પક્ષ તપાસ કરે. કેન્દ્રમાં એક સ્વતંત્ર સંસ્થાની રચના કરવામાં આવશે. તેનું નામ હશે લોકપાલ. દરેક રાજ્યમાં પણ એક સ્વતંત્ર સંસ્થાની રચના કરવામાં આવશે. તેનું નામ હશે લોકાયુક્ત. આ સંસ્થા સરકારથી સંપૂર્ણ રીતે સ્વતંત્ર હશે. આજે દેશમાં સીબીઆઈ, સીવીસી, વિજિલન્સ ડિપાર્ટમેન્ટ, એન્ટી કરપ્શન બ્રાંચ જેવી ભ્રષ્ટાચાર વિરોધી સંસ્થાઓ છે. પણ આપણે સૌ જાણીએ છીએ કે આ સંસ્થાઓ શું કરી રહી છે. આ બધી સંસ્થાઓ સરકારના હાથ નીચે છે. હવે તમે જ વિચારો ચોર-પોલીસ એક બની જાય તો ચોરને સજા થાય? આથી લોકપાલ સરકારી હસ્તક્ષેપથી બિલકુલ અલગ નિષ્પક્ષ સ્વતંત્ર સંસ્થા હશે તો આ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ નિષ્પક્ષ તપાસ થશે.
જનલોકપાલમાં દસ સભ્યો હશે. રાજ્યના લોકાયુક્તમાં પણ દસ સભ્યો હશે. ચેરપર્સન જે હશે તે લોકપાલ અને લોકાયુક્ત કહેવાશે.
લોકપાલ અને લોકાયુક્તનું કામ શું?
કામ, ભ્રષ્ટાચાર નાબૂદ કરવાનું, યોગ્ય ત્વરિત તપાસ કરવાનું અને જે-તે ભ્રષ્ટાચારીને સજા અપાવવાનું. જનલોકપાલ કેન્દ્ર સરકારની સરકારી કચેરીઓમાં જે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેની ફરિયાદ લે અને તપાસ કરે, જ્યારે લોકાયુક્ત રાજ્ય સરકારની સરકારી કચેરીઓમાં થતા ભ્રષ્ટાચાર વિરુદ્ધની ફરિયાદ લે અને તપાસ કરે. જનલોકપાલમાં જોગવાઈ છે કે જો લોકપાલ કે લોકાયુક્તને કોઈ ફરિયાદ મળે તો તે 6 મહિનાથી એક વર્ષમાં આ ફરિયાદની તપાસ પૂર્ણ કરશે. લોકપાલને આ માટે વધારે કર્મચારીઓની જ‚ર પડે તો તે તેની નિમણૂક પણ કરી શકે છે.
વ્હીસલ બ્લોઅરનો કાયદો તમને યાદ છે? ભ્રષ્ટાચારને ઉઘાડો પાડનારા લોકોની રક્ષા માટે આ કાયદો ઘડવાની વાત સંસદમાં ચાલી રહી છે. અનેક વ્હીસલ બ્લોઅરની હત્યા થઈ છે પણ હજુ સુધી આપણા નેતાઓએ આ કાયદો સંસદમાંથી પસાર કર્યો નથી. જનલોકપાલ આ વ્હીસલ બ્લોઅરને સુરક્ષા પ્રદાન કરશે. જો કોઈ ભ્રષ્ટ અને ખાનગી કંપ્નીઓ અથવા ઉદ્યોગપતિ, વ્યાપારીઓ લાંચ આપીને સરકાર પાસે કે નેતાઓ પાસે કોઈ ગેરકાનૂની, અયોગ્ય કામ કરાવે તો લોકપાલ તેની તપાસ કરશે, અને તેમને સજા પણ આપશે.
ભ્રષ્ટાચારીઓને સજા
ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં છે એ કહેવાની જ‚ર છે? પટાવાળાથી લઈને પ્રધાનમંત્રીની આફિસ સુધી ભ્રષ્ટાચાર છે. જરા વિચારો, આ ભ્રષ્ટાચારીઓને હાલના કાયદા મુજબ સજા થાય છે? આપણા હાલના કાયદામાં આ ભ્રષ્ટાચારીઓ માટે વધુમાં વધુ સાત વર્ષની સજા છે પણ જનલોકપાલ બિલમાં આ સજા વધારીને જન્મટીપ સુધીની કરવામાં આવી છે. એટલું જ નહિ જેટલા ‚પિયાનો ભ્રષ્ટાચાર કર્યો હોય તેટલા ‚પિયા તેમની પાસેથી તેમની અને બને તો પરિવારની સંપત્તિ જપ્ત કરી દેશને થયેલ નુકસાન રીકવર કરવામાં આવશે.
કેટલાક પ્રશ્ર્નો?
આંદોલન દરમિયાન જનલોકપાલ બિલ ઉપર અનેક પ્રશ્ર્નો પણ ઊભા થયા છે. સરકાર દ્વારા, મીડિયા દ્વારા, બીજા રાજકીય પક્ષો દ્વારા અનેક પ્રશ્ર્નો પણ ઉઠાવાયા છે. જેમ કે,
લોકપાલ અને લોકપાલની આફિસ ભ્રષ્ટ નહિ હોય?
- અણ્ણાના જનલોકપાલને અનેક સત્તાઓ હશે, પરિણામે લોકપાલ પણ ભ્રષ્ટાચાર કરી શકે એવી વાત સરકાર દ્વારા અને બીજા લોકો દ્વારા થઈ રહી છે. આજે ભ્રષ્ટાચાર સર્વત્ર છે માટે આ વાતને પણ નકારી ન શકાય, પણ પ્રશ્ર્ન એ છે કે તો શું ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની વ્યવસ્થા જ નહિ ઊભી કરવાની? ખૂન, લૂંટફાટ, ગુનેગારી ન થાય એ માટે ઇન્ડિયન પીનલ કોડ અને પોલીસની સગવડ ઊભી કરાઈ છે ને! તો પણ આજે આ બધું નથી થતું? તેમ છતાં જનલોકપાલમાં આ વાતનું ધ્યાન રાખવામાં આવ્યું છે. લોકપાલ ભ્રષ્ટ થઈ શકે છે પણ તેની શક્યતા નહિવત્ છે અને તેનું કારણ આ બિલમાં આ સંદર્ભે આપેલી જોગવાઈઓ છે.
લોકપાલ ભ્રષ્ટાચાર ન કરે તે માટે તે સ્થાને એક યોગ્ય અને નિષ્કલંકિત વ્યક્તિની નિમણૂક થવી ખૂબ જ‚રી છે. આ સ્વચ્છ વ્યક્તિની પસંદગી કોઈની પણ સિફારીશ વગર થાય એવી એક આખી પ્રક્રિયા આ બિલમાં છે. લોકપાલની પસંદગી માટે જનલોકપાલ બિલમાં ’પસંદગી કમિટી’ અને ‘સર્ચ કમિટી’ની રચના થશે. આ બંનેનું કામ મહત્ત્વનું છે. સર્ચ કમિટી વિવિધ બૌદ્ધિકો, તંત્રીઓ, બાર અસોસિયેશનો, વાઇસ ચાન્સેલરો અને બીજા અનેક પ્રામાણિક લોકો પાસેથી ‘લોકપાલ કોણ હોવો જોઈએ’ તેનાં કારણ સાથે મંતવ્યો માગવાં. આ મંતવ્યો સર્ચ કમિટી એક વેબસાઇટ પર મૂકે, અને લોકોનાં મંતવ્યો પણ લેશે. આ પ્રક્રિયા બાદ સર્ચ કમિટીની મીટિંગ થાય. જેટલા સભ્યોની નિમણૂક કરવાની છે તેના ત્રણ ગણા નામનું એક લીસ્ટ તૈયાર થાય. આ લીસ્ટ ‘પસંદગી કમિટી’ને મોકલવામાં આવે અને આ લીસ્ટમાંથી પસંદગી કમિટી લોકપાલની નિમણૂક કરે. સર્ચ કમિટી અને પસંદગી કમિટીની દરેક મીટિંગનું વીડિયો રેકોર્ડિંગ પણ થાય. અણ્ણા ટીમનું માનવું છે કે પસંદગીની આ પારદર્શિતા જ લોકપાલને ભ્રષ્ટ નહિ થવા દે. તેમ છતાં લોકોને લોકપાલ ભ્રષ્ટાચારી દેખાય તો કોઈપણ વ્યક્તિ લોકપાલ વિરુદ્ધ ડાયરેક્ટ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. જો યોગ્ય લાગશે તો સુપ્રીમ કોર્ટ તેના પર માત્ર ત્રણ મહિનામાં તપાસ કરાવશે અને તપાસમાં કોઈ પુરાવો મળે તો સુપ્રીમ કોર્ટ તેની જાણ રાષ્ટ્રપતિને કરે અને રાષ્ટ્રપતિ તે લોકપાલને કાઢી મૂકે. આવું જનલોકપાલના કોઈપણ સભ્ય વિરુદ્ધ થઈ શકે તેવી જોગવાઈ બિલમાં છે.
લોકપાલમાં આડેધડ ફરિયાદો નોંધાવા લાગે તો...
- સામાન્ય માણસને ખૂબ હેરાન કરતી સરકારી આફિસોની નાની મોટી રુશવતખોરીની ફરિયાદ થવી જોઈએ કે નહિ? કેટલાક લોકોનું કહેવું છે કે આવી નાની-મોટી ફરિયાદોને લોકપાલના દાયરામાં લવાશે તો આવી લાખ્ખો ફરિયાદો થશે અને લોકપાલની વ્યવસ્થા બગડી જશે. પણ જનલોકપાલ બિલની જોગવાઈઓ પરથી આવું થવું શક્ય લાગતું નથી. લોકપાલને જોઈએ એટલા અધિકારીઓ મળશે અને તે જે તે ફરિયાદ નિશ્ર્ચિત સમયમાં પૂર્ણ કરી દેશે. જો અધિકારી આવું નહિ કરે તો તેમની વિરુદ્ધ પણ કાર્યવાહી થશે. એટલે કામ ક્યાંય અટકશે નહિ, માટે ફરિયાદોનો ઢગલો નહિ થાય. નિશ્ર્ચિત સમયમાં ફરિયાદોનું નિરાકરણ આવતું રહેશે.
સીબીઆઈ, સીવીસી અને જનલોકપાલ...
- કેટલાક લોકો કહે છે કે સીબીઆઈ, સીવીસીને તેનું કામ કરવા દેવું જોઈએ અને જનલોકપાલે માત્ર મોટાં મોટાં કૌભાંડોની જ તપાસ કરવી જોઈએ. પણ આપણે સો જાણીએ છીએ કે સીબીઆઈ, સીવીસીનો ઉપયોગ ક્યાં, કેવી રીતે થાય છે. આપણા દેશમાં સીબીઆઈ, સીવીસી, ડિપાર્ટમેન્ટલ વિજિલન્સ, એન્ટી કરપ્શન બ્રાંચ, સ્ટેટ વિજિલન્સ જેવી અનેક તપાસ એજન્સીઓ છે. આ બધી જ એજન્સીઓ સરકારના હાથ નીચે કામ કરે છે. માટે સરકાર તેના ફાયદા માટે આ એજન્સીઓનો ઉપયોગ કરે છે. પણ જનલોકપાલ કહે છે કે આવી એજન્સીઓ અમને સોંપી દો. જનલોકપાલ તેના પર ધ્યાન રાખશે અને યોગ્ય કામ કરાવશે.
વડાપ્રધાન અને જનલોકપાલ
સરકાર હંમેશાં કહેતી રહી છે કે વડાપ્રધાનને લોકપાલના દાયરામાંથી બહાર રાખો. એટલે કે જો વડાપ્રધાન ભ્રષ્ટાચાર કરે તો તેની તપાસ લોકપાલ ન કરી શકે. એવું કહેવાય છે કે વડાપ્રધાન વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ ચાલશે તો દુનિયામાં ભારતનું નામ બદનામ થશે, લોકતંત્ર પર ખતરો પેદા થશે. પણ પ્રશ્ર્ન એ છે કે જો વડાપ્રધાન ભ્રષ્ટ હશે તો તેનાથી મોટી શરમ બીજી કઈ હોઈ શકે? પણ આપણા દેશમાં વડાપ્રધાન વિરુદ્ધ પણ કાર્યવાહી થઈ શકે તેવા કાયદા હશે તો વિશ્ર્વમાં ભારતનું સન્માન વધશે.
ન્યાયતંત્ર અને જનલોકપાલ
આપણી ન્યાય વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર કેટલો ફેલાયેલો છે તે છાપામાં, ન્યૂઝ ચેનલમાં આવે જ છે. બધાને ખબર છે ક્યાં શું ચાલે છે. આ દેશના ન્યાયાધીશો ભ્રષ્ટ નથી એવું આપણે માની શકીએ? મહત્ત્વની વાત એ છે કે આજે પણ આપણી વ્યવસ્થામાં ભ્રષ્ટ ન્યાયાધીશો વિરુદ્ધ તપાસ કરી શકે એવી એક પણ સ્વતંત્ર એજન્સી નથી. જનલોકપાલ બિલમાં આ ભ્રષ્ટ ન્યાયાધીશો વિરુદ્ધ કાર્યવાહી કરવાની જોગવાઈ છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.