રામલીલા મેદાન :અનેક ઐતિહાસિક આંદોલનોનું સાક્ષી




રામલીલા મેદાન :અનેકઐતિહાસિકઆંદોલનોનુંસાક્ષી

દિલ્હીના અજમેરી ગેટ અને તુર્કમાન ગેટની વચ્ચે 10 એકર વિસ્તારમાં ફેલાયેલું રામલીલા મેદાન સામાન્ય લોકોમાં ‘રામલીલા’ અને ‘રાવણ-દહન’ના કારણે વધુ લોકપ્રિય છે, પણ આજકાલ આ મેદાન અણ્ણા હજારેના, વ્યવસ્થા પરિવર્તનના આંદોલનને કારણે વધુ ચર્ચામાં છે.

થોડા સમય પહેલાં અહીં બાબા રામદેવે પણ સ્વીસ બઁકોમાંથી કાળું નાણુંપાછું મેળવવા આંદોલન કર્યું હતું. બાબા અને તેના સમર્થકો પર થયેલ લાઠીચાર્જ પણ રામલીલા મેદાનના ઇતિહાસમાં હંમેશ માટે દર્જ થઈ ગયો છે. હવેથોડા દિવસો પછી નવરાત્રી છે.આ મેદાનમાં રામલીલાનું આયોજનથવાનું છે.

રામલીલા મેદાન માત્ર રામલીલા માટે જ નહિ પણ અનેક આંદોલનો માટે પણ જાણીતું છે. ભારતનાં અનેક ઐતિહાસિક આંદોલનોનું તે સાક્ષી રહ્યું છે. એવું કહેવાય છે કે હાલ જ્યાં રામલીલા મેદાન છે ત્યાં 1930 પહેલાં એક વિશાળ તળાવ હતું. આ તળાવને પૂરીને અંગ્રેજોએ એક વિશાળ મેદાન બનાવ્યું કે જેથી આ મેદાનમાં તેમના સૈનિકોના શિબિર યોજી શકાય. સમય જતાં આ મેદાનમાં રામલીલાનું આયોજન થતું રહ્યું. 1932માં પહેલી વાર આ મેદાનમાં રામલીલાનું આયોજન થયું હતું. આ પહેલાં રામલીલાનું આયોજન દિલ્હીના લાલ કિલ્લાની પાછળના મેદાનમાં થતું, પણ અહીં વારંવાર યમુના નદીના પૂરનો સામનો કરવો પડતો. આથી રામલીલા આયોજન સમિતિ દ્વારા સરકારને એક અલગ જગ્યા આપવાની અપીલ થઈ. આથી સરકારે શહેરની વચ્ચોવચ્ચ ખાલી પડેલા આ મેદાનની રામલીલા માટે પસંદગી કરી. ત્યાર પછી તો જુદા જુદા આયોજકો દ્વારા આ મેદાનમાં રામલીલાનું આયોજન થતું રહ્યું. અંતે સમયના વહેણ સાથે આ મેદાનનું નામ જ ‘રામલીલા મેદાન’ પડી ગયું.

રામલીલા તો આ મેદાનમાં વર્ષે એક જ વાર, મહિના માટે યોજાય છે પણ આ ખાલી મેદાનનો ઉપયોગ વારંવાર આંદોલન, ધરણાં, ભાષણ, જીતની ખુશી વ્યક્ત કરવા થતો રહ્યો છે. આ મેદાનમાં હંમેશાં રાજનૈતિક અને સામાજિક આયોજનો થતાં રહ્યાં છે, પરિણામે આ મેદાન અનેક ઐતિહાસિક આંદોલનોનું સાક્ષી રહ્યું છે.
25 જૂન, 1975. કટોકટીની યાદ અપાવતી આ તારીખ રામલીલા મેદાન સાથે જોડાયેલી છે. આ સમયે ઇન્દિરા ગાંધીનો વિરોધ કરવા રામલીલા મેદાનમાં લાખો લોકો ભેગા થયા હતા. એ વખતે અલાહાબાદ હાઈકોર્ટે ઇન્દિરા ગાંધીને ચૂંટણીમાં ગોટાળા કર્યા હોવાનાં દોષી જાહેર કર્યાં હતાં. આથી જયપ્રકાશ નારાયણના નેતૃત્વમાં અહીં એક મોટી રેલી યોજાવાની હતી. આ રેલીને, જયપ્રકાશ નારાયણની સાથે આચાર્ય કૃપલાની, વિજયાલક્ષ્મી, અટલ બિહારી બાજપેયી, મોરારજી દેસાઈ સહિત અનેક મોટા નેતાઓ પોતાનું માર્ગદર્શન આપવાના હતા. ત્યારે જ જયપ્રકાશ નારાયણે રાષ્ટ્રકવિ રામધારી સિંહ દિનકરની પંક્તિનો નારો આપ્યો હતો કે ‘સિંહાસન ખાલી કરો કિ જનતા આતી હૈ.’

‘જય જવાન, જય કિસાન’નો નારો યાદ છે? 1965માં તત્કાલીન વડાપ્રધાન લાલબહાદુર શાસ્ત્રીએ રામલીલા મેદાનમાં વિશાળ જનસમુદાયને સંબોધતાં આ નારો આપ્યો હતો. 1972માં પાકિસ્તાન સામે યુદ્ધ જીત્યા બાદ ઇન્દિરા ગાંધીએ વિજયની ઉજવણી મનાવવા આ મેદાનમાં એક વિરાટ રેલીનું આયોજન કર્યું હતું.
અનેક ઇતિહાસનું સાક્ષી છે આ રામલીલા મેદાન. આઝાદીની લડાઈ દરમિયાન પણ મહાત્મા ગાંધી, જવાહરલાલ નહેરુ, સરદાર પટેલ અને બીજા અનેક નેતાઓ માટે વિરોધ પ્રગટ કરવાનું આ મનપસંદ મેદાન હતું. આ મેદાનમાં ઝીણાથી લઈ અણ્ણા સુધી દરેક લોકોએ ક્રાંતિ જગાવી છે. એવું પણ કહેવાય છે કે આ જ એ રામલીલા મેદાન છે, જ્યાં 1945માં યોજાયેલી એક રેલીમાં ઝીણાને લોકોએ ‘મૌલાના’ની ઉપાધિ આપી દીધી હતી. પણ ઝીણાએ આ ઉપાધિ સ્વીકારી નહિ અને બધાની વચ્ચે કહી દીધું હતું કે હું એક રાજનૈતિક નેતા છું, ધાર્મિક મૌલાના નહિ.

આ મેદાનમાં 1952માં જમ્મુ-કાશ્મીરના મુદ્દે શ્યામાપ્રસાદ મુખર્જીએ પણ લલકાર કર્યો હતો. શ્યામાપ્રસાદના આ સત્યાગ્રહ સામે ત્યારે પણ સરકાર ડગમગી ગઈ હતી. દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ 1956 અને 1957માં આ જ રામલીલા મેદાનમાં વિશાળ જનસભાને સંબોધી હતી. 28 જાન્યુઆરી, 1961માં બ્રિટનની મહારાણી એલિઝાબેથે પણ આ મેદાનમાં એક વિશાળ જનસભા સંબોધી હતી. 23 જાન્યુઆરી, 1963માં નહેરુના કહેવાથી પહેલી વાર આ મેદાનમાં લતા મંગેશકરે ‘અય મેરે વતન કે લોગોં...’ ગીત લોકો સમક્ષ રજૂ કર્યું હતું.
આ જ એ મેદાન છે જ્યાં બાબા રામદેવે અનશન કર્યું હતું અને હાલ અણ્ણા હજારેએ અનશન કર્યું.
ગુલામ ભારતથી લઈને આઝાદ ભારતના ઇતિહાસમાં થયેલાં અનેક ઐતિહાસિક આંદોલનોનું સાક્ષી રામલીલા મેદાન રહ્યું છે. આથી આ મેદાનનું એક અનોખું મહત્ત્વ બને છે. કટોકટી પછી આ મેદાનનો ઉપયોગ માત્ર રામલીલા માટે અને રાજનૈતિક આયોજન માટે જ થતો હતો, પણ આજે અણ્ણાના આંદોલને ફરી આ મેદાનને તેનું ‘ઐતિહાસિક’નું બિરુદ બધાને યાદ અપાવી દીધું છે. દિલ્હીની સંસદની સામે આ ઐતિહાસિક મેદાનમાં જનસંસદનો જન્મ થઈ ચૂક્યો છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.