
રમત જયારે મનોરંજન માટે હતી ત્યારે ખેલદિલી તેનો પ્રથમ નિયમ હતો; પણ રમત જ્યારે આબ, સફળતા, અહમ્, અને અઢળક પૈસા સાથે જોડાઈ ત્યારે તેમાં અનેક દૂષણો ઘૂસી ગયાં. ડોપિંગ નામનું દૂષણ આમાંનું એક છે. શોર્ટકર્ટનો જમાનો છે, મહેનત કોઈને કરવી નથી. માટે ખેલાડીઓ શારીરિક ક્ષમતા વધારવા દવાઓનો ઉપયોગ કરે છે, અને જીત મેળવી રાતોરાત સફળ થઈ જાય છે. તેની સફળતાથી આખો દેશ ગૌરવ અનુભવે છે પણ જ્યારે તે ડોપિંગમાં પકડાય છે ત્યારે તે જીત રાષ્ટ્રીય શરમમાં ફેરવાઈ જાય છે, શેમ...... શેમ..... શેમ..... બોલી તે ખેલાડી પર પ્રતિબંધ મૂકી દેવાય છે, અને ડોપિંગની ચર્ચા ત્યાં જ પૂરી કરી દેવાય છે, પણ આપણી ચર્ચા અહીંથી જ શ થાય છે. વાંચો......
દુનિયાના ખેલાડીઓ ડ્રગ્સ લે છે પણ વિકસિત દેશોની સાયંટિફિક શોધના કારણે તે ડોપિંગ ટેસ્ટમાં સફળતાથી નીકળી જાય છે.
ડોપિંગનો હાહાકાર
ભારતીય ખેલજગતમાં હાલ ડોપિંગનો હાહાકાર મચી ગયો છે. ખેલાડીઓ જ્યારે અચાનક અદ્ભુત પ્રદર્શન કરવા લાગે ત્યારે આપણને આશ્ર્ચર્ય થાય એ સ્વાભાવિક છે. પણ સારા પ્રદર્શનની ખુશીમાં આપણે થોડું નેગેટિવ વિચારવાનું ભૂલી જઈએ છીએ. આમ પણ ‘થિંક પોઝિટિવ’ના વાવાઝોડામાં ‘નેગેટિવિટી’નું શું ઊપજે? ગયા વર્ષે જ્યારે કામનવેલ્થ ગેમ્સમાં આપણા ખેલાડીઓએ જાનદાર-શાનદાર સફળતા મેળવી તો ભારત આખાએ ગૌરવ મહેસૂસ કર્યું, જાણે કે ભારતમાં એક નવી ખેલક્રાંતિએ જન્મ લીધો હોય....! પણ હવે ભારતને લાગી રહ્યું કે તે ‘ખેલક્રાંતિ’નો પાયો નબળો, પોકળ છે. જાપાનમાં શ થતા એશિયાઈ એથલેટિક્સમાં ભાગ લેવા ભારતીય એથલેટિક ટીમ રવાના જ થવાની હતી ત્યાં આપણા 10 જેટલા એથલેટોનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. આ સાબિત કરે છે કે આપણા કેમ્પોમાં, રમત સંસ્થાઓમાં અનૈતિકતાની ‘પાઠશાળા’ ચાલી રહી છે, જ્યાં પ્રતિબંધિત દવાઓથી શોર્ટકટ દ્વારા સફળતા મેળવવાનો ગુરુમંત્ર શીખવવામાં આવે છે. હવે આ શોર્ટકટ સફળતા મેળવવાનો અનૈતિક ગુરુમંત્ર બહાર આવી ગયો છે. અત્યાર સુધી ડોપિંગનો ડંખ માત્ર ખેલાડીને જ સહન કરવો પડતો. ડોપિંગ માટે માત્ર ખેલાડી જ જવાબદાર છે એવું કહીને ખેલાડી પર પ્રતિબંધ મૂકી દેવાતો. ભૂતકાળમાં આવા અનેક ખેલાડીઓ પર પ્રતિબંધ મુકાયો છે, પણ આ વખતે ડોપિંગમાં કોચ પણ સંડોવાયા છે. પ્રશ્ર્ન એ થાય છે કે દુનિયાના ખેલાડીઓ ડોપિંગ કરે છે, નિશાન ભારતના જ એથલેટસ કેમ બને છે? ડોપિંગ માટે માત્ર ખેલાડી જ જવાબદાર છે? કોચ, સલાહકાર, રમત સંસ્થા, સ્પોટર્સ ફેડરેશન, ડાક્ટર્સ આ માટે જવાબદાર નથી? ડોપિંગ માટે આ બધા જ જવાબદાર છે. આમાંથી કોઈ પણ તર્ક આપી છટકી શકે નહિ.
ડોપિંગ અટકાવવાની જવાબદારી કોની?
ડોપિંગ અટકાવવાની જવાબદારી કોઈ લેવા તૈયાર નથી. કોઈ ખેલાડી જો મેદાનમાં સફળતા મેળવવા પ્રતિબંધિત દવાઓનું સેવન કરે તો તેનો બહિષ્કાર થવો જોઈએ, તેને યોગ્ય સજા થવી જોઈએ કે જેથી બીજા ખેલાડી આવું કરતા અટકે, પણ તેમ છતાં ડોપિંગ અટકતું નથી. ડોપિંગ અટકાવવા માટે આંતર્રાષ્ટ્રીય સંસ્થાઓએ ‘એન્ટી ડોપિંગ કોડ’ અપ્નાવ્યો છે. વૈશ્ર્વિક સ્તરે વર્લ્ડ એન્ટી ડોપિંગ અસોસિયેશન (વાડા) તથા દરેક દેશમાં નેશનલ એન્ટી ડોપિંગ અસોસિયેશન (નાડા) ડોપિંગ અટકાવવા કાર્ય કરે છે. પણ આ વાડા અને નાડાથી કંઈ થઈ શક્યું નથી. ડોપિંગ ચાલુ જ છે. વાડા અને નાડાનું કામ ડોપિંગ કરનારા ખેલાડીઓને પકડવાનું અને તેને સજા કરવાનું છે. વાડા અને નાડાનો તર્ક છે કે જો કોઈ ખેલાડી ડોપિંગમાં પકડાય અને તેને કડક સજા ફરમાવાય તો ડોપિંગ અટકી જશે. પણ અહીં તો ઊલટું જ થઈ રહ્યું છે. ડોપિંગની જવાબદારી કોઈ સ્વીકારતું જ નથી. કોઈ ખેલાડી ડોપિંગ ટેસ્ટમાં પકડાય છે તો ખેલાડી એ માનવા તૈયાર થતો નથી કે તેણે દવાનું સેવન કર્યું છે. કેટલાંક ફૂડ સપ્લીમેન્ટ લીધા હતાં, જેમાં પ્રતિબંધિત દવા હશે, જે ફૂડ દ્વારા મારા શરીરમાં ગઈ છે એમ કહી ખેલાડી છટકી જાય છે.
ખેલાડીનો આ તર્ક સાચો છે ?
અમુક ફૂડ ખાવાથી આવું થયું છે એમ કહી ખેલાડી દલીલ કરે છે, પણ પ્રશ્ર્ન એ થાય કે ખરેખર આ ખેલાડીઓને આની ખબર નથી હોતી? ખેલાડીઓનો આ તર્ક નિર્દોષ સાબિત થવાનો પ્રયત્ન જ છે. આ ખેલાડીઓ એ ભૂલી જાય છે કે ‘એન્ટી ડોપિંગ કોડ’માં તેમના આ તર્કની કોઈ કિંમત કે સ્થાન નથી. ડોપ ટેસ્ટમાં ખેલાડી પોઝિટિવ આવે તો તેને સજા કરવી તેના સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. કોડમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ખેલાડી સ્વયં ધ્યાન રાખે કે તેના શરીરમાં આવાં કોઈ પ્રતિબંધિત તત્ત્વો ન જાય. તેના માટે સંપૂર્ણ વ્યવસ્થા પણ છે. ખેલાડીઓની જાગૃતિ માટે કેમ્પો યોજવામાં આવે છે. તેમને યોગ્ય પ્રશિક્ષણ આપવામાં આવે છે. કઈ વસ્તુ ન ખાવી, જેમાં પ્રતિબંધિત તત્ત્વો છે, તેવી વસ્તુઓનું લિસ્ટ પણ ખેલાડીઓને આપવામાં આવે છે. તેમ છતાં ખેલાડીઓ ભૂલથી કે હાથે કરીને આવી વસ્તુનું સેવન કરી લે છે. અહીં પ્રશ્ર્ન એ થાય છે કે શું ભારતના ખેલાડીઓને આવું પ્રશિક્ષણ મળે છે, કે પછી આ વિદેશી કોચ જ આપણા ખેલાડીઓને ઝડપી સફળતા મેળવવા ડોપિંગના રવાડે ચડાવી દે છે?
કોચ શીખવે છે ડોપિંગ!
ઝડપથી સફળતા મેળવવા માટે કેટલાક વિદેશી કોચ જ ડોપિંગ શીખવે છે અને આપણા ખેલાડીઓ ઝડપથી ફેમસ થવા, જીત મેળવવા, જાણતા હોવા છતાં ચૂપ રહે છે. કોચની મિલીભગત વિના ડોપિંગ શક્ય નથી એ વાત સૌ કોઈ જાણે છે. હાલ જે ડોપિંગના કેસ બહાર આવ્યા છે તેમાં કોચ ‘યૂરી’ને જવાબદાર ગણવામાં આવ્યો છે. અહીં ધ્યાનપાત્ર એ પણ છે કે રશિયાથી આવેલા તમામ કોચ ઉપર શંકા ઊપજી છે. એવું પણ કહેવાય છે કે સોવિયત દેશોના કોચ ડોપિંગ માટે વધુ જવાબદાર છે. સોવિયેત સંઘના ટુકડા થયા પછી ત્યાંના તમામ કોચ ભારતમાં આવ્યા. વળી આ કોચ તુલનાત્મક રીતે ભારતને યુરોપીય દેશોના કોચ કરતાં સસ્તા પડે છે, પણ વાસ્તવિકતા એ પણ છે કે આ રશિયન કોચોએ જ ભારતમાં ડોપિંગનું દૂષણ ઘુસાડી દીધું છે. આ કોચ ટેક્નિકની દ્ષ્ટિએ ભારતીય ખેલાડીનું પ્રદર્શન સુધારતા નથી પણ ડ્રગ્સ દ્વારા તેમનું પ્રદર્શન સુધારવાની કોશિશ કરે છે. સફળતા કે પછી બદનામીનું ફળ માત્ર ખેલાડીઓને ભોગવવું પડે છે. એક સર્વે મુજબ 90% વિદેશી કોચ ભારતીય ખેલાડીઓને ડ્રગ્સ લેવાનું કહે છે. ભારત પાસે કોઈ સારા કોચ નથી કે પછી આપણા વિદેશી મોહના કારણે આપણી ખેલ સંસ્થાઓને ભારતનો કોઈ કોચ દેખાતો જ નથી?
ખેલાડીને ગેરરસ્તે દોરવાનો કારોબાર
ખેલાડીઓ, કોચીસ, ડાક્ટર્સ, સલાહકાર, ખેલ સંસ્થાઓ અને કેટલાક માફિયાઓની મિલીભગતથી ભારતમાં નકલી દવા અને ખેલાડીઓને ડોપિંગ તરફ વાળવાનો એક કારોબાર ચાલી રહ્યો છે. એક અંદાજ મુજબ ભારતમાં આ પ્રતિબંધિત દવાઓનું 90 હજાર કરોડ પિયાનું બજાર છે. આ માફિયાઓની માર્કેર્ટિંગ ટ્રીક અદ્ભુત હોય છે, જેનાથી ખેલાડી લલચાય છે. આજે બજારમાં અનેક ડોપ-એલીમેન્ટ સરળતાથી મળી રહે છે. વેચનારા માફિયાઓ ખેલાડીઓ સામે દાવો કરે છે કે આ ડ્રગ, દવા કે ઇન્જેક્શન લેવાથી ડોપિંગ પોઝિટિવ આવશે નહિ. આ દવા કે ઇન્જેક્શન મેચના બે દિવસ પહેલાં લેવાથી ડોપ ટેસ્ટમાં પકડાશો નહિ અને તેનાં તત્ત્વો લાંબા સમય સુધી શરીરમાં રહી તેનું કામ પણ કરશે. આ લાલચના કારણે ખેલાડીઓ લલચાય છે, અને ડોપિંગ ટેસ્ટમાં ભરાઈ શકે છે.
દુનિયાભરના ખેલાડીઓ ડોપિંગ કરે છે
બેન જાનસન ઓલિમ્પિકમાં ડ્રગ્સની દવા લઈને મેદાને ઊતર્યો અને વિશ્ર્વ ચેમ્પિયન બની ગયો. પાછળથી તેનો ડોપિંગ ટેસ્ટ પોઝિટિવ આવ્યો અને સુર્વણપદક પાછો લેવામાં આવ્યો. મારર્ડોના ફૂટબોલનો પ્રસિદ્ધ ખેલાડી. નશો કરીને રમત રમવી તેની મજબૂરી બની ગઈ હતી. વારંવાર તેને ચેતવણી આપવામાં આવી, અને તેણે જાતે સ્વીકાર્યું હતું કે તે ડ્રગ્સ લઈને રમતો હતો. આ તો ડોપિંગનાં બે જ ઉદાહરણ છે. વિકિપેડિયામાં આવા ખેલાડીઓનું ખૂબ... ખૂબ લાબું લિસ્ટ છે, પણ આ વિદેશી ખેલાડીઓ ડોપિંગમાં ખૂબ ઓછા પકડાય છે. પકડાય છે તો આવા કિસ્સાઓ બહાર નથી આવતા. એનાં પણ કારણો છે. સમગ્ર વિશ્ર્વમાં ખેલાડીઓ દવા લઈને મેદાને
ઊતરે તે સામાન્ય બાબત છે. વિકસિત દેશોમાં ડોપિંગથી બચવાના સાયંટિફિક ઉપાયો શોધાયા છે, જેમાં ખેલાડીઓ ડ્રગ્સ લીધા પછી પણ ડોપિંગ ટેસ્ટમાંથી આરામથી નીકળી જાય છે. આમાં એથલેટો માટે એક ખાસ શેડ્યુલ બનાવવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે ક્યારે કઈ દવા કેવી
રીતે લેવી, પણ ભારત પાસે આવો કોઈ રસ્તો નથી.
ડોપિંગનું દૂષણ બધે જ છે. ભારતનું દૂષણ પકડાઈ જાય છે. ભારતમાં 90ના દશકમાં પહેલી વાર કેનેડાના કામનવેલ્થમાં એક ભારતીય વેઇટલિફ્ટરને ડોપિંગનો દોષી માની ભારત પાછો મોકલવામાં આવ્યો તે ભારતને મળેલો પહેલો આઘાત હતો. ત્યારથી લઈને આજ સુધી આપણે આંતર્રાષ્ટ્રીય સ્તરે આવા અનેક ઝટકા, આઘાત ખાઈ ચૂક્યા છીએ.
જાણો ડોપિંગની આ સચ્ચાઈને પણ...
- ટેનિસના જાણીતા ખેલાડી મેટ્સ વિલેન્ડરે કબૂલાત કરી હતી કે 1995ની ફ્રેન્ચ ઓપ્ન દરમિયાન તેણે અજાણતામાં કોકેઈન લીધું હતું. તેની કબૂલાત પછી વિલેન્ડર પર ત્રણ મહિનાનો પ્રતિબંધ પણ લદાયો હતો.
- ફૂટબોલના પ્રખ્યાત સ્ટાર ડિયેગો મારાડોના પર કોકેઈનના સેવનનો કેસ ઘણાં વર્ષો સુધી ચાલ્યો હતો.
- ફૂટબોલ ખેલાડી બોરી ગિબ્સ 17 વર્ષનો હતો ત્યારે તેની મમ્મીએ તેને એક દોસ્ત સાથે સ્ટેરોઇડનું ઇન્જેક્શન લેતાં પકડ્યો હતો. સ્ટેરોઇડની મદદથી તે ખૂબ સારું રમ્યો, પણ 21 વર્ષની ઉંમરે રમતાં રમતાં તેને ઘૂંટણમાં ઈજા થઈ અને પછી ફરી તે રમી ન શક્યો.
- આર્નોલ્ડ સ્વાત્ઝનેગરેના દુનિયાના યુવાનોને ગાંડા કર્યા હતા. તેણે પણ સ્વીકાર્યું છે કે બોડી બનાવવા તેણે સ્ટેરોઇડનો ઉપયોગ કર્યો છે.
- સિડની આલિમ્પિક વખતે ચીનના કોચ માઝુરએ ચીની ખેલાડીઓને લોહી પીવડાવ્યું હતું. એટલું ઓછું હોય તેમ ઝુરએ હરણનાં શિગડાં, આલ્કોહોલમાં ભેળવેલા જળઘોડાના પાવડરનો સૂપ, કેટલીક વનસ્પતિઓનાં મૂળિયાં, ફૂગ અને પ્રાણીઓનાં અંગ-ઉપાંગ પણ ખવડાવ્યાં હતાં.