અન્ડરવર્લ્ડ ને અપરવર્લ્ડ બનાવતા ખબરપત્રીની હત્યા
એક ખણખોદિયો પત્રકાર. અંડરવર્લ્ડની દુનિયાથી લઈને પોલીસને પણ ખબર ન હોય તેવી માહિતી આ પત્રકાર પાસે હંમેશાં રહેતી. અંડરવર્લ્ડને પણ જો કોઈનો ખૌફ હોય તો તે આ પત્રકારનો. ખણખોદિયો પત્રકાર હોવાના નાતે તેને હંમેશાં પોલીસ, અંડરવર્લ્ડ અને અમુક અધિકારીઓ સાથે 36નો આંકડો રહેતો. નાની નાની વિગતો શોધવા, નાની નાની ગુપ્ત જાણકારી મેળવવા તે હંમેશાં અંડરવર્લ્ડના ગુનેગારોને મળવા તેમના ઘરે જતો. આવી જ રીતે એક દિવસ તે છોટા રાજનના એક સહયોગીના ઘરે થોડી જાણકારી મેળવવા ગયો.
સહયોગી તેના બેડરૂમમાં ક્રિકેટ મેચ જોઈ રહ્યો હતો. બંને એક જ બેડરૂમમાં બેસી મેચ જોતા રહ્યા. આ બધાંની વચ્ચે બેડરૂમનો માહોલ જોઈ તેના મનમાં એક ખતરનાક, ખૌફનાક વિચાર જનમ્યો. બેડરૂમનો અડધો ખુલ્લો દરવાજો જોઈને તેણે મનમાં વિચાર્યું કે અત્યારે જો આ છોટા રાજનના સહયોગીનો કોઈ દુશ્મન તેના ઘરમાં બંદૂક લઈને ઘૂસી જાય તો મારું શું થાય.? કદાચ ખાત્મો જ થઈ જાય. એ પત્રકાર ત્યાંથી નીકળી જાય છે. વિચાર તેને હચમચાવી ગયો હતો. તેણે આ વાત તેની પત્નીને કહી. બંને હસવા લાગ્યાં. થોડા દિવસ પછી એની દહેશત સાચી ઠરી. છોટા રાજનના સહયોગીનું તેના જ ઘરના બેડરૂમમાં વિરોધી ગેંગના ફાયરિંગથી મોત થયું. આ પત્રકારને ખબર પડી ગઈ હતી કે એક દિવસ મારું મૃત્યુ પણ આ રીતે ગોળી વાગવાથી થઈ શકે છે અને બન્યું પણ એવું જ, ગયા શનિવારે (11/5/11) મુંબઈમાં કેટલાક અંડરવર્લ્ડના બદમાશોએ દિનદહાડે ગોળી મારીને તેની હત્યા કરી દીધી. આ બાહોશ પત્રકાર એટલે, જે ડે ઊર્ફે જ્યોર્તિમય ડે.
***
જ્યોતિર્મય ડે... ખણખોદિયો પત્રકાર... મુંબઈથી પ્રકાશિત થતા મિડ ડે ના વરિષ્ઠ ઈન્વેસ્ટીગેટિવ સંપાદક હતા. જે ડેના નામથી મશહૂર 56 વર્ષના જ્યોતિર્મય અંડરવર્લ્ડની દુનિયામાં ખોજી (ખણખોદિયા, સંશોધનાત્મક) પત્રકાર હતા. ઇન્વેસ્ટિગેશન-વિશ્ર્લેષણમાં તેઓ ચપળ અને બાહોશ હતા. જ્યોતિર્મય ડે એ પોતાની કારકિર્દી એક મલ્ટિનેશનલ કંપ્નીના એક્ઝિક્યુટિવ તરીકે શરૂ કરી હતી. કોમેડિયન જ્હોની લીવર પણ તેનો સહકર્મચારી હતો. ઈ.સ. 1990ના દાયકામાં મુંબઈમાં ગેંગવોર તેની પરાકાષ્ઠાએ ચાલી રહી હતી ત્યારે તેમણે પત્રકારત્વના ક્ષેત્રમાં જંપલાવ્યું. પ્રારંભમાં તેમણે મુંબઈના કસ્ટમ ખાતામાં ચાલતી ગોલમાલ બાબતે સ્ટોરી બ્રેક કરી. ત્યાર બાદ ‘ખબરપત્રી’ઓની એક ફોજ ઊભી કરી, પોલીસ સાથે સારા સંબંધો કેળવી જે ડેએ અનેક ક્રાઇમ સ્ટોરીઓ આપી. જે ડેની સ્ટોરીઓ એટલી સચોટ હતી કે ઘણી વાર પોલીસ પણ તેની માહિતીના આધારે શોધખોળ કરતી. તેમની ‘નોટ્સ ફ્રોમ ધ અન્ડરવર્લ્ડ’ કાલમ અત્યંત લોકપ્રિય હતી. દૈનિક રિપોર્ટિંગ ઉપરાંત તેમણે તેમના અનુભવના અને ફિલ્ડ રિપોર્ટિંગના આધારે અંડરવર્લ્ડની દુનિયાને હચમચાવી દે તેવાં બે પુસ્તકો પણ લખ્યાં હતાં, જેમાંનું એક પુસ્તક હતું ‘ખલ્લાસ’ અને બીજું પુસ્તક હતું ‘ઝીરો ડાયલ’. જે ડેએ તેમના પહેલાં પુસ્તક ‘ખલ્લાસ’માં અંડરવર્લ્ડ દ્વારા ઉપયોગમાં લેવાતી ‘કોડ ભાષા’ (સાંકેતિક લિપી)નો ખુલાસો કર્યો હતો. એવું કહેવાય છે ‘ખલ્લાસ’ પુસ્તક પ્રકાશિત થયા પછી અંડરવર્લ્ડની દુનિયાએ તેમની કોડ ભાષા બદલવી પડી હતી. પોલીસને પણ તેમાંના ઘણા શબ્દોની ખબર નહોતી. જે ડેનું બીજું પુસ્તક ‘ઝીરો ડાયલ’, ‘ખબરી’ ઉપર આધારિત છે. પોલીસના ખબરીઓ કેવા સંજોગોમાં પોલીસને સાથ આપે છે. તેમના અનુભવોની વાત ‘ઝીરો ડાયલ’માં થઈ છે.
જે ડેની હત્યા ભરબપોરે 2-30 વાગે મુંબઈના અતિવ્યસ્ત વિસ્તાર હીરાનંદાની ગાર્ડન્સમાં થઈ. બપોરે અહીં બાઇક પાર્ક કરી જે ડે કોઈની સાથે મોબાઇલ પર વાતચીત કરી રહ્યા હતા. એટલામાં પાછળથી ચાર લોકો આવ્યા. તેમના પર ગોળી ચલાવી અને બાઇક લઈ ફરાર થઈ ગયા. પોલીસનું માનીએ તો જે ડેને પાંચ ગોળી વાગી હતી.
પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો ગોળી વાગ્યા બાદ જે ડેને ત્યાંની નજીકની હાસ્પિટલ લઈ જવાયા પણ ડાક્ટરે દાખલ કરવાની ના પાડતાં હીરાનંદાની હાસ્પિટલમાં લઈ જવાયા. જ્યાં જે ડેને મૃત ઘોષિત કરવામાં આવ્યા.
અંડરવર્લ્ડની ઘણી ગુપ્ત માહિતીના રિપોર્ટો જે ડેએ પ્રકાશિત કર્યા હતા, જેનાથી અંડરવર્લ્ડ સહિત પોલીસ ખાતાની ઘણી ખામીઓ પણ બહાર આવી હતી. થોડા મહિના પહેલાં જ જે ડેએ પેટ્રોલિયમ પદાર્થોની કાળા બજારી પર સ્ટોરીની શ્રેણી લખી હતી અને જડબેસલાક પ્રૂફ સાથે અનેક માફિયાઓને ઉઘાડા પાડ્યા હતા. આ સ્ટોરીને કારણે લગભગ સાત જેટલા લોકોને જેલની હવા પણ ખાવી પડી છે. આ 7 લોકોમાંથી ચાર જેટલા આરોપીઓ હમણાં જ જામીન પર બહાર આવ્યા છે. એટલે શંકાની સોય આ તેલ માફિયાઓ તરફ પણ જાય છે. દાઉદથી લઈને અંડરવર્લ્ડના અનેક સાથીઓ પર હવે જે ડેની હત્યાની શંકા સેવાઈ રહી છે. પત્રકાર સંઘે યોગ્ય તપાસ થાય તે માટે માંગ કરી છે. સરકારે પણ યોગ્ય તપાસની ખાતરી આપી છે. પણ એક વાત સાચી જ છે કે આજે પણ ભારતમાં અંડરવર્લ્ડના હેવાલો બહાર પાડતા પત્રકારોને જીવ હથેળીમાં લઈને ફરવું પડે છે.
2006થી 2009 : 247 પત્રકારોની હત્યા
આંતર્રાષ્ટ્રીય મીડિયા સંસ્થા દ્વારા પ્રકાશિત એક સૂચકાંક 2011 મુજબ પત્રકારોની હત્યાની ગુથ્થી ન સુલઝાવી શકનારા દેશોમાં ભારત 13મા સ્થાને છે. પાકિસ્તાન 10મા અને બાંગ્લાદેશ 11મા સ્થાને છે. યુનેસ્કોના રીપોર્ટ પ્રમાણે 2006થી 2009 સુધીમાં દુનિયામાં 247 પત્રકારો સૂચના ક્રાંતિને આગળ વધારવામાં બલી ચઢી ગયા છે. આ ત્રણ વર્ષમાં ભારતમાં છ પત્રકારો મરાયા છે. દુનિયાની વાત કરીએ તો યુનેસ્કોના રીપોર્ટ પ્રમાણે ઇરાકમાં 29, ફિલિપાઇન્સમાં છ, ભારતમાં છ, પાકિસ્તાનમાં બે, અફઘાનિસ્તાનમાં ત્રણ, રશિયામાં ત્રણ અને શ્રીલંકામાં ચાર પત્રકારો આ રીતે માર્યા ગયા છે. 2007માં ઇરાકમાં 33 પત્રકારો માર્યા ગયા હતા.

