મુંબઈના 26/11ના હુમલામાં રાણા નિર્દોષ























શિકાગોની એક અદાલતે તહવ્વુર રાણાને મુંબઈના 26/11ના હુમલા માટે ‘બા-ઇજ્જત-બરી’ કરી દીધો છે. રાણા સામે અનેક પુરાવા હોવા છતાં અમેરિકાએ રાણાને નિર્દોષ જાહેર કરી પાકિસ્તાનને સાથ આપવા અમેરિકાએ ભારતને દગો કર્યો છે. શું ભારત સરકાર આ દગો સહન કરશે કે પછી અમેરિકા વિરુદ્ધ કાર્યવાહી કરશે?
અમેરિકાના ન્યુયોર્ક શહેરની કોઈ વ્યક્તિ રેકી કરે, જાસૂસી કરે, તેનો નકશો બનાવી આતંકવાદીઓને આપે, વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરવા પૂરતી મદદ કરે અને તે વ્યક્તિ ભારતમાંથી પકડાય. ભારત આ વ્યક્તિને સજા ન કરવાની, ફાંસી ન આપવાની, અમેરિકાને ન સોંપવાની લાલચ આપી આતંકવાદની માહિતી લેવા પોપટની જેમ બોલતો કરી દે. અમેરિકા ભારત પાસેથી આ વ્યક્તિની માગ કરે તો ભારત તેને ‘ન આપવાનો’ રોકડો જવાબ સંભળાવી દે, તો શું થાય? અમેરિકાનો પિત્તો જાય ને! ભારત ઉપર ઇન્ટરનેશનલ લેવલનું દબાણ લાવે અને ભારતને તે વ્યક્તિ, આતંકવાદી અમેરિકાને સોંપવા મજબૂર કરી દે!
પણ જરા વિચારો, અમેરિકાની જગ્યાએ ભારત હોય તો! ભારત અમેરિકા પર આવું દબાણ લાવી શકે? જવાબ છે ના!, કારણ કે ઉદાહરણ આપણી સામે છે. મુંબઈના 26/11ના આતંકવાદી હુમલાના બે મુખ્ય માસ્ટર માઇન્ડ આજે અમેરિકાના કબજામાં છે. ડેવિડ કોલમન હેડલી અને તહવ્વુર હુસેન રાણા. આ બંને આતંકવાદીઓએ ભારતનાં શહેરોની રેકી કરી હતી, મુંબઈનો નકશો બનાવ્યો હતો, અને 26/11ના હુમલાખોરોને મદદ પણ કરી હતી. હવે આ બંને આતંકવાદીઓ સામે અમેરિકાની અદાલતમાં કેસ ચાલી રહ્યો છે. મુંબઈ હુમલામાં છ અમેરિકન નાગરિક સહિત 166 લોકો મૃત્યુ પામ્યા હતા. આ છ અમેરિકન નાગરિકોને ન્યાય અપાવવા મુંબઈના હુમલાનો કેસ અમેરિકાની અદાલતમાં ચાલી રહ્યો છે, બાકીના 160 ભારતીયોનું શું?
26/11ના મુંબઈ હુમલાના માસ્ટર માઇન્ડ ડેવીડ હેડલીએ અમેરિકા સાથે ડીલ કરી લીધી છે કે તે બધી ગવાહી આપશે પણ તેને ફાંસીની સજા ન મળે તો! અમેરિકાએ તેની બધી માગણીઓ સ્વીકારી હેડલીને મુખ્ય સાક્ષી બનાવી દીધો છે. અમેરિકાએ હેડલી સાથે ભારતના અધિકારીઓને જરૂરી બધી પૂછતાછ પણ કરવા દીધી નથી. હવે શિકાગોની એક અદાલતે હેડલીના મિત્ર તહવ્વુર રાણાને મુંબઈના 26/11ના હુમલા માટે ‘બા-ઇજ્જત બરી’ કરી દીધો છે. રાણાને અમેરિકાએ મુંબઈ હુમલા બાબતે નિર્દોષ જાહેર કરી દીધો છે, પણ ડેનમાર્કમાં નિષ્ફળ ગયેલા એક આતંકવાદી હુમલા માટે તેને દોષી ઠરાવ્યો છે. 26/11ના હુમલામાંથી રાણા નિર્દોષ જાહેર થાય તે ભારત માટે આઘાતજનક સમાચાર છે. હેડલી અને રાણાએ મુંબઈની રેકી કરી હતી. નકશા બનાવી આતંકવાદીઓને આપ્યા હતા, એ વાત જગજાહેર છે. રાણા અને હેડલી પણ આ સ્વીકારી ચૂક્યા છે. રાણા પર અદાલતમાં કેસ શરૂ થાય તે પહેલાં જ તેની સામે આ આરોપો સિદ્ધ થઈ ચૂક્યા હતા. બધાને ખબર છે કે રાણા અને હેડલી આઈએસઆઈ સાથે મળીને કામ કરી રહ્યા છે. કેસની સુનાવણી દરમિયાન પણ રાણાએ કહ્યું હતું કે તે પાકિસ્તાન અને આઈએસઆઈ તરફે પબ્લિક આથોરિટી તરીકે કામ કરી રહ્યો છે. પણ અમેરિકી અદાલતનું કહેવું છે કે પબ્લિક આથોરિટીનો તર્ક અમેરિકામાં લાગુ પડતો નથી. રાણાએ એ પણ સ્વીકાર્યું હતું કે 26/11ના હુમલાની યોજનામાં તે પાકિસ્તાનની સરકાર અને આઈએસઆઈના કહેવાથી જોડાયો હતો. લશ્કર-એ-તૈયબાએ આ યોજનામાં જોડાવાનું મને કહ્યું ન હતું.
હેડલીએ પણ રાણાનો હાથ 26/11માં છે એ સ્વીકાર્યું છે, તેમ છતાં અમેરિકાની અદાલતે રાણાને નિર્દોષ જાહેર કર્યો છે. આનો ચોખ્ખો મતલબ એ છે કે અમેરિકા સામે ભારતનું કે ભારત સરકારનું કંઈ પણ ઊપજતું નથી. અમેરિકા પાકિસ્તાનને સાચવવા ભારત સાથે દગાખોરી કરી રહ્યું છે. અમેરિકાએ રાણાને નિર્દોષ જાહેર કરી ભારત સાથે દગો કર્યો છે. એનું કારણ એ છે કે લાદેન મર્યા બાદ પણ અમેરિકા આતંકવાદના ભયમાંથી બહાર નીકળી શક્યું નથી. લાદેનના મૃત્યુનો બદલો લેવા આતંકવાદીઓ અમેરિકા પર હુમલો કરશે તેવી દહેશત અમેરિકાને છે. બીજું, પાકિસ્તાન આતંકવાદી રાષ્ટ્ર હોવા છતાં અમેરિકા તેેને છોડી શકતું નથી. અફઘાનિસ્તાનમાં લડાઈ લડવા અમેરિકાને પાક.ની ગરજ છે. પાક. ચીનના ખોળામાં ન બેસી જાય તેનું ધ્યાન પણ અમેરિકાએ રાખવું પડે છે. રાણા 26/11ના હુમલામાં નિર્દોષ જાહેર થયો તે પાકિસ્તાનના અધિકારીઓ માટે રાહતના સમાચાર છે; પણ ભારત માટે તે આઘાતજનક રાજકીય પડકાર છે. ભારત સરકાર રાણા વિરુદ્ધ આપણી અદાલતમાં કેસ ચલાવવાની વાત કરે છે, પણ હવે શું? આપણા માટે અમેરિકા અને પાકિસ્તાન સરખાં જ છે. પાકિસ્તાન પણ 26/11ના આતંકવાદીઓ સામે કાર્યવાહી નથી કરતું અને અમેરિકાએ પણ રાણાને નિર્દોષ જાહેર કરી ભારત સાથે પાકિસ્તાનવાળી જ કરી છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.