33 રૂપિયાનું પેટ્રોલ 67.53 રૂપિયામાં વેચાય ત્યારે...!





















- 67 રૂપિયાના પેટ્રોલમાં 34 રૂપિયાનો ટેક્ષ આપણે સરકારને આપીએ છીએ.
- સરકાર ઇચ્છે તો પેટ્રોલ 40 રૂપિયે લીટર વેચી શકે છે.

‘‘પેટ્રોલની કિંમતમાં 5 રૂપિયાનો તોતિંગ વધારો થશે... પેટ્રોલની એક લીટરની કિંમત હવે 67.53 રૂપિયા... આ ઉપરાંત રાંધણગેસ, ડીઝલ, સીએનજીની કિંમતમાં પણ વધારો...’’ ગમે તેવા ભયંકર ન્યૂઝથી પણ ન ગભરાતા આપણે સૌ આવી હેડલાઇન વાંચીને તરત જ ગભરાઈ જઈએ છીએ. પેટ્રોલની કિંમત વધવાની આગલી રાત્રે આવી હેડલાઇન જોતાંની સાથે જ આપણે આપણી ગાડી લઈને પેટ્રોલ પંપ પર પહોંચી જઈએ છીએ. પેટ્રોલ પંપે પહોંચતા જ ખબર પડે કે, આપણી જેવું જ (સેમ ટુ સેમ...હોં) વિચારનારા તો ઘણા બધા છે. અમુક પેટ્રોલ પંપ સમય કરતાં પહેલાં જ બંધ થઈ જાય અને અમુક પેટ્રોલ પંપ પર લાઇનો લાગી હોય. લાંબીલચક લાઇનમાં બે કલાક ઊભા રહી બે લીટર પેટ્રોલ પુરાવી પાંચ દુ ને દસ રૂપિયા બચાવી આપણે આનંદ મેળવીએ છીએ. આને કેવો આનંદ ગણાવી શકાય... 10રૂપિયાબચાવવાનો આનંદ કે પછી જેની જ‚રિયાત નહોતી છતાં સસ્તી કિંમતે ખરીદી કરવાનો આનંદ. ખાસ કરીને આવો આનંદ આપણા ફોર વ્હીલવાળા ભાઈઓ લે ત્યારે નવાઈ લાગે... બટ એની વે...! હાલ પેટ્રોલનો ભાવ વધી ગયો છે. આપણા સૌનું બજેટ ખોરવાઈ ગયું છે, પણ સરકારનું બજેટ ખૂબ જ સરસ અને મજબૂત થઈ ગયું છે, કેમ કે પેટ્રોલમાં જ્યારે પણ વધારો થાય ત્યારે તે વધારાના 50 ટકા રૂપિયા સરકારી તિજોરીમાં જ જાય છે. અહીં 5 રૂપિયા વધ્યા એટલે સરકારને પણ 2.50 રૂપિયા લીટરે ટેક્ષ રૂપે છૂટા થઈ જાય છે. હેરાન થવાનું તો માત્ર સામાન્ય નાગરિકને! પેટ્રોલનો ભાવ વધારે એટલે સ્વાભાવિક રીતે તેની સાથે સંકળાયેલા માલમાં પણ ભાવવધારો થાય... એટલે પેટ્રોલ આપણા દેશમાં સીધી રીતે મોંઘવારી સાથે જોડાયેલું છે પણ જો રાજ્ય અને કેન્દ્ર સરકાર ઇચ્છે તો તમને માત્ર 40 રૂપિયે લીટર પેટ્રોલ મળી શકે છે. આવું થાય તો મજા આવી જાય નહિ! હા, પણ કેવી રીતે આ શક્ય છે? એ પ્રશ્ર્ન પણ થાય આ જુવો ગણિત...

40 રૂપિયે લિટર પેટ્રોલ...?

હાલ પેટ્રોલની જે કિંમત છે તેમાંથી 52 ટકા જેટલી રકમ તો ટેક્ષની છે જે રાજ્ય અને કેન્દ્ર સરકારને મળે છે. જો સરકાર ટેક્ષ માફ કરી દે તો નાગરિકને માત્ર 35-40 રૂપિયે લીટર પેટ્રોલ મળી શકે... ઉદાહરણ તરીકે હાલ પેટ્રોલની કિંમત 67 રૂપિયા છે. આંતર્રાષ્ટ્રીય બજારમાં એક બેરલ કાચા તેલની કિંમત 100 ડાલર છે. એક બેરલમાં 158.76 લીટર ક્રૂડ ઓઇલ (કાચું તેલ, પેટ્રોલિયમ) હોય છે. જો આજે આપણે એક ડાલરની કિંમત 45 ‚પિયા ગણીએ તો એક બેરલ ક્રુડ ઓઇલની કિંમત (100 ડાલર મુજબ) 4500 રૂપિયા થાય. એનો મતલબ એવો થયો કે ભારતને 1 લીટર પેટ્રોલ આંતર્રાષ્ટ્રીય બજારમાંથી માત્ર 28 રૂપિયાની આસપાસ મળે છે. જો આ કિંમતમાં ક્રૂડ ઓઇલના રિફાઈનિંગ અને ટ્રાન્સપોર્ટનો ખર્ચ ઉમેરીએ તો 1 લીટર પેટ્રોલની કિંમત 33 રૂપિયા થાય છે. આ 33 રૂપિયાના પેટ્રોલના આપણે 67 રૂપિયા આપીએ છીએ. તમને પ્રશ્ર્ન થાય કે આ બાકીના 34 રૂપિયા કોણ લે છે? તો તેનો જવાબ રાજ્ય અને કેન્દ્ર સરકાર પાસે છે. 34 રૂપિયાનો આપણે આ સરકારોને ટેક્ષ ચૂકવીએ છીએ. પેટ્રોલની કિંમત જ્યારે 10 ‚પિયા હતી ત્યારે સરકાર પાંચ રૂપિયા ટેક્ષ લેતી હતી. આજે 67 રૂપિયા છે તો 34 રૂપિયા ટેક્ષ લઈ રહી છે તો પણ સરકારને સંતોષ નથી. પીસાય છે તો માત્ર તમારા મારા જેવા સામાન્ય લોકો જ!

બેરલનો ભાવ વધે તો પેટ્રોલની કિંમત વધે પણ ઘટે તો...?

પેટ્રોલનો ભાવવધારો કરતાં સરકાર હંમેશાં બહાનું કાઢતી આવી છે કે આંતર્રાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી પેટ્રોલના ભાવ વધારવા પડ્યા છે પણ આ વાસ્તવિકતા નથી, કારણ કે જ્યારે જ્યારે આંતર્રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છે ત્યારે ત્યારે સરકારે પેટ્રોલનો ભાવ વધાર્યો છે, પણ આંતર્રાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલનો ભાવ ઘટતાં તેણે પેટ્રોલનો ભાવ ઘટાડ્યો નથી, પણ વધાર્યો જ છે. ઉદાહરણ તરીકે જોઈએ તો ભારતનાં પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં જ પેટ્રોલના ભાવવધારાની શક્યતા કેન્દ્ર સરકારે દર્શાવી હતી, ત્યારે આંતર્રાષ્ટ્રીય બજારમાં બેરલ દીઠ ક્રૂડ ઓઇલનો ભાવ 114 ડાલર હતો. હવે ચૂંટણીના પરિણામ બાદ પેટ્રોલનો ભાવ વધી ગયો છે. હાલ બેરલ દીઠ ક્રૂડ ઓઇલનો ભાવ માત્ર 99 ડાલર જ છે, તેમ છતાં ભાવવધારો થયો છે. એવી જ રીતે જ્યારે પેટ્રોલનો ભાવ 50 ‚પિયા હતો ત્યારે આંતર્રાષ્ટ્રીય બજારમાં ક્રુડ ઓઇલનો બેરલ દીઠ ભાવ 150 ડાલર હતો. આજે આ ભાવ 99 ડાલર છે છતાં પેટ્રોલની કિંમત 67 ‚પિયા છે.
બીજું, અન્ય દેશોમાં એક્સાઈઝ જથ્થા ઉપર લેવાય છે, આપણે ત્યાં બજાર ભાવ મુજબ લેવાય છે. તે ભાવ સાથે કર વધે છે.
પેટ્રોલ પર ટેક્ષ વસૂલવામાં ભારત નંબર વન

સરકાર કહે છે કે તેલ કંપ્નીઓ ભાવ વધારવા સ્વતંત્ર છે. પણ પેટ્રોલનો ભાવ પાંચ રાજ્યોની ચૂંટણીનાં પરિણામ આવ્યા બાદ વધ્યો છે એટલે ક્યાંક ને ક્યાંક એ કહેવાતી સ્વતંત્ર કંપ્નીઓ પણ સરકારના હાથની કઠપૂતળી જ છે. કંપ્નીઓને ભાવવધારો જોઈએ છે, અને ભાવવધારાથી જે ટેક્ષમાં વધારો થાય એ ટેક્ષ સરકારને જોઈએ છે. બસ આ જ છે ગણિત. સરકારને માત્ર ને માત્ર તેના ટેક્ષની જ પડી છે. હાલ વિશ્ર્વમાં ભારત જ પેટ્રોલની કિંમત પર સૌથી વધારે ટેક્ષ લે છે. ભારત તેના નાગરિકો પાસેથી 52 ટકા ટેક્ષ લે છે (67 ‚પિયામાં 34 ‚પિયા ટેક્ષ). અમેરિકા 18 ટકા, કેનેડા 34 ટકા, થાઈલેન્ડ 36 ટકા, પાકિસ્તાન 39 ટકા અને જાપાન 45 ટકા ટેક્ષ લે છે. આપણી સરકારની ચાલાકી એ છે કે તે પેટ્રોલના વેચાણ પર પણ ટેક્ષ લે છે માટે આપણે બે-બે વાર ટેક્ષ ભરવો પડે છે. કાઁગ્રેસના નેતાઓ હંમેશા ખાનગી રીતે રિપોર્ટરોને કહેતા હોય છે કે વિરોધ પક્ષો આંદોલન કરી નાટક જ કરી રહી છે ને! તેમની સરકાર જ્યાં જ્યાં હોય ત્યાં પેટ્રોલ પર બધો ટેક્ષ માફ કરી તે પેટ્રોલ સસ્તું કરી શકે છે પણ તે આવું કરતી નથી. પરંતુ આ દલીલથી તો કેન્દ્ર રાજ્યો ઉપર જવાબદારી ઢોળીને છટકવા માગે છે. રાજ્યનો વેટ 14% લેખે ‚. 11.12 જેટલો થાય છે, પણ કેન્દ્રને રૂ. 22.88 મળે છે. રાજ્ય 10% વેટ ઘટાડે તો પણ માંડ એકાદ ‚પિયાનો ફરક પડે. હકીકતમાં કેન્દ્ર એક પૈસો પણ છોડવા માગતું નથી.

લાભ સરકારનો, નુકસાન નાગરિકનું

ભારતમાં પેટ્રોલિયમ સેક્ટર પર પ્રભાવ હંમેશાં સરકારી ક્ષેત્રનો જ રહ્યો છે. હા, એકાદ-બે કંપ્નીઓ ખાનગી છે. પણ દબદબો સરકારી ક્ષેત્રનો જ છે. ઓએનજીસી, ઓઇલ ઇન્ડિયા લિમિટેડ, ઇન્ડિયા ઓઇલ કોર્પોરેશન અને ગસ ઇન્ડિયા લિમિટેડ કાચું તેલ (કચ્ચા તેલ) અને ગેસનું ઘરેલુ ઉત્પાદન કરે છે. આ ઉપરાંત ભારત પેટ્રોલિયમ, હિન્દુસ્તાન પેટ્રોલિયમ જેવી કેટલીક કંપ્નીઓ શોધખોળ અને વિતરણનું કાર્ય કરે છે. ખાનગી ક્ષેત્રમાં રિલાયન્સ પેટ્રોકેમિકલ્સ તેલ અને ગેસના ઉત્પાદન, સંશોધન અને વિતરણનું કામ કરે છે. આમાંથી મોટા ભાગની કંપ્નીઓ સરકારી છે. ભારતને દરરોજ 30 લાખ બેરલ ક્રૂડ ઓઇલની જ‚ર પડે છે, જેમાંથી 9 લાખ બેરલ રોજનું આપણું ઉત્પાદન છે. બાકીનું ક્રૂડ ઓઇલ આપણે આયાત કરવું પડે છે, જે આપણે સાઉદી અરબ અને ઈરાન જેવા દેશોમાંથી ખરીદીએ છીએ. કહેવાય છે કે આટલા ભાવ વધારા છતાં પેટ્રોલિયમ કંપ્નીઓ નુકસાની વેઠીને આપણને પેટ્રોલ આપી રહી છે. આ નુકસાની કંપ્નીઓને વેઠવી ન પડે એટલે હમણાં ગયા વર્ષે જ સરકારે આ કંપ્નીઓ 21 હજાર કરોડ ‚પિયા આપ્યા હતા. અત્યાર સુધીમાં સરકારે આ કંપ્નીઓ 41 હજાર કરોડ ‚પિયા આપ્યા છે કે જેથી આ કંપ્નીઓને બહારના દેશમાંથી પેટ્રોલ (ક્રૂડ ઓઇલ) ખરીદી શકે. તેમ છતાં આ ઓઇલ કંપ્નીઓ કહે છે કે અમને નુકસાન વેઠવું પડે છે આ કંપ્નીઓનું કહેવું છે કે વર્તમાનમાં અમે ડીઝલ પર 18 ‚પિયા, કેરોસીન પર 29 ‚પિયા, રાંધણગેસ પર 329 ‚પિયાનું નુકસાન ઉઠાવી રહ્યા છીએ. કંપ્નીઓની દલીલ છે કે આંતર્રાષ્ટ્રીય બજારમાં જે ભાવ છે તે ભાવ પણ અમને નથી મળતો. આ બધાની વચ્ચે સરકાર ફાવી રહી છે. જેટલું પેટ્રોલનું વેચાણ તેટલો જ ટેક્ષ વધુ આવે અને સરકારની તિજોરી ભરાતી રહે. નુકસાન છે તો માત્ર સામાન્ય નાગરિકને... જે રોજ પેટ્રોલનો ઉપયોગ કરે છે.

આપણું, મારું, તમારું શું?

આજના જમાનામાં પેટ્રોલનો ભાવ વધવાથી ગાડી ચલાવનારાઓને શું ફરક પડવાનો છે? એ પણ પાંચ રૂપિયામાં... આજે પણ આપણા દેશમાં 100 રૂપિયે લીટર પેટ્રોલ ખરીદી ગાડી ચલાવવાવાળા પડ્યા જ છે. આમાં સરકારનો વાંક છે, પણ આપણો પણ એટલો જ વાંક છે. અર્થશાસ્ત્રનો નિયમ છે ‘માંગ વધે તો કિંમત પણ વધે.’ આપણે પેટ્રોલની માંગ વધારી એટલે તેની કિંમત પણ વધતી ગઈ. હવે ‘માંગ ઘટાડો તો તેની કિંમત આપોઆપ ઘટી જશે’. પેટ્રોલનો બને એટલો ઓછો ઉપયોગ કરો. નાના વાહન અને જોઈએ ત્યાં જ ગાડીનો ઉપયોગ કરો... પણ ના, શાહી ઠાઠ તો આપણે કેવી રીતે બાજુમાં મૂકી શકીએ?
શેઠ, કંપ્નીના માલિક થોડી કંઈ નાની ગાડી કે સાર્વજનિક ગાડીઓમાં જાય? એના એક કિલોમીટર પાંચ લીટર પેટ્રોલ બાળતી ફુલ એસી શાહી કારમાં જ આફિસે જાય અને સરકારને જોઈએ છે પણ એટલું જ.
સરકાર તો એવું જ વિચારે છે કે આપણી સત્તા હોય ત્યાં સુધી આપણી તિજોરી ખાલી ન હોવી જોઈએ. ભલેને નાગરિકોના પૈસાથી કેમ ન ભરવી પડે? માટે સરકારની સાથે સાથે થોડું વિચારવાનું આપણે પણ છે. બોલો સાચું કે ખોટું?

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.