મમતા બેનર્જી : કંઈક અલગ છે આ મહિલાનું રાજકારણ



























મમતા બેનર્જી : કંઈક અલગ છે આ મહિલાનું રાજકારણ

ગઠબંધનની રાજનીતિમાં ન નીતિ હોય છે ન આચારસંહિતા, હોય છે તો માત્ર અને માત્ર સ્વાર્થ, મનમાની અને તાનાશાહી. મમતા બેનર્જી જે શાળામાં રાજનીતિના પાઠો ભણ્યાં હશે તેમાં રાજનીતિશાસ્ત્રના કદાચ આ જ પાઠ શીખવવામાં આવ્યા હશે

રાજકારણમાં ક્યારેય બે અને બે ચાર થતા નથી. સમય અને તકાજો જોઈ ગણતરી થાય છે. અહીં ‘અવસરવાદ’ સૌથી વધારે હોય છે, જે મમતા બેનર્જીએ બખૂબી સમજ્યાં છે. એક સમયે એનડીએ સરકારમાં મંત્રી રહેલાં મમતા આજે યુપીએ સરકારમાં રેલવેમંત્રી છે. યુપીએ સરકારમાં ઓછું ધ્યાન આપતાં મમતા બેનર્જીની નજર હંમેશાં પશ્ર્ચિમ બંગાળના મુખ્યમંત્રી પદ પર વધુ રહી છે, જેનું પરિણામ મમતા બેનર્જીને આજે મળી પણ ગયું છે. પ. બંગાળમાં ડાબેરીઓના 34-34 વર્ષના એકહથ્થુ શાસનને મમતા બેનર્જી એકલા હાથે યેનકેન પ્રકારેણ જડમૂળથી ઉખાડી નાખ્યું છે. એક સમયે જ્યાં વિપક્ષ તરીકે પણ પૂરતી સીટો નહોતી મળતી ત્યાં મમતા બેનર્જીએ પોતાની સરકાર બનાવી છે, જે ખરેખર પ. બંગાળના રાજકારણમાં આવેલું એક મોટું પરિવર્તન છે.
તૃણમૂલ કાઁગ્રેસના કર્મચારીઓ માટે તે ‘દીદી’ (મોટી બહેન) છે, ડાબેરીઓ માટે તે વીફરેલી વાઘણ છે અને કાઁગ્રેસ માટે તે માથાનો દુખાવો છે. આવાં મમતા બેનર્જીનો જન્મ 5 જાન્યુઆરી, 1955માં કોલકાતાના એક મધ્યમવર્ગના પરિવારમાં થયો હતો. રાજનીતિના આ યુદ્ધમાં મમતા બેનર્જીના કોઈ ગોડફાધર નથી. રાજનીતિમાં મમતા બેનર્જીએ પોતાની જગ્યા જાતે જ બનાવી છે. ભારતીય રાજકારણમાં ઇન્દિરા ગાંધીથી લઈને સોનિયા, માયાવતી, ઉમા ભારતી, વસુંધરા રાજે, શીલા દીક્ષિત, મહેબૂબા મુફતી અને જયલલિતાનો દબદબો રહ્યો છે પણ મમતા બેનર્જી આ બધી જ મહિલા રાજકારણીઓથી અલગ છે. ઇન્દિરા ગાંધી પાછળ નહેરુનો, માયાવતી પાછળ કાંશીરામનો, મહેબૂબા મુફતી પાછળ મુફતી મહોમ્મદનો હાથ રહ્યો છે, પણ મમતા બેનર્જી પાછળ કોઈ રાજકીય પુરુષનો હાથ નથી.

તે ‘તકવાદ’માં માને છે. તે ક્યારેક માઓવાદીઓને સાથ આપવા ખુલ્લેઆમ રેલીઓ કાઢે છે, સભાઓનું આયોજન કરે છે, તો ક્યારેક કેન્દ્રની પોતાની જ ગઠબંધન સરકારને ખુલ્લેઆમ જાહેરમાં વેતરી કાઢે છે. માઓવાદીઓ અને ડાબેરીઓ વચ્ચેના યુદ્ધમાં હંમેશાં મમતા બેનર્જી ફાવી જાય છે. ક્યારેક મમતા બેનર્જી નક્સલવાદી નેતાઓની હત્યાને ‘નકલી એન્કાઉન્ટર’ ગણાવીને ખુલ્લેઆમ નક્સલવાદીઓને સાથ આપે છે, તો ક્યારેક એક રેલવેમંત્રી તરીકે રેલવે પર થયેલા નક્સલવાદી હુમલાને વખોડી માઓવાદીઓનો આ અકસ્માતમાં હાથ છે તેવું વક્તવ્ય પણ આપી દે છે. જ્યાંથી ફાયદો થતો હોય એવી એક પણ તક મમતા બેનર્જી છોડવા માગતાં નથી. ‘તકવાદી નીતિ’માં ડાબેરીઓના રેડ કોર્નરમાં મમતા એકલા હાથે લડ્યાં. કદાચ તેનું જ પરિણામ આજે મોટી જીતના ‚પે મળ્યું છે. નંદીગ્રામના સંઘર્ષ વખતે મમતાને માઓવાદીઓનો ખુલ્લો ટેકો હતો. મમતા બેનર્જી અને ડાબેરીઓ વચ્ચેની લડાઈમાં હંમેશાં માઓવાદીઓએ મમતાને મદદ કરી જ છે. એવું કહેવાય છે કે માઓવાદીનું સમર્થન મમતા બેનર્જીની સાથે જ છે.

મમતા બેનર્જી રાજકારણી હોવાની સાથે સાથે એક કલાકાર પણ છે. સાદગી તેમનું આભૂષણ છે. હમણાં જ મમતા બેનર્જીનાં 100 જેટલાં પેઇન્ટિંગ દોઢ કરોડમાં વેચાયાં હતાં. એક મધ્યમવર્ગમાં અનેક અભાવો વચ્ચે જન્મેલાં અને ઊછરેલાં મમતા બેનર્જી પાસે ‚પિયા છે પણ તે સાદગી છોડવા તૈયાર નથી. આજે પણ તે મોંઘા કપડાં પહેરવામાં માનતાં નથી. 100 ‚પિયાવાળી સાદી સાડી, પગમાં હવાઈ ચપ્પલ (સ્લીપર) અને ખભે એક લાંબો કાપડનો થેલો (જોડો) તેમની ઓળખ છે. તે આજે પણ એક નાનકડા મકાનમાં લોકોની વચ્ચે રહે છે.
અભ્યાસમાં મમતા બેનર્જીએ જોગેશચંદ્ર ચૌધરી લા કાલેજમાંથી એલએલ.બી. કર્યું છે. આ ઉપરાંત મમતા બી.એ., એમ.એ. અને બી.એડ. પણ થયેલાં છે. મમતા તૃણમૂલ કાઁગ્રેસનાં અધ્યક્ષ છે. તે હંમેશાં પોતાના તામસી મિજાજને કારણે ઓળખાતાં રહ્યાં છે. પોતાની રાજકીય કેરિયરની શ‚આત મમતાએ ‘કાઁગ્રેસ’ પાર્ટીમાં જોડાઈને કરી હતી.
મમતા પહેલી વાર 1984માં, ફક્ત 29 વર્ષની ઉંમરે પ. બંગાળના જાદવપુરમાંથી પૂર્વ લોકસભા અધ્યક્ષ સોમનાથ ચેટર્જીને હરાવીને સંસદમાં પહોંચ્યાં હતાં. 1991માં નરસિંહરાવની સરકારમાં તે મંત્રી હતાં. 1993 સુધી આ મંત્રીપદ પર રહ્યાં. ત્યાર બાદ 1997માં મમતાએ કાઁગ્રેસ પાર્ટીને તિલાંજલિ આપી પોતાના પક્ષ ‘તૃણમૂલ કાઁગ્રેસ’ની સ્થાપ્ના કરી. ટૂંક સમયમાં જ પ. બંગાળમાં તૃણમૂલ કાઁગ્રેસ વિપક્ષની ભૂમિકામાં આવી ગઈ. 1999માં મમતા બેનર્જી એનડીએની સરકારમાં રેલવેમંત્રી બન્યાં, ત્યાર બાદ હાલ તે યુપીએ સરકારમાં પણ રેલવેમંત્રી છે. હવે પ. બંગાળમાં મમતા છવાઈ ગયાં છે. પહેલાં લોકસભાની ચૂંટણીમાં, પછી પંચાયતની ચૂંટણીમાં મમતાના તૃણમૂલનું ફૂલ અદ્ભુત રીતે ખીલ્યું. હવે તે પ. બંગાળનાં મુખ્યમંત્રી પદે બિરાજશે, અને ત્યારે જ સાચી કસોટી શરૂ થશે.


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.