
સફળતાનો એક જ વિકલ્પ : સખત પરિશ્રમ
કહેવાય છે કે દેશને આઈ.એસ.એ. અધિકારીઓ ચલાવે છે. નેતાઓના સુંદર વિચારોની પાછળ આપણા આઈ.એસ.એ. ભાઈઓનું ભેજું હોય છે. હમણાં તાજેતરમાં જ યુ.પી.એસ.સી. (યુનિયન પબ્લિક સર્વિસ કમિશન)ની 2010માં લેવાયેલી પરીક્ષાનું પરિણામ જાહેર થયું. ગુજરાત સહિત દેશનાં અનેક રાજ્યોના તેજસ્વી વિદ્યાર્થીઓ તેમાં ચમક્યા, પણ મહત્ત્વની અને પ્રેરણાદાયક બાબત એ છે કે યુ.પી.એસ.સી.ની આ પરીક્ષામાં સમગ્ર દેશમાં પહેલા અને બીજા સ્થાને બે છોકરીઓ આવી છે. ચેન્નઈની સ્નાતક દિવ્યદર્શિની પ્રથમ સ્થાને અને હૈદરાબાદની કમ્પ્યૂટર એન્જિનિયર શ્ર્વેતા મોહંતી બીજા નંબરે આવી છે. માત્ર આટલું જ નહિ, મધ્યપ્રદેશ, કર્ણાટક જેવાં રાજ્યોમાં પણ છોકરીઓ જ અવ્વલ આવી છે. યુ.પી.એસ.સી.ની આ પરીક્ષામાં કુલ પાસ થયેલા વિદ્યાર્થીઓમાં 717 પુરુષ અને 203 મહિલાઓ છે. પ્રતિભા પાટિલ આપણા રાષ્ટ્રપતિ છે. માયાવતી, જયલલિતા, મમતા બેનર્જી રાજ્યોના મુખ્યમંત્રી છે.
કિરણ બેદી જેવી નિષ્પક્ષ પોલીસ અધિકારી પણ છે. આપણા દેશમાં હવે મહિલાઓ આગળ આવી રહી છે. એક મા, બેટી, પત્ની તરીકેની ભૂમિકા અદા કર્યા પછી પણ તે આટલી આગળ આવી રહી છે જે ખરેખર સમાજની અન્ય મહિલાઓ માટે પ્રેરણાદાયક છે.
બીજી પ્રેરણાદાયક બાબત એ ગણાવી શકાય કે આ પરીક્ષામાં અનેક ગરીબ ઘરના વિદ્યાર્થીઓ પણ તનતોડ મહેનત કરીને સફળ થયા છે. પહેલાં આ પરીક્ષામાં મોટાં મોટાં શહેરોના ધનવાન વિદ્યાર્થીઓ જ અનેક સુવિધાઓ મેળવી સફળ થતા હતા, પણ હવે આ રિવાજમાં પરિવર્તન આવ્યું છે.
હવે ગ્રામીણ વર્ગથી લઈને મધ્યમવર્ગીય સમાજ કે કુટુંબનો યુવાન પણ સફળ થઈ રહ્યો છે. ગુજરાતની જ વાત કરીએ તો યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં રાજ્યના નવ વિદ્યાર્થીઓ ઝળક્યા છે, જેમાં હિતેશ જોયસર 116મો રેન્ક મેળવી ગુજરાતમાં પ્રથમ સ્થાને આવ્યો છે. હિતેશ એક સાવ સામાન્ય ખેડૂત પરિવારનો દીકરો છે અને ગુજરાતના ગુંન્ધાતડ નામના એક નાનકડા ગામમાં રહે છે. એ જ રીતે ધ્રુમન નિમ્બાલેની વાત કરીએ તો ધ્રુમલ હાલ નોકરી કરી રહ્યો છે. દાહોદના પછાત વિસ્તારમાં તે રહે છે. પરિવારના લોકોને યુ.પી.એસ.સી.ની પરીક્ષા વિશે કંઈ પણ ખ્યાલ નથી. ધ્રુમલને માર્ગદર્શન આપ્નારું પણ કોઈ નહોતું, પણ તેમ છતાં તેની સખત મહેનતે તેને સફળતા અપાવી છે.
બીજી મહત્ત્વની બાબત એ છે કે જમ્મુ-કાશ્મીર જેવા રાજ્યમાંથી પણ છ જેટલા વિદ્યાર્થીઓ યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળ થયા છે. ગયા વર્ષે કાશ્મીરી યુવાન ફૈસલ શાહ સિવિલ સર્વિસની આ પરીક્ષામાં દેશમાં પ્રથમ આવ્યો હતો. જમ્મુ-કાશ્મીર જેવા સંવેદનશીલ વિસ્તારમાંથી પણ હવે યુવાનો કેન્દ્રની સેવાઓમાં જોડાઈ રહ્યા છે જે ખરેખર મહત્ત્વની બાબત ગણાવી શકાય.
યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળ થયેલ આશિષ ભારતી અને પ્રવીણ કુમારની સફળતા પણ પ્રેરણાદાયી છે. આશિષ ભારતીનો પરીક્ષામાં 331મો રેન્ક આવ્યો છે, જ્યારે પ્રવીણ કુમારનો 882મો રેન્ક આવ્યો છે. પ્રવીણના પિતાને કબાડીની દુકાન છે, તેના પિતા આ દુકાનમાં જૂનો સામાન રિપેર કરવાનું કામ કરે છે તથા આશિષના પિતાની ચોપડી વેચવાની એક નાનકડી દુકાન છે.
કહેવાય છે ને કે
‘‘કૌન કહેતા હૈ કે આસમાન મેં છેદ નહિ હોતા
એક પથ્થર તો તબિયત સે ઉછાલો યારોં.’’
હાલાત, સમય ગમે તેવો હોય પણ જો મનમાં જુસ્સો, કંઈક કરી બતાવવાનો વિચાર, સખત મહેનત હોય તો માનવી કંઈ પણ કરી શકે છે. યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળ થયેલા વિદ્યાર્થીઓએ આ કરી બતાવ્યું છે. તેમને અભિનંદન.
point to noted....
ગુજરાતના નવ યુવાનો યુ.પી.એસ.સી.ની પરીક્ષામાં સફળ થયા છે. હિતેશકુમાર જોયસર, મનિષ અજુડિયા, સુજલ મયાત્રા, પૂજા પારેખ, હિના કેવલરામણી, ધ્રુમન નિમ્બાવે, વીનિત રાઠોડ, હર્ષદ વાણિયા અને પૃથ્વીરાજ મેણાને અભિનંદન.