કોણ છે આ જેરોનિમો? ઓપરેશન જેરોનિમો | operation geronimo





Operation geronimo and Geronimo

પાકિસ્તાનમાં અમેરિકી સૈનિકોએ અલ કાયદાના વડા ઓસામા બિન લાદેનને ઠાર માર્યા બાદ, અમેરિકી પ્રમુખ ઓબામાને ‘જેરોનિમો ઈ-કેઆઈએ’ નામનો કોડ મેસેજ મોકલીને જાણ કરવામાં આવી હતી. જેરોનિમો ઈ-કેઆઈએ મેસેજમાં ઈ-કેઆઈએનો મતલબ ‘એનિમી કિલ્ડ ઇન એક્શન’ (કાર્યવાહીમાં દુશ્મન માર્યો ગયો) એવો થાય છે.

આ કોડમાં ‘જેરોનિમો’ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તમે જાણો છો જેરોનિમો કોણ હતો? જેરોનિમોનો એક ઇતિહાસ છે.

1492માં ક્રિસ્ટોફર કોલંબસ હિન્દુસ્થાનની શોધ કરવા નીકળ્યો અને તેણે અમેરિકાની શોધ કરી નાખી. કોલંબસને એમ કે એણે હિન્દુસ્થાનની શોધ કરી લીધી છે પણ હકીકતમાં તેણે એક નવા ખંડની શોધ કરી હતી. આનો ખુલાસો ત્યારે થયો જ્યારે 1498માં અમેરિગો નામનો યાત્રી ફરી પ્રવાસે નીકળ્યો અને એણે કહ્યું કે આ હિન્દુસ્થાન નથી. આ તો કોઈ બીજો દેશ છે અને અમેરિગોના નામ ઉપરથી અમેરિકા નામ પડ્યું. અમેરિકાની શોધ પછી સ્પેનીશ, અંગ્રેજ, આયરિશ, ઇતાલવી, પુર્તગાલી, ફ્રાંસીસ, જર્મન જેવી 14 જેટલી યુરોપીય મૂળની પ્રજા પોતાના ધર્મને કોઈના પણ ત્રાસ વિના પાળી શકે તે માટે અમેરિકામાં જઈને વસી. આ ગોરી પ્રજાઓ અમેરિકાના સ્થાનિક લોકો (રેડ ઇન્ડિયન, આદિવાસી)ને અસહ્ય ત્રાસ આપી તેમને જંગલના વિસ્તારોમાં રહેવા પર મજબૂર કરી દીધા. આ સમયે ગોરી પ્રજા અને આદિવાસી પ્રજા વચ્ચે અનેક સંઘર્ષો પણ થયા. આ સંઘર્ષમાં આદિવાસીઓના એક ખુંખાર યોદ્ધાએ ભારે સંઘર્ષ કર્યો, આ યોદ્ધાનું નામ છે અપાચે જેરોનિમો.

એક વિશ્ર્લેષકે એક વાર ઓસામા બિન લાદેનને 21મી સદીનો જેરોનિમો કહ્યો હતો. આ કોડ નેમ પાછળ આ વિચાર પણ હોઈ શકે. જોકે વાસ્તવમાં જેરોનિમો 19મી સદીના મૂળ અમેરિકન અર્થાત્ રેડ ઇન્ડિયન નેતાનું નામ છે. તેણે અપાચે આદિજાતિની જમીનનો વિસ્તાર વધારવા માટે ઘણા લાંબા સમય સુધી મેક્સિકો તેમજ યુનાઇટેડ સ્ટેટ્સ વિરુદ્ધ લડત આપી હતી. જેરોનિમોને શોધી કાઢવા 1885માં થયેલી મેનહન્ટમાં હજારો સૈનિકોની મદદ લેવામાં આવી હતી. ઓસામાને ગોતવા પણ હજારો સૈનિકો કામે લાગ્યા જ હતા ને! 1886ના સપ્ટેમ્બર મહિનામાં જેરોનિમોએ સામે ચાલીને આત્મસમર્પણ કર્યું હતું. જેરોનિમોની લડાઈને યુએસ વહીવટીતંત્ર દ્વારા ત્રાસવાદી કૃત્ય ગણાવાયું હતું. તે 79 વર્ષ જીવ્યો હતો અને 17 ફેબ્રુઆરી, 1909માં તેનું મૃત્યુ થયું હતું. જેરોનિમોનો જન્મ 16 જૂન, 1829માં હાલના ન્યુ મેક્સિકોમાં થયો હતો. અમેરિકાની મૂળ વતની, અપાચે જનજાતિનો તે નેતા હતો.

તેણે સ્પેન અને અમેરિકાની સંસ્થાનવાદી નીતિઓનો વિરોધ કર્યો હતો. આ વિરોધ બાદ જેરોનિમો એક તોફાની યુવાન તરીકે અમેરિકાના દરેક અધિકારીઓની જીભે ચડી ગયો.

ગોરા અમેરિકનોનો વિરોધ જેરોનિમોએ કર્યો હતો, તેથી ઘણા ઇતિહાસકારોએ જેરોનિમોના જીવનનું ચિત્રણ ખૂબ જ હમદર્દી સાથે કર્યું છે.

પણ છતાં ચોંકાવનારી વાત એ છે કે આજે પણ અમેરિકન સૈન્યની બે ટુકડીનું નામ જેરોનિમોના નામ પરથી રાખવામાં આવ્યું છે. આટલું ઓછું હોય તેમ પરેશૂટ દ્વારા વિમાનમાંથી છલાંગ લગાવતાં પહેલાં અમેરિકન સૈનિકો જોરથી જેરોનિમોનું નામ લે છે. કોઈ બાળક બહાદુરીવાળું કામ કરે તો તે જેરોનિમોનું નામ લઈ મોટેથી બૂમો પાડે છે. આજે પણ ઇરાક અને અફઘાનિસ્તાનમાં સક્રિય અમેરિકન સૈન્યની ટુકડીએ પોતાનું ઉપ્નામ જેરોનિમો રાખ્યું છે. જેરોનિમોની કબર ઓકલાહામાના ફોર્ટ સિલમાં છે. તેને ત્યાં દાટવામાં આવ્યો હતો. જેરોનિમોના વંશજોનું કહેવું છે કે તેનું ઘર ન્યુ મેક્સિકોમાં હતું. માટે ન્યુ મેક્સિકોમાં જેરોનિમોને દાટવો જોઈએ. જ્યાં સુધી જેરોનિમોને યોગ્ય અને સાચી રીતે દફનાવવામાં નહિ આવે ત્યાં સુધી તેનો આત્મા ભટકતો રહેશે...
અમેરિકનો માટે તે હીરો છે કે ત્રાસવાદી એ સમજાતું નથી. કેટલાક લોકો તેને બહાદુર ગણે છે, કેટલાક લોકો તેને વિદ્રોહી ગણે છે પણ અમેરિકન સરકાર તેને લાદેન સાથે સરખાવી રહી છે. હાલ અમેરિકાની ત્રાસવાદ વિરોધી લડત અફઘાનિસ્તાનમાં ચાલુ જ છે. (હવે ઓસામાના મૃત્યુ બાદ તે ચાલુ રહેશે કે બંધ તે ખબર નહિ?!) અફઘાનિસ્તાનના પહાડો અને ગુફાઓને અમેરિકાના સિએરા મેડ્રે પર્વતમાળા સાથે સરખાવવામાં આવે છે.
અફઘાનિસ્તાનની પર્વતમાળામાં ઓસામા બિન લાદેનની શોધખોળ થઈ રહી હતી એ જ રીતે અમેરિકાની સિએરા મેડ્રે પર્વતમાળામાં જેરોનિમોની શોધખોળ થઈ હતી. અફઘાનિસ્તાનમાં જ્યારે ઓસામાની શોધ થઈ રહી હતી ત્યારે 2001માં અમેરિકાના એક રિટાયર્ડ મરીન કર્નલ એલન મિલેટે કહ્યું હતું કે - આ જેરોનિમો પર મિસાઈલ છોડવા જેવું છે. આ રીતે વાસ્તવમાં મૂળભૂત અમેરિકન જેરોનિમોના સંઘર્ષને ગોરાઓનું વર્તમાન અમેરિકા હજી પણ ભૂલ્યું નથી.

જેરોનિમો અમેરિકાની અપાચે જનજાતિનો હીરો છે. ઓસામાને મારવા અમેરિકાએ જેરોનિમો ઈ-કેઆઈએ કોડ રાખ્યો હતો. લાદેનને જેરોનિમો સાથે સરખાવવાથી અપાચે પ્રજા અમેરિકાથી સખત નારાજ થઈ છે અને અમેરિકાને આ બદલ માફી માગવા પણ કહ્યું છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.