કલીયુગના ‘દશરથ’ અને સુગ્રીવનું ‘સતયુગી કાર્ય’
વિચારો, તમને કોઈ કહે કે તમારે એકલા હાથે ‘માત્ર પાવડો અને કોદાળી’ લઈ એક પર્વતને ચીરી તેમાંથી રસ્તો કાઢવાનો છે... અથવા તમને કોઈ કહે કે તમારે પર્વતીય વિસ્તારમાં એકલા હાથે માત્ર પાવડો અને કોદાળી લઈ તળાવ ખોદવાનું છે.... તો? આવા શેખચલ્લી જેવા વિચારો હસી કઢાય. પણ આવા શેખચલ્લીના વિચારો જેવા લાગતા વિચારોને કોઈએ પૂરા કરી બતાવ્યા હોય તો? જી હા! બિહારના એક નાનકડા ગામના બે મહામાનવોએ આ બંને કામ કરી બતાવ્યાં છે. આ ધરતીપુત્રોએ કુદરત સામે જંગ છેડી માનવની સગવડ વધારી આપી છે.
માઉન્ટમેન - દશરથ માઝી
આશરે પચાસેક વર્ષ પહેલાંની એક નાનકડી ઘટના છે. બિહારનું ગયા નામનું નાનકડું ગામ, પણ ગામ દુનિયાથી થોડુ વિખૂટું પડેલું કહી શકાય. એ ગામથી બીજા ગામ કે મુખ્ય રસ્તા પર જવા માટે એક પણ રસ્તો નહોતો. ગેહલોર નામનો એક પર્વત ગામને વિખૂટું પાડતો છાતી કાઢીને ઊભેલો. ગામના કોઈ પણ વ્યક્તિએ ગામની બહાર જવું હોય તો આ પર્વત પરના એક સાંકડા અને અતિશય જોખમી રસ્તા પર થઈને પસાર થવું પડતું.
આ મોતના ઓથાર નીચે પણ એક સ્ત્રી રોજ એના પતિ માટે ભાથું લઈને આ સાંકડા રસ્તા પરથી પસાર થતી. તેનો પતિ દશરથ માઝી રોજ જંગલમાં લાકડાં કાપવા જાય અને પત્ની રોજ બપોરે જંગલમાં એને ભાથું આપવા જાય. પણ એક ગોઝારા દિવસે દશરથની પત્ની ભાથું લઈને આ પર્વત પરથી પસાર થઈ રહી હતી અને અચાનક તેનો પગ લપસ્યો. દશરથની વ્હાલી પત્નીનું મૃત્યુ થયું. દશરથને ખૂબ દુ:ખ થયું. જ્યારે જ્યારે દશરથ પેલા ભયાનક પર્વતને જોતો ત્યારે ત્યારે તેને તેની પત્નીનું મોત યાદ આવતું અને એને પર્વતને ઉખાડીને ફેંકી દેવાનું મન થતું. દશરથની પત્નીના મૃત્યુ બાદ ગામના વ્યક્તિઓ સાથે પણ આવા બે-ત્રણ બનાવ બન્યા. બસ! દશરથને લાગી આવ્યું. એણે નક્કી કરી લીધું કે હવે આ પર્વત પરથી લપસીને કોઈ નહીં મરે. એ પર્વતની છાતી ચીરી રસ્તો કાઢશે. માત્ર છીણી, હથોડી અને નાનકડો પાવડો લઈ એ મોટા પહાડને ચીરવા મંડી પડ્યો. શરૂઆતમાં ગામના લોકોએ પણ તેને મૂર્ખ કહ્યો, ‘ચલા ચૂહા પર્બત ખોદને’ જેવાં મહેણાં પણ માર્યાં પણ દશરથને તેના લક્ષ્યની ખબર હતી. તે કામ કરતો રહ્યો. સતત 22 વર્ષ સુધી તેણે પર્વતને ખોદવાનું કામ કર્યું. અંતે પર્વત પીગળી ગયો. દશરથે 22 વર્ષની તપસ્યા બાદ પર્વતમાંથી એકલા હાથે રસ્તો કાઢી ગામને બાકીની દુનિયા સાથે જોડી દીધું. દશરથે એકલા હાથે 360 ફૂટ લાંબી, 25 ફૂટ ઊંચી અને 30 ફૂટ પહોળી ટનલ ખોદી નાખી. દશરથના આ કામથી તેના ગામ અને મુખ્ય રસ્તા વચ્ચેનું અંતર 50 કિ.મી.થી ઘટીને માત્ર દસ કિ.મી.નું થઈ ગયું. બસ, ત્યારથી દશરથ ગામલોકોનો ‘માઉન્ટમેન’ બની ગયો.
પર્વત ખોદીને પાણી કાઢ્યું સુગ્રીવે
માઉન્ટમેન દશરથ માઝીએ પર્વતની છાતી ચીરીને તેમાંથી રસ્તો કાઢ્યો, તો તેમાંથી જ પ્રેરણા લઈ સુગ્રીવ રાજવંશીએ એકલા હાથે ધરતીને ઓગાળી પાણી કાઢી બતાવ્યું છે. પ્રકૃતિને પડકાર આપ્નારા આ બંને ભડવીરો એક જ ગામના છે. કલયુગના સુગ્રીવે એકલા હાથે તેના મહોલ્લાના લોકોને પાણી મળે તે માટે તળાવ ખોદી પાણી કાઢી બતાવ્યું છે. સુગ્રીવ રાજવંશીએ બે વર્ષની સખત મહેનતથી 130 ફૂટ લાંબું અને 50 ફૂટ પહોળું તળાવ ખોદી પાણી કાઢી બતાવ્યું છે.
અહીં મહત્ત્વની બાબત એ છે કે ગયા જિલ્લાના પ્રખંડની ચકરા પંચાયતના રંગપુર ચંદ્રશેખર નગર નામના ગામમાં લગભગ 300 પરિવાર રહે છે.
પર્વતીય વિસ્તારમાં પહાડોની વચ્ચે રહેલા આ પરિવારો માટે સૌથી મોટી મુશ્કેલી પાણી મેળવવાની હતી. આ સમસ્યા દૂર કરવાના ઉપાયો ત્યાંની સરકાર કે અધિકારીઓ પણ ગોતી શક્યા નહિ, પણ સુગ્રીવે સમસ્યાનું નિવારણ લાવી આ અધિકારીઓ અને સરકારને આયનો બતાવ્યો છે. ગામના લોકો માટે પાણી લાવવા આ મહત્ત્વાકાંક્ષી યુવકે એકલા હાથે તળાવ ખોદવાની શરૂઆત કરી હતી. બે વર્ષમાં કોઈની મદદ ન હોવા છતાં તેણે તેનું નિ:સ્વાર્થ કામ પૂર્ણ કર્યું. પહાડી જમીનને ખોદી પાણી કાઢવું એ નાની વાત ન કહેવાય. સુગ્રીવનું કહેવું છે કે જમીન પથરાળ હોવાથી ઘણી વાર હતાથ થઈ જતો પણ મેં હાર ન માની. સુગ્રીવનું કહેવું છે કે ગામને પાણી મળે તે માટે પથ્થરવાળી જમીનમાં તળાવ ખોદવાની પ્રેરણા મને માઉન્ટમેન દશરથ માઝીમાંથી મળી છે. તેઓ પર્વત ખોદી શકે તો હું જમીન ન ખોદી શકું? સુગ્રીવનું કહેવું છે કે દશરથ માઝીની જેમ મારી પણ શરૂઆતમાં લોકોએ મજાક ઉડાવી હતી. હવે તે મારી વાહ-વાહ કરે છે. મેં આ તળાવનું નામ પ્રભાત રાખ્યું છે, કારણ કે તળાવનું ખોદકામ મેં સવારે વહેલા ઊઠીને જ વધારે કર્યું છે.
માઉન્ટમેન દશરથ માઝી અને સુગ્રીવ રાજવંશી હાલ ગામના હીરો છે. અહીં પ્રેરણા લેવા જેવી બાબત એ છે કે લક્ષ્ય મેળવવું ગમે તેટલું મુશ્કેલ હોય પણ કાળા માથાનો માનવી જો ઇચ્છે તો તેના માટે કશું જ અશક્ય નથી. કહેવાય છે ને કે અવરેસ્ટ ચઢવાની શરૂઆત પણ એક નાનકડા પગલાથી જ થાય છે. બિહાર જેવા રાજ્યના ગયા જિલ્લાના એક નાનકડા ગામના બે પ્રજાહિતપ્રેમી યુવકોએ આ કરી બતાવ્યું છે.