
તેરે બિન લાદેન...
પતિ : અલી જો! અમેરિકામાં વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર કોઈએ હુમલો કર્યો છે.
ચેનલવાળા કહે છે કે હુમલામાં ઓસામા બિન લાદેનનો હાથ છે.
પત્ની : (રસોડામાંથી લોટ બાંધતાં બાધતાં બહાર આવીને!)
જોયું, એક સ્ત્રીમાં કેટલી શક્તિ હોય છે?
અમારી ઉષાબેને એકલા હાથે અમેરિકાને હચમચાવી નાખ્યું.
પતિ : કયાં ઉષાબહેન?
પત્ની : આ વર્લ્ડ ટ્રેડ સેન્ડરને ઉડાવનારાં. ઉષાબેન લાદેન, બીજું કોણ?
પત્ની : (માથું ખંજવાળી)
અરે! એ ઉષાબેન લાદેન નથી, ઓસામા બિન લાદેન છે.
***
વર્લ્ડ ટ્રેડ સેન્ટરના હુમલા બાદનો આ તાજો જોક હતો. હવે ઉષાબેન... સારી, ઓસામા બિન લાદેન ગુજરી ચૂક્યો છે. લાદેન અમેરિકાના 9/11ના હુમલા બાદ ટેરર સિમ્બોલ બની ગયો હતો. ભારતના તો ખરા જ, વિશ્ર્વના ટેણિયાઓ પણ તેને નામથી ને દાઢીથી ઓળખે જ! લાદેનની ઓળખથી તેના પર હમણાં એક પિક્ચર પણ બન્યું હતું. તેરે બિન લાદેન... (હવે સાર્થક કહી શકાય) જો આ પિક્ચર જોયું હોય તો આ કાલ્પનિક કથા અને લાદેનના અંતિમ સ્થાનનો તાળો મેળવી જુઓ... કાલ્પનિક કથા સાચી પડી... આ પિક્ચરમાં લાદેનને પાકિસ્તાનમાં બતાવવામાં આવ્યો છે.
લાદેનના મૃત્યુના સમાચાર ઓબામાએ જાહેર કર્યા પછી વિશ્ર્વમાં એક અદ્ભુત શાંતિ ફેલાઈ ગઈ (મીડિયા સિવાય), આ શાંતિ ભયની હતી કે આશ્ર્ચર્યજનક સમાચારની એ ખબર નહિ! પણ મીડિયાની શોધખોળવાળી સ્ટોરીઓ બાદ લોકો શાંતિમાંથી કોલાહલ તરફ વળ્યા. અમેરિકામાં તો લોકોએ રીતસર ઉજવણી કરી, (જેવી આપણે વર્લ્ડ કપ જીત્યા ત્યારે હતી) પણ હકીકત એ છે કે લાદેનનું મૃત્યુ આજે પણ રહસ્યમય જ છે. લાદેનનો અંતિમ ફોટો દુનિયા સામે આવ્યો નથી! હા, મીડિયાએ કોશિશ જરૂર કરી હતી પણ તે ફોટો નકલી નીકળ્યો.
આમ તો લાદેનના મૃત્યુ બાદ તેના અનેક સમાચારો ન્યૂઝ ચેનલ્સમાં, છાપાંઓમાં આવ્યા. હવે અહીં તેમની ડિટેઇલ્સ કહેવાની જરૂર નથી. પણ લાદેનના ગયા પછી કેટલાક અદ્ભુત, કુતૂહલ પેદા કરે તેવા કિસ્સાઓ, ઘટનાઓ, સમાચારો આપણી સમક્ષ આવ્યા. લાદેન જીવતો છે, અમેરિકા કંઈક છુપાવે છે, લાદેનને દરિયામાં દાટી દેવાયો... વગેરે વગેરે જેવી અનેક ચર્ચાઓ હાલ થઈ રહી છે. મીડિયામાં જોઈ, સાંભળી આપણે પણ આ ચર્ચા કરવા લાગ્યા છીએ. પણ વાસ્તવિકતા એ છે કે લાદેનના મોત વિશે મીડિયાને પણ પાક્કી ખબર નથી. ઓબામાએ કહ્યું અને આપણે સાચું માની લેવાનું! બીજું શું? હવે! લાદેનના આ સમાચાર આવ્યા બાદ મોબાઈલ, નેટ જગત, ફેસબુક, ઓરકૂટ, ટ્વીટર, બ્લોગ, વેબસાઇટ્સ પર અનેક સમાચાર, એસએમએસ, ટુચકાઓ લોકો મૂકવા લાગ્યા. લાદેન મર્યો છે કે કેમ? તેના ફોટા કેમ જાહેર ન કરાયા? તેમાં પડવાને બદલે આપણે આવા કેટલાક મુદ્દાઓ (જે રસપ્રદ ગણાવી શકાય), ટુચકાઓ, એસએમએસ જોઈએ.
એસએમએસની લાદેન દુનિયા!
નેટજગતના કારણે આપણું જગત બહુ ફાસ્ટ થઈ ગયું છે. વિશ્ર્વમાં કોઈ પણ ઘટના બને એટલે તેના જોક્સ (એ પણ ક્રિયેટિવ હોં...) તરત તૈયાર થઈ જાય છે, અને પછી શું? મોબાઈલમાં, ઓરકૂટમાં, ટ્વીટરમાં તેનો મારો શરૂ થઈ જાય છે. લાદેનના મૃત્યુના સમાચાર આવ્યા બાદ પણ નેટજગતમાં કઈક આવું જ થયું. આ ટુચકાઓ રસપ્રદ, રમૂજી અને અસરકારક પણ છે, જેમ કે, એક એસએમએસ વાંચો...
America is Here....
LAden died,Sadam died,Gaddafi's son died
Indian GOveranment is Zero
Dawood alive,kasab alive,afazal alive...
છે ને જોરદાર આપણી ગવર્નમેન્ટને તમતમતો લાફો ફટકારતો એસએમએસ!
હવે પાકિસ્તાનની અને આપણી (ભારતની) સુરક્ષા પર કટાક્ષ કરતો આ બીજો એસએમએસ વાંચો.
પાકિસ્તાનમાં કોઈપણ સુરક્ષિત નથી
લાદેન પણ નહિ,
ભારતમાં દરેક લોકો સુરક્ષિત છે,
અજમલ કસાબ પણ...
ઓસામા બિન લાદેન 100 વર્ષ
જીવી શક્યો હોત...
જો તે કસાબ સાથે મુંબઈ આવી
ગયો હોત તો...
છે ને આ એસએમએસની અદ્ભુત દુનિયા.... ચાર લીટીમાં નિબંધ કે એક ચોપડી જેટલું શિક્ષણ આપણને આપી દે છે... કસાબને કેવી રીતે મહેમાન બનાવીને રખાય છે તે તો આપણે જાણીએ જ છીએ ને! આ તો ઠીક પણ આપણા ગુજરાત ઉપર પણ એક એસએમએસ આવ્યો છે વાંચો...
‘અમેરિકાના પ્રેસિડેન્ટ બરાક ઓબામા જો ગુજરાતી હોત અને ઓસામા બિન લાદેન ગુજરાતમાં ઠાર મરાયો હોત તો?!!
...તો પછી ઓબામા ઉપર પણ બોગસ એન્કાઉન્ટરનો કેસ દાખલ થયો હોત!
આ ઉપરાંત અમેરિકા અને ઓબામા પર કટાક્ષ કરતો એક ટુચકો નેટ પર મુકાયો છે, જેમાં કહેવાયું છે કે ‘ઓબામા એ એવી વ્યક્તિને ઠાર માર્યો છે કે જે ઓલરેડી નિવૃત્ત થઈ ચૂકી હતી. એટલી હદે કે ઓસામા એક ‘નિવૃત્ત જીવન’ ગાળી રહ્યો હતો, તેને મારી અમેરિકાએ કોઈ મીર માર્યો નથી.’
વર્લ્ડ કપમાં ભારત સામે હાર્યા બાદ બેકાબૂ થયેલા આફ્રિદીએ કહેલું કે પાકિસ્તાનીઓ વિશાળ હૃદયના છે. આ અંગે કટાક્ષ કરતાં ટ્વીટર પર એક પ્રતિક્રિયા આવી છે કે, ‘આફ્રિદી એકદમ સાચો છે. પાકિસ્તાનીઓએ વિશાળ હૃદય રાખીને એ વાત કબૂલવી જોઈએ કે દુનિયાનો ખૂંખાર આતંકવાદી પાકિસ્તાનમાં જ રહેતો હતો. ઓસામાને સાચવનારા ખરેખર મોટા હૃદયના જ હોવા જોઈએ ને?’
ટ્વીટર પર બીજો એક પર ક્વોટ હતો કે ઓસામાને માર્યા બાદ હવે ઓબામાએ તેના પરિવારનો લાઇફ વીમો ઉતારી લેવો જોઈએ... તે માટે તેણે વીમા કંપ્નીનો સંપર્ક કરવો જોઈએ...
આ ઉપરાંત... ‘અબોટાબાદને હવે વિશ્ર્વશાંતિના સ્થળ તરીકે વિકસાવવું જોઈએ... ભારતમાં અત્યાર સુધીમાં અસંખ્ય હુમલા થયા છે પણ એક પણ આરોપીને સજા થઈ નથી... 1993નો હુમલો હોય કે તાજ હોટલનો આતંકવાદી હુમલો હોય... દાઉદ બહાર છે ને કસાબ આપણો મહેમાન છે...’ જેવા અસંખ્ય એસએમએસ પણ ફરતા થયા છે.
લાદેન એન્કાઉન્ટરનું લાઇવ રિપોર્ટિંગ
કીધું ને! નેટજગતના કારણે આપણું જગત ખૂબ ફાસ્ટ થઈ ગયું છે. હવે બન્યું એવું કે પાકિસ્તાનમાં જ્યારે અમેરિકાના સૈનિકો રાત્રે એક વાગે લાદેનને પતાવી રહ્યા હતા ત્યારે થોડે દૂર બાજુમાં રહેતા શોએબ અથરે અજાણતાં જ ટ્વીટર પર તેનું લાઇવ રિપોર્ટિંગ કર્યું હતું.
‘રિયલી વર્ચ્યુઅલ’ના નામે ટ્વીટિંગ કરતા શોએબે રાત્રે એક વાગ્યે ટ્વીટ મૂકી કે ‘અબોટાબાદના આકાશમાં અત્યારે હેલિકોપ્ટર ઊડી રહ્યું છે અને આ ખરેખર રર ઘટના છે.’ થોડી વાર પછી એણે બારીના કાચ ધણધણી ઊઠે એવો ધડાકો સાંભળ્યો અને ભય વ્યક્ત કર્યો કે કશું અજુગતું ન બને તો સારું. પછી એણે એવું પણ લખ્યું: ‘એક નહીં બે હેલિકોપ્ટર છે અને થોડી વાર પછી બેમાંથી એક હેલિકોપ્ટરને પાડી દેવામાં આવ્યું છે.’ થોડી વાર પછી ઓસામા હણાયાના સમાચાર વહેતા થયા અને સવાર સુધીમાં તો આ શોએબ અખ્તરના ટ્વીટર એકાઉન્ટમાં હજારો ફોલોઅર્સ થઈ ગયા હતા. મીડિયા પણ એના ક્વોટ માટે પડાપડી કરવા લાગ્યું!
એબોટાબાદ : એક ભારતીય અંગ્રેજ અફસરે સ્થાપેલું!
ઓસામા જ્યાં હણાયો એ શહેર ‘એબોટાબાદ’ રાતોરાત ચર્ચામાં આવી ગયું. ઇસ્લામાબાદથી 120 કિલોમીટર ઉત્તરપૂર્વ (ઈશાન) બાજુએ આવેલું આ રળિયામણું શહેર ત્યાંની સુંદર પ્રકૃતિ, ખુશનુમા વાતાવરણ, મિલિટરી એસ્ટાબ્લિશમેન્ટ અને સારી શૈક્ષણિક સંસ્થાઓ માટે જાણીતું છે. તેની સ્થાપ્નાનાં મૂળ બ્રિટિશ ઇન્ડિયા સાથે જોડાયેલાં છે. અંગ્રેજી રાજ વખતે આર્મી આફિસર જેમ્સ એબટે પંજાબ સાથેની કડી તરીકે આ શહેરની સ્થાપ્ના કરેલી. કોલકાતાના એક વેપારીનો દીકરો જેમ્સ એબટ માત્ર સોળ વર્ષની ઉંમરે અંગ્રેજ લશ્કરમાં જોડાઈ ગયેલો. ભારતીય પોશાકમાં સજ્જ એબટનું તૈલચિત્ર પણ લંડનની નેશનલ પોટર્રેટ ગેલેરીમાં પડ્યું છે. પ્રાચીન સિલ્ક રૂટ તરફ જવાનો એક રસ્તો અહીંથી નીકળે છે અને કારાકોરમ, હિમાલય અને હિંદુકુશ પર્વતમાળાઓ તરફ પણ અહીંથી જઈ શકાય છે. મુશર્રફ અહીં રહેતા અને સવારે લાદેનની કોઠીના રસ્તે જ જોગિંગ કરતા હતા. આપણા મિ. ભારતનો (મનોજકુમાર) જન્મ પણ અબોટાબાદમાં જ થયો હતો. અફસોસ કે હવે આ સ્થળ લાદેનના મૃત્યુસ્થળ તરીકે ઓળખાશે!
લાદેનની કબર સમુદ્રમાં...?
લાદેનના મોત બાદ હવે ઘણું બધું રહસ્ય છુપાવાયું છે. એટલે એક વાત નિશ્ર્ચિત છે કે કંઈ જ ખબર ન હોવાથી તર્ક-વિતર્ક નીકળે જ... હવે વાતો થઈ રહી છે કે અમેરિકાએ લાદેનને દરિયામાં દાટીને પણ એક ચાલ જ રમી છે.
અમેરિકા ઓસામા બિન લાદેન અને ચરમપંથીઓથી કેટલું ડરે છે તેનું આ ઉત્તમ ઉદાહરણ છે. અમેરિકાને લાગતું હતું કે જો લાદેનને કોઈ જગ્યાએ દફનાવવામાં આવે અને તેની કબર બનાવવામાં આવો તો તે આ ચરમપંથીઓ માટે તીર્થસ્થાન બની જશે! ચરમપંથીઓનો તે મસીહા તો હતો જ પણ તે અલ્લા પણ બની જશે! માટે અમેરિકાએ લાદેનને દરિયામાં દફનાવી દીધો...
પણ આ ચરમપંથીઓ ચૂપ ન રહ્યા. થયું એવું કે આ લોકોએ આ દરિયાનું જ નામ બદલી નાખ્યું. લાદેનને જે સમુદ્રમાં દાટવામાં આવ્યો તેનું નામ બદલીને ચરમપંથીઓને ‘શહીદ સાગર’ કરી દીધું છે... છે ને જોરદાર શહીદી...!
તેરે બિન લાદેન
અલ ઝઝીરા ચેનલ વિશે તમે સાંભળ્યું છે? હા, તે જ જે હવે ભારતમાં પણ ચાલુ થઈ ગઈ છે, તેને લાદેનની ખબરી ચેનલ ગણાવાતી હતી. લાદેનની સૌથી પહેલી ટપ્નું પ્રસારણ આ ચેનલ મારફતે જ થયું હતું. પછી તો લાદેન તેની દરેક નવી ટપ આ ચેનલને જ આપતો અને અલ જજીરા તેનો સંદેશ વિશ્ર્વમાં ફેલાવતી. બસ! લાદેનની આ ટેપથી રાતોરાત અલ ઝઝીરાને માર્કેટ મળી ગયું.
હાલ વિશ્ર્વના 40 દેશોમાં તેનું પ્રસારણ થાય છે. અલ ઝઝીરા ચેનલ માટે લાદેનના સમાચાર આઘાતજનક ગણાવી શકાય. હવે અલ ઝઝીરા કોણ ટપ આપશે... નવો લાદેન કે દાઉદ? દાઉદને પણ ઓસામાની ખોટ વર્તાશે, કારણ કે હવે ઓસામા પછી દાઉદનો વારો છે એવો વાયરો ફૂંકાવા લાગ્યો છે. આ સાથે દાઉદે તો પાકિસ્તાનનું કરાચી છોડી પણ દીધું છે. તે સાઉદી અરબમાં ભાગી ગયો છે. જોઈએ! આગે આગે હોતા હે ક્યા?
ઓસામાને જીવતો કેમ ન પકડ્યો...?
છેલ્લાં દસ વર્ષથી ઓસામાની શોધખોળ ચાલુ હતી. એવું કહેવાય છે કે ઓસામાને ઓસામા બિન લાદેન બનાવનારું અમેરિકા જ છે. અમેરિકાની મદદથી જ તે આટલો ખૂંખાર આતંકવાદી બની ગયો. હવે તેને જીવતો પકડવામાં આવે તો અમેરિકાની ઘણી પોલપટ્ટી લાદેન બહાર લાવી દેત...
આ ઉપરાંત એવો પણ દાવો કરવામાં આવે છે કે ઓસામાનું મૃત્યુ ઈ. સ. 2001માં જ કિડની ફેઈલ થવાથી થઈ ગયું હતું. હાલ અમેરિકાની સ્થિતિ ખરાબ છે અને ઓબામાની લોકપ્રિયતા ઓછી થઈ છે એટલે ઓસામાનું મોત જાહેર કરી અમેરિકાનો અને ઓસામાનો ડૂબતો સૂરજ ઉગાડવાની તો આ કોશિશ નથી ને!
અથવા એવું પણ બની શકે કે બંને જૂના દોસ્તો પાછા ભેગા થઈ ગયા હોય.. તુમ્હારી ભી જય જય... હમારી ભી જય જય...
અમેરિકાની છુપાવવાની નીતિથી આવી અટકળો તો હવે થવાની જ... ન ઓસામાના ફોટા, ન કોઈ સબૂત... આપણે કઈ રીતે માની લેવું કે ઓસામા મરી ગયો...!!! શું કહેવું છે તમારું?