
શાકભાજી વેચી વેચીને કર્યુ સવા ત્રણ લાખ ડાલરનું દાન
થોડા સમય પહેલાં જગવિખ્યાત અમેરિકન સામયિક ‘ટાઇમ’ મેગેઝિને વર્ષ 2011ના વિશ્ર્વના 100 પ્રભાવશાળી લોકોની યાદી બહાર પાડી હતી. આ યાદી જોઈને એક શાકભાજીવાળાં બહેન યાદ આવી ગયાં. નામ શેન ચુ-શુ, રહેવાનું ઈસ્ટર્ન તાઈવાનના ટાઈટુંગ શહેરના એક નાનકડા ઘરમાં, કામ શાકભાજી વેચવાનું. વીતેલા વર્ષ 2010ના, વિશ્ર્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં ટાઇમ મેગેઝિને આ શાકવાળી બહેનનો પણ સમાવેશ કર્યો હતો. તમને થશે કે આ શાક વેચનારી કઈ રીતે વિશ્ર્વના 100 પ્રભાવશાળી લોકોની યાદીમાં પહોંચી શકે? આ લીસ્ટમાં શેન ચુ-શુનું નામ જોઈ બધાને નવાઈ લાગી હતી. આ તો કંઈ નથી. વિશ્ર્વના અતિ શ્રીમંતોની યાદી પ્રગટ કરવા માટે જાણીતા ફોર્બ્સે પ્રગટ કરેલી દાતાઓની યાદીમાં પણ શેનનું નામ હતું. બીબીસી પર તેનો ઇન્ટરવ્યુ પ્રગટ થઈ ચૂક્યો છે. રીડર્સ ડાઈજેસ્ટમાં તે ચમકી ચૂકી છે. એક શાકભાજી વેચનારી મહિલા ‘ટાઇમ’ અને ‘ફોર્બ્સ’ની યાદીમાં કેવી રીતે આવી તે જાણવાનું મન થયું ને? આવો જાણીએ આ પ્રેરણા આપ્નારી શાકભાજી વેચનારી બહેનને...
- ‘ટાઇમ’ અને ‘ફોર્બ્સે’ આ શાકવાળીને બિરદાવી છે.
- શાક વેચી વેચીને કોઈ સવા ત્રણ લાખ અમેરિકન ડાલરનું દાન કરી શકે? આ બહેને કર્યું છે?
- શેનની દુકાનના એક પાટિયા પર લખ્યું છે કે "Many savrz its purpose only when it is used for those who need it.' (જેમને જરૂર છે એમને માટે ખર્ચાય ત્યારે પૈસાનો ઉદ્દેશ સાર્થક ઠરે છે.)
- ભ્રષ્ટાચાર કરી પોતાનું ઘર ભરનારા આપણા નેતાઓએ આ શેન પાસેથી પ્રેરણા લેવાની જરૂર છે.
1950માં તાઈવાનના એક નાનકડા શહેરમાં જન્મેલી શેન ચુ-શુનું નામ 2010માં ટાઇમ મેગેઝિને હન્ટ્રેડ મોસ્ટ ઇન્ફલુએન્શિયલ પીપલની યાદીમાં જાહેર કર્યું તો ઘણાને નવાઈ લાગી. આમ પણ આપણા મગજમાં ઘર કરી ગયું છે કે સામાન્ય માણસ અહીં સુધી થોડા પહોંચી શકે? આ યાદીમાં તો મુકેશ અંબાણી, બિલ ગેટ્સ જેવાં વગદાર વ્યક્તિત્વો જ શોભે. જથ્થાબંધ શાક વેચનારી આ મહિલાએ જે કરી બતાવ્યું છે, તેનાથી વિશ્ર્વના લોકોને પ્રેરણા મળી શકે તેમ છે.
ઈસ્ટર્ન તાઈવાનના ટાઈટુંગ શહેરની એક જથ્થાબંધ શાકમાર્કેટની શાકવાળી શેન ચુ-શુ માનવતામાં માને છે. નાનકડી દુકાન, દિવસ દરમિયાનનો ઠીકઠાક વકરો. છતાં તેણે અત્યાર સુધી કરેલી દાનની રકમ છે - સવા ત્રણ લાખ અમેરિકન ડાલર! માત્ર શાક વેચી વેચીને શેનએ 1963થી આજ સુધીમાં 3.25 લાખ અમેરિકન ડાલરનું માતબર દાન કર્યું છે. હવે બોલો! વગદારોના લીસ્ટમાં આ પ્રેરણાદાયી મહિલાનું નામ મૂકવા જેવું છે કે કેમ? તમે જરૂર હા પાડશો! પણ આટલેથી પૂરું થતું નથી. શેન ગર્ભશ્રીમંત નથી, તેની પાસે અઢળક પૈસા નથી, તેની આવક પણ વધારે નથી, તેમ છતાં તેણે આટલા રૂપિયાનું દાન કર્યું છે. માત્ર અને માત્ર કરકસર કરીને શેને આ દાન કર્યું છે. શેને અત્યાર સુધીમાં 32 હજાર ડાલર બાળકોના વિકાસ માટે આપ્યા છે, એક લાખ ચુંમાલીસ હજાર ડાલર બાળકો માટે સમૃદ્ધ લાઇબ્રેરી બનાવવા આપ્યા છે, 32 હજાર ડાલર અનાથ આશ્રમ માટે આપ્યા છે અને ત્રણ બાળકોને દત્તક લઈ, તેમનું ભરણપોષણ કરી તેમને શિક્ષિત પણ બનાવી રહી છે.
જરૂરત જેટલું રાખી બાકી દાનમાં
શેન ચુ-શુની માર્કેટમાં એક નાનકડી દુકાન છે. તે રોજ સવારે 3 વાગે ઊઠી જાય છે. દિવસમાં 16-16 કલાકની મહેનત કરે છે. જે પૈસા કમાય છે તેમાંથી માત્ર જરૂર હોય તેટલા જ તે વાપરે છે, અને બાકીની રકમ ભેગી કરી દાનમાં આપી દે છે. માર્કેટમાં સૌથી પહેલાં તેની દુકાન ખૂલી જાય છે. બપોરે માર્કેટના બધા વેપારીઓ આરામ કરવા ઘેર જઈ સૂઈ જાય છે ત્યારે, શેન બપોર પછી આવનારા ગ્રાહકો માટે તૈયારી કરે છે. દિવસના 16 કલાકની મહેનત પછી તે દુકાનના એક બાંકડા પર જ સૂઈ જાય છે. તે 17 વર્ષની હતી ત્યારથી આ દુકાન સાથે સંકળાયેલી છે, અને આ રીતે બાંકડા પર કશું પાથર્યા વગર જ સૂઈ જાય છે. પૈસા હોવા છતાં મોંઘા અને બ્રાન્ડેડ કપડાં પહેરવામાં તે માનતી નથી તે હંમેશાં ફુટપાથની નાનકડી દુકાનમાંથી ખરીદેલાં સસ્તાં કપડાં પહેરે છે. તેનું માનવું છે કે આપણી જરૂરિયાત મુજબ મળે એટલું પૂરતું છે.
ટાઇમ મેગેઝિને તેને બિરદાવવા ન્યુયોર્કમાં એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું પણ શેને ત્યાં પણ જવાની ના પાડી દીધી. તેનું કહેવું હતું કે મારી પાસે પાસપોર્ટ પણ નથી. તાઈવાનથી ન્યુયોર્ક જવાનું વિમાનભાડું બચાવી હું મારા દેશના જરૂરતમંદ લોકો માટે ન વાપરું? પરંતુ ટાઇમ મેગેઝિનના એડિટર ઇન ચીફે તાઈવાનના વિદેશ ખાતાના પ્રધાનને ફોન કરીને વિનંતી કરી કે શેનને સમજાવો અને ન્યુયોર્ક મોકલો.
તેની હાજરી બીજા ઘણા લોકોને પ્રેરણા આપી શકે તેવી છે. પછી તો શેનનો જવાનો ખર્ચ તાઈવાન સરકારે, અને આવવાનો ખર્ચ ટાઇમ મેગેઝિને ઉપાડ્યો. ન્યુયોર્કની આ ડિનર પાર્ટીમાં અનેક વગદાર લોકો હતા. બ્રાન્ડેડ કપડાંમાં સજ્જ થયેલ સેલિબ્રિટીઓ વચ્ચે આ સામાન્ય દેખાવવાળી મહિલા શાંત ચિત્તે સામાન્ય કપડાંમાં બેઠી હતી, તેમ છતાં બધાનું ધ્યાન તેના તરફ જ હતું. ડિનર બાદ તેણે ન્યુયોર્કમાં કહેલું કે, ‘આ મારું બહુમાન નથી, સમગ્ર તાઈવાનની પ્રજાનું બહુમાન છે. તાઈવાનમાં મારા જેવા ઘણા છે જે ચુપચાપ આ રીતે દાન કરતા રહે છે. પોતાની બે રોટલીમાંથી એક રોટલી કોઈ જરૂરતમંદને આપીને આનંદ અનુભવે છે. મને આનંદ એ વાતનો છે કે અમે પસીનો વહાવીને રળેલા પૈસા કોઈ જરૂરતમંદ સુધી પહોંચે છે.
કોઈને મદદ કરવા ધનવાન હોવું જરૂરી નથી
શેનને પૂછવામાં આવ્યું કે આવાં મોટાં માનવતાનાં કામો કરવા પ્રેરણા ક્યાંથી મળી? તો તે કહે છે, હું નાની હતી ત્યારે અચાનક જ મારાં મમ્મી બીમાર પડી ગયાં. તેમનો ઇલાજ કરાવવા મારા પપ્પા પાસે પૈસા ન હતા. મારા પપ્પાએ પાડોશી પાસે મદદ માગી પણ ત્યારે ખૂબ જ મોડું થઈ ગયું હતું. બીમારીના કારણે મારી માતાનું અવસાન થયું. શેન પરિવારની સૌથી મોટી દીકરી હતી. પરિવારમાં કુલ સાત જણ હતા. આથી મમ્મીના અવસાન બાદ શેને ભણવાનું છોડી પપ્પા સાથે શાક વેચવાનું શરૂ કર્યું. તે 18 વર્ષની હતી ત્યારે તેનો નાનો ભાઈ પણ બીમારીના કારણે મૃત્યુ પામ્યો. બસ! પોતાના ઘરમાં પૈસાના અભાવે જે કંઈ પણ થયું તે બીજાઓ સાથે ન થાય તે માટે તેટલી મદદ કરવાનું તેણે નક્કી કર્યું.
શેનનું કહેવું છે કે મદદ કરવા માટે અઢળક પૈસાની જરૂર નથી. તમે જે કંઈ પણ ખોટા ખર્ચા કરો છો તેમાંથી થોડું બચાવીને પણ તમે કોઈને મદદ કરી શકો છો. તમારી રહેણી-કરણી બદલીને પણ તમે પૈસા બચાવી શકો છો, જે હું કરું છું અને મને તેમાં આનંદ આવે છે. રાત્રે ઊંઘ પણ સારી આવે છે.
વહેંચીને ખાવાની વૃત્તિ
આજે 61 વર્ષની ઉંમરે શેન હંમેશની જેમ સવારે ત્રણ વાગે ઊઠી જાય છે. આટલી પ્રસિદ્ધિ પછી પણ તેના કામમાં કોઈ ફરક પડ્યો નથી. આજે પણ તે તેની જરૂરિયાત ઓછી કરી પૈસા બચાવે છે. શાક માર્કેટની બહાર લોકો તેને જોવા આવે છે. યુવાનો તેની સાથે ફોટા પડાવે છે, પણ શેનનું રોજના 16 કલાકનું કામ અવિરત ચાલુ રહે છે.
આ દુનિયામાં પૈસા તો સૌ કમાય છે. પોતાની સુખ-સગવડ માટે લોકો અનેક કાળાં કામ કરીને પણ પૈસા કમાય છે, પણ શેન પરસેવાનો પૈસો પણ દાનમાં આપી આનંદ મેળવે છે. કરોડોનાં કૌભાંડ કરી એક રૂપિયાનું દાન આપી છવાઈ જનારા આજે દુનિયામાં ઘણા છે, પણ પોતાની મહેનતથી કમાયેલી રોટલીમાંથી બે કોળિયા કોઈ ભૂખ્યાને આપ્નાર (શેન ચુ-શુ) જેવા ખૂબ ઓછા છે. કદાચ તેને જ ખરી દાનવીર કહેવાય.
શેનની કહાણી જાણ્યા પછી એક શ્ર્લોક યાદ આવે છે :
यावत् भ्रियते जडरं तावत् हि देहीनाम्।
अधिकं योऽभिमन्येत सस्तेनो दण्डमर्हति॥
આજીવિકા ચાલે તેટલું આપણું, એથી વધારે સંઘરે તે ચોર છે, સજાને પાત્ર છે. શેન આ સૂત્ર મુજબ જીવી રહી છે, એવું નથી લાગતું?