જેન્ટલમેન્સ ગેમ્સ કે જંતર-મંતર ગેમ્સ?


જેન્ટલમેન્સ ગેમ્સ કે જંતર-મંતર ગેમ્સ?

હાલ વિશ્ર્વમાં ક્રિકેટ વિશ્ર્વ કપ્નો માહોલ જામ્યો છે ત્યારે મેદાનમાં રમાતું આ ‘ટોટકાઓનું ટશન’ પણ રસપ્રદ છે. તો આવો જાણીએ કેટલાક ખેલાડીઓના ટોટકાઓ વિશે... આપણે તેને અંધશ્રદ્ધા કહી શકીએ પણ આ ખેલાડીઓ તેને ‘શ્રદ્ધા’ કહે છે. જેને જે કહેવું હોય તે કહે... આપણે શું? પણ તેમ છતાં આ ટોટકાઓ રસપ્રદ ખરા!
વિશ્ર્વાસ અને અંધવિશ્ર્વાસમાં ફરક કેટલો? માત્ર ‘અંધ’નો! શું તમે એ માની શકો કે પૃથ્વીથી હજાર ગણો મોટો ગુરુ ગ્રહ આપણા જેવા પૃથ્વી પરના એક નાનકડા કણ (કદાચ કણ પણ મોટો કહેવાય) જેવડા માણસને નડી શકે? તમે કોઈ સારા (અથવા ખરાબ) કામે બહાર જતા હો અને બરાબર એ જ સમયે એક કાળી બિલાડી તમારો રસ્તો કાપી જાય તો? ‘તમે ક્યાં જાવ છો’ એવો કોઈ ટેકારો કરે તો? બહાર જતી વખતે તમે કે બીજા કોઈ છીંક ખાવ તો? પૂજા-અર્ચના કરતી વખતે અચાનક જ તમે પ્રગટાવેલો દીવો ઓલવાઈ જાય તો? રાત્રે સૂતી વખતે કૂતરું રોતું હોય તો? આ ‘તો’ પછીની પ્રક્રિયામાં તમે શું કરો છો? કંઈક અશુભ થવાની વાત તમારા મનમાં ઊઠે છે? અપશુકનની ફાળ તમારા હૃદયમાં ડર નામની વસ્તુ મૂકી જાય છે! આ ‘તો’ પછી તમારા મનમાં ઉદ્ભવે છે ટોટકાઓની દુનિયા! ફિલ્મ થ્રી-ઈડિયટ્સના બાબા રણછોડદાસનો બેસ્ટ ડાયલોગ તમને યાદ છે! ‘આલ ઈઝ વેલ.’
‘યે જો અપ્ના દિલ હૈ ના, વહ બડા ડરપોક હૈ,
ઇસકો બેવકૂફ બનાકે રખો...
... ઈસસે પ્રોબ્લેમ સોલ નહિ હોગી, પર ઈસસે લડને કી હિંમત જરૂર આ જાતી હૈ.
બસ! ટોટકાઓનું પણ કંઈક આવું જ છે. કંઈક અશુભ દેખાય એટલે આપણા ડરપોક હૃદયને આપણા ટોટકાઓ સમજાવીને હિંમત આપી દે છે.
બિલાડી રસ્તો કાપે એટલે એક મિનિટ ઊભા રહેવાનું અથવા રસ્તો બદલી નાખવાનો, છીંક આવે તો બે મિનિટ બેસવાનું અથવા બીજી છીંકની રાહ જોવાની, બહાર નીકળતાં કોઈક ટેકારો કરે તો પાણી પીને બહાર નીકળવાનું બીજું શું? આ ટોટકાઓ ક્યાંક ને ક્યાંક આપણા આત્મવિશ્ર્વાસને વધારવાનું પણ કામ કરતા હોય છે. ઘણા તેને અંધશ્રદ્ધા પણ માને છે. કદાચ અંધશ્રદ્ધા હોઈ પણ શકે! પોતપોતાના હૃદય પર એ ડિપેન્ડ કરે છે. તમારા માટે 3 નંબર લકી હોય અને તમને લાગતું હોય કે ‘3’ નંબરના કારણે તમારું બધું કામ સારું થઈ રહ્યું છે તો તમારા ‘3’ નંબરના વહાલને તમારી અંધશ્રદ્ધા કહેવાય? હા કહેવાય! તમારા માટે નહિ પણ બીજાઓ માટે, જેના માટે ત્રણ નંબર લકી નથી. તમારા માટે એ શ્રદ્ધા છે. એમના માટે કંઈક બીજું ‘લકી’ હશે, જે તમારા માટે અંધશ્રદ્ધા હશે! જે હોય તે! આપણે અહીં અંધશ્રદ્ધાની કે ટોટકાઓની પેરવી કરવાની નથી પણ ટોટકાઓથી આપણો ક્યાંક ને ક્યાંક થોડા વધુ અંશે આત્મવિશ્ર્વાસ વધતો હોય છે એવી માન્યતા જરૂર છે, અને એટલે જ કદાચ વિશ્ર્વની ઘણી મોટી હસ્તીઓ પણ સફળ થવા કોઈક ને કોઈક નાનોમોટો ટોટકો જરૂર અપ્નાવતી હોય છે.
ક્રિકેટનો શહેનશાહ સચિન હોય કે ગોલ્ફનો એક્કો ટાઈગર વુડ્સ હોય, અમેરિકાનો પ્રમુખ ઓબામા હોય કે પાકિસ્તાનનો ઝરદારી હોય-બધા જ ક્યાંક ને ક્યાંક ટોટકાઓ કરે જ છે. ઘણા એવા લેખકો, રાજનેતાઓ, પ્રખ્યાત ખેેલાડીઓ પોતાના કામની શરૂઆત તેમને વિશ્ર્વાસ હોય તેવા ટોટકાઓથી કરતા હોય છે.
હાલ વિશ્ર્વમાં ક્રિકેટ વિશ્ર્વ કપ્નો માહોલ જામ્યો છે ત્યારે મેદાનમાં રમાતું આ ‘ટોટકાઓનું ટશન’ પણ રસપ્રદ છે. તો આવો જાણીએ કેટલાક ખેલાડીઓના ટોટકાઓ વિશે... આપણે તેને અંધશ્રદ્ધા કહી શકીએ પણ આ ખેલાડીઓ તેને ‘શ્રદ્ધા’ કહે છે. જેને જે કહેવું હોય તે કહે... આપણે શું? પણ તેમ છતાં આ ટોટકાઓ રસપ્રદ ખરા!
ક્રિકેટ જગતના ખેલાડી
ક્રિકેટની આ રમતમાં અનેક સફળ ખેલાડીઓ કંઈક ને કંઈક ટોટકા અપ્નાવતા આવ્યા છે. ક્રિકેટનો માસ્ટર સચિન તેંડુલકર હંમેશાં પોતાનું ડાબું પેડ પહેલા બાંધે છે, તેમજ સચિન તેનું જૂનું બેટ જેને તે ‘લકી બેટ’ માને છે તે હંમેશાં તેની સાથે રાખે છે. વીરેન્દ્ર સેહવાગ, મોહિન્દર અમરનાથની જેમ હંમેશાં પોતાની પાસે લાલ રૂમાલ રાખે છે. બેટિંગ કરતી વખતે સેહવાગ ઘણી વાર તે લાલ રૂમાલને હેલ્મેટ નીચે સ્કાર્ફની જેમ બાંધે છે. ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ તેની બહેને આપેલું ‘7’ નંબરનું લાકેટ હંમેશાં પહેરેલું રાખે છે. ઝહીર ખાન હંમેશાં તેની પાસે પીળા રંગનો સ્કાર્ફ રાખે છે. મુનાફ પટેલ અને શ્રીસંત હંમેશાં સકારાત્મક વિચાર સાથે મેદાનમાં ઊતરે છે. શ્રીસંતને તો તમે બોલિંગ નાખતાં પહેલાં કોન્ફિડન્સ અપ કરવાના ઈશારા કરતો પણ જોયો જ હશે! તે દરેક બોલ નાખતાં પહેલાં આવા ઈશારા કરે જ છે. ભારતીય સ્પ્નિર પીયૂષ ચાવલા પણ મેદાનમાં ઊતરતી વખતે સૌથી પહેલા પોતાનો જમણો પગ મેદાનમાં મૂકે છે. આ તો થઈ ભારતની વર્તમાન ટીમની વાત હવે જરા આપણા સિનિયર ક્રિકેટરોના ટોટકા પણ જોઈએ.
ગાંગુલીએ ઈંગ્લેન્ડ સામે મેચ જીતી જે રીતે લોર્ડસના મેદાનમાં પોતાનું ટી-શર્ટ ઉતારી દુનિયાને પોતાના ગળામાં પહેરેલા અસંખ્ય માદળિયાં બતાવ્યાં તે તેના ટોટકા જ છે. ઉપરાંત ગાંગુલી હંમેશાં તેની પાસે તેના ગુરુની નાની તસવીર રાખે છે. મોહમ્મદ અઝરુદ્દીન પણ હંમેશાં એક માદળિયું ગળામાં પહેરી રાખતો હતો. સુનીલ ગાવસકર પણ ગાર્ડ લેતી વખતે પહેલા પોતાનું બેટ પિચ પર મૂકતો અને પછી પોતાનો જમણો પગ પહેલાં મૂકી બેટિંગની પોઝિશન લેતો હતો. સુનીલ ગાવસકર પોતાનું ડાબુ પેડ અને બૂટ પહેલાં પહેરતો હતો. શ્રીકાંત મેદાનમાં ઊતરતી વખતે હંમેશાં તેના પાર્ટનરની ડાબી બાજુ જ રહેવાનું પસંદ કરતો. દિલીપ વેંગસકર મેચના દિવસે દાઢી કરવાનું ટાળતો હતો.
જોકે ટોટકા કરવામાં માત્ર ભારતીય ટીમ જ આગળ નથી, વિશ્ર્વના ખેલાડીઓ પણ આવા ટોટકા કરતા હોય છે. ઓસ્ટ્રેલિયાનો માઈક્લ ક્લાર્ક હંમેશાં બેટિંગ કરવા ઊતરતાં પહેલાં ફાસ્ટ સંગીત સાંભળે છે. પાકિસ્તાનના આલરાઉન્ડર ઈમરાન ખાને પણ 1992ના વર્લ્ડ કપ્ની ફાઈનલમાં એક વિશેષ ટી-શર્ટ પહેર્યું હતું.
આસ્ટ્રેલિયાનો સ્ટીવ-વા પણ પોતાની પાસે હંમેશા લાલ રૂમાલ રાખતો હતો.
ફૂટબાલ : ટોટકાઓનો ખજાનો
ક્રિકેટ કરતાં ફૂટબાલમાં ટોટકાઓ વધારે છે. ફિફા વર્લ્ડ કપમાં ‘બાબા આક્ટોપસ’ની ભવિષ્યવાણી તો સાચી પડતાં તમે જોઈ જ હશે. ફૂટબાલના ખેલાડીઓથી લઈને કોચ - સુધી પોતાના હૃદયને, મનને સમજાવતા કંઈક ને કઈક ટોટકા અપ્નાવતા હોય છે, જેમ કે....
- ઇંગ્લેન્ડનો પૂર્વ મહાન સ્ટ્રાઈકર ગરી લિનેકર પ્રેક્ટિસ દરમિયાન ક્યારેય ‘ગોલ’ કરવા શાટ નહોતો મારતો, કેમ કે તેને લાગતું હતું કે તે આવા શાટ મારીને મેચ પહેલાં જ તેના સારા શાટ તે ખતમ કરી દેશે.
- ઇંગ્લેન્ડનો મહાન ખેલાડી બાબી મૂર ડ્રેસિંગરૂમમાં બધા ખેલાડીઓ મોજાં પહેરી લે પછી જ પોતાનાં મોજાં પહેરે છે.
- એવું કહેવાય છે કે બ્રાઝિલ અને આર્જેન્ટિનાની ટીમ એવું માને છે કે 10 નંબરનું ટી-શર્ટ માનવમાં મહામાનવની શક્તિ ભરી દે છે.
બ્રાઝિલના રોનાલ્ડો અને આર્જેન્ટિનાનો મસી હંમેશાં 10 નંબરનું ટી-શર્ટ પહેરી મેદાનમાં ઊતરે છે.
- જર્મન ખેલાડી પીટર મર્ટેજાકરનું માનવું હતું કે જે દિવસે તે દાઢી કરાવીને મેદાનમાં ઊતરે છે તે દિવસે મેચ હારી જવાય છે, તેથી તે હંમેશાં મેચના દિવસે દાઢી કરાવ્યા વગર જ મેદાનમાં ઊતરતો.
- સ્ટાઈલિશ ફૂટબાલર ડેવિડ બેક્હામને ત્રણ બોટલ પાણી આપવામાં આવતું ને તે હંમેશા ‘સમસંખ્યા’ જાળવવા પોતાની એક બોટલ પોતાના કોઈક ‘ફેન’ તરફ ફેંકી તેમને આપી દેતો.
- એશિયાની ફૂટબાલ ટીમો 4 નંબરને અપશુકનિયાળ માને છે. જોકે 13 નંબર તેમને અપશુકનિયાળ લાગતો નથી.
- આયરલેન્ડનો ગોલકીપર શાયે ગિવન જ્યારે પણ મેદાનમાં જાય છે ત્યારે તે ‘પવિત્ર જળ’ની એક નાની શીશી ગોલપોસ્ટની પાછળ મૂકી દે છે. ઉપરાંત તે તેની જન્મભૂમિની માટી પણ સાથે રાખે છે.
- 1986નો વર્લ્ડ કપ આર્જેન્ટિનાએ જીત્યો હતો. તે સમયે કોચ કાલરેસ બિલાડરે ખિલાડીઓને ચિકન ખાવા પર પ્રતિબંધ મૂકી દીધો હતો. કોચનું માનવું હતું કે ચિકન ટીમ માટે દુર્ભાગ્ય લઈને આવશે. આ ઉપરાંત કોચ દરેક મેચ વખતે ‘વર્જિન મેરી’ની મૂર્તિ પણ સાથે રાખતો.
- વિશ્ર્વનો સૌથી મોંઘો ફૂટબાલર રોનાલ્ડો હંમેશાં મેચ પહેલાં પોતાના થોડા વાળ કપાવતો કે જેથી તેનો ગોલ કરવાનો સિલસિલો ચાલુ જ રહે.
- 1998ના વિશ્ર્વ કપ દરમિયાન ફ્રાંસના કોચ રેમંડ ડોમિનિક ટીમની પસંદગી કરતાં પહેલાં દરેક ખેલાડીની ‘કુંડળી’ જોતા હતા.
- સ્પેનના પૂર્વ કોચ લુઈસ પીળા રંગને અપશુકનિયાળ માનતા હતા. સ્પેનનો પૂર્વ કેપ્ટન રોલ એક વાર ટ્રેનિંગ દરમિયાન પીળા રંગની જર્સી પહેરીને આવ્યો, તો લુઈસે તેને તરત જ બદલી આવવાની સલાહ આપી હતી.
અન્ય રમતોમાં ટોટકા
- સ્પેનનો વિશ્ર્વનો નંબર વન ટેનિસ ખેલાડી નાદાલ મેચ દરમિયાન, બ્રેક સમયે ખુરશી પર બેસતી વખતે જે પાણીની બોટલ ઉઠાવી પાણી પીવે છે તે બોટલને પાણી પીને એવી ને એવી રીતે જ પાછી મૂકી દે છે.
- અમેરિકાની નંબર વન ટેનિસ સ્ટાર સેરેના સંપૂર્ણ ટૂર્નામેન્ટ દરમિયાન એકનો એક જ જોડી ‘જુરાબ’ પહેરવાનું પસંદ કરે છે. તે દરેક વખતે તેના બૂટની દોરી એક સરખી જ બાંધે છે.
- ગોલ્ફનો સ્ટાર ટાઈગર વુડ્સ કોઈ પણ ટુર્નામેન્ટના છેલ્લા રવિવારે, જે હંમેશાં ટુર્નામેન્ટનો છેલ્લો અને મહત્ત્વનો દિવસ હોય છે ત્યારે, તે હંમેશાં લાલ રંગનું ટી-શર્ટ પહેરવાનું પસંદ કરે છે.
- અમેરિકાનો મહાન બાસ્કેટબાલ ખિલાડી માઈક્લ જોર્ડન પોતાના બુલ્સ યુનિફોર્મ નીચે હંમેશાં તેની ભાગ્યશાળી લીલા રંગની શોટ્ર્સ (ચડ્ડી) પહેરવાનું પસંદ કરે છે.
- અમેરિકાનો ટેનિસ ખેલાડી રોડિક પણ જો મેચ દરમિયાન સારું પ્રદર્શન થતું હોય તો શર્ટ બદલવાનું ટાળે છે.

Point to be noted...

હું અંધવિશ્ર્વાસમાં માનું છું. ભારતનો ખેલાડી શાટ મારતો હોય ત્યારે હું ક્યારેય તાલીઓ પાડતો નથી, કારણ કે મને ડર લાગે છે. તાલીઓ પાડવાથી તે ખેલાડી આઉટ થઈ જશે. ગ્વાલિયરમાં દ. આફ્રિકા સામે સચિન જ્યારે 190 રન બનાવીને રમી રહ્યો હતો ત્યારે તેના દરેક શોટ્સ વખતે ડ્રેસિંગ રૂમમાં હું ચૂપચાપ બેઠો હતો. મેં એક વાર પણ તાલી ન વગાડી પણ તેના 200 રન થયા પછી મેં ભરપૂર તાલીઓ પાડી.
- વીરેન્દ્ર સેહવાગ

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.