
જાદુની કલા
આબરા કા... ડાબરા..., ગીલી... ગીલી... ગીલી... છૂ...!, જય કાલી કલકત્તેવાલી તેરા વચન ન જાયે ખાલી...! જાદુગરના મુખેથી આ શબ્દો આપણે સાંભળ્યા છે. આ શબ્દોથી અચરજ પમાડે તેવા જાદુ થતા આપણે જોયા છે. ગામડાંથી લઈને શહેર સુધી, ઘરની શેરીના મેદાનથી લઈને ફાઇવ સ્ટાર હાટલના એક મોટા સ્ટેજ સુધી આપણે જાદુકલા જોઈ છે.
જાદુકલા આપણી પ્રાચીન કલા છે. જાદુકલાના પાઠ ભારતે જ વિશ્ર્વને ભણાવ્યા છે. ભારતમાંથી શીખીને ગયેલા અનેક યુરોપિયન જાદુગરો ભારતની જાદુકલા બતાવી ત્યાંના મહાન જાદુગર બની ગયા છે. જાદુકલાને રાજા વિક્રમાદિત્ય, રાજા ભોજ, રાણી ભાનુમતી, રાજા જહાંગીરે પણ પ્રોત્સાહન આપીને અપ્નાવી હતી. જહાંગીરે તો પોતાની આત્મકથામાં પણ લખ્યું છે કે ‘જાદુ કાળક્રમે અભણ ગરીબ જાદુગરોના હાથમાં પહોંચ્યો. એ લોકો પેટનો રોટલો રળવા માટે આ કલાનો ઉપયોગ કરવા લાગ્યા.’
આ જાદુગરો ગામડે ગામડે ગલીઓમાં ‘જય કાલી કલકત્તેવાલી’ના નાદ સાથે જાદુ કરતા, મોંમાં લોખંડની પાટી ઉતારતા, મોંમાંથી મોટા ગોળા કાઢતા, મોંમાંથી સાપ-વીંછી કાઢતા, પાઘડીમાંથી સાપ કે પૈસા કાઢતા, પથ્થરમાંથી સસલું કે કબૂતર બનાવી દેતા. આ બધું આપણે આશ્ર્ચર્યથી જોયું જ છે. પછી જાદુનું ‘નવીનીકરણ’ થયું. જાદુ સ્ટેજ પર પહોંચ્યો, લાઇટિંગની ચમકદમક વચ્ચે થવા લાગ્યો. સ્ટેજ પર જાદુ દ્વારા મોટા મોટા હાથી, ગાડીઓ ગાયબ થવા લાગી.
મહત્ત્વની વાત એ છે કે પશ્ર્ચિમનો વાયરો લાગવાથી આપણા જાદુગરો પશ્ર્ચિમી વેશ ધારણ કરી જાદુ કરવા લાગ્યા, પણ પાછળથી ખબર પડી કે જાદુ તો ભારતીયોની જ કળા છે. આપણા જાદુગરો પાછા ભારતીય પોશાક તરફ વળ્યા...
અને સમય એવો આવ્યો કે પશ્ર્ચિમના જાદુગરો ભારતીય નામ ધારણ કરીને ભારતીય વેશભૂષામાં જાદુના ખેલ કરતા થઈ ગયા.
જર્મનીના એક જાદુગરે પોતાનું નામ કલંગ રાખીને દુનિયાભરમાં ખ્યાતિ મેળવી છે. બીજા જર્મન જાદુગરે પોતાનું નામ હસ્સાની રાખ્યું છે. અમેરિકાના જાન પ્લૈટને એનું નામ હાજીબાવા રાખ્યું છે ને જાદુ કરે છે. ન્યૂયાર્કના જાદુગર જ્હોન મુલહાલૈણ્ડે ‘મુહમ્મદ બખ્શ, ધ હિન્દુ’ નામથી ભારતીય જાદુના ખેલ કરે છે. ત્યારે આજે ભારતીય જાદુના અનેક પ્રયોગો કાળની કંદરામાં લુપ્ત થઈ ગયા છે, ત્યારે વિશેષ જરૂરત છે ભૂતકાળમાં દટાઈ ગયેલા ભારતીય જાદુવિદ્યાના વિસરાઈ ગયેલા જાદુના કુળનાં મૂળ શોધી એને પુનર્જીવિત કરવાની. જાદુની દુનિયા એવા જાદુગર વીરલાની વાટ જોતી બેઠી છે.
ગુજરાતનો મેજિક મન કે. લાલ
જાદુગર કે. લાલ એટલે કાન્તિલાલ ગિરધરલાલ વોરા. સૌરાષ્ટ્રના બગસરા ગામે ઈ. સ. 1927માં જન્મ. પિતા કલકત્તામાં કાપડનો વેપાર કરતા. કાન્તિલાલને અભ્યાસ કરવા કરતાં બચપણથી જ મદારીના ખેલ, લોકગીતો અને હાસ્યપ્રયોગોમાં વધુ રસ હતો. ‘મહમદ છેલ’ની જાદુની વાતો સાંભળી જાદુ પ્રતિ આકર્ષણ વધ્યું. ઈ. સ. 1938માં ‘માઇટી ચેંગ’ના જાદુના ખેલ જોઈ પોતે પણ જાદુગર બનવાનો નિર્ણય કર્યો. પછી જ્યાંથી મળ્યું ત્યાંથી એ અંગેનું શિક્ષણ લઈ આપબળે પોતાનું આગવું કૌશલ વિકસાવ્યું. ગોગિયા પાશા અને સરકાર પછી કલકત્તાની ‘ઇન્ડિયન મજિશિયન્સ ક્લબ’ના તેઓ પ્રમુખ છે. તેમણે દુનિયાભરના નામાંકિત જાદુગરોની પ્રશંસા મેળવી છે. ઈ. સ. 1968માં ‘ઇન્ટરનશનલ બ્રધરહૂડ આફ મજિશિયન્સ’ સંસ્થાએ એમને સાત અવાડ્ર્ઝ આપી એમનું બહુમાન કર્યું છે.
આજે કે. લાલ એ જાદુગરનો પર્યાય બન્યું છે. ઈ. સ. 1996 સુધીમાં કે. લાલે દેશ-વિદેશમાં 16,300થી વધુ શો અને હાથચાલાકીના ખેલો કર્યા છે. ભૂતપૂર્વ વડાપ્રધાન ઇન્દિરા ગાંધીએ તેમની અમદાવાદ મુલાકાત વખતે કે. લાલના જાદુના ખેલ જોવા તેમને ખાસ બોલાવ્યા હતા. કે. લાલે હાથચાલાકીના ખેલ તરીકે ઇન્દિરાની સાડીના છેડાને આગ લગાડવાની વાત કરી. અંગરક્ષકોએ ના પાડી દીધી, પરંતુ કે. લાલની ખ્યાતિથી પરિચિત ઇન્દિરાએ સંમતિ આપી અને કે. લાલે વડાપ્રધાનની સાડીના છેડાને આગ ચાંપી. ઘડીભર તો આખા ઓરડામાં ધુમાડો છવાઈ ગયો. ઉપસ્થિત મહાનુભાવોને પરસેવો વળી ગયો, પણ બીજી જ ક્ષણે ધુમાડો અલોપ થયો ને કે. લાલે ઇન્દિરાજીની સાડીના છેડાને યથાવત્ કરી આપ્યો. ઇન્દિરાજીએ ખુશ થઈને રૂપિયા પાંચ કરોડના ખર્ચે જાદુ શીખવવાની સરકારી સંસ્થા ઊભી કરવાની તૈયારી બતાવી, પરંતુ સંસ્થા-સંચાલનમાં ઉપરી-અધિકારીઓની ડખલ સહન નહિ કરવા ઇચ્છતા કે. લાલે ના પાડી દીધી.
કે. લાલ ગુજરાતનું ગૌરવ છે. આજે 83 વર્ષની ઉંમરે પણ કે. લાલ જાદુના ખેલો કરે છે. અત્યાર સુધીમાં તેમણે 22,000 જાદુના શો રજૂ કર્યા છે અને તે એક વર્લ્ડ રેકાર્ડ છે. હવામાં ઊડતી સ્ત્રી, ઝડપથી વસ્ત્રો બદલતી યુવતીઓ, હાઈ સ્પીડ કરવતથી જાદુગરના ટુકડા અને 20 હજાર વાલ્ટની રોશની વચ્ચે જાદુગર કે. લાલ આજે પણ ગજબની સ્ફૂર્તિથી જાદુ કરે છે. અત્યાર સુધીમાં 2,000થી પણ વધુ જાદુની આઇટમો પ્રેક્ષકો સામે રજૂ કરનાર કે. લાલ કહે છે કે, હું આજે પણ પ્રેક્ષકોને નવું આપવાનો પ્રયાસ કરું છું. ઝડપ્નું બીજું નામ જાદુ છે. જાદુમાં કોઈ તંત્ર-મંત્ર કે મેલી વિદ્યા નથી. જાદુ તો કલા છે, જ્યાં સુધી સમજ ના પડે એનું નામ જાદુ, પણ હા, જાદુમાં હિપ્નોટિઝમ જરૂર હોય છે.