ગૌવંશના હત્યારાઓ ધોળા અંગ્રેજોથી કાળા અંગ્રેજો સુધી








0 વાછરડાનું માંસ ખાવાના શોખીનોએ ગાયનું ભાંભરવું એકવાર કતલખાનામાં જઈ સાંભળવું જોઈએ.
0 કેન્દ્ર સરકાર ડાલરિયા સહાય મેળવવા ગૌહત્યા પર પ્રતિબંધ લાવતો કાયદો બનાવતી નથી.
0 એ વખતના મૌલવીઓ પણ કહેતા કે ગાય બચશે તો જ આપણે બચીશું,

ધોળા અંગ્રેજોએ આ દેશની અર્થવ્યવસ્થાને તોડવા, કૃષિવ્યવસ્થાને તોડવા ગૌહત્યા શ‚ કરાવી હતી અને આજે આઝાદ ભારતના કાળા અંગ્રેજો આ દેશની અર્થવ્યવસ્થાને ટકાવી રાખવા, વિદેશી હૂંડિયામણ મેળવવા ગૌહત્યા કરાવી રહ્યા છે અથવા ગૌહત્યા સામે આંખ આડા કાન કરી રહ્યા છે. પહેલાં અંગ્રેજો નહોતા ઇચ્છતા કે ભારતમાં ગૌહત્યા અટકે અને હવે એક આખી વિદેશી માંસ-લાબી છે જે નથી ઇચ્છતી કે ભારતમાં ગૌહત્યા અટકે. કેવી રીતે? આવો, એ ધોળા અંગ્રેજોથી લઈ અત્યારના કાળા અંગ્રેજો સુધીના હત્યારાઓ વિશે વાત કરીએ.

ઈસ્ટ ઇન્ડિયા કંપ્ની ભારતમાં વેપાર કરવા આવી હતી. આ ઇતિહાસ છે અને તે આપણે બાળપણથી જ શાળામાં ભણતા આવ્યા છીએ. આ ઇતિહાસ સાચો છે કે ખોટો એ ખબર નથી, પણ એક વાત નિશ્ર્ચિત છે કે ભારત જ્યારે ગુલામ હતું ત્યારે આ અંગ્રેજોએ તેમની ઇચ્છા મુજબનો ભારતનો ઇતિહાસ લખી નાખ્યો અને દુર્ભાગ્યની વાત એ છે કે આપણે તે જ ઇતિહાસને સાચો માની આપણી નવી પેઢીને તે શીખવી રહ્યા છીએ.
હકીકત તો એ છે કે ઈસ્ટ ઇન્ડિયા કંપ્ની ભારતમાં વેપાર કરવાની આડમાં સમગ્ર ભારતને ઈસાઈયત(ખ્રિસ્તી)માં ફેરવવા આવી હતી. ઇંગ્લન્ડની પાર્લામેન્ટની લાઇબ્રેરીમાં એના અઢળક પુરાવા છે. ભારતનું ખ્રિસ્તીકરણ કરવા 1813માં ઇંગ્લન્ડના હાઉસ આફ કામન(સંસદ)માં ચર્ચા ચાલી હતી, અને આ ચર્ચાના અંતે આ સંદર્ભમાં એક પ્રસ્તાવ પણ પસાર થયો હતો. આ પ્રસ્તાવમાં ભારતનું ખ્રિસ્તીકરણ કરવાની નીતિઓ ઘડાઈ હતી.
આ નીતિઓ મુજબ પહેલો નિર્ણય એ લેવાયો હતો કે ભારત એક સમૃદ્ધ દેશ છે. આથી તેને ખ્રિસ્તી બનાવવા માટે ભારતની અર્થવ્યવસ્થા તોડવી પડશે. ભારતની અર્થવ્યવસ્થાને તોડતાં પહેલાં તેને સમજવા માટે એક સર્વે કરાવ્યો, જેમાં જણાયું કે ભારતની અર્થવ્યવસ્થા કૃષિ અને પશુપાલન આધારિત છે, તેથી જો ભારતને તોડવું હોય, કંગાલ કરવું હોય તો ભારતની કૃષિ વ્યવસ્થા તોડવી પડે. અંગ્રેજોએ કૃષિ વ્યવસ્થાને સમજવા અનેક સર્વે કરાવ્યા, જેમાં તેમની સામે એ તથ્ય બહાર આવ્યું કે ભારતની કૃષિવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ ગાય છે. તેથી ભારતની કૃષિવ્યવસ્થા તોડવી હોય તો ગાયની હત્યા કરાવવી પડે. તે ઉપરાંત બીજું સત્ય અંગ્રેજો સામે એ આવ્યું કે ભારતીય સમાજ અને સંસ્કૃતિનું કેન્દ્રબિંદુ પણ ગાય છે : તેથી ભારતની કૃષિવ્યવસ્થા અને સંસ્કૃતિનો નાશ કરવો હોય તો ગાયનો નાશ કરવો પડે.

આથી ગોહત્યા ચાલુ કરાવવા અંગ્રેજોએ કેટલાક રાજાઓને પકડ્યા, પણ તે વખતના રાજાઓ ગૌહત્યા કરવા રાજી ન થયા. અરે, મુસ્લિમ રાજાઓ પણ આ કૃત્ય કરવા રાજી ન થયા. આ મુસ્લિમ રાજાઓ બરાબર જાણતા હતા કે ભારતમાં રાજ કરવું હોય તો ભારતના લોકોની સંસ્કૃતિ અને પરંપરાને સાથે રાખીને આગળ ચાલવું પડશે, તેમ છતાં અંગ્રેજોને કેટલાક ચાપલૂસિયા રાજા મળી જ ગયા. આ રાજાઓની આડમાં અંગ્રેજોએ ગૌહત્યા ચાલુ કરી અને ગૌમાંસ બ્રિટિશ સૈનિકોને પીરસવાનું શ‚ કર્યંુ. ગૌવંશના નાશ થકી ભારતીય અર્થવ્યવસ્થા અને કૃષિવ્યવસ્થાનો નાશ કરવાના ઉદ્દેશ સાથે ગૌહત્યા થતી રહી, થોડા સમય પછી અંગ્રેજોને ખબર પડી કે આનાથી કોઈ ફરક પડતો નથી, કારણ કે ગૌવંશનો નાશ થાય છે તો બીજી બાજુ ગાયો જન્મ પણ લઈ રહી છે. એક અંગ્રેજ અધિકારીએ સલાહ આપી કે જો ગૌવંશનો નાશ કરવો હોય તો નંદી(આખલા)ની કતલ કરવાનું પણ શ‚ કરાવવું. જો નંદી જ નહીં હોય તો ગાયનો જન્મ જ નહીં થાય. આથી અંગ્રેજોએ નંદી માટેનું એક વિશાળ કતલખાનું શ‚ કરાવ્યું. આમ ગાય અને આખલાની કતલ થતી રહી.

ગૌવંશ હત્યામાંથી જ આઝાદીનું બીજ રોપાયું

ગૌહત્યાના કારણે ભારતના લોકોની ધાર્મિક લાગણી દુભાતી રહી. ગાયમાં 33 કરોડ દેવી-દેવતાઓનો વાસ જોતા ભારતીયો ગાયને માતા માને છે. આથી લોકલાગણી સમજી તે વખતે 1850માં અંગ્રેજોની સલ્તનત સામે આપણા ધર્મગુરુઓએ ગૌહત્યાનો પ્રશ્ર્ન ઊભો કર્યો હતો. સનાતની, શીખ વગેરે હિન્દુ ધર્મના ધર્મગુરુઓએ ગૌહત્યા બાબતે અંગ્રેજોનો વિરોધ કર્યો અને જોતજોતામાં ગૌહત્યાનો મુદ્દો ભારતની અસ્મિતા સાથે જોડાઈ ગયો.
ભારતની અર્થવ્યવસ્થા તોડવા અને પછી ભારતના લોકોની લાગણી દૂભવવા, ભારતની અસ્મિતા તોડવા અંગ્રેજોએ ગૌહત્યા વધારી દીધી. એક અંદાજિત આંકડા મુજબ 1810થી 1940 સુધીમાં અંગ્રેજોએ 10 કરોડ ગૌવંશની હત્યા કરી હતી. એ વખતે અંગ્રેજોએ 350 જેટલાં કતલખાનાં ખોલી નાખ્યાં હતાં.
ગૌહત્યા થતી રહી અને હિન્દુસ્તાનીઓની લાગણી દુભાતી રહી. બસ, ભારતની આઝાદીનું બીજ આ દુભાતી લાગણીમાંથી જ રોપાયું હતું. 1857ના વિપ્લવમાં ગાય જ કેન્દ્રબિંદુ હતી. આપણને સૌને મંગલ પાંડે યાદ છે. કારતૂસ પર ગાયની ચરબી લગાવાતી, જેનો ઉપયોગ કરવાની મંગલ પાંડેએ ના પાડી અને પછી ભારતની આઝાદીની ક્રાંતિનું બીજ રોપાયું.

એક અંગ્રેજ અધિકારી લેન્સ ડાઉનનો રિપાર્ટ કહે છે કે 1857ના વિપ્લવ બાદ દેશના સાડા સાત લાખ ગામમાં દરેકમાં ગૌરક્ષા સમિતિઓ બની ગઈ હતી અને આ સમિતિઓના બધા જ સભ્યો ગાય માટે જાન આપવા તૈયાર હતા. લેન્સ ડાઉને તે વખતે રાણી વિક્ટોરિયાને પત્ર લખીને કહ્યું હતું કે જો ગૌહત્યા થતી રહેશે તો અંગ્રેજોને ભારતમાં રાજ કરવું કપરું થઈ પડશે. લેન્સ ડાઉને લખ્યું હતું કે મહત્ત્વની બાબત એ છે કે, ગાયને બચાવવા માત્ર હિન્દુ જ નહીં, પણ મુસ્લિમ સહિતની તમામ જાતિઓ આગળ આવી રહી છે. એ વખતના મૌલવીઓ પણ કહેતા કે ગાય બચશે તો જ આપણે બચીશું, કારણ કે તેમાંના મોટા ભાગના લોકોની આજીવિકા ગાય પર નભતી હતી.
પણ લેન્સ ડાઉનના આ પત્રનો જવાબ આપતાં રાણી વિક્ટોરિયાએ તે વખતે ઇંગ્લન્ડની સંસદમાં કહ્યું કે હિન્દુસ્થાનમાં ગાયની કતલ બંધ ન થવી જોઈએ. હિન્દુ - મુસ્લિમ વચ્ચે ભાગલા પાડીને પણ ગૌહત્યા થતી રહેવી જોઈએ. આથી હિન્દુ - મુસ્લિમના ભાગલા કરવા લેન્સ ડાઉને ભારતના દરેક કતલખાનામાં માત્ર મુસ્લિમોની જ ભરતી કરી. મુસ્લિમો આ નોકરી માટે તૈયાર ન હતા, પણ લલચાવી, ધમકાવીને, લેન્સ ડાઉને મુસ્લિમોની ભરતી કરી. બસ, ત્યાર પછી કતલખાનામાં ગૌહત્યા થતી રહી અને અંગ્રેજોએ એવો પ્રચાર કર્યો કે ગૌહત્યા અમે નહીં, પણ મુસ્લિમો જ કરી રહ્યા છે.

પછી તો હિન્દુ - મુસ્લિમોના દંગા પણ થયા. અંગ્રેજો ફૂટ પાડવામાં સફળ રહ્યા. તે વખતે થયેલા સત્યાગ્રહને યાદ કરીએ તો મદનમોહન માલવીય હોય કે મહર્ષિ દયાનંદ સરસ્વતી કે ગાંધીજી હોય દરેકના આંદોલનમાં ગાય કેન્દ્રમાં હતી. ગાંધી તો કહેતા કે સ્વરાજ્યથી વધારે મહત્ત્વ ગૌરક્ષાનું છે. ગાયની કતલ વ્યક્તિની કતલ બરાબર છે.

નહેરુએ ગૌવંશ હત્યા પ્રતિબંધનો ઠરાવ ફેંકી દીધો

1939માં લાહોરમાં અંગ્રેજોએ દેશનું પહેલું યાંત્રિક કતલખાનું શ‚ કર્યંુ હતું. તે વખતે તેના વિરોધમાં એક ખૂબ મોટું આંદોલન થયું હતું અને તેનું નેતૃત્વ પંડિત જવાહરલાલ નહેરુએ કર્યંુ હતું. સદ્નસીબે તે આંદોલન સફળ રહ્યું હતું અને તે વખતે નહેરુએ તેમના ભાષણમાં કહ્યું હતું (જે રાજીવ દીક્ષિત વારંવાર પોતાના વક્તવ્યમાં કહેતા હતા) કે જો દેશ આઝાદ થશે અને આઝાદ હિન્દુસ્થાનના એક કોઈ પદ સુધી હું પહોંચીશ તો સૌથી પહેલાં હું એક કેન્દ્રીય સ્તરનો ગૌહત્યા પર પ્રતિબંધ લાવતો કાયદો બનાવીશ. આ જ રીતે આપણા રાષ્ટ્રપતિ રાજેન્દ્રપ્રસાદે પણ કહ્યું હતું કે આઝાદ ભારતનું કોઈ મહત્ત્વનું પદ મને મળશે તો હું ગૌહત્યા પર પ્રતિબંધ લાવતો કાયદો બનાવીશ, પણ દુર્ભાગ્યની વાત તો એ છે કે આ બંને મહાનુભાવો પોતાના શાસનકાળ દરમિયાન આવો કોઈ કાયદો બનાવી ન શક્યા. એટલું તો ઠીક પણ ત્યારે 1955માં એક સાંસદે સંસદમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવતો કાયદો લાવવા ઠરાવ રજૂ કર્યો તો પંડિત નહેરુએ જ આ ઠરાવને કચરાની ટોપલીમાં ફેંકી દીધો. રાજીવ ગાંધીના સમયમાં ગુજરાતના જનસંઘી સાંસદ ડા. એ. કે. પટેલે રજૂ કરેલા ખરડાના પણ એ જ હાલ થયા. આજે હિન્દુસ્તાનની આઝાદીનાં 65 વર્ષ પછી પણ હિન્દુસ્તાનમાં ગૌહત્યા થઈ રહી છે. બસ માત્ર ગૌહત્યાનો મર્મ બદલાઈ ગયો છે. પહેલાં અર્થવ્યવસ્થા તોડવા ગૌહત્યા થઈ અને હવે હિન્દુઓની લાગણી દૂભવવા અને ડાલરિયા સહાય મેળવવા ગૌહત્યા થઈ રહી છે.

ગૌવંશ પર પ્રતિબંધનો કાયદો કેમ બનતો નથી?
મહત્ત્વની અને દુર્ભાગ્યપૂર્ણ બાબત એ છે કે ગૌહત્યા કરવામાં આપણે અંગ્રેજો કરતાં આગળ વધી ગયા છીએ. અંગ્રેજોએ 1810થી 1850 સુધીમાં 10 કરોડ ગોવંશ હત્યા કરાવી હતી, પણ ભારતમાં આઝાદીનાં 65 વર્ષમાં 50 કરોડ કરતાં પણ વધારે ગોવંશનો નાશ થઈ ચૂક્યો છે. અંગ્રેજોના જમાનામાં દેશમાં માત્ર 360 કતલખાનાં હતાં, આજે આઝાદ ભારતમાં નાનાં મોટાં 36,000 કતલખાનાં છે, જ્યાં રોજ 10,000 પશુ કપાય છે. આજે ભારતનું પશુધન સમાપ્ત થઈ રહ્યું છે. સરકારના ડિપાર્ટમેન્ટ આફ એનિમલ હસબન્ડરીના આંકડાઓ માનીએ તો 1951માં દુધાળુ પશુઓની સંખ્યા 15 કરોડ 53 લાખ હતી, 1962માં 20 કરોડ 45 લાખ, 1977માં 19 કરોડ 47 લાખ, 2003માં 18 કરોડ 51 લાખ 80 હજાર અને 2009માં ઘટીને 16 કરોડ સુધી પહોંચી ગઈ છે.
મહત્ત્વની બાબત એ છે કે છેલ્લા ઘણા સમયથી ગૌહત્યા પર પ્રતિબંધ લગાવવા અનેકવાર દેશમાં માંગ ઊઠી છે. 1953માં સમગ્ર દેશમાંથી કરોડો હસ્તાક્ષર મેળવીને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપ્યું હતું. પૂરીના શંકરાચાર્યજીએ બે મહિના ઉપરાંત ઉપવાસ કર્યા હતા, પણ જોઈએ તેવું પરિણામ હજુ મળ્યું નથી. જે દેશમાં ગાયને માતા તરીકે પૂજવામાં આવતી હોય તે જ દેશમાં તેની સૌથી વધુ કતલ થાય. કેન્દ્રિય સ્તરનો

ગોહત્યા પર પ્રતિબંધ લગાવવાનો કાયદો કેમ બનાવાતો નથી?

હવે વાત ભારતના અર્થશાસ્ત્રની આવે છે. હકીકત એ છે કે હાલ ભારતમાં સૌથી વધુ પશુધન છે. ભારતના પશુધનને કતલખાનામાં મોકલવામાં આવે તો જ માંસ - ચરબી- ચામડાં - હાડકાં વગેરેની આંતર્રાષ્ટ્રીય માંગ સંતોષી શકાય. વિશ્ર્વ બજારમાં આ મળતું નથી, પરિણામે તેનો ભાવ પણ વધારે મળે છે. આથી વિશ્ર્વની એક આખી માંસ-લાબી ઇચ્છે છે કે ભારત માંસ અને પશુધનની પૂર્તિ કરતું રહે. આ વિદેશી માંસ-લાબી સરકાર ઉપર પણ દબાણ લાવે છે કે તે વધુ ને વધુ કતલખાનાં ખોલે અને ગૌહત્યા પર પ્રતિબંધનો કાયદો ન બનાવે. આપણી સરકાર પણ આવું જ કરે છે. ગૌહત્યા પ્રતિબંધનો કેન્દ્રીય સ્તરનો કાયદો સરકાર ઘડતી નથી અને ગાયનું માંસ વેચી સરકાર વિદેશી મુદ્રાઓથી પોતાની તિજોરી ભરી રહી છે. આટલું ઓછું હોય તેમ ભારત સરકારના એક વખતના અધિકારી ખુરીદીએ તો એટલે સુધી કહી દીધું હતું કે ભારતના 80 ટકા પશુધનનો નાશ કરવો જોઈએ અને વિદેશી ‚પિયા રળવા હોય એટલા રળી લેવા જોઈએ.

ગુજરાત સહિત અનેક રાજ્યોએ ગૌવંશ હત્યા પર પ્રતિબંધ મૂક્યો છે
કદાચ આ સરકારી ખુરીદી સાહેબને ગાય વિશે માહિતી જ નથી. એક ગાય શું કરી શકે છે તેની જાણ જો આ સાહેબને હોત તો તે આવું ન બોલત. આજે પણ ભારત જો પશુધનનો ઉપયોગ પોતાની અર્થવ્યવસ્થા સુધારવા કરે તો માત્ર પશુધનના ઉપયોગથી ફરી સમૃદ્ધ બની શકે તેમ છે. ગુજરાત સહિત રાજસ્થાન અને પંજાબને પશુધન અને ગૌ-ધનની ખબર પડી ગઈ છે અને એટલા માટે જ ગૌહત્યા રોકવા તેમણે સબળ કાયદો બનાવ્યો છે. કેન્દ્રની સરકારને પશુધનના માંસમાંથી થતી આવકની ચિંતા છે, માટે તે છટકબારી શોધી તેને રાજ્યનો વિષય ગણાવી રહી છે, પણ ગુજરાત જેવાં રાજ્યોએ ગૌહત્યા અટકાવવા પહેલ કરી છે તે ખરેખર અભિનંદનને પાત્ર છે. ગુજરાતનાં પાડોશી રાજ્યોમાં ગૌરક્ષાનો કાયદો નથી, તેથી ગુજરાત થકી મુંબઈ પોર્ટ દ્વારા કરોડો ‚પિયાનો ગેરકાયદે ગૌમાંસનો વેપાર ચાલી રહ્યો છે, પણ ગુજરાતે એની સામે કદમ ઉઠાવ્યું છે. ભેંસ અને બળદના માંસનું ડુપ્લીકેટ સર્ટિફિકેટ બતાવી આ વ્યાપાર થાય છે, પણ ગુજરાત સરકારે ગુજરાતમાંથી પસાર થતા ગૌમાંસના પરીક્ષણ માટે 12 જેટલી તો મોબાઈલ ફોરેન્સિક લબારેટરી કાર્યરત કરી છે, જે ઘટનાસ્થળે જ માંસનું ટેસ્ટિંગ કરી બતાવી દે છે કે આ ગાયનું માંસ છે કે નહીં?
તેમ છતાં છેલ્લા કેટલાક સમયથી અખબારોમાં રોજેરોજ ગૌમાંસની ગાડી પકડાઈ હોય તેવા સમાચાર છપાય છે. આટલો કડક કાયદો હોવા છતાં ગૌમાંસની હેરાફેરી થાય છે. શું કારણ છે? ક્યાંક ને ક્યાંક આપણા જ લોકો થોડા પૈસાની લાલચે ગૌહત્યાનું પાપ પોતાના માથે ચડાવી રહ્યા છે. હપ્તા સિસ્ટમ ક્યાં સુધી ફેલાયેલી છે તે આપણે સૌ જાણીએ છીએ.
ટૂંકમાં એક વાત નિશ્ર્ચિત છે કે ભારતના પશુધનને કતલખાને લઈ જવાથી ભારતનું નિર્માણ નહીં થાય. કતલખાનાંની સંખ્યા ડાલર કમાવવા થતી રહેશે તો ભારતનું પશુધન સમાપ્ત થઈ જશે. માટે ગૌહત્યા અટકાવવા એક કેટલ બોર્ડની સ્થાપ્ના કરી ઝડપથી ગૌહત્યા પર પ્રતિબંધ લાવતો કેન્દ્રીય સ્તરનો કાયદો બનાવવો જ પડશે. બાકી હાલ તો આપણે પણ અંગ્રેજોની જેમ જ આપણી અર્થવ્યવસ્થા, કૃષિવ્યવસ્થા તોડવાના માર્ગે જ આગળ વધી રહ્યા છીએ.

ગૌ-સેવકોની હત્યા
ગૌમાંસ ભરેલી ટ્રક ઝડપાઈ, કસાઈઓ કાપેલી ગાયને રસ્તામાં નાખી ભાગી ગયા; શાહપુરમાં કતલખાને લઈ જવાતાં વાછરડાંઓને મુક્ત કરાવાયાં, સ્લોટર હાઉસમાંથી જ ગૌમાંસ વેચી દેવાનું કૌભાંડ.... આપણે અત્યાર સુધી આવી હેડલાઇનવાળા સમાચાર અઠવાડિયામાં એકાદવાર વાંચતા, પણ આજકાલ આવા સમાચાર ખૂબ સાંભળવામાં આવી રહ્યા છે. શાહપુરમાં કસાઈઓએ પોલીસ પર હુમલો કર્યો પછી પોલીસે પોતાની રુખ સખત કરી. આપણે અહીં વિચારવા જેવું છે કે જો પોલીસ ઉપર આ લોકો હુમલો કરી શકે છે તો ગૌરક્ષકો - ગૌસેવકોનું શું? હમણાં જ આ કસાઈઓએ ગૌસેવક નદીમ સૈયદની હત્યા કરી નાખી. આ પહેલાં જીવદયા સંસ્થાનાં પ્રખર કાર્યકર ગીતાબહેન રાંભિયા ઉપરાંત જીવદયા પ્રેમી હીરાભાઈ સોલંકી અને લોધાબંધુઓની ઘાતકી હત્યા થઈ ચૂકી છે. પ્રશ્ર્ન એ થાય છે કે ગુજરાતમાં ગૌહત્યા પર પ્રતિબંધ લગાવતો કાયદો છે, પણ તેમ છતાં આ કસાઈઓ ખુલ્લેઆમ ગૌહત્યા કરે છે. દરરોજ અનેક કિલો માંસ ગુજરાતના માર્ગેથી મુંબઈ પોર્ટ ખાતે પહોંચાડવામાં આવે છે અને પછી ત્યાંથી ગૌમાંસને વિદેશોમાં મોકલવામાં આવે છે. ક્યાંક તો કંઈક ગરબડ છે. અમુક રુશવત - લાંચ લઈને ગૌમાંસનો ધંધો ચાલવા દેનાર લોકોને નમ્ર વિનંતી છે કે તે એકવાર યુ-ટ્યૂબ પર સ્વદેશી જાગરણ મંચના રાજીવ દીક્ષિતના વ્યાખ્યાનવાળો વીડિયો જોઈ લે. અમને આશા છે કે આ વીડિયો જોયા બાદ તમે શાકાહારી થઈ જશો અને ગૌહત્યાના પ્રહરી બની જશો....

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.