આરકૂટ, ફેસબુક, ટ્વિટર, બ્લોગ, વેબસાઇટ... સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ... સોશિયલ મીડિયા... આ બધું શું છે એ જાણો છો? જે જાણતા હશે અને તેનો ઉપયોગ કરતા હશે તેને ખબર હશે કે તે વિશ્ર્વ સાથે જોડાઈ ગયા છે. આ નવું મીડિયા છે, લોકશાહીનો પાંચમો સ્તંભ છે(!), અહીં વિશ્ર્વના ડિજિટલ નાગરિકનો એક આખો સંસાર છે. અહીં ‘રામુ’ પણ છે અને ‘ફ્રેન્કલીન’ પણ છે. અહીં આજની યુવાપેઢી છે, દરેક ઉંમરના લોકો પણ છે. વિશ્ર્વના લોકો અહીં એકબીજા સાથે વિચાર-વિમર્શ, આપ-લે કરે છે. માટે જો આ ન જાણતા હો તો હવે જાણી લેજો. કેમ કે, નેટિઝન ક્રાંતિનો જન્મ થઈ ચૂક્યો છે. 21મી સદીનું સૌથી ધારદાર શસ્ત્ર હવે આ ‘સોશિયલ મીડિયા’ છે. ...આવો આ ધારદાર શસ્ત્રની ધાર અને લોકશાહીનો પાંચમો સ્તંભ ગણાવી શકાય તેવા આ શસ્ત્રની શક્તિ તપાસીએ...
ઘટના : 1
ઇંગ્લન્ડના આક્સફર્ડ શહેરનો એક શાળામાં ભણતો વિદ્યાર્થી આત્મહત્યાની કોશિશ કરે છે. આ આત્મહત્યાની કોશિશ કરતા પહેલાં તે સોશિયલ નેટવર્કિંગ સાઇટ ‘ફેસબુક’ પર તેના સ્ટેટસમાં એક ‘સ્યુસાઇડ નોટ’ લખે છે જેમાં તે લખે છે કે, ‘હવે હું ખૂબ દૂર જઈ રહ્યો છું. હવે હું એ કામ કરવા જઈ રહ્યો છું જેના વિશે હું હંમેશાં વિચારતો રહેતો. હવે લોકો મને ખૂબ યાદ કરશે.’ આ સ્યુસાઇડ નોટ ફેસબુક પર મૂકવાની બીજી સેકન્ડે અમેરિકામાં બેઠેલી તેની આનલાઇન મિત્ર વાંચી લે છે. આ સ્યુસાઇડ નોટ વાંચી તે હેબતાઈ જાય છે અને તરત જ તે તેની મમ્મીને કહે છે. તેની મમ્મી તરત જ આ સ્યુસાઇડ નોટની જાણ ત્યાંની સ્થાનિક પોલીસને કરે છે. પોલીસ તરત જ વ્હાઇટ હાઉસના અધિકારીનો સંપર્ક કરે છે અને વ્હાઇટ હાઉસ તરત જ ઇંગ્લન્ડનો સંપર્ક કરે છે. ઇંગ્લન્ડનો સંપર્ક થતાં જ ત્યાંની સ્થાનિક પોલીસ આ સ્યુસાઇડ કરનારના ઘરે પહોંચી જાય છે પણ ત્યાં સુધીમાં તો તે ઘણી બધી ઘેનની ગોળીઓ ખાઈ ગયો હોય છે. પોલીસ તરત જ તેને હાસ્પિટલમાં દાખલ કરે છે અને તેનો જાન બચાવી લે છે.
ઘટના : 2
જાપાનમાં તાજેતરમાં જ થયેલા ભૂકંપ અને ત્સુનામીની ભયાનક ઘટના તો તો તમને યાદ જ હશે. ટેલિફોન સેવા બંધ થઈ પણ સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટની સેવા ચાલુ જ હતી.
આ સમયે જાપાનની એક મુખ્ય ન્યૂઝ ચેનલની લાઇવ સ્ટ્રીમિંગ વેબસાઇટ પર એક ‘ચેટબાક્સ’ ખુલ્લું હતું. ઘટનામાં ફસાયેલા કેટલાક લોકો નેટનો ઉપયોગ કરી ‘બચાવ’ માટેનો સંદેશો આ ‘ચેટબાક્સ’માં લખતા હતા. આ ચેટબાક્સમાં દર સેકન્ડે એક નવો સંદેશો આવી જતો. એવામાં આ ઘટનાની અડધી રાત્રે આ ચેટબાક્સ પર એક મેસેજ ક્લિક થાય છે, જેમાં લખ્યું હોય છે, ‘મારી મદદ કરો, મહેરબાની કરીને ‘ઇમર્જન્સી સેવાઓ’ને ખબર કરો, મારો ભાઈ ફસાઈ ગયો છે. સરનામું 421-2 કોયોલાઈ ઈજૂ મિકૂ, સેનદાઈશા.’
એક-બે સેકન્ડમાં આ સંદેશો ગાયબ થઈ જાય છે તેની જગ્યાએ બીજો સંદેશો આવી જાય છે. આમ અનેક સંદેશાઓ વારાફરતી આવ્યા કરે છે પણ એકઝેક્ટ 7 મિનિટ પછી ફરી એક સંદેશો આવે છે. આ સંદેશો હતો ‘421-2’માં રહેનારા વ્યક્તિને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે.’
ઘટના : 3
મુંબઈના રિક્ષા અને ટક્સી ડ્રાઇવરોના વર્તાવથી કંટાળી એક ડિજિટલ કંપ્નીના કેટલાક કર્મચારીઓ સોશિયલ મીડિયા પર ‘મીટરજામ’ નામનું આંદોલન શ કરે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી આ આંદોલનને સફળ બનાવવા મુંબઈના લોકોને અપીલ કરવામાં આવે છે કે તેઓ આ ડ્રાઇવરોના વર્તાવનો વિરોધ કરવા 12 આગસ્ટે રિક્ષા અને ટક્સીનો બહિષ્કાર કરે. મીટરજામ આંદોલન ફેસબુક પર મૂકવાની સાથે જ ગણતરીના કલાકોમાં 35000 કરતાં પણ વધારે લોકો આંદોલનના સમર્થનમાં આવી ગયા. આ આંદોલનથી આ ડ્રાઇવરોને કોઈ ફરક તો ન પડ્યો પણ આ સોશિયલ મીડિયાની છાપ જર બહાર આવી. આ ડ્રાઇવરોને એ તો ખબર પડી ગઈ કે મુંબઈજનો અમારા વર્તાવથી નાખુશ છે અને અમારો વિરોધ કરનારા મુંબઈ ઉપરાંત બહારના લોકો પણ છે.
ઘટના : 4
હૈતીનો ભૂકંપ યાદ છે? ન્યૂઝ ચેનલને હૈતીના સમાચાર ફૂટેજ મેળવતાં વાર લાગી હતી ત્યાં હૈતીની ઘટનાની ત્રીજી સેકન્ડે તેના ફોટા અને માહિતી ફેસબુક અને ટ્વિટર પર મુકાઈ ગઈ હતી. અસરગ્રસ્ત પરિવાર માટે સંવેદના પ્રગટ કરતા કરોડો મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા. આ બધાની વચ્ચે મોબાઈલ દ્વારા ફંડ ઊભું કરનારી કંપ્ની એમગિવ, રેડક્રોસની મદદ લઈ એક અભિયાન ચલાવે છે. અભિયાન દરમિયાન એક ખખજની કિંમત દસ ડાલર રાખવામાં આવે છે. આ ખખજ દ્વારા માત્ર 24 કલાકમાં 20 લાખ ડાલરનું ફંડ એકત્રિત થઈ જાય છે. આવા તો અનેક કિસ્સા બન્યા. અનેક હસ્તિઓએ માત્ર ટ્વિટર પર હૈતી ભૂકંપ માટે ફંડ માગ્યું અને લોકોએ ખોબા ભરી ભરીને ફંડ આપ્યું.
***
સોશિયલ મીડિયાનું એક જ સૂત્ર છે અને એ છે ફાસ્ટ, સુપર ફાસ્ટ, સુપર સોનિક. સોશિયલ મીડિયાનાં આવાં અનેક ઉદાહરણો છે. આપરેશન જેરોનિમો યાદ છે? આ આપરેશન દરમિયાન અમેરિકાની નેવી સીલ, ઓસામાનો ખાત્મો બોલાવી રહી હતી ત્યારે પાકિસ્તાન સહિત વિશ્ર્વનું મીડિયા સૂઈ રહ્યું હતું પણ પાકિસ્તાનનો એક વ્યક્તિ ટ્વિટર પર આ આપરેશનનું લાઇવ રીપોર્ટિંગ કરી રહ્યો હતો. મુંબઈ 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન પણ આજુબાજુના લોકો દ્વારા ટ્વિટર, ફેસબુક પર આ ઘટનાનું લાઇવ રીપોર્ટિંગ થયું હતું. અણ્ણા હજારેના અનશન પહેલાં જ તેમની ધરપકડ થઈ. તેમને તિહાડ જેલમાં પૂરી દેવાયા. આથી અણ્ણાના સમર્થક જેલની બહાર જ અનશન પર બેસી ગયા. તિહાડ જેલમાં ગયા બાદ સમગ્ર દેશ અણ્ણાની સ્થિતિ જાણવા માગતો હતો. ન્યૂઝ ચેનલને પણ અણ્ણા જેલમાં હતા તેવા એક પણ ફૂટેજ ન મળ્યા. ત્યારે ટ્વિટર કામ આવ્યું હતું. શ્રી શ્રી રવિશંકર અણ્ણાને મળવા જેલમાં ગયા તો તેમણે અણ્ણા સાથે તેમના મોબાઈલથી એક ફોટો પાડ્યો અને તરત મોબાઈલમાંથી ટ્વિટર આપ્ન કરી તેમના ટ્વિટર પર તે ફોટો અપલોડ કરી દીધો. માત્ર ત્રણ મિનિટમાં આ ફોટો સમગ્ર મીડિયામાં છવાઈ ગયો હતો. શશી થરની કેટલ ક્લાસની ટિપ્પણી યાદ છે? હા, શશી થરે ટ્વિટર પર આ ટિવટ્સ મૂકી અને ભારતમાં હોબાળો મચી ગયો. લોકોએ ઓનલાઇન તેનો વિરોધ કર્યો હતો. તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટે નરેન્દ્ર મોદીને રાહત આપી એવા સમાચાર હતા. નરેન્દ્રભાઈએ તરત જ ટ્વિટર પર એક ટ્વિટ્સ મૂકી. ગાડ ઇઝ ગ્રેટ. થોડી જ વારમાં નરેન્દ્રભાઈની આ કોમેન્ટ લોકોની જીભે ચડી ગઈ. રામગોપાલ વર્મા ટ્વિટર પર બચ્ચનને ગાળો આપે છે અને થોડી જ વારમાં બધાને ખબર પડી જાય છે. હમણાં જ નોર્વેમાં થયેલો નરસંહાર યાદ છે? આ આતંકવાદીએ આ ઘટનાનું વર્ણન તેના બ્લોગ ઉપર પહેલાં જ કર્યું હતું. જો નોર્વેની પોલીસ આ સોશિયલ મીડિયા પર સક્રિય હોત તો આ નરસંહાર રોકી શકાયો હોત. બરાક ઓબામાની હત્યા થઈ છે એવી એક નક્લી ટ્વિટ ટ્વિટર પર મુકાય છે અને થોડી જ વારમાં આ અફવા સમગ્ર અમેરિકામાં ફેલાઈ જાય છે. આ પછી ખુદ ઓબામાએ આગળ આવવું પડે છે. જાપાનમાં એક હોટલમાં કામ કરતી રુચિકા સૂર્યાને ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રહેતા તેના પરિવારની ચિંતા થાય છે માટે તે ટ્વિટર પર ટ્વિટ મૂકે છે કે મને મારા પરિવારની ચિંતા થઈ રહી છે. થોડી જ વારમાં તે ભૂકંપગ્રસ્ત વિસ્તારમાં રહેતા તેના ભાઈની ટ્વિટ્સ આવે છે કે અમે સહીસલામત છીએ. ફિકર નાટ!
ટ્યુનિશિયાની ક્રાંતિને યાદ કરો. ગઈ 17 ડિસેમ્બરે ગરીબીથી કંટાળી 26 વર્ષનો મોહમ્મદ બોઆજિજી જાહેરમાં આત્મહત્યા કરી લે છે. તેના પછી પણ અનેક યુવાનોએ આત્મહત્યાની કોશિશ કરી. આથી લોકોનો ગુસ્સો ભડકી ઊઠે છે. આથી ટ્યુનિશિયાના યુવાનોએ ઇન્ટરનેટ પર સત્તા પરથી તાનાશાહને હટાવવાનું અભિયાન ચલાવ્યું અને ફેસબુક પર એક જોરદાર અભિયાન છેડાઈ ગયું. ફેસબુક, ટ્વિટર, આરકૂટ પર લોકો સમર્થન આપવા લાગ્યા અને પરિણામે જાસ્મિન ક્રાંતિનો ઉદય થયો અને તાનાશાહને દેશ છોડી ભાગવું પડ્યું. ટ્યુનિશિયાથી આ ક્રાંતિ ઇજિપ્ત પહોંચી તો ત્યાં પણ આવું જ બન્યું.
તાજેતરમાં જ થયેલાં લંડનનાં હુલ્લડોમાં ફેસબુક, ટ્વિટર વધારે જવાબદાર છે. અણ્ણાના અનશનમાં પણ જે રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ થયો છે તે નજર અંદાજ ન કરી શકાય. હવે તો સરકાર પણ માને છે કે સોશિયલ મીડિયાના કારણે જ અણ્ણાના આંદોલનને વધારે વેગ મળ્યો.
21મી સદીની અદ્ભુત અને ભયાનક ઘટનાઓમાં સોશિયલ મીડિયાની શી ભૂમિકા રહી છે તેનાં આ ઉદાહરણો છે.
દુનિયાના કોઈપણ ખૂણે કોઈ મોટી ઘટના બને અને તે ઘટનાની બીજી સેકન્ડે તેની માહિતીનો ખડકલો સોશિયલ મીડિયામાં ખડકાઈ જાય છે. અમિતાભ બચ્ચનથી લઈને બોલીવૂડનો નાનામાં નાનો કલાકાર શા માટે બ્લોગ, ફેસબુક, ટ્વિટરના રવાડે ચડી ગયો છે? શાહખખાન, નરેન્દ્ર મોદી, સલમાનખાન, શેખર કપુર, સચિન તેંડુલકર, સાનિયા મિર્ઝા, શશી થર, ઓમર અબ્દુલ્લા, માધુરી દીક્ષિત, તસ્લીમા નસરીન, અનુપમ ખેર શા માટે ફેસબુક અને ટ્વીટરના ‘ફેમ’ બની ગયા છે? સરકારથી લઈને વિપક્ષી દળના નેતાઓ શા માટે સોશિયલ મીડિયાની સાથે જોડાઈ ગયા છે? જવાબ માત્ર એક જ છે કે સોશિયલ મીડિયા ખરા અર્થમાં નિષ્પક્ષ રીતે વિશ્ર્વના સમગ્ર લોકોનું એક મજબૂત માધ્યમ બનીને બહાર આવ્યું છે.
સરકાર પણ આ જ માર્ગે
આપણે આજથી 20 વર્ષ પહેલાં ફેક્સ, 15 વર્ષ પહેલાં મોબાઈલ, પેજર અને દસ વર્ષ પહેલાં ઇન્ટરનેટથી પરિચિત નહોતા. પણ વાસ્તવિકતા એ છે કે આજે વિશ્ર્વનું 90 ટકા કોમ્યુનિકેશન આ ત્રણ સાધનોથી થાય છે. આજથી પાંચ વર્ષ પહેલાં ગૂગલ, યાહૂ, ફેસબુક, આરકૂટ, ટ્વિટરની ચર્ચા સાંભળી હતી? નહિ સાંભળી હોય! પણ આજે આ બધા વગર કોમ્પ્યુટરનો વપરાશ કરનાર પાંગળો છે. છેલ્લાં પાંચ વર્ષમાં સોશિયલ નેટવર્કિંગ સાઇટની પ્રસિદ્ધિમાં જે વધારો થયો છે તે નજરઅંદાજ કરવા જેવો નથી. અને કદાચ એટલા માટે જ આપણી કેન્દ્ર સરકાર પણ ‘સોશિયલ મીડિયા પાલિસી’ ઘડવાની વાત કરી રહી છે. આજે સોશિયલ મીડિયા તમામ મંચો ઉપર લોકપ્રિય છે. લોકો સ્વૈચ્છિક રીતે આવા મંચો પર આવીને પોતાના વિચારો રજૂ કરી રહ્યા છે. લોકોને આ નવું મીડિયા નિષ્પક્ષ લાગે છે. અણ્ણા હજારેના આંદોલન દરમિયાન કેન્દ્ર સરકારને સોશિયલ મીડિયામાં સરકારની ગેરહાજરી ભારે પડી છે. સરકારનું હવે સ્પષ્ટ માનવું છે કે ટ્વિટર, ફેસબુક પર સરકારે લોકોને યોગ્ય જવાબ આપ્યો હોત તો અણ્ણાનું આંદોલન આટલું બધું સફળ ન થયું હોત. પણ હવે સરકાર જાગી ગઈ છે. સરકાર હવે સરકારી વિભાગોના કર્મચારીઓ માટે સોશિયલ મીડિયા પાલિસી બનાવવા જઈ રહી છે. આ સંદર્ભે લોકોની રાય લેવા સરકારે આ પાલિસી તેમની વેબસાઇટ (ઇન્ફોરમેશન ટેક્નોલોજી) પર મૂકી દીધી છે. આગામી 30 સપ્ટેમ્બર સુધી સરકાર લોકોના વિચાર જાણશે અને પછી આ પાલિસી બનાવવાનો નિર્ણય લેશે. આ પાલિસી દ્વારા સરકાર ઇચ્છે છે કે સરકારી વિભાગ પણ સોશિયલ મીડિયામાં સક્રિય થાય અને સરકારની ખરાબ થતી સ્થિતિને લોકો સમક્ષ સારી કરે.
જો કે આ સોશિયલ મીડિયાની સારી બાજુની વાત છે. પણ લોકો આ ધારદાર શસ્ત્રનો ખોટો ઉપયોગ પણ કરતા થઈ ગયા છે. કોઈના નામે બનાવટી એકાઉન્ટ ખોલી તેને બદનામ કરવો, કોઈના ગંદા ફોટા નેટ પર અપલોડ કરી દેવા, આતંકવાદીઓ દ્વારા તેનો ખોટો ઉપયોગ કરવો - આ બધું આ મીડિયાની ખતરનાક બાજુ પણ છે. સરકાર હાલ તેની ઉપયોગિતાને સમજી પાલિસી તો ઘડી રહી છે. પણ તેના આ પાસાને ધ્યાનમાં રાખી સખત કાયદા પણ બનાવવા જરી છે કે જેથી આ ધારદાર શસ્ત્રનો ઉપયોગ કોઈને મારવા નહિ પણ બચાવવા થઈ શકે! બાકી સોશિયલ મીડિયા હવે લોકશાહીનો પાંચમો સ્તંભ બની ચૂક્યો છે! બોલો, તમને શું
લાગે છે?
ટિપ્પણીઓ નથી: