તાબોટાના અવાજ પાછળની ગુંજ - આ વાતો ભલે સાચી ન હોય તો પણ વાંચવા જેવી ખરી, હોં!

પ્રતિકાત્મક તસવીર 


કિન્નર, હીજડો, નપુંસક.... જેવા અનેક શબ્દો અહીં લખી શકાય પણ આપણો સભ્ય સમાજ આ શબ્દોને ખરાબ માને છે તેથી અહીં વધારે અપશબ્દો લખવાની ગુસ્તાખી કરવી નથી. આ શબ્દો આપણી આંખ સામે આવતાં જ કે કાનમાં પડતાં જ આપણને એક અલગ પ્રકારનો આચાર-વ્યવહાર કરનારો, સ્ત્રી જેવી ચાલ ધરાવતો, તાબોટા પાડતો એક અર્ધનારીશ્ર્વર યાદ આવી જાય. જેને આપણે ‘ગાળ’ માનીએ છીએ તેવા વિશેષણ સાથે એક વ્યક્તિ (જેને આપણે લૈગિંક વિકલાંગ કહી શકીએ) આખી જિંદગી જીવી જાય છે. આ કિન્નરોની જિંદગી હમેશાં વિસ્મયભરી રહી છે. તેમની દિનચર્યા કે જીવનચર્યા વિશે આજ સુધી કોઈપણ વ્યક્તિ સચોટ રીતે કંઈ પણ કહી શકી નથી. તેમની રહેણી-કરણીથી લઈને તેમના જીવનના અંત સુધીની અનેક રહસ્યમય અને વિસ્મયજનક વાતો આપણા સમાજમાં ફરતી થઈ છે. અહીં પણ કિન્નર વિશેની આવી જ ક્યાંક જોયેલી, વાંચેલી, સાંભળેલી વાતો રજૂ કરવામાં આવી છે. આ વાતો ભલે સાચી ન હોય તો પણ વાંચવા જેવી ખરી, હોં!

જીવન એટલે સંઘર્ષ. આ સંઘર્ષમય દુનિયામાં આમ તો સમાચારોની કોઈ જ અછત નથી પણ ક્યારેક કોઈ અલગ ઘટના ઘટે તો તે ઘટના ન્યૂઝ બની જાય છે. અમદાવાદમાં આવી જ એક ઘટના ઘટી. આપણે કિન્નરને એક ‘નબળો પુરુષ’ માનીએ છીએ, પણ અમદાવાદની આ ઘટનામાં એક વગદાર ‘કિન્નર’ને મારવા બંદૂકની ચાર ચાર ગોળીનો ઉપયોગ થયો છે. અમદાવાદના ‚પાલી સિનેમા સામે કિન્નર કિંગ ‘સોનિયા દે’ પકોડી ખાઈ રહ્યો હતો અને દસમી પકોડીની સાથે જ તેને બંદૂકની ચાર ગોળીઓ ફ્રીમાં મળી. હત્યારો કોણ છે? હત્યાનું કારણ શું છે, તે પોલીસ તપાસ કરી રહી છે, પણ છાપાંઓમાં આવતા અહેવાલ મુજબ તો એવું લાગે છે કે પોલીસ, છાપાંવાળા અને સોનિયા દેના સાથીઓને તેના હત્યારાઓ કરતાં વધુ રસ સોનિયા દેની સંપત્તિમાં છે. ઠીક છે, જે હોય તે, ‘કિન્નર’ પણ સમાજનો એક ભાગ છે, માટે આવું બધું ચાલ્યા કરે... આગળ કહ્યું તેમ જીવન એટલે સંઘર્ષ...

કિન્નરનું જીવન એટલે ખરા અર્થમાં સંઘર્ષ! માનવનું ત્રીજું ‚પ એટલે કિન્નર. સ્ત્રીલિંગ, પુલિંગ અને ‘સ્ત્રીપુલિંગ’ (સ્ત્રીલિંગ). કિન્નરોને સમાજમાં સ્થાન નથી. પરિવાર પણ કિન્નરોને તરછોડી દે છે. શાળાઓમાં તેમને એડ્મિશન મળતું નથી. શાળાઓના સંચાલકોને પણ ડર લાગે છે કે જો આમને એડ્મિશન આપીશું તો અન્ય બાળકો શાળાએ જવાનું છોડી દેશે, તેમને કોઈ નોકરી આપતું નથી એટલે જીવન ગુજારવા ન છૂટકે તાબોટા પાડવા કિન્નરોને ‘કિન્નર સમાજ’માં જોડાઈ જવું પડે છે. બસ, પછી તો આ સમાજ તેમના માટે એકમાત્ર દુનિયા બની જાય છે. આ સમાજની એક રીત છે, તેના કેટલાક નિયમો છે. તેને ચુસ્ત રીતે માનવા પડે છે. એવું કહેવાય છે કે કેટલાક નિયમો અત્યંત પીડાદાયક છે, પણ સમાજથી તરછોડાયેલા આ સમાજે તે પીડા સ્વીકારી લીધી છે. લોકોની ખુશીમાં, તેમના સારા પ્રસંગે નાચી, તાબોટા પાડી તેમના ચહેરા પર હાસ્ય આવે ત્યાં સુધી અવનવી હરકતો કરી લોકો પાસે પૈસા ઉઘરાવવાનું કામ આ કિન્નરોનું છે.આપણા સમાજે ભલે આ લોકોને તરછોડી દીધા હોય તેમ છતાં તેમની જવાબદારી તો સ્વીકારી જ હતી. ‘કિન્નરો’ ભણી શકતા નથી, નોકરી કરી શકતા નથી એ ધ્યાન સમાજે રાખ્યું હતું અને આ લોકો માટે એક આખી વ્યવસ્થા ગોઠવી આપી હતી. સારા પ્રસંગે, ખુશીના સમયે લોકો જ આ કિન્નરોને ‘લાગો’ ‚પી પૈસા આપી મદદ કરતા અને તેમનું જીવન આમ લાગોના પૈસાથી પસાર થઈ જતું. આ આપણી જૂની વ્યવસ્થા હતી, પણ પરિવર્તન એ સંસારનો નિયમ છે. બદલાતા સમયમાં પરિવર્તન આવ્યું અને સાથે સાથે આ કિન્નર સમાજમાં પણ પરિવર્તન આવતું ગયું. સમાજે કિન્નરોને મદદ કરવા ‘લાગો’ બાંધી આપ્યો હતો, પણ હવે આ કિન્નરો લાગાને પોતાનો હક, અધિકાર માનવા લાગ્યા છે. લોકોની નિંદા, મશ્કરી, વ્યંગ સહન કરી કરીને કિન્નરોનો સ્વભાવ પણ બદલાઈ ગયો અને હવે આ ‘લાગો’ ખંડણીમાં ફેરવાઈ ગયો છે. કિન્નરો હવે કાયદેસરની ખંડણી ઉઘરાવે છે, તે સૌ કોઈ જાણે છે. જૂના જમાનામાં કિન્નરોને મદદ કરનારા લોકો હવે કિન્નરોને જોઈને તેમની હાંસી ઉડાવે છે અથવા તેમનું ટોળું જોઈને જ ગભરાઈ જાય છે. તેમને ખંડણીના પાંચ-પચ્ચીસ ‚પિયા પણ આપી દે છે. આમ કિન્નરોનું જોર સમાજમાં વધતું ગયું છે. આજે સૌ કોઈને ડર લાગે છે કે કિન્નરને પૈસા નહિ આપીએ તો તે બજાર વચ્ચે તેની ઇજ્જતનો ભવાડો ન કરી દે! સરેઆમ પોતાની લૈંગિક વિકલાંગતાનો ફાયદો ઉઠાવીને હવે આ કિન્નરો વેપારીઓ પાસેથી પણ ખંડણી ઉઘરાવતા થયા છે. પરિણામે કિન્નરો પાસે પણ અઢળક સંપત્તિ ભેગી થઈ છે. હવે અઢળક સંપત્તિ હોય ત્યાં વિવાદ ન થાય એવું બને!? પરિણામે અઢળક સંપત્તિના ઢગલા પર બેસવા કિન્નરોમાં જ ગેંગવોર ફાટી નીકળે છે. ‘વ્યંઢળોમાં ગેંગવોર’ એવા શીર્ષક હેઠળ આપણે સમાચાર પણ વાંચ્યા જ છે. કિન્નરોની ગેંગવોર, મારામારી, મોજશોખ આજે સમાજમાં ચર્ચાનો વિષય છે. આ બધાની વચ્ચે પ્રશ્ર્ન એ થાય કે સમાજની બનાવેલી વ્યવસ્થામાં જીવતા આ કિન્નરો ખંડણી અને જબરજસ્તી કરતા કેમ થઈ ગયા? અઢળક સંપત્તિના માલિક કઈ રીતે બની ગયા? કિન્નરો વચ્ચે ગેંગવોર શા માટે થવા લાગી? આ તમામ પ્રશ્ર્નોનો જવાબ એક મળે છે અને તે છે ‘બનાવટી હીજડા’.અઢળક સંપત્તિ અને મોજશોખ કિન્નરોના પર્યાય બની ગયાં છે. જે જન્મથી જ ‘કિન્નર’ છે એવા કિન્નરો બહુ ઓછા છે. આજે બનાવટી કિન્નરો વધી ગયા છે. આવા અનેક આક્ષેપો ખુદ કિન્નર સમાજ દ્વારા જ અનેક વાર જાહેરમાં થતા રહ્યા છે. આ ‘બનાવટી હીજડા’ઓ માટે લોકો પાસેથી પૈસા પડાવવા એ સરળ ધંધો બની ગયો છે. એક અહેવાલ મુજબ છેલ્લાં બે વર્ષમાં 300થી વધારે ‘બનાવટી હીજડા’ પકડાઈ ચૂક્યા છે. હમણાં થોડા સમય પહેલા જ ગાજિયાબાદમાં એક ડાક્ટર નબી મોહંમદ પોલીસના હાથે ઝડપાઈ ગયો હતો. તે નકલી ડિગ્રી સાથે, એક નર્સિંગ હોમ ચલાવતો હતો, જેમાં તે ‘બનાવટી હીજડા’ પેદા કરતો હતો. એક અનુમાન મુજબ તેણે 50 જેટલા હીજડાઓનું આપરેશન કર્યું હતું. આજે પણ દેશમાં એવા ઘણા લોકો સક્રિય છે જે માસૂમ યુવાનોને જબરજસ્તીથી ‘કિન્નર’ બનાવી પોતાના સમાજની સંખ્યા વધારવામાં પડ્યા છે. આપરેશન બાદ આ બનાવટી કિન્નરો જબરજસ્તીથી બનાવેલા આ કિન્નરોનું માઇન્ડ વાશ પણ કરે છે અને યેન-કેન-પ્રકારેણ તેમને પોતાના સમાજમાં રહેવા મજબૂર કરી દે છે. આ બનાવટી હીજડાઓ જ સમાજને બ્લકમેઇલ કરે છે, તેમની પાસેથી પૈસા પડાવે છે, ખંડણી ઉઘરાવે છે. પરિણામે સમાજે કિન્નરો માટે તૈયાર કરેલી આખી વ્યવસ્થા તૂટી પડી છે. આવા ‘બનાવટી હીજડા’ઓ માટે હવે ખુદ સમાજે અને સરકારે કંઈક કરવું પડશે. સરકારે ઝડપથી પગલાં ભરવાં પડશે, નહિ તો અઢળક સંપત્તિ અને મોજશોખમાં ડૂબેલા આ ‘બનાવટી કિન્નરો’નાં કરતૂતો વધતાં જશે અને દેશની એક સમસ્યામાં ઔર વધારો થઈ જશે!

તૃતીય પ્રકૃતિ

આપણા પ્રાચીન ભારતીય ગ્રંથોમાં કિન્નરોને તૃતીય પ્રકૃતિના કહ્યા છે. સમગ્ર દુનિયામાં કિન્નરોની ઉપસ્થિતિ છે. કિન્નરોની સંખ્યાના સરકાર પાસે પણ કોઈ આંકડા નથી પણ એક અંદાજ મુજબ સમગ્ર દેશમાં ઘરાણાંમાં કિન્નરોની સંખ્યા 10 થી 15 લાખની હોવાનું કહેવાય છે. આ કિન્નરોનો આખો સમુદાય સાત ઘરાણાંમાં વહેંચાયેલો છે. ઘરાણાંનો મુખી જે તે ઘરાણાંનો નાયક ગણાય છે, તે ચેલાઓ - શિષ્યને દીક્ષા આપવા ગુરુની નિયુક્તિ કરે છે અને ગુરુ તેમને ‘કિન્નરોની કલા’ શીખવે છે. કિન્નરોનો આજનો જે વ્યવહાર છે તે તેમનો સ્વાભાવિક ગુણ નથી પણ કેવી રીતે ચાલવું, કેવી રીતે તાળી પાડવી એ બધું શીખવવામાં આવે છે અને આ એક શીખેલી કલા જ છે. જન્મથી જ લૈંગિક રીતે વિકલાંગ હોય એવા કિન્નરો ખૂબ ઓછા હોય છે. બીજા એવા કિન્નરો પણ છે જે જન્મથી તો પુરુષ હોય છે પણ એક દર્દનાક આપરેશન દ્વારા માત્ર પૈસા કમાવા આવા ઘણા પુરુષો કિન્નર બની જતા હોય છે અને આવા કિસ્સાઓ સમાજમાં વધી પણ રહ્યા છે.આલ ઇન્ડિયા હીજડા કલ્યાણ સભાના અધ્યક્ષ ખૈરાતીલાલે પણ એક વાર કહ્યું હતું કે જન્મથી કિન્નર હોય એવા કિન્નરો ખૂબ ઓછા છે. પૈસા માટે આપરેશન કરાવીને બનેલા કિન્નરો વધારે છે. આ લોકો દ્વારા થતા અપરાધો પણ હવે વધતા જાય છે. કિન્નર સમાજની અંદરો-અંદરની લડાઈના પણ અનેક અહેવાલો છાપાંઓમાં પ્રકાશિત થઈ ચૂક્યા છે.

એક માન્યતા

તમિલનાડુમાં કૂવગમ નામનું એક ગામ છે, જેને કિન્નરોનું ઘર પણ કહેવામાં આવે છે. આ કૂવગમ ગામમાં મહાભારત કાળના અરાવાન નામના યોદ્ધાનું મંદિર છે. હિન્દુ માન્યતા મુજબ પાંડવોને યુદ્ધ જીતવા માટે અરાવાનની બલી આપવી પડી હતી. બલી ચડતા પહેલાં અરાવાને છેલ્લી ઇચ્છા વ્યક્ત કરી હતી કે તે લગ્ન કરી પત્નીસુખ માણવા માગે છે. કથા મુજબ અરાવાનની આ ઇચ્છા પૂર્ણ કરવા ખુદ કૃષ્ણ ભગવાને સ્ત્રીનું ‚પ ધારણ કર્યું હતું અને અરાવાન સાથે લગ્ન કર્યાં હતાં. આ માન્યતા મુજબ આજે પણ દર વર્ષે કૂવગમમાં હજારો કિન્નરો દુલ્હન બની અરાવાન સાથે લગ્ન કરે છે. આખી રાત ખુશી મનાવે છે અને પછી પાછા પોતાના ઘરે પહોંચી જાય છે.કિન્નરોનું ધર્માંતર!?હિન્દુ, મુસ્લિમ, ઈસાઈ વગેરે દરેક ધર્મમાં કિન્નરો છે જ. પણ આ કિન્નરો ‘કિન્નર સમાજ’માં ભળવાની સાથે જ એમનો એક જ ધર્મ બની જાય છે. પછી તેમના માટે બીજો કોઈ ધર્મ માન્ય નથી. કિન્નર બન્યા બાદ આ લોકો બહુચર માતા અને અરાવાનની પૂજા કરે છે, પણ એવું કહેવાય છે કે ઘણા કિન્નરો હિન્દુ હોવા છતાં મૌલવીઓને 50,000 કે લાખ ‚પિયા આપી મુસ્લિમ કિન્નર બની જાય છે. આનું કારણ એ છે કે તેઓ બીજા જન્મમાં કિન્નર બનવા માગતા નથી. આની પાછળનું મુખ્ય કારણ આ કિન્નરો માને છે કે હિન્દુ ધર્મમાં પુનર્જન્મનો ઉલ્લેખ છે પણ મુસ્લિમ ધર્મમાં પુનર્જન્મનો કોઈ ચોક્કસ ઉલ્લેખ નથી અને કોઈ પણ કિન્નર બીજા જન્મમાં ‘કિન્નર’ બનવા માગતો નથી. તેથી મોટા ભાગના કિન્નરો મુસ્લિમ બની પોતાનાં નામ રેશ્મા, નરગીસ, શબનમ રાખી લે છે.

કિન્નર બોડીગાર્ડ?!

કિન્નરોને લઈને ભારતીય સમાજમાં અલગ-અલગ પ્રકારની ભ્રમણા રહી છે. લોકસાહિત્ય અને ઇતિહાસમાં કિન્નરોની ખાસ નોંધ પણ લેવાઈ છે. મહાભારતનો શિખંડી યાદ છે ! તેની મદદથી અર્જુને ભીષ્મ પિતામહનો વધ કર્યો હતો. તે કિન્નર હતો. આવી જ રીતે નેટ પરથી અને અમુક ઐતિહાસિક તથ્યો પરથી જાણવા મળે છે કે હિન્દુ અને મુસ્લિમ શાસકો કિન્નરોનો ઉપયોગ પોતાની રાણીઓના રક્ષક તરીકે કરતા. કિન્નરો રાણીઓની પહેરેદારી કરતા હતા. ઘણાં જૂનાં પિક્ચરોમાં પણ તમે આ જોયું હશે. કિન્નરોને રાણીઓના બોડીગાર્ડ રાખવાથી રાજા પણ સુરક્ષા અનુભવતો. રાણી કોઈની સાથે ગેરકાનૂની સંબંધો ન રાખી શકે એવું કારણ પણ આ કિન્નરોને બોડીગાર્ડ રાખવાનું હોઈ શકે. એવું કહેવાય છે કે તે વખતે રાજાઓએ ઘણા યુવાનોને કૃત્રિમ રીતે કિન્નર બનાવી રાણીની ચોકી કરવામાં મૂકી દીધા હતા, તો ઘણા કિન્નરો શાસનમાં ઉચ્ચ હોદ્દા પર પણ રહી ચૂક્યા છે.

કિન્નર એક લોકનેતા તરીકે

સમાજથી તરછોડાયેલા આ સમાજમાં કેટલાક કિન્નરોની રાજનૈતિક ચેતના વધી છે. આપણા દેશમાં 1994માં તે વખતના મુખ્ય ચૂંટણી અધિકારી ટી. એન. શેષને આ લૈંગિક વિકલાંગો (કિન્નરો)ને મતદાન આપવાનો અધિકાર આપ્યો. આ અધિકાર સાથે જ કિન્નરો માટે એક ‘રાજકીય માર્ગ’ તૈયાર થઈ ગયો. મતદાતાના ‚પે કિન્નરોને સ્ત્રી ગણવામાં આવ્યા. પછી તો કિન્નરોએ ચૂંટણીઓ પણ લડી છે અને અનેક જગ્યાએ સફળતા પણ મેળવી છે. રાજનીતિમાં સૌથી પહેલી સફળતા હિસારની કિન્નર શોભાએ મેળવી. 1995માં એક નગર નિગમની ચૂંટણીમાં તે શહેરના વોર્ડ નંબર 9ની સભાસદ તરીકે ચૂંટાઈ હતી. ત્યાર પછી શ્રીગંગાનગર, રાજસ્થાનમાં પણ કિન્નરને સફળતા મળી છે. રાજનીતિમાં સૌથી મોટી સફળતા કિન્નરોને મધ્યપ્રદેશમાં મળી. દેશની પહેલી કિન્નર શબનમ માસી શહડોલ જિલ્લાની સોહાગપુર વિધાનસભા મતવિસ્તારની પહેલી ધારાસભ્ય વિસ્તારની સભ્ય બની. ત્યાર પછી અનેક જગ્યાએ કિન્નરોને રાજનીતિ કરવાની તક મળી છે.

કિન્નર અને કિન્નૌર વિવાદ

કિન્નર એટલે કે લૈંગિક વિકલાંગો માટે કયો શબ્દ વાપરવો તે માટે પણ વિવાદ ચાલે છે. કિન્નરને કિન્નર કહેવું કેટલાંક લોકોને ગમતું નથી. આનું કારણ છે, હિમાચલ પ્રદેશનો કિન્નૌર જિલ્લો. હવે કિન્નરોને કિન્નર કહીને બોલાવવામાં આવે તે કિન્નૌરવાસીઓને અપમાનજનક લાગે છે. આ કિન્નર અને કિન્નૌરનો વિવાદ ત્યારે વધારે ઊછળ્યો જ્યારે 2000માં એક કિન્નર શબનમ માસી ચૂંટણી જીતી ગઈ. ત્યારે મીડિયામાં આ લોકો માટે કિન્નર શબ્દ વાપરવામાં આવ્યો. શબનમ માસી માટે પણ ‘કિન્નર’ શબ્દ પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાએ વાપર્યો અને કિન્નર શબ્દ પ્રસિદ્ધ થઈ ગયો. આજે પણ મીડિયામાં કિન્નર શબ્દ જ વપરાય છે. ફિલ્મ નિર્દેશક મધુર ભંડારકરે ‘ટ્રાફિક સિગ્નલ’ ફિલ્મના પ્રમોશન વખતે કહ્યું હતું કે મેં મારી આ ફિલ્મમાં ‘કિન્નરો’ પાસે પણ અભિનય કરાવ્યો છે. ત્યારે પણ કિન્નૌર જિલ્લાના લોકોએ મધુર ભંડારકરનો વિરોધ કર્યો હતો. આજે પણ હિમાચલ પ્રદેશમાં આવેલ ‘કિન્નૌર’ જિલ્લાના બધા જ લોકો આ લોકો માટે વપરાતા ‘કિન્નર’ શબ્દનો જોરજોરથી વિરોધ કરે છે. તેમનું કહેવું છે કે કિન્નર શબ્દ ફેમસ થવાથી કિન્નૌર જિલ્લાના લોકો અપમાન મહેસૂસ કરી રહ્યા છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.