યંગ જનરેશન પરકલમના દમ પર વિજય મેળવી ચૂકેલા જય વસાવડા





રાજકોટની ભણસાલિયા કાલેજનો બી.બી.એ.નો ક્લાસ ‚મ હકડેઠઠ ભર્યો હતો. એક પ્રોફેસર સાહેબ ફર્સ્ટ યરના સ્ટુડન્ટ્સને નિબંધ લખવાના વિષય પર વાત કરતાં કરતાં કટાક્ષમાં બોલ્યા, ‘છાપાંઓમાં છપાય છે એ બધું વાંચીએ એટલે નિબંધ લખી શકાય!’

એક છોકરાએ ઊભા થઈને કહ્યું, ‘ના, સાહેબ! એવું નથી હોતું. માત્ર છાપાંઓ વાંચવાથી સારો નિબંધ નથી લખી શકાતો. એના માટે નાલેજ જોઈએ અને છાપામાં આવે છે એ બધું જ કંઈ સારું નથી હોતું. એવું તો હુંય લખી શકું. એમાં કોઈ મોટી વાત નથી.’

પ્રોફેસર ગુસ્સે થઈ ગયા, ‘છોકરા, તું નાના મોઢે મોટી વાત કરી રહ્યો છે. આને અભિમાન કહેવાય અને તને અભિમાની.’‘
ના, સાહેબ, આ ઈગો નથી, સેલ્ફ કોન્ફિડન્સ છે. મારું લખેલું કોઈ છાપે નહીં, નહીંતર હું ય લખી બતાવું.’
પ્રોફેસરનો ગુસ્સો વધ્યો પણ વાત આગળ વધે એ પહેલાં પિરિયડ બદલાયો, સૌ બહાર ચાલ્યા અને પાછળ રહી ગયા શોરબકોરમાં દબાઈ ગયેલા એ છોકરાના શબ્દો, ‘સર, નાના મોઢે કરેલી મોટી આ વાતને હું એક દિવસ હકીકતમાં પલટીને બતાવીશ.’
***
એ દિવસે તો વિદ્યાર્થીઓના શોરબકોર અને પ્રોફેસરે કાન આડા કરેલા હાથની ઓથે એ છોકરાનો અવાજ દબાઈ ગયો પણ એ વિદ્યાર્થીને અને એની કલમને કોઈ ના દબાવી શક્યું. થોડાં જ વર્ષ પછી એ છોકરાનો સેલ્ફ કોન્ફિડન્સ ગુજરાત સમાચારનાં પાનાંઓ પર શબ્દ બનીને છપાયો અને સમય જતાં અખબારી આકાશના આભમાં સૂરજ બનીને ઝળહળી ઊઠ્યો. એ છોકરાનું નામ હતું જય! જય લલિતભાઈ વસાવડા. સમય જતાં બી.બી.એ. કાલેજના એ જ પ્રોફેસર બદલી થઈને ભાવનગર કાલેજમાં જોડાયા અને જય વસાવડાનું લેક્ચર ગોઠવ્યું.

આખાયે ગુજરાતની યંગ જનરેશન પર પોતાની કલમના દમ પર વિજય મેળવી ચૂકેલા જય વસાવડા આજે ગુજરાતના લોકપ્રિય લેખક છે, શ્રેષ્ઠ વક્તા છે અને ઉત્તમ માણસ છે. તેમનો જન્મ 6ઠ્ઠી આક્ટોબર, 1973 અને ઉછેર ગોંડલમાં. કદાચ બહુ ઓછા લોકોને ખ્યાલ હશે કે છાપાના બ્લેકબોર્ડ પર કલમની ચાકસ્ટીક વડે આપણને જિંદગી અને જિંદાદિલીના પાઠ ભણાવતા આપણા આ લેખક પ્રાથમિક શિક્ષણ મેળવવા સ્કૂલે જ નથી ગયા. સાતમા ધોરણ સુધી તેમનાં માતા જયાબહેને એમને ઘરે જ ભણાવ્યા અને ભણાવ્યા પણ કેવા? પ્રાથમિક સુધી શાળાએ ન જવા છતાં પણ જય વસાવડા ડબલ પોસ્ટ ગ્રજ્યુએટ થયા, રાજકોટની ભાલોડિયા કાલેજમાં બે વર્ષ લેક્ચરર અને ત્રણ વર્ષ પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવી.

પ્રિન્સિપાલ તરીકે કાલેજમાં તેમનું ત્રીજું વર્ષ ચાલી રહ્યું હતું. આમ પણ એ નોકરીની જિંદગી એમને બોર કરી રહી હતી ત્યાં એક આઘાત આવ્યો. એમનાં માતા જયાબહેનને કન્સરનું નિદાન થયું. જયભાઈએ પ્રિન્સિપાલની નોકરી છોડી દીધી અને માતાની સેવામાં લાગી ગયા. માતાના મૃત્યુ સુધી એમની સેવા કરી.

જયભાઈની જિંદગી ઘટનાસભર છે. બધી જ ચીજો બહુ રોમાંચક રીતે જ શ‚ થઈ છે. ગુજરાત સમાચારની કોલમની જ વાત કરીએ તો તેઓ ગુજરાત સમાચારમાં એક પ્રેસનોટ આપવા ગયા હતા. એ દરમિયાન એમની મુલાકાત નિર્મમભાઈ શાહ સાથે થઈ અને એમની લેખન કારકિર્દીની શ‚આત થઈ.

છેલ્લાં પંદર વર્ષથી જય વસાવડા ગુજરાત સમાચારની શતદલ પૂર્તિમાં ‘અનાવૃત્ત’ અને રવિપૂર્તિમાં ‘સ્પેક્ટ્રોમીટર’ નામની કટાર લખે છે. યંગ જનરેશન એમની કલમની દિવાની છે (એ સિવાય બધી ઉંમરના લોકો પણ ખરા!). યંગ જનરેશનને હજુય જો છાપાં વાંચવા માટે જકડી રાખ્યું હોય તો એમાં જય વસાવડાનું નામ મોખરે છે. તેમની વાંચન પ્રત્યેની રુચિનું કારણ પણ અનોખું છે. તેઓ કહે છે, મારો શોખ મા-બાપ્ને કારણે વિકસ્યો છે. મારા પિતા લલિતભાઈ વસાવડા મૂળે શિક્ષક, કોઈ વ્યસન નહીં. મારી મમ્મીને પણ સોનું નહીં પહેરવાની બાધા હતી એટલે એનો પણ ખર્ચો નહીં. એટલે એ બંનેની બચતના પૈસા પુસ્તકોમાં જ ખર્ચાતા.

લેખક અને વક્તા તરીકેની પંદર વર્ષની કારકિર્દીમાં જયભાઈએ વિવિધ વિષયો પર 1300થી પણ વધારે આર્ટિકલ્સ લખ્યા છે, 1200થી વધુ પ્રવચનો કર્યાં છે, 13 પુસ્તકો પ્રકાશિત થયાં છે. જયભાઈ અમેરિકા, લંડન, બ્રિટન, જર્મની વગેરે અનેક દેશોમાં ત્યાંની ગવર્નમેન્ટના આમંત્રણથી લેક્ચર આપવા માટે ગયા છે એ આપણા માટે ગૌરવ લેવા જેવી બાબત છે. જય વસાવડા એ ગુજરાતની એવી યુવાપ્રતિભા છે જેણે લેખન અને વક્તવ્યથી ગુજરાતની સંસ્કૃતિ દેશ-વિદેશમાં ગુંજતી કરી છે. તેમના ઘરમાં રાચરચીલું ઓછું અને પુસ્તકો વધારે છે. એમના ઘરમાં 11000 પુસ્તકો, 12000 મેગેઝિન્સ અને 6000 સી.ડી. અને ડિ.વી.ડી.નો અસબાબ છે. વર્ષ 2010માં ગુજરાત સરકાર દ્વારા લેખન ક્ષેત્રમાં તેમના પ્રદાન બદલ તેમને સન્માનિત કરવામાં આવ્યા.

જયભાઈને મેં પૂછ્યું કે તમારી આટલી દીર્ઘ કારકિર્દીની સૌથી મોટી ઉપલબ્ધિ કઈ? એક પણ ક્ષણના વિલંબ વગર તેઓ જવાબ આપે છે કે મારા લેખો દ્વારા આજ સુધી કુલ 26 લોકોને હું આપઘાત કરતાં અટકાવી શક્યો તે! તેઓ વાચકો તરફથી આવેલા મેસેજિસ અને પત્રોના પુરાવા સાથે બતાવે છે. કેટલાયે વાચકોએ લખ્યું છે કે મેં આપઘાત કરવાનું નક્કી કર્યું હતું પણ તમારો લેખ વાંચી મને જિંદગીની પોઝિટિવનેસની ખબર પડી. હવે હું નહીં મરું.આ સિવાય વાચકોના પ્રતિભાવ અંગે જય વસાવડા કહે છે કે સાવ એવું ય નથી. બધા વાચકો સરખા નથી હોતા, તરેહ તરેહના પ્રતિભાવો મને મળે છે. લગ્નની પ્રપોઝલથી લઈને જાનથી મારી નાખવા સુધીના અનેક પ્રતિભાવો મને મળ્યા છે અને મળે છે. પણ આનંદ છે કોઈની જાન બચાવ્યાનો...

આજના યંગ ગુજરાતી લેખકોમાં શિરમોર સમાન આ પ્રતિભાશાળી લેખક જય વસાવડાએ લેખનની દુનિયાની પીચ પર એ હદે વિજયી સિક્સરો ફટકારી છે કે આપણે સૌએ એમને જય વસાવડાને બદલે વિજય વસાવડા કહેવું પડે.

- રાજ ભાસ્કર



ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.