મલ્ટિટેલેન્ટેડપર્સનાલિટી સંજય છેલ




                                                                                                                          

હમણાં થોડા સમય પહેલાં ફેમિલી સાથે ટી.વી. જોવાનો ચાન્સ મળી ગયો. રીમોટ બટનના એક એક પુશ સાથે એક એક બક્વાસ સિરિયલો આંખ સામે આતંક મચાવવા લાગી. જુદી જુદી ચેનલો પર આવતી પણ એક જ બીબામાં બનેલી સિરિયલોએ જૂની ટી.વી. સિરિયલોના જમાનાની યાદ અપાવી દીધી. લગભગ દોઢ - બે દાયકા પહેલાંના દૂરદર્શન અને જી ટીવી જેવી ગણીગાંઠી ચેનલોના એ જમાનામાં આખાયે સમાજના મન અને મસ્તિષ્ક પર અમર છાપ છોડી ગયેલી ‘નુક્કડ’, ‘ફિલ્મી ચક્કર’, ‘ફિલિપ્સ ટોપ ટેન’, ‘હમસબ ભારતી’, ‘હમારી બહુ - માલિની ઐયર’ જેવી એ સિરિયલો અને એના સંવાદો આજેય હૃદયના એક ખૂણે યાદ બનીને સચવાયેલા છે.

જૂના જમાનાની આ સિરિયલોનાં નામ વાંચતાં જ ઘણા બધા લોકોની નજર સમક્ષ એ અમર સિરિયલો, એનાં પાત્રો અને સંવાદો જીવંત થઈ ગયાં હશે. પણ કદાચ બહુ ઓછા લોકોને એના સર્જક વિશે ખ્યાલ હશે.વાચકોને જાણીને આનંદાશ્ર્ચર્ય થશે (...અને થવું જ જોઈએ) કે હિન્દી સિરિયલોના ઇતિહાસની એ અમર સિરિયલોના સર્જક નખશિખ ગુજરાતી છે. એમનું નામ છે સંજય છેલ. સંજય છેલ ઇન્ડિયન થિયેટરના ખ્યાતનામ આર્ટ ડિરેક્ટર છેલભાઈ (છેલ - પરેશ ફેઈમ)ના દીકરા છે. છેલભાઈએ 800થી પણ વધારે નાટકોના અદ્ભુત સેટ ઊભા કર્યા છે, એ એક રેકર્ડ છે. આજે તો સંજય છેલ ફિલ્મ ડિરેક્ટર, સ્ક્રિપ્ટ રાઇટર, ગીતકાર, વાર્તાકાર, જર્નાલિસ્ટ અને કટાર લેખક જેવી મલ્ટિટેલેન્ટેડ પર્સનાલિટી બની ચૂક્યા છે.એમણે માત્ર પચ્ચીસ વર્ષની ઉંમરે ટીવી સિરિયલોની દુનિયામાં પ્રવેશ કર્યો હતો, અને ‘નુક્કડ’ જેવી હટકે સિરિયલો કરીને સિરિયલોનો આખો ટ્રેન્ડ જ બદલી નાખ્યો હતો.એવું જ ફિલ્મોમાં પણ થયું. નેવુંનો શ‚આતનો દાયકો બોલીવુડ માટે થોડો ચીપ દાયકો ગણી શકાય. દ્વિઅર્થી કામેડી, ક્રિએટિવનેસ વગરની ફિલ્મો, ‚ટીન ડ્રામાવાળી ફિલ્મો અને ‘મેરી પેન્ટ ભી સેક્સી’ જેવાં જોડકણાંવાળાં ગીતોએ બોલિવુડને ગંદુંગોબરું કરીને મૂકી દીધું હતું. બરાબર એ જ વખતે સંજય છેલે સિનેમાને ‘ફિલ ગુડ સિનેમા’ની નવી વ્યાખ્યા આપી, એક નવો ટ્રેન્ડ શ‚ કર્યો અને માત્ર 29 વર્ષની ઉંમરે પોતે લખેલી અને ડિરેક્ટ કરેલી હટકે ફિલ્મ ‘ખૂબસૂરત’ લઈને આવ્યા. આ ફિલ્મે સંજય દત્તની એક્શન હીરોની ઇમેજ બદલી નાંખી અને સંજય છેલનું એક સફળ ફિલ્મ-લેખક અને દિગ્દર્શક તરીકે પદાર્પણ થયું.

એ પછી સંજયે એક પછી એક હિટ એન્ડ હટકે ફિલ્મો આપી. 2003માં તેઓ તુષાર કપુર અને ઈશા દેઓલને ચમકાવતી મ્યુઝિકલ લવસ્ટોરી ‘ક્યા દિલને કહા’ લઈને આવ્યા અને એ પછી રાહુલ બોઝ, પરેશ રાવલ અને મલ્લિકા શેરાવતની કામેડી ફિલ્મ ‘માન ગયે મુગલે આઝમ’ લઈને આવ્યા. આ પહેલાં સંજયે સેલિબ્રિટી રાઇટર તરીકે રામગોપાલ વર્મા સાથે ‘રંગીલા’ અને ‘દૌડ’ ફિલ્મો કરી છે. અઝિઝ મિર્ઝા સાથે, ‘યેસ બોસ’, ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’, ‘કિસ્મત કનેક્શન’ જેવી ફિલ્મો પણ કરી છે. 40 વર્ષની ઉંમરમાં લેખક - દિગ્દર્શક તરીકે સંજયે કુલ છવ્વીસ ફિલ્મો કરી છે જેમાં કચ્ચે ધાગે, પહેલા નશા, વન ટુ કા ફોર, કહીં પ્યાર ના હો જાયે, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની, મૈંને પ્યાર ક્યું કિયા, ક્યુંકી, જો બોલે સો નિહાલ, શાદી સે પહેલે, દિલ તો બચ્ચા હૈ જી અને રાસ્કલ્સનો સમાવેશ થાય છે. સંજયની ‘હેલો’ ફિલ્મે બેસ્ટ ચિલ્ડ્રન ફિલ્મનો નેશનલ અવોર્ડ જીત્યો છે એ ગૌરવની વાત છે.થિયેટર સાથે પણ સંજય મૂળથી જોડાયેલા છે. કાન્તિ મડિયા, અરવિંદ ઠક્કર, સફી ઇનામદાર જેવા ગુજરાતી તખ્તાના દિગ્ગજો સાથે તથા આશુતોષ ગોવારીકર, રમેશ તલવાર, પામેલા જેવા હિન્દી તખ્તાના કલાકારો સાથે પણ એમણે થિયેટરમાં કામ કર્યું છે.ફિલ્મ-લેખક અને દિગ્દર્શક તરીકે સફળતાની ટોચે પહોંચ્યા પછી પણ તેઓ ટીવી સિરિયલનું એમનું તળ નથી ભૂલ્યા. 

વર્ષ 2011માં જ સંજયે ‘કૃષ્ણાબહેન ખાખરાવાલા’ સિરિયલ લખી હતી. આ સિરિયલે અનેક અવોડ્ર્સ અને પ્રેક્ષકોની વાહ વાહી જીતી હતી એ એની સફળતાની નિશાની છે.સિરિયલ રાઇટર, ફિલ્મ રાઇટર અને ડિરેક્ટર તરીકે સંજય જેટલા મજબૂત છે એટલા જ મજબૂત ગીતકાર પણ છે. એમના શબ્દ યંગ જનરેશનને જીભવગા જ નહીં હૈયાવગા પણ થઈ જાય છે. એમનાં ગીતોમાં બેવડી સુગંધ છે. ગીતો આધુનિક છે, છતાં લાગણીસભર. જાણે કેડબરીના પેકિગમાં એ સુખડી ખવરાવી રહ્યા હોય એવું લાગે છે. ‘ખૂબસૂરત’ ફિલ્મનું ગીત ‘મેરા ઈક સપ્ના હૈ, કિ દેખું તુજે સપ્નોં મેં...’થી લઈને, ‘ઘૂંઘટ મેં ચાંદ હોગા, આંચલ મેં ચાંદની’, ‘તૂ ખ્વાબ હૈ યા જુદાઈ’, ‘રહેના હૈ તેરે દિલમેં...’, ‘ડુ યુ વોન્ના પાર્ટનર...’, ‘રહે ના રહે હમ...’ જેવાં 35 યાદગાર ગીતોનું એમણે સર્જન કર્યું છે.સંજય જેટલી સારી ફિલ્મો લખે છે એટલી જ સારી ટૂંકી વાર્તાઓ પણ લખે છે. નવનીત સમર્પણ, જન્મભૂમિ, અભિયાન, ચિત્રલેખા જેવાં જાણીતાં ગુજરાતી સામયિક તથા હંસ જેવા પ્રખ્યાત હિન્દી સામયિકોમાં તેમની અનેક વાર્તાઓ પ્રસિદ્ધ થઈ છે. 

હાલમાં તેઓ જાણીતા અખબાર દિવ્ય ભાસ્કરની ‘કળશ’ પૂર્તિમાં ‘અંદાઝે બયાં’ નામની કટાર લખે છે. આ કટારે ખૂબ જ ઓછા સમયમાં ખૂબ જ સફળતા મેળવી છે. સંજયે એમની ફિલ્મો અને ગીતોની જેમ જ આ કટાર દ્વારા ગુજરાતી કટાર લેખનમાં એક નવો ટ્રેન્ડ સર્જ્યો છે એ વાત જરાય અતિશયોક્તિપૂર્ણ નથી.***માત્ર 26 ફિલ્મો, 35 ગીતો, ઘણી બધી વાર્તાઓ અને લેખોનું સર્જન કરવા માત્રથી સંજય છેલ ગુજરાતની યુવા પ્રતિભા નથી થઈ ગયા. સંજય છેલ એટલા માટે યુવા પ્રતિભાઓમાં અગ્ર હરોળમાં સ્થાન પામ્યા છે કારણ કે તેમનાં સર્જનો યાદગાર છે. બાકી આજે સાહેબ, તમને કોણ નુક્કડ બતાવવાનું હતું? સાસ - બહુની ચવાઈ ગયેલી ડ્રામાબાજ સિરિયલોના આ કાળમાં કોણ તમને ‘મેરી બહુ માલિની ઐયર’ બતાવવાનું હતું? સંજય છેલને બેશક ગુજરાતની યુવા પ્રતિભાઓના આકાશના એક ઝળહળતા સિતારા ગણી શકાય. સંજય એટલા માટે ગુજરાતી યુવા પ્રતિભા છે કારણ કે સંજયના સર્જનમાં હજુય ગુજરાત ધબકે છે, ગુજરાતની સંસ્કૃતિ અને ગુજરાત પ્રત્યેનો ભાવ અને ગુજરાતી સ્વભાવ ધબકે છે. સંજય એટલા માટે યુવા પ્રતિભા છે કારણ કે આ ‘મલ્ટીટેલેન્ટેડ ગુજરાતી માણસને મીડિયા ‘કિગ ઓફ વન લાઇનર’ તરીકેનું બહુમાન આપે છે. આ મેઘધનુષી ખૂબીઓના માણસે એની પ્રતિભાના જોરે બોલીવુડમાં ગુજરાતને ધબકતું રાખ્યું છે એ માટે આ પ્રતિભાને સેલ્યુટ...

- રાજ ભાસ્કર

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.