અમદાવાદથી 200 કિ.મી. દક્ષિણ તરફ જાવ એટલે નસવાડી નામનું એક નાનકડું વનવાસી ગામ આવે. ગામમાં ખૂબ ઓછાં સાધનો અને અપૂરતી સગવડો વચ્ચે તીરંદાજીના આધુનિક કસબ શીખવતી ગુજરાત રાજ્યની એક માત્ર એકલવ્ય તીરંદાજી વ્યાયામ શાળા આવેલી છે. આ શાળામાં તીરંદાજી શીખવા માટે કોઈ આધુનિક ટ્રેક નથી. આધુનિક તીર-કામઠાં (ધનુષ) નથી, પૂરતાં ઇક્વિપમેન્ટ નથી, તેમ છતાં અહીં અધૂરા યુનિફોર્મમાં 30 જેટલા વનવાસી છોકરાઓ હાથથી સામાન્ય વાંસમાંથી બનેલાં તીર-કામઠાંથી દરરોજ 400થી વધુ તીર ટાર્ગેટ પર મારવાનો અભ્યાસ કરે છે.
એક 35 વર્ષનો ભીલ યુવાન આ 30 છોકરાઓને તીરંદાજીમાં વિશ્ર્વ ચેમ્પિયન બનાવવા તનતોડ મહેનત કરે છે. વિશ્ર્વના તીરંદાજીના ચેમ્પિયનોને માત આપવા તીરંદાજીના આધુનિક કસબ શીખવે છે. આ ભીલ યુવાન પોતે પણ તીરંદાજીનો ચેમ્પિયન રહી ચૂક્યો છે. આ ભીલ યુવાનનું એક જ લક્ષ્ય છે. તીરંદાજીની રમતમાં વિશ્ર્વમાં ભારતનો ડંકો વાગે અને તીરંદાજીમાં રસ ધરાવતા ગુજરાતના યુવાનોને તીરંદાજી શીખવા ગુજરાતની બહાર જવું ન પડે. આ ધનુર્ધર વનવાસી યુવાન એટલે તીરંદાજીનો નેશનલ ચેમ્પિયન અને એકલવ્ય વ્યાયામ શાળાનો કોચ દિનેશ ડુંગરા ભીલ.
તીરંદાજી ક્ષેત્રે રાજ્યમાં માત્ર એકમાત્ર કોચ તરીકે, ડિપ્લોમા પાસ કરનાર દિનેશ ડુંગરા ભીલ મૂળ નસવાડી તાલુકાના ખોબા જેટલા ‘દુગ્ધા’ ગામના વનવાસી ગરીબ ખેડૂત પરિવારનો પુત્ર છે. તે માત્ર સાત વર્ષનો હતો ત્યારથી તેણે તે હાથમાં તીર-કામઠું ઉપાડી લીધું હતું. તીરંદાજી પ્રત્યે તેને નાનપણથી અદ્ભુત લગાવ હતો. નાનપણથી જ તે આખો દિવસ ખેતરમાં મજૂરી કરતો અને સમય મળતાં તીરંદાજીની પ્રેક્ટિસ પણ કરતો. દિનેશમાં, આ રમત શીખવાની જબરદસ્ત ધગશ હતી. દિનેશ જાતે જ તીરકામઠાં બનાવતો અને એકલવ્યની જેમ પ્રેક્ટિસ પણ કરતો. એક વાર તેની વનવાસી શાળામાં રાજ્યકક્ષાની ગ્રામીણ તીરંદાજીની સ્પર્ધા યોજાઈ. દિનેશે તેમાં ભાગ લીધો અને તે પ્રથમ આવ્યો, ત્યાર બાદ રાજ્યસ્તરે પણ પ્રથમ નંબર આવ્યો. સતત બે વર્ષ સુધી દિનેશ ભીલ આ સ્પર્ધામાં વિજેતા બનતો રહ્યો અને તેનો આત્મવિશ્ર્વાસ બુલંદ થતો ગયો. તીરંદાજીમાં કંઈક કરી બતાવવું છે તેવી ધગશ તેનામાં જાગી, આથી દેશી કામઠા સાથે જ દુનિયામાં ડંકો વગાડવાની ધગશ સાથે, દેવગઢ બારિયા ખાતે સ્પોટ્ર્સ એકડેમી આફ ઇન્ડિયાએ શ કરેલી એકડેમીમાં 10મા ધોરણના અધૂરા અભ્યાસ સાથે જોડાયો. જોકે નસીબે દિનેશને અહીં સાથ ન આપ્યો. એકડેમી ત્રણ વર્ષમાં જ બંધ થઈ ગઈ. પણ આ ત્રણ વર્ષમાં દિનેશે અહીં ઘણું બધું શીખી લીધું હતું. આ ટ્રેનિંગના કારણે જ જમશેદપુર તીરંદાજી સ્પર્ધામાં દિનેશે ગોલ્ડ મેડલ મેળવ્યો. ત્યાર પછી 1997માં દિલ્હી ખાતે યોજાએલ રાષ્ટ્રીય કક્ષાની નેશનલ આર્ચરી ચેમ્પિયનશિપમાં તેણે એક ગોલ્ડ અને બે સિલ્વર મેડલ મેળવ્યા.
આટલી સફળતા પછી પણ તેની પાસે માત્ર પ્રેક્ટિસ જ હતી. જરી સાધનો ન હતાં. છેવટે 1999માં દિલ્હીની સ્પોટ્ર્સ આથોરિટી ઓફ ઇન્ડિયાની તીરંદાજીની સંસ્થામાં તેને પ્રવેશ મળ્યો. દરરોજ આઠ કલાકની તીરંદાજીની તાલીમ સાથે ગુજરાતી સાહિત્યમાં તેણે બી.એ.નો અભ્યાસ પણ કર્યો. બી.એ. પછી દિનેશે, કોલકતાની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સ્પોટર્સનો ડિપ્લોમા અભ્યાસ કરવાનું વિચાર્યું પણ મુસીબત એ થઈ એના માટેના પિયા 60 હજારનો ખર્ચ લાવવો ક્યાંથી? પણ તેને ગુજરાતના શુભેચ્છક મિત્રો મળી ગયા અને તેણે મિત્રોની મદદથી ડિપ્લોમાનો કોર્સ પણ પૂર્ણ કર્યો. હાલ દિનેશ ભીલ ગુજરાતના એકમાત્ર તીરંદાજી ક્ષેત્રના કોચ તરીકે ડિપ્લોમા પાસ વનવાસી યુવાન છે.
જોકે હજુ સુધી આધુનિક આર્ચરી (તીરંદાજી) ટ્રેનિંગથી દિનેશ દૂર જ રહ્યો છે, પણ દિલ્હીની તીરંદાજી ટ્રેનિંગ હોસ્ટેલમાં રહી આધુનિક તીરંદાજીના ધુરંધરો પાસેથી તે આ ગેમના અનેક અવનવા દાવપેચ શીખ્યો છે અને હવે તે ગુજરાતના યુવાનોને તે શીખવવા માગે છે. ડિપ્લોમા કર્યા બાદ પોતાના વતનના યુવાનોને તીરંદાજી ક્ષેત્રે આગળ ધપાવવા દિનેશે નસવાડીમાં એક તાડપત્રીના છાંયડામાં એક જીનના કમ્પાઉન્ડમાં એકલવ્ય તીરંદાજી વ્યાયામ શાળા ખોલી. હાઈસ્કૂલના અભ્યાસ સાથે વનવાસી બાળકોને તીરંદાજીની રમત શિખવાડવા દિનેશ હાલ તનતોડ મહેનત કરી રહ્યો છે. છેલ્લાં છ જ વર્ષમાં, એકલવ્ય એકડેમીના તીરંદાજોએ 60 જેટલા નેશનલ લેવલનાં મેડલ જીતી લીધા છે. ધીરે ધીરે દિનેશ ભીલની મહેનત રંગ લાવી રહી છે.