આપણી સિવિક સેન્સ ! ગો ટુ હેલ...!






આપણે ગમે ત્યાં કેમ થૂંકીએ છીએ? અહીં પેશાબ કરવો નહિં એવી સૂચના નીચે જ આપણે કેમ મૂત્રવિસર્જન કરીએ છીએ ? ટ્રાફિક નિયમોને કેમ આપણે ક્યારેય ગણકારતા નથી? કચરો કેમ આપણે કચરાપેટીની બહાર જ ફેંકીએ છીએ? લાઇન તોડી ફટાફ્ટ પહેલાં આપણું કામ પતાવી લેવામાં જ આપણે કેમ વિશ્ર્વાસ રાખીએ છીએ? ભ્રષ્ટાચાર ન કરવો જોઈએ એવી વાતો કરનારા આપણે ટ્રાફિક નિયમ તોડી ટ્રાફિક પોલીસને 50 રૂપિયાનો મેમો ફાડતાં રોકી 20 રૂપિયાની કટકી આપી કેમ છટકી જઈએ છીએ ? આપણો રાષ્ટ્રીય ધર્મ માત્ર દંભ જ બની ગયો છે કે શું? સારું-નરસું આપણે બધું જ જાણીએ પણ કરવાનું તો એ જ જે આપણે કરવું છે! તો આજે આવી જ કંઈક વાત કરવી છે. આજે વાત કરવી છે આપણી ઉદ્ધતાઈની, આપણા તોછડાઈભર્યા વર્તનની, સિવિક સેન્સની જેનો આપણામાં અભાવ છે.....

મૂત્રવિસર્જન

ચાર રસ્તા ઉપર રોડ સાઈડમાં પત્ની તેના બાળક સાથે બાઈક કે સ્કૂટર પાસે ઊભી હોય અને પતિદેવ બિન્ધાસ્ત રોડની બાજુના એક ખૂણામાં મૂત્રવિસર્જન કરતા હોય... આવાં દ્શ્યો આપણે દરરોજ જોતા જ હોઈશું. ગમે ત્યાં, ગમે ત્યારે પેશાબ કરવો આપણો જન્મસિદ્ધ અધિકાર છે, નહિ ! મુતરડીની વ્યવસ્થા હોવા છતાં મુતરડીની બહાર પેશાબ કરતા લોકો પણ આપણે અનેકવાર જોયા જ હશે ! ભારતની કોઈપણ કંપ્નીના કે શાળા કે સંસ્થાના કમ્પાઉન્ડની દીવાલનો છેલ્લો ખૂણો તપાસશો તો તમને ખબર પડી જશે ! ત્યાં એકાદ-બે ઊભા જ હશે અને હા, બાજુમાં ટીખળ પણ લખી હશે જસ્ટ ડુ ઈટ !! શું આપણને કશી જ સેન્સ નથી !

થૂંકવું

વિદેશમાં ગમે ત્યાં થૂકવું ગુનો બને છે. ભારતમાં આપણે ગમે ત્યાં પેશાબ કરી શકીએ છીએ તો થૂંકવાની તો વાત જ શું કરવાની? મન ફાવે ત્યારે ગલોફામાં પાન ભરાવવાનું અને પિચકારી મારી દેવાની. બસની બારીમાંથી કે ચાલતી ગાડીમાંથી થૂંકતા અનેક લોકો આપણે જોયા જ છે ને ! ભલે ને પછી તમારું થૂંક બીજા પર પડે ! જાહેર બિલ્ડિંગ કે અન્ય કોઈપણ બિલ્ડિંગની સીડી ચડો એટલે એકેએક ખૂણા તમને પાનની પિચકારીથી ભરેલા મળશે. બિલ્ડિંગના દરેક ખૂણામાં થૂંકદાની પડી જ હોય પણ થૂંકદાનીમાં થૂંકે એ બીજા ! હવે તો ભગવાનના ફોટા પણ ચોંટાડાય છે. જો લોકો થૂંકતા બંધ થાય તો ! બોલો, તમે થૂંકો નહિ એટલે ભગવાને તમારી થૂંકવાની જગ્યાએ તમને રોકવા ધ્યાન રાખીને બેસવું પડે છે ! પણ તોય આપણે સુધરતા નથી !

ટ્રાફિક

ટ્રાફિક સેન્સ તો આપણામાં અદ્ભુત છે હોં ! ભૂલેચૂકે પણ ચાર રસ્તા પર ટ્રાફિક કોન્સ્ટેબલ ઊભો ન હોય એટલે આપણને લાલ-લીલી-પીળી બત્તી દેખાતી જ નથી. ગાડી ગમે ત્યાં ગમે ત્યારે ઘુસાડી જ દેવાની ! હેલ્મેટ તો પહેરવાનું જ નહિ. ગમે ત્યારે ગાડી ગમે તે બાજુ વાળી દેવાની અને કોઈ કહે તો કહી દેવાનું તું તારું કરને ભાઈ ! શોર્ટકટ પડતો હોય તો હંમેશા રોન્ગ સાઈડમાં જ ગાડી ચલાવવાની. સિગ્નલ તોડ્યું હોય અને કોન્સ્ટેબલ તમારી ગાડી રોકવાનો પ્રયત્ન કરે તો પહેલાં તો રોકવાની જ નહિ પણ તેમ છતાં રોકવી જ પડે તો ઓળખાણ આપવાની અને પેલા સેવા કરતા અધિકારી પર નિયમ તોડવા છતાં રોફ મારવાનો.

હોર્ન

ગમે ત્યાં ગમે ત્યારે હોર્ન મારવામાં તો આપણે નંબર વન છીએ. એમાંય વળી જાત-ભાતના નવા સાઉન્ડવાળાં હોર્ન જાણે લોકોનું મનોરંજન કરતા ન હોય ! ફુલ ટ્રાફિક હોય, ગાડી થોડી પણ આઘી-પાછી થતી ન હોય છતાં પાછળવાળા મહાશય હોર્ન મારીને તમને જગ્યા આપવાનું કહે તો કેવું લાગે? કેટલાક મહાશય તો ઘરેથી નીકળે ત્યારથી જ હોર્નની સ્વીચ ઉપર ફેવિકોલથી આંગળી ચોંટાડીને જ નીકળે ! આજુબાજુમાં શાળા હોય અથવા સાયલન્સ ઝોન કેમ ન હોય આપણે તો હોર્ન વગાડવાના જ. તો જ લાગેને કે બાપુ ગાડી લઈને જ નીકળ્યા છે.

લાઇન... કતાર

કૃપયા ધ્યાન દેં... આપ કતાર મેં હૈં... આ વાક્ય હવે માત્ર હસવા પૂરતું જ મર્યાદિત છે, કારણ કે લાઇનમાં ઊભું રહેવું એ આપણી શાનની ખિલાફ છે. લાઇટ બીલ હોય કે પેટ્રોલ પુરાવવાની લાઇન હોય. લાઇન તોડી પહેલાં આપણું કામ કરાવી લેવું એ હવે આપણે ત્યાં હોંશિયારી ગણાય છે. જોકે હવે આપણો દેશ ‘લાઇનો’નો દેશ બની ગયો છે. રેશન ખરીદવાથી લઈને મોલમાં ‘રેશન’નું બીલ ભરવા સુધી બધે લાઇન જ હોય છે. પણ આપણને લાઇનમાં ઊભા રહેતાં હજુ નથી આવડતું. આવડ્યું છે તો માત્ર લાઇન તોડીને આગળ વધતાં....

કચરો

નગરજનો નમસ્તે... કચરો ન ફેંકો રસ્તે....

આવી જાહેરાત કરવી પડે તે શું સૂચવે છે? એ જ કે આપણે કચરો કચરાપેટીમાં ક્યારેય નાંખતા જ નથી. આપણે આપણું ઘર દિવસમાં ત્રણ વાર સાફ કરીએ છીએ પણ તે કચરો આપણે અચૂકપણે પાડોશીના આંગણામાં જ નાંખીએ છીએ ! કચરાપેટી ખાલી હોય, પણ કચરાપેટીની આજુબાજુમાં ઉકરડો હોય એવાં દ્શ્યો આપણે ત્યાં સાવ સામાન્ય છે. ચાલુ ગાડીમાંથી વેફર કે ચોકલેટ ખાઈ ગાડીની બારીમાંથી રેપર બહાર ફેંકી દેવાનું સાવ સામાન્ય બની ગયું છે.

                    નિયમો ઘડાય છે શા માટે? આજની મસ્ત મોજીલી ફાંકડું ઇંગ્લિશ બોલતી યુવા પેઢીને આ પ્રશ્ર્ન પૂછો તો તરત જ તે તેની સેન્સ આફ હ્યુમર વાપરી જવાબ આપશે કે, ‘ઓબ્વિયસલી ! તોડવા માટે!!’ નિયમો તોડવા માટે જ બનાવાય છે ! ખાસ કરીને ભારતમાં! જેમ એક મોબાઈલમાં સુવિધા વધારવા મ્યુઝિક, વીડિયોથી લઈને ઇન્ટરનેટ સુધીના બધા જ ફીચર્સ તેમાં ફિટ કરવામાં આવે છે તેમ ભગવાને, સમાજની સુવિધા વધારવા જાહેર શિસ્ત, કામન સેન્સ, સિવિક સેન્સ વગેરે નાગરિક ફરજોના બધા જ ફીચર્સ આપણા મગજમાં ફીટ કર્યા જ છે પણ આપણે તેનો ઉપયોગ કરતા નથી. કામન સેન્સની સુફિયાણી વાતો આપણને ‘નાનસેન્સ’ જેવી લાગે છે.

આ દેશના નાગરિક તરીકે આપણું કર્તવ્ય શું? બીજાઓને ગાળો આપવાનું ! કોઈ વ્યક્તિ રોંગ સાઇડથી ઓવર ટેક કરી આપણી ગાડીથી આગળ નીકળી જાય તો આપણે ગુસ્સાથી લાલપીળા થઈ જઈએ છીએ પણ આગળ જતા ટ્રાફિકથી બચવા અથવા ફરીને ન જવું પડે તે માટે રોંગ સાઇડનો શોર્ટકટ અપ્નાવી હોર્ન વગાડતા આગળ નીકળી જઈએ તો કંઈ વાંધો નહિ!

આવું બીજા કરે તો નાનસેન્સ પણ આપણે ખુદ કરીએ તો તે સેન્સ આફ હ્યુમર...!

આપણા દેશની સમૃદ્ધ સભ્યતા, સંસ્કૃતિ, વિકાસશીલતાની ચર્ચા આજે દુનિયામાં થઈ રહી છે પણ વાત જ્યારે સિવિક સેન્સ, જાહેર શિસ્ત, કામન સેન્સ, કર્તવ્યની આવે છે ત્યારે ભારતની ગણતરી સૌથી છેલ્લે થાય છે. આવું કેમ? કેમ કે આપણે માત્ર આપણા અધિકારની જ વાતો કરીએ છીએ આપણે નિભાવવાના કર્તવ્યની નહિ! સ્વચ્છ શહેરમાં રહેવાનો સૌનો અધિકાર છે તો શહેરને સ્વચ્છ રાખવું આપણું કર્તવ્ય છે. પણ આપણો ભાર હંમેશાં અધિકાર પર વધારે ઝૂકેલો હોય છે. ફરજ બજાવવા માટે તો સરકાર છે જ ને! રસ્તા, ગટર, વિસ્તાર, મેદાન... શહેર તો આપણી સરકારે સ્વચ્છ રાખવાનું હોય! આપણે માત્ર તેને બગાડવાનું હોય ! આપણે કામન સેન્સ વાપર્યા વિના આ બધું ગંદું કરશું તો જ સરકાર તેને સ્વચ્છ કરવાની તસ્દી લેશે ને !

આજે ભારતીયોની જીવનશૈલી જ એવી બની ગઈ છે કે તેમાં જાહેર શિસ્ત કે સિવિક સેન્સને કોઈ સ્થાન નથી. આપણને ભારતમાં રહી જાહેર શિસ્તમાં રહેવું કે ઢળવું ફાવતું નથી. ભારતનો જયમીન વિદેશમાં જઈને જાન બની જાય છે અને શિસ્તવાદી પણ બની જાય છે. વિદેશની ધરતી પર પગ મૂકતાં જ દરેક ભારતીયોમાં એક ગજબની સેન્સ આવી જાય છે. તે કચરો કચરાપેટીમાં જ નાંખે છે, મોબાઈલ પર લાઉડલી વાત નથી કરતો, ટ્રાફિકના નિયમો ઊંઘમાં પણ તોડતો નથી, જાહેરમાં પેશાબ કરતો નથી કે થૂંકતો નથી અને એ જ ભારતીય ભારતની ધરતી પર પગ મૂકે કે તરત જ જાહેર શિસ્ત ભૂલી જાય છે.

આવું કેમ ? કારણ વિદેશના કાયદા મજબૂત છે અને તેનું પાલન પણ સખ્તાઈથી થાય છે. ભારતમાં જાહેરમાં થૂંકવાની મનાઈ છે. આ માટે સજા કરતો કાયદો પણ છે પણ આજ સુધી કોઈને સજા થઈ છે? સિંગાપુર, ઓસ્ટ્રેલિયા જેવા ઘણા દેશોમાં પોઈન્ટ ડિમેરિટ સિસ્ટમ લાગુ છે જે અંતર્ગત 12થી વધારે ડિમેરીટ પોઈન્ટ થાય તો ડ્રાઇવિંગ લાયસન્સ રદ થઈ જાય છે. ચાલતી ગાડીમાં મોબાઈલ પર વાત કરો તો 12 પોઇન્ટની સાથે છ મહિનાની જેલની સજા થાય છે. સીટ બેલ્ટ ન બાંધો તો, ટ્રાફિક સિગ્નલ પર ગાડી ન ઊભી રાખો તો વિદેશમાં કડક કાર્યવાહી થાય છે  પણ ભારતમાં? કાર્યવાહીના નામે માત્ર ભ્રષ્ટાચાર થાય છે. ગમે તે મેજર એક્સિડેન્ટ કર્યો હોય તોય પણ કોઈનું લાયસન્સ રદ થતું નથી. આ આપણા દેશની વાસ્તવિકતા છે. કાયદાઓનો કે નિયમભંગ કરવાથી સજા થશે એવો ડર ભારતીય પ્રજામાં નથી, માટે કાયદાઓનું પાલન પણ થતું નથી. તેથી પણ મોટી વાત સામાજિક શિસ્તની છે. તેમાં સમાજ પ્રત્યેની ફરજો પણ આવે. આ શિસ્ત આપણે પોતે પાળવી પડે, જે આપણે ટાળીએ છીએ.

આજે આપણી સરકાર પાસે પણ આતંકવાદ, જ્ઞાતિવાદ, ભ્રષ્ટાચારનો મુદ્દો છે; પણ કર્તવ્યવાદ, જાહેર શિસ્તનું પાલન કરાવવાનો કોઈ મુદ્દો નથી. સરકારને તેની જરૂર પણ શું છે ? આપણને જ આવા મુદ્દામાં રસ નથી. જાહેર શિસ્તનું સખ્તાઈથી પાલન જોઈતું હોય તો કડક કાયદા બનાવવા પડે, વિદેશોની જેમ કાયદા બનાવીને તેનું સખ્તાઈથી પાલન કરાવવું પડે. કદાચ સરકારનું આવું સખત વલણ લોકોને ન પણ ગમે ! પણ સમાજ માટે આ કરવું જ પડે તો જ આપણી કામનસેન્સ સુધરી શકશે. તમે કદાચ વિએતનામના નેશનલ લીડર ‘હો ચી મિન્હ’નું નામ સાંભળ્યું હશે ! હો ચિ મિન્હએ જાહેર શિસ્ત, સ્વચ્છતાને રાજનૈતિક ચેતના અને દેશભક્તિનું એક અંગ જાહેર કરી દીધું. જરૂર પડી તો પોતે જ સાવરણી લઈ સાફ-સફાઈ કરવા રસ્તા પર ઊતરી આવ્યા. ભારતના કોઈ નેતા આવું કરી શકે ? હા, ગાંધીજીએ કર્યંુ હતું. પણ આપણા રાષ્ટ્રીય પોલિટિકલ પક્ષોએ ગાંધીજીની આ મહત્ત્વની વાત બાજુએ મૂકી દીધી.

ચાલો ! સરકારની વાત જવા દો ! આપણા નાગરિક કર્તવ્યનું શું ? આપણે કેમ જાહેરમાં ગંદકી કરીને કે બેધકડ ટ્રાફિક નિયમો તોડીને ગર્વ અનુભવીએ છીએ ? ખાલી ટ્રાફિક સિગ્નલનું, તેના નિયમોનું આપણે યોગ્ય રીતે પાલન કરીએ તો પણ ઘણી ટ્રાફિક સમસ્યા હલ થઈ શકે છે. WHOનો એક રીપોર્ટ કહે છે કે દુનિયામાં રોડ અકસ્માતને કારણે  સૌથી વધુ મૃત્યુ ભારતમાં થાય છે. તેના 2009ના રીપોર્ટ પ્રમાણે 126 હજાર લોકોએ રોડ એક્સિડેન્ટમાં જીવ ગુમાવ્યા છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોના મતે ભારતમાં દરરોજ 14 લોકો રોડ એક્સિડેન્ટમાં પોતાનો જીવ ગુમાવે છે. વર્ષ દરમિયાન આતંકવાદી ઘટનાઓમાં જેટલા લોકો નથી મરતા તેનાથી વધુ લોકો, ભારતમાં અકસ્માતથી મૃત્યુ પામે છે. આ વાત બધાને ખબર છે, પણ તેમ છતાં આપણે ટ્રાફિક નિયમો તોડવામાં નંબર વન જ છીએ.

પણ હવે જરૂર છે, જાગૃત નાગરિક બનવાની. આપણાં બાળકોને નાનપણથી જ સિવિક સેન્સની તાલીમ આપવાની. આજે ભારતમાં પ્રાથમિકથી લઈને કાલેજ સુધીના અભ્યાસક્રમોમાં ‘સિવિક સેન્સ’નો વિષય ભણાવવાની જરૂર છે. તેની શરૂઆત આજથી જ કરવાની જરૂર છે. બીજા શું કરે છે તેની જગ્યાએ આપણે શું કરી શકીએ તેના પર વિચાર આગળ ચાલવાની જરૂર છે. એવરેસ્ટની ટોચ પર પહોંચવાની શરૂઆત પણ એક નાનકડા પગલાથી જ થાય છે. આપણને જરૂર છે માત્ર ‘સ્વ’થી શરૂઆત કરવાની.
ભલે આપ્ને માઠું લાગે પણ આટલું તો વાંચો જ...

આ છે આપણી જાહેર શિસ્ત...?


- સાર્વજનિક બસોની સીટ પાછળ ચારે બાજુએથી ચિત્રાયેલું ક્રીએટીવ સીટ બોર્ડ જોયું છે ને ! એ આપણી જ કલા છે. 
- ટ્રાન્સપોર્ટની બસ હોય કે મોંઘી કાર હોય, બારી ખોલી પાછળ આવતા બીજા લોકોથી પરવા કર્યા વિના આપણે કેટલી સરળતાથી થૂંકી નાંખીએ છીએ !!!
- આપણે ક્યારેય બસમાં લાઇનમાં ચઢવાનું વિચાર્યંુ છે ?
- બસમાં બિન્ધાસ્ત રીતે ધૂમ્રપાન કરતા લોકો આજે પણ આપણને મળી જ જશે !
- જો આ મહાશયને બસમાં ધુમ્રપાન કરવાની ના પાડીએ તો તરત જવાબ મળી જશે કે બસમાં શું કામ આવો છો ? ગાડી ખરીદી લો ને !
- કેળાં કે ફળ ખાઈ તેની છાલ રસ્તામાં ફેંકતા લોકો આપણે જોયા જ છે ને ! જો તેને આવું કરતાં રોકીએ તો તરત જ જવાબ મળે ! એ રસ્તા તેરે...?
- મંદિર હોય કે સ્મશાન હોય મોબાઈલમાં મોટેથી વાત કરતા લોકો આપણને મળી જ જશે !
- ટ્રાફિક સિગ્નલ પર ટ્રાફિક કોન્સ્ટેબલ ઊભો ન હોય તો છે કોઈ ભારતીય જે લાલ-લીલી-પીળી બત્તીને અનુસરે ?
- ચાર રસ્તા પર સિગ્નલ બંધ હોય છતાં હોર્ન વગાડવાનો જ. જાણે કે હોર્ન વાગવાથી તેને જગ્યા મળી જશે.
- ગમે ત્યાં પાર્કિંગ કરી દેવું આપણી મનોવૃત્તિ છે.
- નો પાર્કિંગના બોર્ડ નીચે આપણને અચૂક વાહનો પાર્ક થયેલાં મળી જ રહેશે.
- હેલ્મેટ આપણી સુરક્ષા માટે છે પણ હેલ્મેટ હંમેશાં ગાડીના કાચમાં કે પાછળની ખીંટીએ જ            લટકાવવાનું.
- કાર હોય તો સીટબેલ્ટ પહેરવાનો જ નહિ.
- કાચ, સાઈડ લાઈટ, યોગ્ય હોર્નની તો આપણે જરૂર જ નથી, નહિં !
- સુ સુ લાગી હોય તો ગમે ત્યાં ગમે ત્યારે ગમે તેમ ઊભા થઈ કરી લેવાની.
- પે એન્ડ યુઝનું ટોઈલેટ તમે યુઝ કર્યુ છે ? ગંદી અને વિકૃત ગાળોથી તેની દીવાલ ભરેલી જ દેખાશે.
- હંમેશા મુતરડીની બહાર જ ઊભા રહીને મૂત્રવિસર્જન કરવાનું.
- જાહેર સ્થળોએ કે ઐતિહાસિક સ્થળોએ ગંદકી કરવી જાણે આપણો જન્મસિદ્ધ અધિકાર છે.
- ઐતિહાસિક સ્થળોની દીવાલ પર કશું પરાક્રમ કર્યા વિના અમર બની જવાનો આપણને ભારે શોખ છે હોં !
- જાહેર શૌચાલયમાં જઈ ક્યારેય મજાલ છે કે ફ્લશ કર્યંુ હોય. 
- પાનની પિચકારી થૂંકદાનીની બહાર જ મારવાની.
- આફિસમાં ગમે તે કામ ચાલતું હોય આપણે તો મોટે-મોટેથી જ વાત કરવાની.
- ઝિબ્રા ક્રોસીંગ તો આપણા માટે મહત્ત્વના છે જ નહિ !

 આ તો આપણી રુડનેસનાં થોડાંક જ ઉદાહરણ છે. બાકી આવા ઉદાહરણથી આખો વિશેષાંક થાય એમ છે. સેલ્ફ ડિસિપ્લિનની વાતો કરતા આપણે પોતે જ તેમાં માનતા નથી.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.