તમારી જ્ઞાતિ કઈ ?
અનામત વિતરણ સમારંભમાં એક જાહેરાત થઈ, ‘મિત્રો લોકલાગણીને માન આપીને સૌને અનામત આપવી - એવું આપણે નક્કી કર્યું છે, એટલે કોઈએ ધક્કામુક્કી કરવાની જરૂર નથી.એક પછી એક તમામ જ્ઞાતિ શાંતિથી અહીં આવે અને પોતાની અનામત લઈ જાય.’
આટલી જાહેરાત પછી વિતરણ સમારંભ શરૂ થાય છે અને રંગે ચંગે પૂરો થાય છે.
અંતે વિજયી સ્મિત સાથે વરિષ્ઠ નેતા પ્રાસંગિક પ્રવચન કરવા માટે ઊભા થાય છે - એ જ વખતે ભીડમાંથી અથડાતો કુટાતો એક વ્યક્તિ માંડ માંડ આગળ આવીને કહે છે - ‘સાહેબ! હું તો રહી જ ગયો! મને પણ કંઈક આપો.’
નેતાશ્રી કહે, ‘જરૂર જરૂર તમને પણ આપવામાં આવશે જ, બોલો તમારી જ્ઞાતિ?’
હાંફતા હાંફતા એ વ્યક્તિ કહે - ‘માણસ’.
બાજુમાં જ રહેલા વિતરણ અધિકારી લીસ્ટમાં તપાસ કરીને - નેતાશ્રીના કાનમાં કહે, "સાહેબ! ‘માણસ’ નામની કોઈ જ્ઞાતિ તો આપણાં લીસ્ટમાં છે જ નહીં.