ઉત્તાનપાદાસન - કબજિયાત, વાયુવિકાર, અપચો તેમજ આંતરડાંની અવ્યવસ્થા હોય તો આ આસન તમારા માટે છે

Uttanpadasana | પીઠનું દર્દ, કમર, નિતમ્બ, કરોડના સાંધાઓ વગેરેની તકલીફો દૂર કરવામાં આ આસન લાભકારક

તૈયારીની સ્થિતિ : ફર્શ પર પીઠના સહારે છત તરફ દ્ષ્ટિ રાખી સૂઈ જવું અને હાથની હથેળીઓ ફર્શને સ્પર્શે તે રીતે જાંઘની અડોઅડ રાખી દેવા અને બંને પગની એડીઓના અંગૂઠા પરસ્પરને સ્પર્શે તે રીતે બંને પગ સીધા રાખવા.


ઉત્તાનપાદાસન કરવાની રીત...

(1) બંને નસકોરાંથી ઊંડો શ્ર્વાસ લેવો અને રોકી રાખવો. (2) પગના અંગૂઠાને શક્તિ મુજબ ફેલાવવા. (3) ધીમે ધીમે બંને પગને જમીનથી 10-12 ઇંચ ઉઠાવવા. તેને આઠ સેકંડ એ સ્થિતિમાં (ચિત્ર નં. 3માં બતાવ્યા મુજબ) શ્ર્વાસ રોકીને રાખવા. (4) ત્યારબાદ ધીમે ધીમે શ્ર્વાસ છોડતાં છોડતાં પગ જમીન તરફ લાવતા જવું. (5) આ ક્રિયા એવી રીતે કરવી કે શ્ર્વાસ પણ છૂટી રહે અને સાથે પગ જમીનને અડકે. (6) હવે પાંચ-છ સેકંડ સામાન્ય સ્થિતિમાં સૂતાં સૂતાં આરામ કરવો અને (7) વિરામ પછી ફરીથી ઉપર મુજબ ક્રિયા કરવી. દિવસમાં પાંચથી વધુ વાર ક્રિયા ન કરવી.

નોંધ આ રાખવા જેવી છે

જે વ્યક્તિને પીઠ પર ઈજા થઈ હોય અથવા તો દુર્બળ હોય તેણે નીચે આપેલા ચિત્ર નં. 4 મુજબ એક પગથી ઉત્તાનપાદાસન કરવું. એક પગથી ચાર અઠવાડિયાં આ આસન કર્યા પછી શક્તિ અનુસાર બંને પગથી આ આસન કરવું. આનું કારણ એ છે કે ઉત્તાનપાદાસનથી શરીરની સમગ્ર કરોડ અને બીજા ભાગો પર ઘણો બોજ પડે છે. એક પગે આસન કરવાથી એ ભાર અર્ધો થઈ જાય છે.

આ આસન વારા-ફરતી પગ ઊંચકીને પણ કરવું જોઈએ. એક સાથે એક એક પગ વડે ત્રણ-ત્રણ વાર જ આસન કરવું, વધારે વખત નહીં.

ઉત્તાનપાદાસનથી લાભ આટલા બધા થાય છે

આ આસનથી પેટની અંદરની અને બહારની તમામ માંસપેશીઓને વ્યાયામ મળે છે, પરિણામે આ આસન ક્લોમ (પેન્ક્રિયાસ)ની ગરબડોમાં રાહત આપે છે અને કબજિયાત, વાયુવિકાર, અપચો તેમજ આંતરડાંની અવ્યવસ્થાઓને દૂર કરે છે. તે સાથે પેટની આજુબાજુનું બિન-જરૂરી વજન (ચરબી) ઘટાડે છે.

ઉપરાંત પીઠનું દર્દ, કમર, નિતમ્બ, કરોડના સાંધાઓ વગેરેની તકલીફો દૂર કરવામાં આ આસન લાભકારક છે. મેરુદંડ સખત બનાવવા માટે આ આસન લાભકારક છે.  મેરુદંડને સખત બનાવવા સાથે આ આસન શરીરના અંદરના કોષોને પણ શક્તિ પહોંચાડે છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.