બાળફિલ્મોની ધમાલ

‘અમે બે અને અમારાં બે’ એવું એક નાનકડું કુટુંબ રાતનું ડિનર ખાવા એક સાથે ડાઇનિંગ ટેબલ પર ગોઠવાઈ ગયું. કાર્ટૂન ચેનલ પર ટૉમ એન્ડ જેરીનો અનાયાસે જોવાઈ ગયેલો એક એપિસોડ યાદ આવતાં પપ્પા અચાનક જ હસી પડ્યા. હસતાં હસતાં, ખાવાનું શ‚ થાય એ પહેલાં પપ્પાએ સામે બેઠેલા ટેણિયાઓને એક પ્રશ્ર્ન પૂછી નાખ્યો. તમે ક્યારેય ‘ટૉમ એન્ડ જેરી’ જુઓ છો? ટૉમ એન્ડ જેરીનું નામ સાંભળતાં જ બંને ટેણિયાઓની આંખમાં અજબની સ્ફૂર્તિ આવી ગઈ. ભાવતો અને મનગમતો પ્રશ્ર્ન હોવાથી સામે બેઠેલો ટેણિયો બોલી ઊઠ્યો. પપ્પા, તમે ટૉમ એન્ડ જેરીની વાત કરો છો, અમે તો ડૉરેમોન, અંકલ ક્રુઝ, નિંઝા હથોડી, જંગલ બૉય (મોંગલી), અલ્લાદીન, સ્કુબી ડૂ, રોડ રર્નર, એલિજ એન્ડ વન્ડર, ફૉરમેન, મીકિ માઉસ, પિકાચું, તીન ટાઇટન્સ, માય જીમ પાર્ટનર મંકી, ધી ટ્રુપ, આઇરોનમેન, પૉકેમોન આ બધું જ જોઈએ છીએ. (બાળકો તો આ નામોથી પરિચિત હશે(!) જ પણ જેમને નથી ખબર તેમને કહી દઉં કે આ બધાં કાર્ટૂન ચેનલ્સનાં પાત્રો અને કાર્ટૂન શ્રેણીઓ (સીરિયલો) છે.) ટેણિયાના મોઢેથી આવા કદી ન સાંભળેલા શબ્દો સાંભળી પપ્પા એકદમ અવાક જ રહી ગયા. તેમણે મમ્મી સામું જોઈ કહ્યું, ‘આ લોકો ભણે છે કે પછી આખ્ખો દિવસ આ કાર્ટૂનો જ જોયા કરે છે? કાલથી ચેનલ બંધ!!!’
***
મારો છોકરો કાર્ટૂન ચેનલ જોવામાંથી ઊંચો જ નથી આવતો, આખ્ખો દિવસ કાર્ટૂન જ જોયા કરે છે. બાળમિત્રો, તમારી મમ્મીના મુખેથી આવાં વાક્યો તમે સાંભળ્યાં જ હશે! ઉપરના પેલા ટેણિયાની જેમ બધા ટેણિયાઓ કાર્ટૂન જોતા જ હશે ને! અને એટલે જ તો પેલા ટેણિયાને આટલાં બધાં કાર્ટૂનનાં નામ યાદ છે.
અહીં કહેવાનો મતલબ એટલો જ છે કે બાળકોનો કાર્ટૂનપ્રેમ દિવસે ને દિવસે વધતો જાય છે. આજે મોટા ભાગનાં બાળકોનો ફેવરિટ શો કાર્ટૂન છે. કાર્ટૂન જોવા મળે એટલે બસ!
ટેલિવિઝન (ટી.વી.) પર બાળકો કાર્ટૂન જુએ છે તો બાળકોને સિનેમાઘરોમાં મોટા પરદે કાર્ટૂન જોવાની કેટલી મજા પડશે? કદાચ આ પ્રશ્ર્નના કારણે જ બાળફિલ્મો બનવાની શ‚આત થઈ હશે. વિદેશમાં હોલીવૂડમાં દર વર્ષે ગજબની અઢળક અને અદ્ભુત બાળફિલ્મો બને છે. સ્પાઇડર મેન ફિલ્મની શ્રેણી, હેરી પોર્ટર ફિલ્મ, શ્રેક-3, હેપી ફીટ, પેન્ગ્વિન્સ- અ લવ સ્ટોરી, મીટ ધ રોબિન્સન્સ, પાઇરેટ્સ ઓફ ધ કેરિબીયન - એટ વર્લ્ડઝ એન્ડ, નાર્નિયા જેવી હોલીવૂડની બાળફિલ્મોને ભારતમાં પણ અદ્ભુત પ્રતિસાદ મળ્યો છે. સ્પાઇડરમેન અને હેરી પોર્ટરનાં પાત્રો ભારતીય બાળકોને ખૂબ ગમ્યાં. હોલીવૂડની બાળફિલ્મોને ભારતમાં મળેલી સફળતાને કારણે બોલીવુડ પણ બાળફિલ્મો બનાવવા હવે આગળ આવી રહ્યું છે. છેલ્લાં બે વર્ષોમાં બાળફિલ્મો સિનેમાઘર સુધી પહોંચી છે અને આ ફિલ્મોમાં બાળકોની સાથે વડીલો પણ કોમિક પાત્રો સાથે ઝૂમ્યા છે.
‘લકડી કી કાઠી, કાઠી કા ઘોડા, ઘોડે કી દૂમ પર, મારા હથોડા, દૌડા... દૌડા... દૌડા... ઘોડા દૂમ દબાકે દૌડા... થી લઈને ઓ માય ફ્રેન્ડઝ ગણેશા, તૂ રહેના સાથ હંમેશાં... જેવાં બાળગીતો આજે બાળકોમાં ફેવરિટ છે. હોલીવૂડ પછી બોલીવુડમાં પણ આજે બાળફિલ્મોના બજારમાં તેજી આવી છે. જોકે છેલ્લાં બે વર્ષમાં આવેલી આ તેજીને બૉક્સ ઑફિસ પર વધારે સફળતા મળી નથી. બાળકો ટીવી પર કાર્ટૂન જુએ છે તેટલા જ રસથી આ બાળફિલ્મો જોતાં નથી પણ બાળફિલ્મ નિર્માતાઓને આવી ફિલ્મોથી બાળકોમાં લોકપ્રિયતા અને થોડો ઘણો નફો તો મળી જ રહે છે. કદાચ આ જ કારણથી આજે અમિતાભ બચ્ચન, અજય દેવગણ, શાહરુખખાન, અનિલ કપુર અને યશરાજ જેવા ફિલ્મજગતના મોટાં માથાં બાળફિલ્મો તરફ આકર્ષિત થયાં છે. બે વર્ષ પહેલાં આવેલી ‘હનુમાન’ ફિલ્મને બાળકોએ ખૂબ પસંદ કરી હતી. થિયેટરના મોટા પરદે બાળ હનુમાનની નખરીલી અને ગજબનાક મસ્તી જોઈને બાળકોની સાથે વડીલો પણ ઝૂમી ઊઠ્યા હતા. આ ઉપરાંત બાળ ગણેશા ફિલ્મને પણ બાળકોએ ખૂબ વધાવી હતી. ફિલ્મમાં બાળ ગણેશની અદ્ભુત લીલા અને મસ્તીએ બાળકોને ખૂબ હસાવ્યા. હનુમાન અને બાળ ગણેશા ફિલ્મ તો એટલી બધી બાળકોને ગમી કે તેઓ હોલીવૂડના સ્પાઇડરમેન અને હેરી પોર્ટર જેવાં પાત્રોને પણ ભૂલી ગયા. બસ! આ ફિલ્મોને મળેલી સફળતા પછી તો બોલીવૂડમાં અનેક બાળફિલ્મો બની. બાળકોને આકર્ષિત કરી શકાય તેવી પણ અનેક ફિલ્મો બની. તમને ‘છોટા ચેતન’ ફિલ્મ યાદ જ હશે ને! છોટા ચેતન નામનો ચમત્કારી બાળક ત્રણ પ્રામાણિક બાળકોનો મિત્ર બને છે અને તેમની જિંદગીમાં જાદુથી ખુશી પાથરી દે છે. આ ત્રણેય બાળકો સાથે છોટા ચેતન ખૂબ મજા કરે છે. અંતમાં પૈસાના ખજાનાનો લાલચુ તાંત્રિક છોટા ચેતનને પકડી લે છે અને પેલાં ત્રણેય બાળકોથી તેને દૂર કરી દે છે. આ ઉપરાંત ક્રિષ્ણા, બાળ ગણેશા-2, મહાભારત, ઘટોત્કચ, શંકુતલા, ભીમ, લવ-કુશ, હનુમાન-2 જેવી એનિમેશન ફિલ્મોને પણ બાળકોએ ખૂબ પસંદ કરી છે. યશરાજ બેનરની રોડ સાઇડ રોમિયો અને અજય દેવગણની હોમ પ્રોડક્શનની ‘તુનપુર કા સુપર હીરો’ જેવી બાળફિલ્મોે તો કરોડો ‚પિયાનું રોકાણ કરી બનાવાઈ હતી. જોકે બાળકોએ આ ફિલ્મોને બરાબર સ્વીકારી નહિ. તેમને તો ક્રિષ્ણા, હનુમાન અને ગણેશાનાં એનિમેશન જ વધુ ગમ્યાં છે.
બાળકો માટે તૈયાર થયેલી હેરી પોર્ટર શ્રેણીને બાળકોએ સ્વીકારી. હેરી પોર્ટર બાળકોને ખૂબ ગમી, પરિણામે ભારતમાં પણ હેરી પોર્ટર પરથી ‘હરી પુત્તર’ ફિલ્મ બની છે. અલ્લાદીન જેવી બોલીવૂડની ફિલ્મમાં બાળકોને મનોરંજન આપવા ખુદ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન અલ્લાદીન બન્યા. બાળકોને થોડા ડરની સાથે થોડી મજા કરાવવા અમિતાભ ‘ભૂતનાથ’ પણ બન્યા.
ઋતિક રોશનની ‘ક્રિશ’ અને ‘કોઈ મિલ ગયા’ ફિલ્મ ભલે બાળફિલ્મ ન હોય પણ તેનાં પાત્રો, ‘જાદુ’ અને ક્રિશનો સુપરમેન બાળકોને ખૂબ ગમ્યાં.આ ઉપરાંત સલામ બચ્ચે, ચેન કુલી કી મેન કુલી, બ્લુ અમ્બ્રેલા, શબાના આઝમીની મકડી, આબરા કા ડાબરા, સફેદ હાથી, રાજા ઓર લાલપરી, બમ બમ બોલે, જજંતરમ્ મમંતરમ્, તારે જમીન પર, થોડા મેજિક જેવી ફિલ્મો પણ બાળકો માટે બની છે.
ફિલ્મ મકડીમાં શબાના આઝમીએ ચુડેલ બની બાળકોને ડરાવ્યા તો જજંતરમ્, મમંતરમ્માં વેંતિયાઓની કાલ્પનિક દુનિયાએ બાળકોને ખૂબ હસાવ્યાં. આ બધાની વચ્ચે સલામ બચ્ચે, ચેન કુલી કી મેન કુલી, બમ બમ બોલે જેવી બાળકોને પ્રેરણા આપતી ફિલ્મો પણ બની. બાળકોએ પણ આવી ફિલ્મોને ક્યારેક હસતાં હસતાં વધાવી તો ક્યારેક નકારી પણ દીધી છે.
પણ તેમ છતાં હોલીવૂડ પછી બોલીવુડમાં પણ બાળફિલ્મો હવે બનવા લાગી છે. બાળકોને ગમતાં એનિમેશન પાત્રો સાથે હવે એક પછી એક ફિલ્મો બની રહી છે. બાળકોને પ્રેરણા મળે, ફિલ્મ જોઈ મનોરંજનની સાથે કંઈક શીખ મળે તેવી ફિલ્મો, શોર્ટ ડોક્યુમેન્ટરી, નાની ફિલ્મો ઇન્ડિયન ફિલ્મ સોસાયટી દ્વારા દર વર્ષે બનાવાય છે. પણ તે બધી ફિલ્મો બાળકો સુધી પહોંચી શકી નથી. આઘાતજનક તો એ કહેવાય કે બાળફિલ્મ ફેસ્ટિવલના પાસ પણ નાનાં નાનાં બાળકોને નહિ પણ વડીલોને આપી દેવાય છે. આવા બાળ ફેસ્ટિવલમાં બાળકો ઓછાં અને મોટેરાઓ વધુ જોવા મળે છે. ઠીક છે, હાલ તુરત એમ તો કહી શકાય કે બાળફિલ્મોનો દોર. હવે ગતિ પકડી રહ્યો છે.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.