આ લોકોને ખબર નથી!!! - વિશ્ર્વનાથ આનંદ ભારતીય છે કે સ્પેનિશ?


આ લોકોને ખબર નથી!!! -

વિશ્ર્વનાથ આનંદ ભારતીય છે કે સ્પેનિશ?

આ લોકોને ખબર નથી!!! - વિશ્ર્વનાથ આનંદ ભારતીય છે કે સ્પેનિશ?
આપણા દેશમાં હાલ બે જ રમત લોકપ્રિય છે. એક ક્રિકેટ અને બીજી રાજકારણ... ક્રિકેટનું બીજું નામ આજે પૈસા થઈ ગયું છે. ભારતીય ક્રિકેટ ટીમ એક કપ જીતે તેને સરકાર ત્રણ-ત્રણ કરોડ આપવાની જાહેરાત કરે છે અને નક્સલવાદ કે આતંકવાદ સામે ભારતનો કોઈ સપૂત શહીદ થાય તો તેને પેન્શન આપવામાં પણ ભારત સરકાર ધાંધલી કરે છે. આમાં વાત આપણી નોકરશાહીની પણ આવે. આપણી નોકરશાહી સિસ્ટમ એટલી બધી સંવેદનશીલ, જટિલ, સુસ્ત અને નિરક્ષરતા ભરેલી છે કે ત્યાં હવૈ પૈસા (લાંચ) વગર કોઈ પણ કામ સરળતાથી થઈ શકતું નથી. નોકરશાહી એટલી બધી ભ્રષ્ટ થઈ ગઈ છે કે ઘણીવાર આપણે જ્યારે આપણા મહાન નાયકોનું સન્માન કરવા ઇચ્છીએ તો પાછળથી ખબર પડે કે નોકરશાહીના આ બાબુઓએ ‘જુગાડ’ કરી આપણા નાયકનું જ અપમાન કરી દીધું છે.
આવું જ કંઈક આપણા મહાનાયક ચેસના માસ્ટર બ્લાસ્ટર, વિશ્ર્વચેમ્પિયન વિશ્ર્વનાથન આનંદ સાથે થયું. શતરંજના વિશ્ર્વ ચેમ્પિયન વિશ્ર્વનાથન આનંદ વિશે કોણ જાણતું નથી? દરરોજ તેની રમતથી, તેની સિદ્ધિઓથી અખબારનાં પાનાં છલકાય છે તે ચેમ્પિયનને ભારતનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય ઓળખતું જ નથી. જેની સિદ્ધિને લઈને રાજનેતાઓ ગૌરવ અનુભવતા અને મીડિયામાં બત્રીસી દેખાડી આનંદ અનુભવતા તે નેતાઓને હવે આનંદના નાગરિકત્વ પર ભરોસો નથી. તેમનો પ્રશ્ર્ન છે કે આનંદ ભારતીય છે કે પછી સ્પેનિશ?
લો બોલો! ભારતના વિશ્ર્વચેમ્પિયનને આ લોકો સ્પેનને આપવા આટલા બધા તત્પર કેમ છે? વિશ્ર્વના ‘માઇન્ડેડ જગત’માં ભારતનું સ્થાન અવ્વલ લઈ જનાર વિશ્ર્વનાથન આનંદને આ લોકો ભારતનો નાગરિક ગણતા નથી!
વિશ્ર્વનાથન આનંદ સ્પેનમાં રહે છે, પણ તે રમત હમેશાં ભારતના ખેલાડી તરીકે જ રમે છે. કોઈ પણ ઇન્ટરનેશનલ સ્પર્ધામાં જ્યારે તે રમતો હોય ત્યારે તેની પાછળ ભારતનો ત્રિરંગો આ લોકો નથી જોતા? તે સ્પેનમાં રહેવા જ‚ર જાય છે પણ તેમની પાસે માત્ર એક જ પાસપોર્ટ છે અને એ પણ ભારતીય.આપણા લોકોની માનસિકતા પણ અજબની છે. આપણે ભારતીય મૂળની અંતરિક્ષયાત્રી સુનિતા વિલિયમ્સને સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્ર્વ પ્રતિમા પુરસ્કાર આપી શકીએ છીએ પણ ભારતીય ખેલાડી વિશ્ર્વનાથ આનંદને જ્યારે હૈદરાબાદ વિશ્ર્વવિદ્યાલય આંતર્રાષ્ટ્રીય ગણિત કાઁગ્રેસના અધિવેશનમાં વિશ્ર્વનાથનને ડૉક્ટરની પદવી આપવા માગીએ છીએ તો તેની ફાઈલ આપણી નોકરશાહીની લપેટમાં આવી ધક્કે ચડી જાય છે. કારણ કે કોઈએ આનંદની નાગરિકતા પર પ્રશ્ર્ન ઊભો કરી દીધો છે.
આ જ વિશ્ર્વવિદ્યાલયના પ્રખ્યાત અર્થશાસ્ત્રી અને અમેરિકાના કોલંબિયા વિશ્ર્વવિદ્યાલયના ભારતીય મૂળના અમેરિકી પ્રોફેસર જગદીશ એન. ભગવતીને પણ ડૉક્ટરની પદવીથી સન્માનિત કરવાનો પ્રસ્તાવ જ્યારે માનવ સંસાધન વિભાગમાં મોકલવામાં આવ્યો હતો ત્યારે પણ આવું જ થયું હતું, પણ ડૉ. જગદીશ નસીબદાર સાબિત થયા. છેલ્લી ઘડીએ મંત્રાલયને આની ખબર પડી અને તેણે આ પદવી આપવાની પરવાનગી આપી દીધી.
પણ વિશ્ર્વનાથનનાં નસીબ સારાં નથી પણ તે એક મહાન ખેલાડી છે. તેણે તેની મહાનતા રમતમાં અને આ રાજકારણીઓ સાથે પણ બતાવી છે. પાછળથી આ વિવાદ વિશે માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલને આ વાતની જાણ થઈ અને તેમણે ફોન કરીને વિશ્ર્વનાથનની માફી પણ માગી અને આનંદે આનંદથી માફી પણ આપી દીધી.
વિશ્ર્વનાથ આનંદને ડૉક્ટરની પદવી આપવાનો પ્રસ્તાવ મંત્રાલય વિભાગમાં 2009માં મોકલવામાં આવ્યો હતો. પણ તેમ છતાં માનવ સંસાધન વિકાસ મંત્રી કપિલ સિબ્બલનાં મહાન કાર્યોને કારણે આનંદ સામે માફી માગ્યા પછી પણ હૈદરાબાદમાં આંતર્રાષ્ટ્રીય ગણિત કાઁગ્રેસના અધિવેશનમાં આયોજિત દીક્ષાંત સમારોહમાં તેમને આ પદવી ન મળી શકી.


ગોલ્ફમાં નવો ઇતિહાસ


ભારતના અર્જુન અટવાલે વિન્ધામ ગોલ્ફ ચેમ્પિયનશિપ જીતીને નવો ઇતિહાસ રચ્યો છે. આ સાથે અર્જુન અટવાલે યુએસ પીજીએ ટૂર ટાઈટલ જીતનારો પ્રથમ ભારતીય ગોલ્ફર બન્યો છે. ગ્રીન્સબોરોની સેજફિલ્ડ કન્ટ્રી ગોલ્ફ ક્લબ ખાતે યોજાયેલી આ ચેમ્પિયનશિપમાં અર્જુન અટવાલ થ્રી શોટની સચ્ચાઈ સાથે ફાઈનલ રાઉન્ડમાં પ્રવેશ્યો હતો અને તેણે કુલ 20-અંડર 260ના સ્કોર સાથે સફળતા હાંસલ કરી હતી. છેલ્લે 1986માં ફ્રેડ વેડ્સવર્થે આ ટાઈટલ જીત્યું એ પછી કોઈ ક્વોલિફાયર ગોલ્ફર યુએસ પીજીએ ટૂર જીત્યો હોય તેવો આ પહેલો પ્રસંગ છે. ભારતનો જીવ મિલ્ખાસિંઘ કુલ 14-અંડર 266ના સ્કોર સાથે આ ટુર્નામેન્ટમાં 18મા ક્રમે રહ્યો હતો. 37 વર્ષીય અર્જુન અટવાલ આ પહેલાં એશિયન અને યુરોપિયન ટાઈટલ પણ જીતી ચૂક્યો છે. ટાઈટલ જીત્યા બાદ અર્જુને જણાવ્યું હતું કે રવિવારે મારો લક્ષ્યાંક 21-અંડર સુધી પહોંચવાનો હતો. હકીકતમાં મારા મિત્ર ટાઈગર વુડ્સે પણ મને આ સ્કોર સુધી પહોંચવાની સલાહ આપી હતી, પરંતુ એ પછી અમારી વચ્ચે કોઈ ચર્ચા થઈ ન હતી. આ દરમિયાન ખેલમંત્રી એમ. એસ. ગિલ, કપિલ દેવ સહિત અનેક જાણીતી હસ્તીઓએ આ સિદ્ધિ બદલ અટવાલને અભિનંદન પાઠવ્યાં હતાં.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.