કોઈ બાલિવુડની થ્રી-ડી ફિલ્મમાં દર્શાવેલા કુદરતના પ્રકોપ્ને પણ ઝાંખો પાડી દે તેવો ‘સુનામીનો લાઈવ પ્રકોપ’ ટેકનોલોજીપ્રેમી જાપાને વિશ્ર્વને બતાવ્યો, પણ ખુદ કુદરતસર્જિત સુનામીના પ્રકોપથી બચી શક્યું નહિ. પહેલા 8.9ના રિક્ટર સ્કેલનો ભૂકંપ, પછી સુનામી, પછી અણુમથકમાં એક પછી એક એમ ત્રણ વિસ્ફોટ અને હવે પેટાળમાં ધગધગતો લાવા અને રેડિયેશનનો ખોફ! જાપાન ટેક્નોલોજીમાં નંબર વન દેશ છે. ભૂકંપ તેના માટે કોઈ નવી વાત નથી. 1945માં નાગાસાકી અને હિરોશિમા ઉપર અણુબોમ્બ ઝીંકાયા પછી જાપાન રેડિયેશનનો પ્રકોપ સહન કરી ચૂક્યું છે. એટલે એક વાત નિશ્ર્ચિત છે કે ટેકનોલોજીમાં અગ્રણી અને રેડિયેશનનો પ્રકોપ સહન કરનારો અનુભવી દેશ તેનાં અણુમથકો બનાવવામાં કોઈ ઢીલ ન મૂકે, તેમ છતાં આજે ભૂકંપ અને સુનામીએ જાપાનમાં રેડિયેશનનો ખોફ પેદા કરી દીધો છે. તેના કારણે વિશ્ર્વના દેશોમાં ન્યુક્લિયર પ્લાન્ટની પરિભાષા બદલાણી છે. આજે વિશ્ર્વમાં 400 જેટલા ન્યુક્લિયર પ્લાન્ટ (અણુમથકો) ચાલી રહ્યા છે જેમાંથી 108 અમેરિકામાં, 40 જાપાનમાં અને 20 ભારતમાં છે. પ્રશ્ર્ન એ છે કે જાપાન જેવો દેશ જો કુદરતી આપત્તિઓથી પોતાના ન્યુક્લિયર પ્લાન્ટ બચાવી ન શકતો હોય તો વિશ્ર્વના અન્ય દેશોનું શું? ભારતમાં આવી કુદરતી આપત્તિ આવી ચડે તો? વિશ્ર્વના દેશો આવી કુદરતી આપત્તિ સામે પોતાના ન્યુક્લિયર પ્લાન્ટસ બચાવી શકવા સક્ષમ છે? એવું નથી લાગતું કે આજે વિકાસની આંધળી દોટમાં આપણે પૃથ્વીને ધગધગતા લાવા પર મૂકી દીધી છે?
જાપાનની હોનારત, અમેરિકાની લાલચ, કુદરત સાથે સંતુલનની અનદેખી અને ભારતની કેપેસિટી વિશે તમને શી ખબર છે? પ્રસ્તુત છે એક રીપોર્ટ...
- જાપાનમાં થયેલા ન્યુક્લિયર હાદસામાંથી વિશ્ર્વ કોઈ સબક મેળવશે? - વિશ્ર્વમાં આજે 400 જેટલા ન્યુક્લિયર પ્લાન્ટ્સ ધમધમી રહ્યા છે, સુરક્ષાની દ્ષ્ટિએ બધા જ ખરા ઊતરે તેવા છે? - જાપાન અને ગુજરાતમાં ઘણી સમાનતા છે. ગુજરાત પાસે 1600 કિ.મી.નો ગૌરવશાળી દરિયાકિનારો છે. ગુજરાતનો અમુક વિસ્તાર ભૂકંપ ઝોનમાં આવે છે. ગુજરાતમાં ન્યુક્લિયર પ્લાન્ટ છે. ગુજરાતનો આ પ્લાન્ટ સુનામી કે ભૂકંપ્ના ઝટકાથી બચી શકે તેવો છે? - ભારતમાં 20 ન્યુક્લિયર પ્લાન્ટ ચાલુ છે. ભારતની ત્રણેય દિશામાં દરિયો છે. ભારત પાસે 7517 કિ.મી. (4700 માઈલ)નો દરિયા કિનારો છે. સુનામીથી લડવાની શક્તિ ભારતે વિકસાવી છે ખરી? - જાપાનવાળી ભારતમાં થાય તો શું? - વિશ્ર્વના દેશોએ પરમાણુ શક્તિ વિશે નવેસરથી ચર્ચા કરવાની જરૂર હવે ઉદ્ભવી છે? - નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની વાતો હવે કાગળ ઉપરથી રિયલ લાઈફમાં ઉતારવાની જરૂર લાગે છે? - વિદેશી બળતણથી ચાલતા આપણા રિએક્ટરમાં જાપાન જેવો અકસ્માત થાય તો પ્રજાની સુરક્ષાનું શું?
જો જાપાનવાળી વિશ્ર્વમાં થાય તો...?
ઊગતા સૂર્યનો દેશ જાપાન હંમેશાં કુદરત સામે ઝઝૂમતો રહ્યો છે. બે વિશાળ ટેક્ટોનિક પ્લેટ્સના મિલન સ્થાન પર 6852 ટાપુઓનો બનેલો જાપાન દરિયામાં ચાલતી નાવડીની જેમ ડોલતો રહ્યો છે. તેના પેટાળમાં હંમેશાં ખળભળાટ ચાલતો રહે છે. 1945માં પરમાણુ બાઁબથી થરથરી ઊઠેલા જાપાને પરમાણુને જ સીડી બનાવી સ્થિરતા હાંસલ કરી છે, પણ આજે 66 વર્ષ પછી વળી પાછા એ જ પરમાણુએ જાપાનને ધ્રુજાવી દીધું છે. જાપાન આજે ફરી રેડિયેશનના ખતરા સામે ઝઝૂમી રહ્યું છે. ભૂકંપ્ની તીવ્રતા, સુનામીની ભયાવહતા અને રેડિયેશનનો ખોફ આ બધું જ આપણે ન્યૂઝ ચેનલ્સમાં જોયું. થોડી વાર પહેલાં પોતાની સામાન્ય દિનચર્યામાં લીન અનેક લોકોને એ વાતની જાણ પણ નહિ હોય કે થોડી વાર પછી તેમની અંતિમ ઘડી આવવાની છે. સુનામીમાં 20,000 લોકો મર્યા કે તણાઈ ગયા છે, જાપાનનો ફુકુશિમા ન્યુક્લિયર પ્લાન્ટ સંપૂર્ણ રીતે સુનામીની ઝપટમાં આવી ગયો છે. ન્યુક્લિયર પ્લાન્ટની આજુબાજુનો 20 કિ.મી.નો વિસ્તાર ખાલી કરી દેવાયો છે. રેડિયેશનનો ખતરો જાપાન અને વિશ્ર્વના અન્ય દેશો પર મંડરાઈ રહ્યો છે અને આ બધું એ જાપાનમાં થઈ રહ્યું છે જેને આપણે સમૃદ્ધ, વિકાસશીલ અને અદ્યતન ટેક્નોલોજીવાળો દેશ ગણીએ છીએ. ભૂકંપ અને કુદરતી આપત્તિ તેના માટે મજાક છે. ભૂકંપથી બચવા તેની પાસે અનેક ઉપાયો છે, પણ તેમ છતાં જાપાનમાં સુનામીના કારણે સ્થિતિ બગડી છે. જ્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિશ્ર્વમાં સૌથી ઉચ્ચ કક્ષાનું છે, ભૂકંપ જેવી ઘટનાનો સામનો કરવા પર્યાપ્ત સાધન અને વ્યવસ્થા છે, જીવનશૈલી ભૂકંપવિરોધી છે, બાળકો ભૂકંપ્ના આંચકાનો રોમાંચ હસતાં હસતાં લે છે, જેમને નાનપણથી જ ભૂકંપ આવે તો શું કરવું તે શીખવવામાં આવે છે, જ્યાંના લોકો ભૂકંપથી ટેવાઈ ગયા છે અને જાગ્રત પણ એટલા જ છે, જાપાનની સરકાર કુદરતી આપત્તિ સામે લડવા અદ્યતન ટેક્નોલોજી સાથે 24 કલાક એલર્ટ પોઝિશનમાં રહે છે, અને તેમ છતાં જાપાનમાં દુનિયાને હચમચાવી દે તેવી કુદરતની રમત રમાઈ છે. કુદરત સામે જાપાનની આવી હાલત જોઈને વિશ્ર્વના લોકો કંપી ઊઠ્યા છે. વિશ્ર્વના બૌદ્ધિકોમાં ચર્ચા શરૂ થઈ ગઈ છે કે હંમેશાં એલર્ટ રહેતા જાપાનની આવી સ્થિતિ થાય તો વિશ્ર્વના અન્ય દેશોનું શું થાય? રેડિયેશનના ખતરાને કારણે જાપાનમાં જે કઈ પણ થયું એના કારણે ન્યુક્લિયર પ્લાન્ટની સુરક્ષાનાં સમીકરણો પણ હવે બદલાવવાની જરૂર પડી છે. જાપાનની હોનારત પછી ન્યુક્લિયર પ્લાન્ટ માટે વિશ્ર્વમાં નવેસરથી ચર્ચા થવા લાગી છે. જાપાનની હોનારતે ન્યુક્લિયર પ્લાન્ટની સુરક્ષા, જવાબદારી, તેના નીતિનિયમો બદલી નાખવા વિશ્ર્વને મજબૂર કર્યું છે. બધાના મનમાં હાલ એક જ પ્રશ્ર્ન છે-જો જાપાનવાળી વિશ્ર્વમાં કે અન્ય દેશોમાં થાય તો...?
જાપાનવાળી ભારતમાં થાય તો...?
ભારતનો 7517 કિ.મી. (4700 માઈલ)નો દરિયાકિનારો છે. જો દરિયાનાં મોજાંઓની રેલમછેલ ભારતના દરિયા કિનારાના વિસ્તારોમાં ફરી વળે તો? ચલો, આટલું બધું ન વિચારો! માત્ર ભારતના કોઈ એક વિસ્તારમાં સુનામીનાં મોજાં ફળી વળે તો? તમિલનાડુનું ઉદાહરણ તમને યાદ આવ્યું? ભારત પાસે સુનામી સામે લડવાના કોઈ વિકલ્પો છે? જવાબ આપણે સૌ જાણીએ છીએ. સુનામીની કલ્પ્ના પણ જવા દો. પણ ભારતમાં 9.00 રિક્ટર સ્કેલનો ભૂકંપ આવે તો? ભારતમાં 20 ન્યુક્લિયર પ્લાન્ટ્સ કાર્યરત છે અને તેમાં 4780 મેગાવોટ વીજળી દરરોજ પેદા થાય છે. શું આપણા ન્યુક્લિયર પ્લાન્ટ ભૂકંપ પ્રૂફ છે? તે સુનામીના કહેરથી બચી શકે તેવા છે? જાપાન ભૂકંપથી પરિચિત દેશ છે, તેના ન્યુક્લિયર પ્લાન્ટ 9ની તીવ્રતાવાળો ભૂકંપ સહન કરી શકે તેવા છે, પણ ભારતના ન્યુક્લિયર પ્લાન્ટ્સ આટલી તીવ્રતાવાળો ભૂકંપ સહન કરી શકે તેવા છે? પ્રશ્ર્નો શંકા ઉપજાવે તેવા છે. આપણા એક પણ ન્યુક્લિયર પ્લાન્ટ 9ની તીવ્રતાવાળો ભૂકંપ સહન કરી શકે તેવા નથી. ગ્રીનપીસની પરમાણુ ઊર્જા સાથે જોડાયેલી કાર્યકર્તા કરુણા રૈનાનું કહેવું છે કે ન્યુક્લિયર પ્લાન્ટસ એટલે ખતરો. પરમાણુ ઊર્જાના અનેક ફાયદાઓ છે પણ તેની સાથે જોડાયેલી સમસ્યાઓ પણ અનેક છે. એંશીના દાયકામાં ભારતના તારાપુર ન્યુક્લિયર પ્લાન્ટના અનેક કર્મચારીઓ રેડિયેશનની અસર નીચે આવી ગયા હતા. થોડાં વર્ષો પહેલાં ખબર આવી હતી કે ભાભા એટમિક રિસર્ચ સેન્ટરમાં પણ રેડિયેશનનો ખતરો છે. તેનાથી ઘણા કર્મચારીઓ પ્રભાવિત થયા હતા. સ્પષ્ટ છે, ન્યુક્લિયર પ્લાન્ટમાં ક્યારેક ક્યારેક થતી નાની નાની લાપરવાહી આવી ઘટનાનું રૂપ ધારણ કરી લેતી હોય છે, આ લાપરવાહી ગંભીર પરિણામ લાવી શકે છે. આ બધાની વચ્ચે મુંબઈના પરમાણુ ઊર્જા વિભાગના સાર્વજનિક જાગરૂકતા ડિવિઝનના એસ. કે. મલ્હોત્રાનું કહેવું છે કે આપણા ન્યુક્લિયર પ્લાન્ટસ સેફ છે. દુનિયાભરના ન્યુક્લિયર પ્લાન્ટ કુદરતી આપત્તિઓ સામે ટકી રહે તેવા જ બનાવવામાં આવે છે. આજના આધુનિક પ્લાન્ટ્સ એવી રીતે બનાવવામાં આવ્યા છે કે પ્લાન્ટમાં રહેલાં રેડિયોએક્ટિવ કિરણો, સામગ્રી અને યુરેનિયમ કોઈ પણ સંજોગોમાં બહાર ન આવી શકે. જો મિસાઈલ દ્વારા હુમલો કરવામાં આવે તો પણ રિએક્ટરને કોઈ નુકસાન નહિ થાય. 2004માં તમિલનાડુમાં સુનામી આવી હતી. કલપક્કમ ન્યુક્લિયર પ્લાન્ટને નુકસાન થયું હતું, પણ સ્થિતિ ગંભીર નહોતી બની. સ્થિતિની જાણકારી મેળવી એક અઠવાડિયામાં તે પ્લાન્ટ ચાલુ થઈ ગયો હતો. એ વાત પણ સાચી છે કે ગુજરાતનો કાકરાપાર ન્યુક્લિયર પ્લાન્ટ 2002ના ગુજરાતના ભયાનક ભૂકંપ પછી પણ ચાલુ જ હતો. તેમ છતાં ચેતતા નર સદા સુખી! જાપાન જેવા દેશમાં જો ન્યુક્લિયર પ્લાન્ટ્સ સામે ખતરો પેદા થઈ શકતો હોય તો, ભારતે સુરક્ષાની બાબતે અને કુદરતી આપત્તિઓ સામે લડવાની બાબતે હજી ઘણું કરવાનું છે. આતંકવાદ, નક્સલવાદ જેવી આંતરિક મુશ્કેલીઓનો સામનો ન કરી શકનાર ભારત કુદરત સામે તો સાવ પાગળું છે. આંકડાઓનું માનીએ તો ભારતમાં દર વર્ષે સરેરાશ 5000 લોકો આવી કુદરતી આપત્તિઓના કારણે મૃત્યુ પામે છે. ભારતમાં નેચરલ ડિઝાસ્ટર મેનેજમેન્ટનું મહત્ત્વ અને તેની જરૂરિયાતને સમજી 1994માં નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થાપ્ના થઈ હતી, પણ તેની સચોટ કામગીરી દેખાતી નથી. આવા સમયે આપણા મનમાં પ્રશ્ર્ન જરૂર થાય કે નક્સલવાદ, આતંકવાદ, ભ્રષ્ટાચાર સામે લડતા ભારતમાં જો જાપાનવાળી થાય તો શું થાય? કંઈ ના થાય... નેતાઓ બચી જાય અને પ્રજા પૂરી થઈ જાય... બીજુ છું? ઠીક છે આ ન્યુક્લિયર ખોફમાંથી બહાર લાવવા માટે એક ખોફનાક મજાક હતી; પણ શક્યતા નકારી ન શકાય. ગુજરાત જેવાં રાજ્યો કે જ્યાં 1600 કિ.મી. લાંબો દરિયા કિનારો છે. તેણે સુરક્ષાનાં પગલાં ભરવાં જ પડે. ગુજરાતનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ ભારતમાં સર્વોત્તમ છે ઘણી વખત પુરવાર થયું છે. છેલ્લે બિહાર કોસી નદીના પૂર વખતે પણ એ વ્યવસ્થા કામ આવી હતી.
જે પોષતું તે મારતું...
વિશ્ર્વને આજે સમપોષિત વિકાસની જરૂર છે. જળ-જમીન-જંગલનો નાશ કર્યા વિનાનો વિકાસ જ આજે વિશ્ર્વને પોસાય એવો છે, બાકી કુદરતનું સંતુલન બગાડવાનાં પરિણામો હવે આપણે ભોગવી જ રહ્યા છીએ. પ્રલય વિશે પહેલાં આપણે માત્ર આપણા ગ્રંથોમાં જ વાંચતા, આજે જોઈ રહ્યા છીએ. વિકાસની ગતિમાં કુદરતની સમતુલાની ગતિ ધીમી પડી ગઈ છે. આપણા નીતિ-નિર્માતા, વૈજ્ઞાનિક, એન્જિનિયરો, વિકાસશીલ અને અદ્યતન બનવા જતાં પૃથ્વી અને કુદરતને ભૂલી ગયા. ગ્લોબલાઇઝેશનના નામે આપણે પૃથ્વીના પેટાળથી લઈને વાયુમંડળ સુધીનું વાતાવરણ એટલું ખતરનાક બનાવી દીધું છે કે કુદરત પણ હવે મૂંઝાણી છે. આજે પૃથ્વીના અસ્તિત્વ સામે ખતરો પેદા થયો છે. પૃથ્વીનું તાપમાન વધી રહ્યું છે. ભૂકંપ અને સુનામી હવે વારંવાર પૃથ્વી પર પોતાની હાજરી નોંધાવી રહ્યાં છે. વૈજ્ઞાનિકો કહે છે કે પૃથ્વીનું સંતુલન બગડી ગયું છે, તેનું આ પરિણામ છે. મહત્ત્વની વાત એ છે કે આપણે કુદરતનો પ્રકોપ સમજવો જોઈએ. સગવડની દુનિયા છોડી કુદરતની સ્વાભાવિક દુનિયા તરફ વળવું જોઈએ. કલ્પ્ના કરો કે માત્ર જાપાનમાં આવેલો આટલો પ્રકોપ વરસાવતો ભૂકંપ તો હજુ કુદરતનું ટ્રેલર છે. આપણે કુદરતને પરાજિત કરવાની માનસિકતામાંથી બહાર આવી સમપોષિત વિકાસનો વિચાર કરવા આગળ વધવું પડશે. કુદરત સામે હજુ આપણે બાળક છીએ. હજુ આપણે ઘણું શીખવાની જરૂર છે એમ સમજીને ચાલવાનો સમય હવે આવી ગયો છે. વિશ્ર્વના દેશોએ કુદરત સામે લડવાને બદલે કુદરતને સાચવવાની, પર્યાવરણને સાચવાની દિશા તરફ આગળ વધવું જોઈએ, કદાચ આ જ એક સુરક્ષિત ઉપાય છે - પૃથ્વીને બચાવવાનો.
ન્યુક્લિયર ઊર્જામાં અમેરિકાને રસ વધારે
1978માં થ્રી માઈલ્સ આઈલેન્ડની પરમાણુ દુર્ઘટનાએ અમેરિકાને પરમાણુ ઊર્જામાં આગળ વધતું અટકાવી દીધું હતું, પરંતુ રાષ્ટ્રપતિ બરાક ઓબામાને ન્યુક્લિયર ઊર્જામાં વધુ રસ છે. ઓબામાની નીતિ ન્યુક્લિયર પ્લાન્ટસને પ્રોત્સાહન આપવાની રહી છે. ઓબામા પરમાણુ ઊર્જાના સમર્થક છે. ઓબામાને લાગે છે કે પરમાણુ ઊર્જાના કારણે અમેરિકા પોતાના વિકાસના કાર્યક્રમોમાં કોઈ પણ કાપકૂપ કર્યા વિના ગ્રીન હાઉસ ગેસોનું ઉત્સર્જન ઘટાડી શકે છે. પણ હવે અમેરિકામાં પરમાણુ ઊર્જાવિરોધી એક લોબી સક્રિય થઈ ગઈ છે. જાપાનમાં બનેલી ઘટના બાદ આ લોબી વધુ સક્રિય બની છે. હાલ અમેરિકામાં 108 ન્યુક્લિયર પ્લાન્ટ્સ છે, જે અમેરિકાને 20% ઊર્જા પૂરી પાડે છે.
પરમાણુ દુર્ઘટનાની જવાબદારી કોની?
ભારતનાં પાંચ રાજ્યોમાં પરમાણુ મથકો છે. તે પાંચેય રાજ્યો ભૂકંપ ઝોનમાં આવે છે. જાપાનમાં જે પરમાણુ દુર્ઘટના થઈ તેને ધ્યાનમાં લેતાં એ મુદ્દો મહત્ત્વનો બને છે કે પરમાણુ દુર્ઘટનાની જવાબદારી કોની? પીડિત લોકોને વળતર કોણ ચૂકવશે? દુર્ઘટનાની જવાબદારી રિએક્ટર ઓપરેટરની નહિ હોય તો કોની હશે? સમજવા જેવી બાબત એ છે કે પરમાણુ રિએક્ટરના ઓપરેટર એનસીપીઆઈએલને, નાગરિક પરમાણુ ઉત્તરદાયિત્વ અધિનિયમના અનુચ્છેદ-5 અંતર્ગત, કુદરતી આપત્તિથી થતી પરમાણુ દુર્ઘટનાની સ્થિતિમાં, જવાબદારીથી મુક્ત રખાયું છે. સંસદમાં તેનો વિરોધ પણ થયો પણ સરકારે તેમાં કોઈ ફેરફાર કર્યો નથી. આ કાયદા મુજબ પરમાણુ દુર્ઘટના થવાના કારણે 1500 કરોડ રૂપિયાનું વળતર ચૂકવવાની જોગવાઈ છે. આ જ રીતે યુદ્ધ, આતંકવાદી હુમલા જેવી સ્થિતિમાં પણ ઓપરેટરને જવાબદારીથી મુક્ત રાખવામાં આવ્યો છે.

