શહીદોની અવગણનાની વેદના










શહીદ સંદીપ ઉન્નીકૃષ્ણનના કાકા કે. મોહનને થોડાં દિવસો અગાઉ જ સંસદભવન સામે પોતાની જાતને કેરોસીન છાંટી સળગાવી મુકી. તેઓની 14 પાનાની સ્યૂસાઇડ નોટમાં તેઓ લખે છે કે ‘26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સરકાર નિષ્ઠુર વલણ દાખવી રહી છે અને આતંકવાદીઓ પ્રત્યે કુણું વલણ દાખવી રહી છે... શહીદોને વળતર નહીં સજા આપો... મારાથી સરકારની આ અવળચંડાઈ સહન નથી થતી તેથી હું...’આ દેશ આવો જ છે. અહીં આતંકવાદીઓને જમાઈની જેમ અને નાગરિકોને નોકરની જેમ રાખવામાં આવે છે. હજુ પણ સરકાર એક બીજો કંદહાર કાંડ થવાની રાહ જોઈ રહી છે. ક્યારે એક વિમાન હાઇજેક થાય અને ક્યારે આ આતંકવાદીઓ કસાબ અને અફઝલને અહીંથી છોડાવી જાય... 

દિલ્હીની રામમનોહર લોહિયા હાસ્પિટલના એક રૂમના એક પલંગ પર 90 ટકા કરતાં પણ વધારે દાઝી ગયેલા માણસે આત્મદાહ કરવાનું કારણ જાણી અહીં આવનારા દરેક લોકો કંઈક આવી જ રીતે દેશ અને દેશની સરકારને કોસી રહ્યા હતા.

એક 55 વર્ષનો આધેડ માણસ સંસદભવનની સામે, ગાંધીજીની પ્રતિમાની સાક્ષીમાં શરીર પર કેરોસીન છાંટી લાઇટર વડે એક મદહોશીનો કશ લેવા સિગારેટ સળગાવતો હોય તેમ પોતાના શરીરને સળગાવી દે છે. આ સળગતા માણસની ચિચિયારી સાંભળીને ત્યાં હાજર મીડિયાકર્મીઓ ત્યાં પહોંચી જાય છે અને સળગતા માણસની આગને શાંત પાડે છે. તેને હાસ્પિટલમાં પહોંચાડે છે અને પાછા સ્ટોરી મેળવવાની ધૂનમાં કામે લાગી જાય છે. મીડિયાને આ માણસની કોઈ ચિંતા નથી. હશે કોઈ થાકેલો, હારેલો, અન્યાયથી કે કોર્ટ કચેરીના વિલંબથી કંટાળેલો કે પછી મોંઘવારીથી ત્રસ્ત પીડિત કોઈ કામન મન...

બે દિવસ પછી આ 90 ટકા સળગેલા માણસનું મૃત્યુ થાય છે. પોલીસ તપાસમાં આ માણસની 14 પાનાની સ્યૂસાઇડ નોટ મળે છે. આ વ્યક્તિના આત્મદાહનું કારણ મળે છે અને પછી વાત ગંભીરતા મેળવે છે. સ્યૂસાઇડ નોટ બોલે છે : 

‘... આ ખૂબ જ આઘાતજનક અને દુર્ભાગ્યપૂર્ણ છે. એક આર્મીનો જવાન દેશની રક્ષા ખાતર પોતાનુ જીવન અર્પિત કરી દે છે પણ આ દેશના નેતાઓ કસાબને ફાંસી પણ આપી શકતા નથી. ભારતીય રાજકારણ કામનમેનને બર્બાદ કરવા બેઠું છે. આજે દરેક ભારતીયને મારા સંદીપ પર ગર્વ છે. આજે યુગ બદલાયો છે, ભારતીયોની માનસિકતા બદલાઈ છે પણ આ બીમાર નેતાઓની માનસિકતા હજુ બદલાઈ નથી. બધા નેતાઓ એક સરખા જ છે. આશા રાખું કે આ નેતાઓના પુત્ર પણ શહીદ થાય ત્યાર પછી જ તેમને મારા દર્દની ખબર પડશે... 26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના પીડિતો પ્રત્યે સરકાર નિષ્ઠુર છે. સરકાર આતંકવાદીઓ પ્રત્યે કુણું વલણ દાખવી રહી છે. ... લિ. કે. મોહનન.

કે. મોહનન એટલે કરેલમાં એક નાનકડી સ્ટેશનરીની દુકાન ચલાવતો આ દેશનો નાગરિક. જાંબાઝ એનએસજી કમાન્ડો સંદીપ ઉન્નીકૃષ્ણનના કાકા. કે. મોહનનને સંદીપ્ની શહીદીથી ખૂબ આઘાત લાગ્યો હતો. બીજો આઘાત આ આતંકવાદીઓ પર કાર્યવાહી ન થવાથી તેમના મગજ પર લાગ્યો હતો. આથી હતાશ થઈ કે. મોહનને આ નેતાઓના ઘર સામે આત્મહત્યા કરી. સંદીપ્ના પિતા ઉન્નીકૃષ્ણનનું કહેવું છે કે મુંબઈ હુમલા દરમિયાન શહીદ થયેલ મેજર સંદીપ મારો નહિ પણ આ દેશનો પુત્ર હતો. સંદીપ્ની શહીદી પર માત્ર મને જ નહિ પણ આખા દેશને ગર્વ છે. સંદીપે તેની ફરજ અદા કરી હવે આપણો વારો છે. જ્યાં સુધી ન્યાયનો સવાલ છે તો તે માત્ર મારો જ નહિ આખા દેશનો સવાલ છે. મારા ભાઈ કે. મોહનને જે માર્ગ અપ્નાવ્યો છે તે સાચો માર્ગ નથી, કારણ કે આનાથી કશું જ થવાનું નથી. મોહનનનો આ આક્રોશ આપણામાંથી ઘણાને વધુ પડતો અને અજુગતો લાગતો હશે, પણ તેની ગંભીરતા આપણે સમજવાની જરૂર છે.આ દેશમાં શહીદોને શું મળે છે? આ દેશમાં આતંકવાદીઓને શું મળે છે? આ પ્રશ્ર્નો જરા વિચારો તો મોહનનનો આ પ્રયાસ આપણને અજુગતો નહિ લાગે. બેશક મરવાથી કોઈ પ્રશ્ર્નનો હલ મળતો નથી પણ મોહનનને આવું કરવા મજબૂર કોણે કર્યો? આ આપણે સૌ જાણીએ છીએ. એનએસજી કમાન્ડો સંદીપ ઉન્નીકૃષ્ણન હોય કે આસિ.સબ.-ઇન્સ્પેક્ટર તુકારામ ઓંબલે, જમાદાર ગજેન્દ્રસિંહ, હેમંત કરકરે કે અશોક કામટે હોય કે પછી વિજય સાલસકર હોય - શહીદ થયેલા આ સપૂતોને ન્યાય મળ્યો છે ખરો? ન્યાયના રૂપે મળી છે તો માત્ર રાજનીતિ! કસાબ જેવા આતંકવાદીઓ જીવતા છે ત્યાં સુધી આ લોકોને ન્યાય મળી પણ નહિ શકે.

એક બાજુ શહીદોના બલિદાનની કિંમત પણ સરકાર ચૂકવી શકતી નથી. જ્યારે બીજી બાજુ આ શહીદોને મારનારા આતંકવાદીઓને ન્યાય અપાવવા કરોડોનો, અબજોનો ખર્ચ કરવામાં આવે છે. સ્પેશિયલ કોર્ટ, બુલેટપ્રુફ, વેપ્નપ્રુફ, બાઁબપ્રુફ જેલ આતંકવાદીઓ માટે બનાવાય છે અને આપણા સૈનિકોને તુચ્છ માણસની જેમ આ આતંકવાદીઓની સામે લડવા બુલેટપ્રુફ જેકેટ પણ તકલાદી, બનાવટી આપવામાં આવે છે.ક્યારેક તો પ્રશ્ર્ન થાય છે કે શું થશે આ દેશનું? લોકશાહીના નામે હજુ કેટલાં દુ:ખ દર્દો આ દેશના નાગરિકોએ સહેવાં પડશે.
એક સમયે લશ્કરમાં કામ કરવું ગૌરવ ભર્યું લેખાતું પણ આજે લશ્કરમાં જોડાવું એ માત્ર નોકરીનો એક ભાગ છે. રોજીરોટી મેળવવા અને સરકારી નોકરી મેળવવા આજે આપણા દેશના કરોડો બેરોજગાર યુવાનો લશ્કરમાં જોડાય છે.સરકાર પણ આ લોકોની મજબૂરીનો ફાયદો ઉઠાવી તેમની શહીદી બાદ તેમને ભૂલી જાય છે. ગયા વર્ષના આંકડા જ કહે છે કે પેરા મિલિટરી ફોર્સ જેવા કે બોર્ડર સિક્યોરિટી ફોર્સ, સીઆરપીએફ, સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સમાંથી 9,000 જવાનોએ સમય પહેલા નિવૃત્તિ લીધી હતી. એક તરફ દેશમાં ભ્રષ્ટાચાર, ઘૂસણખોરી જેવી અનેક સમસ્યાઓ છે ત્યારે બીજી બાજુ સરકારી તંત્રની આટલી બધી નિ:સ્પૃહતા દેશને કઈ દિશામાં લઈ જશે એ એક મોટો પ્રશ્ર્ન છે.જો
આ દેશના નેતાઓને જાબાંઝ સંદીપ, તુકારામ ઓંબલે જેવા શહીદો યાદ ન રહેતા હોય, અને આ દેશ પર હુમલો કરનારા આતંકવાદીઓ વધારે યાદ રહેતા હોય તો તે દેશના નાગરિકો બીજું શું કરી શકે?

કારગીલ યુદ્ધ દરમિયાન મારા પતિએ શહીદી વહોરી તે સમયે મને એટલું દુ:ખ નહોતું થયું જેટલું દુ:ખ મને આજે થાય છે. આતંકવાદીઓ પ્રત્યેનું સરકારનું કૂણું વલણ ખૂબ જ દુ:ખદ છે. મોહનનની આત્મહત્યા સરકારની કામગીરી પર પ્રશ્ર્નાર્થચિહ્ન લગાવે છે.- નીલમ અરુણસિંહ શહીદ અરુણસિંહની પત્ની

સંસદભવની રક્ષા ખાતર મારા પતિ શહીદ થયા છે અને મને તેના પર ગર્વ છે અને રહેશે. પણ ગર્વ વધારે ત્યારે થશે જ્યારે તે આતંકવાદીઓને સજા મળે. મારા જખમ વળતરથી નહિ, સજાથી ભરાશે.- કલ્યા દેવી ,શહીદ માતવસિંહ નેગીની પત્ની

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.