ઔદ્યોગિક ક્રાંતિ દરમિયાન બ્રિટનના એક જમાનાના શાસક એવા આલિવર ક્રામવેલે કહ્યું હતું કે ‘જ્યાં સુધી લોકોના પેટમાં બે ટંકનું ભોજન પીરસાતું રહે ત્યાં સુધી તેને ક્રાંતિ સાથે કોઈ લેવા-દેવા નથી. હિન્દુસ્થાનને લાગેવળગે છે ત્યાં સુધી કરોડો હિન્દુસ્થાનીઓને ભટકાવનારો, અફીણના ઘેનમાં રાખનારો 20 ઓવરનો ક્રિકેટ નામનો ખેલ ત્રણ કલાકના શોથી વધારે બીજું શું હોઈ શકે? શું ક્રિકેટથી ક્રાંતિ થઈ શકે? ક્રાંતિ તો થશે નહિ પણ આ દેશના લોકોની સમય, શક્તિ, શ્રમશક્તિ, ઉત્પાદન શક્તિ જરૂર ઘટાડી દેશે! ક્રિકેટ નામના આ ફટાફટી માળખાને કારણે અમુક લોકોને નિશ્ર્ચિતપણે અઢળક રૂપિયા મળ્યા છે પણ જ્યાં સુધી આ દેશની અર્થવ્યવસ્થાનો સવાલ છે, તો તે ચાલે છે છેવાડાના માનવીથી. અને આજે આ છેવાડાનો માનવી કામ-ધંધો છોડી ક્રિકેટમાં રસ દાખવતો થઈ ગયો છે! આપણી અર્થવ્યવસ્થાને તોડનારો આ ક્રિકેટ નામનો પૂંજીવાદી હુમલો છે, જેને આપણે ખૂબ ઝડપથી સમજી લેવો જોઈએ. આપણા પૂંજીપતિઓએ એવું સાબિત કરી દીધું છે કે આપણા દેશના લોકોને ભોજનની નહિ, મનોરંજનની જરૂર છે અને લલિત મોદી નામના એક ભેજાબાજે ક્રિકેટનું ‘આઈપીએલ’ નામનું માળખું રચી નાખ્યું. મનોરંજનની દુનિયામાં આજે ‘આઈપીએલ’ ક્રિકેટ અવ્વલ છે. ભારતના ભિખારી પણ હવે ગલ્લે ઊભા રહીને સ્કોર પૂછતા થઈ ગયા છે. હવે વિચારો, આ દેશ ભ્રષ્ટાચાર, મોંઘવારી, યૌનશોષણ, ભ્રૂણહત્યા, અનેક રીતે સ્વીકારાયેલી માનસિક - શારીરિક ગુલામી.... જેવી સમસ્યાઓમાંથી પસાર થઈ રહ્યો છે ત્યારે દેશને એક ક્રાંતિની જરૂર નથી? અને ક્રાંતિ ભૂખ્યા પેટે જ થાય, મનોરંજનથી નહિ! યુવાનોનો દેશ આજે સમસ્યાનું સમાધાન ગોતવામાં નહિ પણ ક્રિકેટના ગ્લેમરમાં મનોરંજન શોધવાનું કામ કરી રહ્યો છે. આપણા રાજનેતાઓ દેશ પ્રત્યેનું તેમનું સાચું કર્તવ્ય તો નિભાવી શકતા નથી પણ તેને દબાવવામાં સફળ થઈ રહ્યા છે. ભારતમાં ક્રિકેટની અજીબો-ગરીબ દાસ્તાન છે. જેમની પાસે પૈસા નથી, જે ખૂબ ગરીબ છે તેવા લોકો પણ ક્રિકેટ ઉપર પોતાનું તન-મન ન્યોછાવર કરવા તૈયાર થઈ જાય છે અને જે લોકો ધનવાન છે તે લોકો ગરીબોના ક્રિકેટ સાથેના લગાવનો દુરુપયોગ કરી પૈસા કમાવવામાં પડી જાય છે. કરોડોના આ ખેલમાં સરકારની તિજોરી પણ ભરાતી રહે છે, એટલે સરકાર બોલે તો બોલે શું? તેથી આઈપીએલ એટલે ઈડિયટ પર્સન્સ લીગ ચાલે છે.
એક વાત વિચારવા જેવી છે. આપણા સુપ્રસિદ્ધ ક્રિકેટરોમાં ભણેલા-ગણેલા કેટલા? સચિન તેંડુલકર દસ પાસ છે. આ તો ક્રિકેટ જગતની ખૂબ મોટી હસ્તીનું એક ઉદાહરણ છે. ફિલ્મોમાં પણ એવું જ છે. આ લોકો આપણા યુવાનો માટે આદર્શ, રોલમાડલ હોઈ શકે? જવાબ ભલે ના હોય પણ વાસ્તવિકતા એ છે કે આજે ઘણા યુવાનોના રોલ માડલ સચિન, શાહુરખ... છે. આનું કારણ પણ જાણવા જેવું છે. આજના યુવાનોને શોર્ટકટ વધુ પસંદ છે અને પૈસા કમાવાનો જો કોઈ શોર્ટકટ હોય તો તે આ જ છે. ક્રિકેટમાં ગ્લેમરની સાથે પ્રસિદ્ધિ અને અઢળક રૂપિયો છે, અને બીજો શોર્ટકટ ગુનાહિત પ્રવૃત્તિઓ છે. આપણા યુવાનો પૈસા કમાવવા આ બંને પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. વધુ ને વધુ યુવાનો તે તરફ આગળ વધી રહ્યા છે. ગુનાહિત પ્રવૃત્તિ વધી રહી છે. યુવાનો ક્રિકેટર કે ફિલ્મના હીરો બનવા માગે છે. તે ખૂબ મહેનત કરી ભણી-ગણી કલેક્ટર બની દેશસેવાની સાથે ઉચ્ચ પગાર મેળવવામાં માનતો નથી.
આજે ભણવાની જરૂર શું છે? ક્રિકેટર કે હીરો બની જાવ એટલે બધું જ તમારી પાસે હશે. તમે જુઓ કે એક અલ્લડ રખડતો અભણ છોકરો અચાનક ક્રિકેટ સાથે જોડાઈ જાય અને રાતોરાત રંકમાંથી રાજા બની જાય તો તેની સમાજ પર, યુવાનો પર શી અસર પડે? આવા અપવાદો આપણા યુવાનો માટે આદર્શ બની જાય છે! તેઓ એ સમજવા તૈયાર થતા નથી કે આ તેમના માટે એ શક્ય છે કે કેમ?
મહત્ત્વની વાત એ છે કે ક્રિકેટમાંથી આજે ક્રિકેટ રમનારા તો પૈસા કમાઈ જ રહ્યા છે પણ ક્રિકેટ ન રમનારા પણ પૈસા ઊભા કરી રહ્યા છે. ‘સટ્ટા’ નામનું દૂષણ લોકોમાં ઘર કરી ગયું છે. બૂકીઓ અને સટ્ટો લગાવનારો એક આખો વર્ગ હવે આપણા સમાજમાં પેદા થઈ ગયો છે. કયા ખેલાડીએ કેટલા રન માર્યા, કોણે કેટલી વિકેટ લીધી એ બધું ત્યારે જ જોવા-જાણવાનું મન થાય જ્યારે તમે તે ખેલાડી પર પૈસા લગાવ્યા હોય અને આજે ભારતના ગલ્લે-ગલ્લે આ સટ્ટો ચાલી રહ્યો છે. બુકીઓની વાત તો પછી આવે છે. ક્રાઈમ સ્ટોરી નામક સીરીયલમાં સટ્ટાથી બરબાદ છોકરાએ પોતાની પ્રેમિકા પાસે તેના સગાભાઈનું અપહરણ કરાવ્યાનો સાચો કિસ્સો ઝળક્યો હતો.
બુકીઓનો ખેલ, સ્પોટ ફિક્સિંગ, મેચ ફિક્સિંગ આ બધું ક્રિકેટમાં પહેલાં પણ હતું. તે બહાર આવી ગયું છે. આ બધું કેમ લેટ-ગો કરીને ક્રિકેટ જોવા જાય છે? ભારત કોઈ મેચ એક રનથી હારી જાય એટલે તરત આપણે જોયા-જાણ્યા વિના કોમેન્ટ કરી દઈએ છીએ કે ‘મેચ ફિક્સ’ હતી! આવું કેમ? કેમ કે ક્રિકેટમાં જે કંઈ પણ થઈ રહ્યું છે તે આપણને સૌને ખબર છે! તેમ છતાં બીજા દિવસે આપણે ક્રિકેટ જોવા ટીવી સામે બેસી જ જઈએ છીએ. આપણી ક્રિકેટ જોવા પ્રત્યેની આ તાલાવેલીનો લાભ જ આ ક્રિકેટના આકાઓ ઉઠાવી રહ્યા છે.
ક્રિકેટમાં ડાન્સિંગ ગર્લ શું કામ લાવવામાં આવી! ક્રિકેટ નામના પ્રસિદ્ધ જેન્ટલમેન ખેલને આ ચીયર લીડર્સની જરૂર હતી? શાહરુખ ખાન, સલમાનખાન, પ્રીતિ ઝિંટા... આ ગ્લેમરની દુનિયાને ક્રિકેટ સાથે કેમ જોડવામાં આવી? એક જ કારણ છે, ભારત નામના દેશને ક્રિકેટ નામના અફીણના ઘેનમાં રાખવાનો છે, જેથી ક્રાંતિ ન થાય, નેતાઓનાં ખરાબ કામ છાનાં રહે. લોકોને પ્રશ્ર્ન ઉઠાવવાનો સમય જ ન મળે !
તાજેતરનું જ એક ઉદાહરણ જુઓ... થોડા દિવસ પહેલાં જ આપણે ‘આઈપીએલ’ની કલંકકથા એક ન્યૂઝ ચેનલના સ્ટીંગ આપરેશનમાં જોઈ. ‘આઈપીએલ’ની સ્પોટ ફિક્સિંગ નામની કાળી બાજુ બહાર આવી. દેશમાં અને મીડિયામાં હોબાળો મચી ગયો. આઈપીએલના આકાઓ હચમચી ગયા, કેમ કે સ્ટીંગ આપરેશનમાં પકડાયેલા ખેલાડીઓએ એવું કહ્યું કે અમને ફિક્સ રકમ ઉપરાંત વધારાની રકમ પણ અંદરખાને અપાય છે. સ્વાભાવિક રીતે તે ‘કાળું ધન’ છે, જેનો કોઈ ટક્સ ચુકવાતો નથી. મીડિયાએ મુદ્દો ઉપાડી લીધો હતો. બે જ દિવસમાં આઈપીએલની એક પછી એક કાળી બાજુ બહાર આવવા લાગી. હવે આઈપીએલના આકાઓનો સ્ટંટ જુઓ. આ લોકોએ શાહરુખખાનની બ્રાંડ વેલ્યુનો ઉપયોગ કર્યો. શાહરુખખાને દારૂ ઢીંચીને સ્ટેડિયમમાં સિક્યુરિટી ગાર્ડ સાથે મારામારી કરી! બીજા જ દિવસથી ક્રિકેટની કલંકકથા મીડિયામાં પ્રસારિત થતી બંધ થઈ ગઈ. મેચ ફિક્સ થાય છે, આઈપીએલમાં કાળાં નાણાંની ભરમાર છે, એ બધું બંધ થઈ ગયું અને મીડિયા શાહરુખ ખાનના મુદ્દા પર ચડી ગયું. શાહરુખના સ્ટંટને કારણે ક્રિકેટની બીજી બાજુ, વાસ્તવિકતા લોકો સામે આવતી બંધ થઈ ગઈ. મીડિયાને કઈ રીતે રમાડાય છે તેનું આ ઉદાહરણ છે. એવું નથી કે મીડિયા આ જાણતું નથી પણ અઢળક રૂપિયાનો ડૂચો મારી તેમનું મો પણ બંધ કરી દેવાય છે અને ચાલુ રહે છે ભારતને બરબાદ કરનારો આ ખેલ...
પ્રશ્ર્ન એ થાય છે કે ક્રિકેટને રાષ્ટ્રના નામ સાથે જોડી શકાય? ભારત અને ઇંગ્લન્ડ વચ્ચેની મેચ દરમિયાન ભારત મેચ હારી જાય તો એવું કહી શકાય કે ઇંગ્લન્ડ સામે ભારતની હાર થઈ?! ના કહેવાય! હાર માત્ર પેલા 11 ખેલાડી અને બીસીસીઆઈની જ થઈ ગણાય. ભારતમાં ક્રિકેટ ચલાવતી બીસીસીઆઈ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ) એક સ્વાયત્ત સંસ્થા છે. દેશને કે દેશની સરકારને તે સંસ્થા સાથે કોઈ લેવા-દેવા નથી. તો શું ભારતના તિરંગા હેઠળ આ લોકોને રમવાની પરવાનગી મળી શકે? આ ક્રિકેટરો ભારત માટે રમે છે? આ રમત રમી આપણા ખેલાડીઓ દેશસેવા કરી રહ્યા છે? શેની દેશસેવા! પૈસા વગર આમાંનો એક પણ ખેલાડી ટીમમાં દેશ માટે રમવા તૈયાર નહિ થાય.
રેસલિંગની દુનિયા તમને યાદ છે? WWF. જેની શરૂઆત જ સટ્ટો રમવા કરવામાં આવી હતી. આઈપીએલ તેનું જ એક રૂપ છે. જોકે આઈપીએલ શરૂ થઈ ત્યારે તેનો ઉદ્દેશ એવો જણાવવામાં આવ્યો હતો કે, દેશભરમાં ક્રિકેટની છૂપી પ્રતિભાઓને ગોતવાનો આ એક પ્રયાસ છે! પણ હવે એક ચેનલના એક સ્ટીંગ આપરેશનમાં દેશ આખાને ખબર પડી ગઈ, આઈપીએલ માત્ર પૈસાની રમત છે. અબજો રૂપિયાનું કાળું નાણું આઈપીએલ દ્વારા વ્હાઇટ થઈ રહ્યું છે. ખેલાડીઓને અન્ડર ટેબલ, આફ ધ રેકોર્ડ પૈસા આપવામાં આવે છે અને આ સત્ય સ્ટીંગ આપરેશનમાં મધ્યપ્રદેશના એક ખેલાડીએ ખુદ કહ્યું છે. તેનું કહેવું છે કે ટીમે મારી ખરીદી માત્ર ત્રીસ લાખમાં જ કરી હતી પણ મને કુલ એક કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયા ચૂકવવામાં આવ્યા છે. સ્વાભાવિક રીતે આવું દરેક ખેલાડીઓ સાથે બન્યું જ હશે. આમાં ખેલાડી-ખેલાડી વચ્ચેનો ભેદભાવ પણ સ્પષ્ટ રીતે દેખાય જ છે, જે ભ્રષ્ટાચાર અને મેચ ફિક્સિંગના દૂષણને પ્રોત્સાહન આપે છે.
આજે ગ્લેમર અને પૈસા આ રમતમાં એટલા બધા ઘૂસી ગયા છે કે ભારતીય ખેલાડીઓને હવે ટેસ્ટ અને વન-ડેમાં રસ જ નથી. ઇન્ટરનેશનલ મેચ દરમિયાન આ ખેલાડીઓ કેવા થાકેલા લાગે છે? હકીકત તો એ છે કે આ ખેલાડીઓને પણ હવે આઈપીએલની ચકાચૌંધ ગમી ગઈ છે. બે કલાકની ક્રિકેટ, અઢળક રૂપિયા, અઢળક પ્રસિદ્ધિ અને મીડનાઇટ પાર્ટી. આવું કોને ન ગમે? પરિણામે આપણા ખેલાડીઓ હવે ટેસ્ટ રમવા જ માગતા નથી. તેમને આઈપીએલની મેચોમાં જ રસ પડે છે, આ વિચારવા લાયક પ્રશ્ર્ન છે.
આઈપીએલ-સીઝન પાંચમાં સ્ટીંગ આપરેશન દ્વારા જે ખુલાસા થયા છે તેનાથી હવે આઈપીએલ પર અનેક પ્રશ્ર્નો લાગી ગયા છે. સંસદમાં તો આઈપીએલ બંધ કરવાની માંગ પણ કરવામાં આવી છે, જે કદાચ રાજનીતિનો એક ભાગ હોઈ શકે, પણ ક્રિકેટની આટલી વાતો જાણ્યા પછી ખરેખર લાગે છે કે આઈપીએલ બંધ જ કરી દેવી જોઈએ. આજે માત્ર છેડતીનો પ્રશ્ર્ન સામે આવ્યો છે, બાકી જે રીતે આઈપીએલ દરમ્યાન રાત્રીની પાર્ટીમાં આ ખેલાડીઓ મીંઢા થઈને ફરે છે તે જોઈને ‘બળાત્કાર’નો કિસ્સો પણ સામે ન આવે તો જ નવાઈ!
આ ફટાફટ ક્રિકેટમાં દેશની પાયમાલી જ છે. આપણી સંસ્કૃતિ, આપણી અર્થવ્યવસ્થા પર એક પ્રહાર છે. આથી આઈપીએલની આટલી કલંકકથા જાણ્યા બાદ આપણી કેન્દ્ર સરકારે તુરત જ બીસીસીઆઈ પોતાના હસ્તક લઈ આઈપીએલને તરત જ બંધ કરી દેવી જોઈએ અને ડૂબતા દેશની સમયશક્તિ વેડફાતી અટકાવવી જોઈએ.
વિવાદોભરી આઈપીએલ-5
આઈપીએલ-5 સાથે એક પછી એક વિવાદ જોડાતા જાય છે. પહેલા સ્પોટ ફિક્સિંગ થયું, અને પાંચ ખેલાડીઓ સસ્પેન્ડ થયા. પછી શાહરુખનું પ્રકરણ આવ્યું અને શાહરુખ પર વાનખેડે સ્ટેડિયમમાં પાંચ વર્ષ સુધી ન પ્રવેશવા દેવાનો ફેંસલો લેવામાં આવ્યો. આટલું ઓછુ હતું ત્યાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમના આસ્ટ્રેલિયન ખેલાડી લ્યૂક પોમર્સબેચે અમેરિકી મહિલાની છેડતી કરી, મારામારી કરી અને વધુ એક વિવાદ ઊભો થયો. હવે આ અમેરિકન મહિલા, મહિલા આયોગ પાસે ગઈ છે. હજી આ વિવાદ શમ્યો નથી ત્યાં ઇન્ડિયાનો ઊભરતો યુવા સ્પ્નિર રાહુલ શર્મા અને દ. આફ્રિકાનો વેન પાર્નેલ રેવ પાર્ટી માણતા ઝડપાયા છે.
આઈપીએલ-5 વિવાદોનો ઉકરડો બની ગઈ છે. હજી કેટલા વિવાદો ઉમેરાશે તે કઈ કહી શકાય નહિ!
આઈપીએલ બંધ કરો : લાલુપ્રસાદ
લાલુપ્રસાદે કહે છે કે, આઈપીએલ દ્વારા ક્રિકેટનો દુુરુપયોગ થઈ રહ્યો છે, પૈસાદારોએ ક્રિકેટને ખરીદી લીધું છે. ખેલાડીઓની લે-વેચ થાય છે. મેચ ફિક્સ થઈ રહી છે, માટે તે બંધ થવી જોઈએ.
IPL નશા-વાસનાનું કુચક્ર : બાબા રામદેવ
‘આઈપીએલમાં બધું કાળું નાણું ઠલવાયું છે. એ હવે કાળી રમત થઈ ગઈ છે. આ રમતમાં નશા અને
વાસનાનું કુચક્ર ચાલી રહ્યું છે. તે બંધ થવું જોઈએ, તો જ દેશ બચશે.’
પ્રતિબંધ લાદવો જરૂરી : શાંતા કુમાર
ભાજપ્ના નેતા શાંતા કુમાર કહે છે કે આઈપીએલનો ઉપયોગ વિદેશોમાં સંગ્રહ કરાયેલાં કાળાં નાણાંને સફેદ કરવા માટે થઈ રહ્યો છે. રમત દરમિયાન બેઢંગા નાચ-ગાન ભારતીય સંસ્કૃતિનો હિસ્સો નથી.
નાણાં અને વિવાદોથી છલોછલ આઈપીએલનાં સંચાલનમાં પારદર્શિતાની માગણી સાથે ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ રવિવારથી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે ભૂખ હડતાળ પર ઊતર્યા છે. તેમણે આઈપીએલમાં નાણાં, લોભ-લાલચ અને ગંદકીની વ્યાપેલી બદીની ઝાટકણી કાઢી છે. આઝાદે જણાવ્યું છે કે આઈપીએલ બોલિવૂડની ફિલ્મની કહાનીની જેમ ખુલ્લી પડી ગઈ છે. હું કોઈની વ્યક્તિગત અથવા આઈપીએલના વિરોધમાં નથી, પણ તેમાં ઘર કરી ગયેલી ખરાબ વ્યવસ્થાના વિરોધમાં છું, જેના કારણે ભારતે વિશ્ર્વભરમાં બદનામી સહન કરવી પડી રહી છે. આ સાંસદ ક્રિકેટરે સરકારને પ્રશ્ર્ન કર્યો હતો કે આઈપીએલમાં મની લોન્ડિરંગ બાબતે પણ કાર્યવાહી થવી જોઈએ.
આઈપીએલમાં ભ્રષ્ટાચાર નાબૂદ કરવા કીર્તિ આઝાદ ભૂખ હડતાળ પર
નાણાં અને વિવાદોથી છલોછલ આઈપીએલનાં સંચાલનમાં પારદર્શિતાની માગણી સાથે ભૂતપૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદ રવિવારથી દિલ્હીના ફિરોઝ શાહ કોટલા મેદાન ખાતે ભૂખ હડતાળ પર ઊતર્યા છે. તેમણે આઈપીએલમાં નાણાં, લોભ-લાલચ અને ગંદકીની વ્યાપેલી બદીની ઝાટકણી કાઢી છે. આઝાદે જણાવ્યું છે કે આઈપીએલ બોલિવૂડની ફિલ્મની કહાનીની જેમ ખુલ્લી પડી ગઈ છે. હું કોઈની વ્યક્તિગત અથવા આઈપીએલના વિરોધમાં નથી, પણ તેમાં ઘર કરી ગયેલી ખરાબ વ્યવસ્થાના વિરોધમાં છું, જેના કારણે ભારતે વિશ્ર્વભરમાં બદનામી સહન કરવી પડી રહી છે. આ સાંસદ ક્રિકેટરે સરકારને પ્રશ્ર્ન કર્યો હતો કે આઈપીએલમાં મની લોન્ડિરંગ બાબતે પણ કાર્યવાહી થવી જોઈએ.
કલંકકથા...
આઈપીએલમાં સ્પોટ ફિક્સિંગ થાય છે અને આઈપીએલની ફ્રેન્ચાઇઝી પાસેથી ખેલાડીઓ બ્લેકમની લે છે આવું ખુદ આઈપીએલના પાંચ ખેલાડીઓએ એક ટીવી ચેનલના સ્ટીંગ આપરેશનમાં જણાવ્યું છે. પૂણે વોરિયર્સના મોહનિશ મિશ્રા, પંજાબના શ્રીવાસ્તવ, દિલ્હીના અભિનવ બાલી, પંજાબના અમિત યાદવ અને ડેક્કન ચાર્જર્સના ટીપી સુધિન્દ્રાને હાલ સસ્પેન્ડ કરી દેવાયા છે. પણ એમના માટે આ કંઈ મોટી કે દુ:ખની વાત નથી, કારણ કે ઇન્ટરનેશનલ સ્તરે આપણા ખેલાડીઓ મેચ ફિક્સિંગ કરતાં પકડાયા છે પણ હજુ સુધી તેમનું કંઈ બગડ્યું નથી. આ તો નાની માછલીઓ છે, 15 દિવસના પ્રતિબંધ પછી મેચરૂપી દરિયામાં આ માછલીઓ છબછબિયાં કરતી વળી પાછી પણ દેખાઈ શકે છે !
આઈપીએલમાં થયેલું આ ફિક્સિંગ તો નવું નવું જ છે, બાકી ફિક્સિંગનો ઇતિહાસ ખૂબ જૂનો છે.
ક્રિકેટનો પહેલો ફિક્સર
ક્રિકેટ નામની આ જેન્ટલમેન ગેમમાં 200 વર્ષ પહેલાં જ ફિક્સિંગ નામનું દૂષણ પ્રવેશી ચૂક્યું હતું, જેનો ઉલ્લેખ ડેવિડ અંડરડાઉન નામના એક ઇતિહાસકારે પોતાના પુસ્તક ‘સ્ટાર્ટ આફ પ્લે... ક્રિકેટ એન્ડ કલ્ચર ઇન એઈટીન્થ સેંચુરી ઇંગ્લન્ડ’માં કર્યો છે. પુસ્તકમાં લેખકે લખ્યું છે કે, 1817માં ફિક્સિંગનું દૂષણ સ્પષ્ટ દેખાયું હતું. તે સમયે ઇંગ્લન્ડ અને નોટિધમની વચ્ચે રમાયેલી મેચમાં કેટલાક ખેલાડીઓને ખરાબ પ્રદર્શન કરવા બદલ રૂપિયા આપવામાં આવ્યા હતા. આ ખેલાડીઓમાં નોટિંગહામ તરફથી રમતા વિલિયમ લેમ્બાર્ટનો પણ સમાવેશ થાય છે. વિલિયમ તે સમયનો સૌથી બેસ્ટ ખેલાડી મનાતો હતો. મેચ ફિક્સિંગની વાત ખુદ વિલિયમના
સાથી ખેલાડી ફ્રેડરિક બિયુક્લર્કએ બોર્ડને કરી હતી, જેના કારણે વિલિયમ પર પ્રતિબંધ લગાવી દેવાયો હતો. આમ વિલિયમ લેમ્બાર્ટ દુનિયાનો પહેલો ક્રિકેટર હતો જેને મેચ ફિક્સિંગ બદલ સજા કરવામાં આવી હતી.
ક્રિકેટનો કલંકિત ભૂતકાળ
ઉ આમીર આસીફે મેચ ફિક્સિંગ કર્યું. નો-બોલ નાખવાની મોટી રકમ મેળવી. પાક.ના ઈમરાનખાને એક ટીવી ઇન્ટરવ્યુમાં કહ્યું Pak players lack role model. Tak Team requires moral revolution.. (31-8-10)ઉ પાક. મોડેલ વીણા મલિકે મેચ ફિક્સિંગનો ઘટસ્ફોટ કર્યો હતો. જાજ્ઞિં ઋર્શીંશક્ષલના કેસમાં પાકિ.ના સલમાન બટ્ટ, આમિર અને આસીફને છ મહિનાથી - અઢી વર્ષની જેલ તથા દંડ કોર્ટે કરેલો. લંડનની કોર્ટમાં જસ્ટિસ કૂકે સજા ફટકારેલી. (4-11-11)
ઉ સલમાન બટ્ટે ઇંગ્લન્ડની લાર્ડઝ ખાતેની રમતમાં અને સ્પોટ ફિક્સિંગમાં સામેલ થવા દબાણ કર્યું હતું તેવું નિવેદન પાક ક્રિકેટર આસીફે કર્યું હતું. બુકી માજિદ જોડે બટ્ટ અને આસિફે જ મુલાકાત કરાવી હતી.
ઉ ભારતીય ક્રિકેટર સુરેશ રૈના સાથે ફરતી એક યુવતી બુકી તરીકે કામ કરે છે તેવા સમાચાર 25-10-10ની પત્રિકામાં છપાયા હતા. લંડનના સન્ડે ટાઇમ્સે આ સમાચાર પ્રગટ કરેલા.
ઉ આઈપીએલ શરાબ અને શબાબની રમત છે એવું રાજસ્થાન રોયલ્સમાં રમનાર જેકબ ઓરમ બોલ્યા. તેમણે કહ્યું, ‘મને લાગતું નથી કે હું અહીં ક્રિકેટ રમવા આવ્યો છું.’
ઉ તા. 20-5-12ના રોજ છપાયેલું કાર્ટૂન બોલતું હતું કે આઈપીએલ ખિલાડી ક્રિકેટની જાણકારી ઉપરાંત ઢીલા કેરેક્ટરનો હોવો પણ જરૂરી છે.
ઉ તા. 3 માર્ચ, 2009ના રોજ શ્રીલંકાની ટીમ પર લાહોરમાં આતંકી હુમલો થયેલો. બસમાં જ્યારે શ્રીલંકાના મેદાન તરફ જતાં રસ્તામાં જ તેમના પર ગોળીબાર થયો. તેમને બચાવનાર પોલીસ સાવ ઓછી હતી માંડ માંડ બચીને પરત શ્રીલંકા આવેલા.
ઉ ગાંગુલીએ (સીએબી) ક્રિકેટ એસિસોસિયેશન આફ બેંગાલના કેટલાક અધિકારીઓ દ્વારા કનડગત થયાની ફરિયાદ કરેલી. બંગાળ તરફથી રમવાનું છોડી દેવાની ધમકી અપાઈ. તેમણે કહ્યું : ‘મારા પરિવારજનોને હેરાન કરી રહ્યા છે. ઇશારો દાલમિયાં તરફ હતો.’
ઉ BCCI ક્રિકેટને નહીં, પણ જુગાર અને સટ્ટાને પ્રોત્સાહન આપે છે. દરેક બોલ પર આગાહી દ્વારા રોકડ ઇનામ જીતવાની SMS સ્પર્ધા દ્વારા સટ્ટાખોરીને ઉત્તેજન અપાય છે. આઈપીએલનો હેતુ માત્ર નફાખોરી છે એવું વિધાન કેન્દ્રીય રમતગમત મંત્રી એમ. એસ. ગીલે કરેલું. બીસીસીઆઈની તેમણે ટીકા કરી હતી. (ગુ.સ. 10-5-09)
ઉ ક્રિકેટ કંટ્રોલ બોર્ડ પર બે લોકોને 20 લાખ આપ્યાનો આક્ષેપ અભિજિત કાલેએ કર્યો હતો. જિલ્લા કોર્ટમાં આ અંગેનો કેસ દાખલ કરેલો. બોર્ડના ખજાનચી રુંગટાએ યૌન વ્યવહારનો આક્ષેપ પણ મૂકેલો.
ફિક્સિંગની ભરમાર... સજા કોઈને નહિ!
એવું કહેવાય છે કે ’90ના દાયકા પછી આજ સુધી જેટલી મેચ ફિક્સિંગ થઈ છે તેમાં ક્યાંક ને ક્યાંક પાકિસ્તાનના ખેલાડીઓની અચૂક હાજરી હોય છે. થોડાં વર્ષો પહેલાં જ ઇંગ્લન્ડમાં પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના ત્રણ ખેલાડી સ્પોટ ફિક્સિંગ કરતાં પકડાયા અને તેમને સજા પણ મળી છે.
પણ આઈસીસી (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ)ના કાયદા આ બાબતે નરમ હોવાથી કોઈ ક્રિકેટરોને ફિક્સિંગ બદલ સખત સજા મળી નથી. હકીકત તો એ છે કે ખુદ આઈસીસી મેચ ફિક્સિંગનું દૂષણ બહાર લાવી ક્રિકેટની રમતને બગાડવા માગતી નથી. આથી મેચ ફિક્સિંગનો વિવાદ આઈસીસી જે-તે દેશના બોર્ડને સોંપી દે છે અને બોર્ડ પોતાના જ ખેલાડીઓ સામે કોઈ કડક કાયદા, કે કડક પગલાં ભરતું નથી, પરિણામે ફિક્સિંગ રૂપી ક્રિકેટની કલંકકથા ક્યારેય અટકી જ નથી...
- 1993માં વસીમ અકરમ સામે આક્ષેપ થયો હતો કે તેણે ફાસ્ટ બોલર અતાઉર રહમાનને ખરાબ પ્રદર્શન કરવા એક લાખ રૂપિયાની આફર કરી હતી. આ આક્ષેપ બાદ અકરમેે કેપ્ટનશીપ છોડવી પડી હતી, પણ થોડા સમય બાદ અક્રમને ફરી ટીમમાં સમાવી લેવાયો.
- દુબઈમાં એક વખત પાકિસ્તાનનો મુહમ્મદ આસિફ ‘ગાંજા’ સાથે પકડાયો હતો. પણ કંઈ પગલાં ન ભરાયાં. તેના થોડા દિવસો બાદ જ એશિયા કપમાં આ જ ખેલાડી મેચ દરમિયાન પેવેલિયનમાં ફોન પર વાતચીત કરતો દેખાયો. પણ સંપૂર્ણ પાકિસ્તાનની ટીમ મુહમ્મદ આસિફના પક્ષમાં જ ઊભી રહી. ટીમે કહ્યું આસિફ હેલ્મેટ પહેરી રહ્યો હતો.
- પાકિસ્તાનના જ ખેલાડી સલીમ મલિક પર 1994માં આસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન આક્ષેપ થયો હતો કે તેણે આસ્ટ્રેલિયાના શેન વોર્ન અને માર્ક ર્વોને ખરાબ પ્રદર્શન કરવા પૈસા આપવાની આફર કરી હતી. તપાસ બાદ તેમના પર આજીવન પ્રતિબંધ લગાવી દેવાયો હતો.
- વર્ષ 2000માં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન હેન્સી ક્રોન્યેએ સલીમ મલિક સાથે ભારતના મુહમ્મદ અઝહરુદ્દીન અને અજય જાડેજાનું નામ મેચ ફિક્સરના રૂપે લીધું હતું.
- જ્યારે હેન્સી ક્રોન્યે એ મેચ ફિક્સિંગનો ખુલાસો કર્યો, ત્યારે દ. આફ્રિકાના હર્શલ ગિબ્સ અને નિકી બોયેનું નામ પણ આગળ આવ્યું હતું. આ સમયે હેન્સી ક્રોન્યે પર આજીવન પ્રતિબંધ લાગી ગયો પણ ગિબ્સ અને નિકી બોયને પાછા ટીમમાં લઈ લેવાયા.
- થોડાં વર્ષ પહેલાં જ આસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ મેચ દરમિયાન પાકિસ્તાની વિકેટકીપર કામરાન અકમલે હાથે કરીને ચાર કેચ છોડ્યા અને એક સ્ટંપિંગ પણ છોડી જેથી પાકિસ્તાન જીતતાં જીતતાં હારી ગયું હતું. મેચ બાદ કામરાન અકમલ અને તેના ભાઈ ઉમર અકમલ પર ફિક્સિંગનો આરોપ લગાવાયો. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે બંને ભાઈઓને સસ્પેન્ડ કર્યા અને થોડા સમય પછી પાછા આ બંને ભાઈઓ ટીમમાં આવી ગયા.
- મેચ ફિક્સિંગના આવા તો અઢળક કિસ્સા છે જેમાં મેચ ફિક્સિંગ થયા બાદ પણ ખેલાડીઓનો વાળ પણ વાંકો થતો નથી. પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન સલીમ મલિક-દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કેપ્ટન હેન્સી ક્રોન્યે અને ભારતના પૂર્વ કેપ્ટન મહમ્મદ અઝરહુદ્દીનને છોડી દઈએ તો આજ સુધી એક પણ ખેલાડીને મેચ ફિક્સિંગ કરવાના કારણે આજીવન પ્રતિબંધની સજા મળી નથી. આ ખેલાડીઓને પણ ત્યારે સજા મળી છે જ્યારે તેમનું કરિયર લગભગ પૂર્ણ થઈ ગયું હતું. આજે તો ભારતમાં સ્થિતિ પણ એવી છે કે કેટલાક ભારતીય સાંસદો સંસદમાં અઝહરૂદ્દીન પર આજીવન પ્રતિબંધ હટાવી લેવાની માંગ કરી રહ્યા છે. એ તો ઠીક છે કે હેન્સી ક્રોન્યેનું એક વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું નહિ તો તે પણ આજે જરૂર દ. આફ્રિકાની ટીમના સદસ્ય હોત. આમાં કંઈ નવું નથી, કારણ કે આઈસીસીના કાયદા જ એવા છે કે કોઈપણ ખેલાડીઓને સજા મળતી જ નથી. જો આમ ને આમ ચાલશે તો ક્રિકેટની આ કલંકકથા ક્યાંય અટકશે નહિ. આઈસીસીએ આના પર ખૂબ ઝડપથી પગલાં ભરવાની આજે જરૂર છે.
ટિપ્પણીઓ નથી: