આવો જાણીએ રાષ્ટ્રપતિની ચૂંટણીનું ગણિત







રાષ્ટ્રપતિની ચૂંટણીની ચહલ-પહલ ચાલુ થઈ ગઈ છે. કેટલીક વાતો ખૂબ સ્પષ્ટ છે. એક તો વર્તમાન રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલને ફરીવાર રાષ્ટ્રપતિ બનવાનો ચાન્સ મળશે નહિ. જો કે ડા. રાજેન્દ્ર પ્રસાદને છોડી દઈએ તો અત્યાર સુધી કોઈપણ રાષ્ટ્રપતિને બીજીવાર રાષ્ટ્રપતિ બનવાનો મોકો મળ્યો નથી.

બીજી વાત એ છે કે, કોઈપણ એક પક્ષ પાસે, અથવા કોઈ એક સંગઠન પાસે પણ પોતાની પસંદગીનો ઉમેદવાર રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાય તેટલા મત નથી. સત્તા પર રહેલી કોંગ્રેસ પાસે પણ બહુમતી નથી. કોંગ્રેસ અન્ય પક્ષોના સહારે હાલ સત્તા પર છે પરંતુ કોંગ્રેસ અને તેના સાથી પક્ષોમાં પણ મતભેદ પ્રવર્તે છે. વિપક્ષ તરીકે સૌથો મોટો પક્ષ ભાજપ છે જેની પાસે પણ બહુમતી હોવી સંભવ નથી, ભાજપ્ના સાથી પક્ષો મળીને જે ગઠબંધન બન્યુ છે, એટલે કે ‘એનડીએ’ તેની પાસે પણ બહુમત નથી. ત્રીજા મોરચાની જે વાત થાય છે તેમાં ડાબેરીઓ સહિત અન્ય પક્ષો ભેગા થાય તો પણ તેમની પાસે બહુમતીના આંકડા સુધી પહોંચવાની આશા નથી.

ત્રીજી વાત એ છે કે, આવી સ્થિતિને કારણે કોઈપણ એક પક્ષના વિચાર મુજબની તેની પસંદગીનો વ્યક્તિ આ પદ પર આવે તે હવે સંભવ નથી. એક જમાનામાં એકલી કોંગ્રેસ પાસે સ્પષ્ટ બહુમતી હતી માટે ફખરૂદીન અલી અહમદ, જ્ઞાની ઝૈલસિંગ જેવા નામી-અનામી નેતાઓ પણ રાષ્ટ્રપતિ બની ગયા હતા. આવું આ વખતે નહિ થાય. આને દેશનું ભાગ્ય અથવા એક યોગ જ માનવો જોઈએ.

નવા રાષ્ટ્રપતિ કોણ ?

અનેક અફવાઓ જોર પકડી ચૂકી છે. અનેક નામો પણ આગળ આવી રહ્યાં છે. જેટલી ગતિએ નામો આગળ આવી રહ્યાં છે, એટલી ગતિથી જ નામો પાછળ પણ જઈ રહ્યાં છે.

ચૂંટણીની પદ્ધતિ સમજીએ

આપણે એટલે કે આ દેશના નાગરિકોએ અને વિશેષરૂપે જેમને રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં મત આપવાનો અધિકાર છે તે લોકોએ કેટલીક મૂળભૂત વાતો સમજી લેવી જોઈએ. સામાન્ય નાગરિક સમજી લે કે, આ ચૂંટણી માટે રાજ્યોની વિધાનસભામાં જે સભ્યો ચૂંટાઈને આવે છે તેમને જ મતાધિકાર મળે છે. વિધાન પરિષદના સદસ્યોને આ મતાધિકાર મળતો નથી. વિધાનસભાના સભ્યોની જેમ જ સંસદનાં બન્ને ગૃહોના ચૂંટાઈને આવેલા સભ્યોને જ મતાધિકાર મળે છે. પરંતુ રાષ્ટ્રપતિએ નિયુક્ત કરેલા સભ્યોને આ અધિકાર મળતો નથી. મતલબ સચિન તેંડુલકરને આ મતાધિકાર ન મળે.

બીજી એક વાત સમજી લેવી જોઈએ કે, બધાં જ રાજ્યોની વિધાનસભાના સભ્યોના મતોનું મૂલ્ય એકસરખું હોતું નથી. આ ચૂંટણી માટે ‘એક વ્યક્તિ, એક મત’નું સૂત્ર કામ ન લાગે. ગોવા વિધાનસભાના સભ્યો કરતાં મહારાષ્ટ્રની વિધાનસભાના સભ્યોના મતનું મૂલ્ય વધારે છે. આ મૂલ્ય નક્કી કરવાનું એક ગણિત છે, જે બંધારણની કલમ 55માં આપવામાં આવ્યું છે. આ ગણિત અટપટું છે.  તેને અહીં સમજાવવાનું કોઈ કારણ પણ નથી. થોડું સમજવું હોય તો સમજી લો કે, રાજ્યની વસ્તીને પહેલાં રાજ્યની વિધાનસભાના કુલ સભ્યોની સંખ્યાથી ભાગો (ભાગાકાર કરો). જે સંખ્યા આવે તેને ફરી એક હજાર વડે ભાગો ત્યાર પછી જે જવાબ આવે તે જે - તે રાજ્યના ધારાસભ્યના મતની કિંમત, મૂલ્ય હશે. અથવા એવું માની લો કે જે સંખ્યા આવે તેટલા મત એક ધારાસભ્ય પાસે હશે. ગોવાની જનસંખ્યા 2001ની વસ્તીગણતરી પ્રમાણે 13.50 લાખની છે. પણ સરળ રીતે સમજવા ધારી લો કે ગોવાની વસ્તી 15 લાખ છે. વિધાનસભાના સભ્યોની સંખ્યા 60 છે તો 15,00,000 રૂ 60 = 25000 રૂ 1000 = 25. એટલે કે ગોવાની વિધાનસભાના ધારાસભ્યના મતની કિંમત 25 થાય છે. એ જ રીતે મહારાષ્ટ્રની વસ્તી લગભગ 10 કરોડની છે. મહારાષ્ટ્રની વિધાનસભાના ધારાસભ્યોના મતની કિંમત 340થી વધારે થાય છે. સૌથી વધારે ઉત્તરપ્રદેશના ધારાસભ્યોના મતની કિંમત નક્કી છે. સાંસદોના મતનું મૂલ્ય સરખું જ હોય છે. પરંતુ તે મૂલ્ય શોધવાનું પણ ખૂબ અટપટું છે. માટે પછી ક્યારેક !

‘મત’ મૂલ્યનું ગણિત

ગમે તેટલા ઉમેદવારો ઊભા હોય તેમ છતાં જીતનાર ઉમેદવારને વિશિષ્ટ અંશ (નક્કી કરેલા) પ્રમાણે મત પ્રાપ્ત કરવા જ પડે છે. આ ‘વિશિષ્ટ અંશ’ નક્કી કરવાની પણ એક પદ્ધતિ છે. ઉપરછલ્લું જણાવું તો કુલ મતદાનની સંખ્યાને જેટલી સીટોની પસંદગી કરવાની છે તેમાં એક ઉમેરી જે સંખ્યા આવે તે સંખ્યા વડે ભાગો. અને જે જવાબ આવે તેમાં એક જોડી જે સંખ્યા આવે તે ‘વિશિષ્ટ અંશ’ (કોટા) કહેવાય. અહીં રાષ્ટ્રપતિ પદની સીટ એક જ હોવાથી 1+ 1 = 2. આથી બે વડે મતદાનની સંખ્યાનો ભાગાકાર કરો. જે જવાબ આવે તેમાં એક ઉમેરો. જે આવે તે ‘કોટા’ ગણાય. તે હંમેશા 50 ટકા કરતાં વધારે જ હશે. તાજેતરમાં જ ઝારખંડમાં રાજ્યસભાના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી. કુલ મતદાતા 68 હતા અને સીટોની સંખ્યા બે હતી. એટલે આ પદ્ધતિ મુજબ ગણીએ તો 2+1=3. હવે કુલ મતદાતાની સંખ્યા 68ને આ 3 વડે ભાગાકાર કરો એટલે જવાબ આવે 22.67. તેમાં એક ઉમેરો એટલે જવાબ આવે 23.67 એટલે કે 23.67 જેટલા મત માત્ર બે સીટોને જ મળી શકે. ત્રીજી સીટને આટલા મત ન જ મળી શકે. ઝારખંડના સદ્ભાગ્યથી પસંદગી પામેલા બન્ને ઉમેદવારોને 23-23 મત જ મળ્યા. માટે વધારે ગડમથલ ન કરવી પડી અને ચૂંટણી સંપ્ન્ન થઈ. પરંતુ જો આ બે સીટ માટે ઊભા રહેલા ઉમેદવારોમાંથી એકને 30 વોટ મળ્યા હોત અને બાકીના બેને 19-19 વોટ મળ્યા હોત અથવા 20-18 વોટ મળ્યા હોત તો ? તો પહેલા ઉમેદવારને કોટા પ્રમાણે જે મત મળ્યા છે તે મતોનું વિભાજન પસંદ થયેલા ક્રમાનુસાર કરવું પડે અને એના લગભગ 18 વોટ મેળવનારો ઉમેદવાર 20 વોટ મેળવનારા ઉમેદવાર સામે જીતી પણ શકે છે. તેથીઆ ચૂંટણીમાં પસંદગીના ક્રમનું ખૂબ મહત્ત્વ હોય છે.

ઘણા લોકોને એવું લાગે છે કે, એક સીટ હોય તો પસંદગીનો ક્રમ એક જ હોય છે. પરંતુ આ ખોટું છે. જેટલા ઉમેદવાર ઊભા હોય તેટલા પસંદગીના ક્રમ મતદાતાઓને ઉપલબ્ધ હોય છે. બે ચૂંટણીનાં ઉદાહરણો મને યાદ છે.

1969માં યોજાયેલી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ત્રણ ઉમેદવારો સંજીવ રેડ્ડી, વરાહ ગિરી વ્યંકટગિરિ અને ચિંતામણીરાવ દેશમુખ ઊભા હતા. જેમાં સંજીવ રેડ્ડીને સૌથી વધારે મત મળ્યા હતા. પરંતુ આ મત ક્વોટા પૂર્ણ કરવાની સંખ્યા કરતાં ઓછા હતા. પછી સૌથી ઓછા મત મેળવનાર સી.ડી. દેશમુખ ચૂંટણીમાંથી ફેંકાઈ થયા અને તેમને મળેલા મતોમાંથી ‘બીજી પસંદગી’ તરીકે વોટ કોને મળે તેની ગણતરી થઈ. તેમાં શ્રી ગિરીની જીત થઈ. શ્રી ગિરીને પહેલા મળેલા મત અને પછી મળેલા મતનો સરવાળો સંજીવ રેડ્ડીને પહેલા મળેલા વોટ અને પછી મળેલા વોટના સરવાળા કરતાં વધુ હતો. આથી શ્રી ગિરી રાષ્ટ્રપતિ તરીકે પસંદ થયા.
ફ્રાન્સમાં પણ આવું જ થયું હતું. વર્ષ લગભગ 1981 હતું. ડિ-ઈસ્ટોંગને સૌથી વધુ મત મળ્યા. મિતરા બીજા ક્રમ ઉપર હતા. ત્રીજો પણ એક ઉમેદવાર હતો. કોઈને પણ ક્વોટા પ્રમાણેના મત ન મળવાથી ત્રીજો ઉમેદવાર ચૂંટણીમાંથી બહાર ફેંકાઈ ગયો અને તેને મળેલા મત ‘બીજી પસંદગીના મત’ તરીકે પહેલા બે ઉમેદવારને અપાયા, જેમાં વધારે મત મિતરાને મળ્યા અને તે રાષ્ટ્રપતિ બન્યા હતા. પહેલા ચરણમાં સૌથી વધુ મત મેળવ્યા હોવા છતાં ડિ-ઈસ્ટાંગ પરાજિત થયા.હવે જો કોંગ્રેસ બે ઉમેદવારઊભા કરે તો ?

આ બધી અટપટી માહિતી આપવાનો મતલબ અને કારણ એ છે કે કોંગ્રેસ પક્ષ તરફથી બે ઉમેદવારો ઊભા રહે તો પણ કશું બગડવાનું નથી. જેને ઓછા મત મળશે તેને ‘બીજી પસંદ’ના મત પહેલા મળેલા મતમાં ઉમેરાશે. ધારી લો કે, યુપીએમાં એકમત નથી, તો પણ કંઈ બગડવાનું નથી.

મમતા બેનર્જીએ અલગ ઉમેદવાર ઊભો કર્યો તેમ છતાં મતપત્રિકામાં બીજી પસંદગીના મત કોંગ્રેસ અધિકૃત ઉમેદવારને મળે તો તે બધા મત કોંગ્રેસના ઉમેદવારને મળેલા મતોમાં જ ઉમેરાશે. એવું પણ ધ્યાનમાં આવ્યું છે કે ભાજપ અને જનતા દળ(યુ) પણ ઉમેદવાર વિશે એકમત નથી. છતાં ચિંતા કરવાનું કોઈ કારણ નથી. ભાજપ્ના ઉમેદવારને મળેલા ‘પહેલી પસંદગી’ના મળેલા મતની સંખ્યા જનતાદળ (યુ)ના ઉમેદવારને મળેલા મત કરતાં વધારે હશે અને જનતા દળ (યુ)ના ઉમેદવારને મત આપ્નાર પોતાની બીજી પસંદગીનો મત ભાજપ્ના ઉમેદવારને જ આપશે. તો એ મત ભાજપ્ના ઉમેદવારને મળી જશે. આ ચૂંટણી પદ્ધતિમાં એક પણ મત વ્યર્થ જતો નથી. પરંતુ એક જ પસંદગીનો મત આપીને મતદાતાએ પોતાનો મત ખરાબ ન કરવો જોઈએ. બે જ ઉમેદવાર હોય અને તે બન્નેમાં જ ટક્કર હોય તો બીજી પસંદગીના મતની કોઈ જરૂર નહીં પડે. પરંતુ બેથી વધારે ઉમેદવાર હશે તો મતાધિકાર ધરાવતા ધારાસભ્યો અને સાંસદો, જેટલા ઉમેદવાર હોય તેમને પસંદગીનો ક્રમ અવશ્ય આપે.

જુલાઈ મહિનામાં યોજાશે ચૂંટણી

આગામી જુલાઈ મહિનામાં યોજાનારી રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં લગભગ ત્રણ ઉમેદવારો ઊભા રહેશે તેવી સંભાવના જણાય છે. એક ઉમેદવાર યુપીએનો હશે, બીજો એનડીએનો અને ત્રીજો ત્રીજા મોરચાનો ઉમેદવાર હશે. પહેલા ચરણમાં કોઈ જીતે તેવી સંભાવના નથી. એટલે સૌથી ઓછા મત મેળવનારો ઉમેદવાર ચૂંટણીમાંથી બહાર નીકળી જશે અને તેની મતપત્રિકામાં બીજા ઉમેદવાર તરીકે જેનું નામ હશે તેના વોટ તે ઉમેદવારને મળશે. એક ઉદાહરણ જુઓ. કલ્પ્ના કરો, ત્રીજા મોરચામાં બિજુ જનતાદળ, તેલુગુ દેશમ, અદ્રમુક જેવા પક્ષો છે. એમની સ્વાભાવિક રીતે બીજી પસંદગી ભાજપ હશે. તેમના મત ભાજપ્ને મળે તો તે ભાજપ્ના ઉમેદવારના મતમાં ઉમેરાશે. ધારો કે, ભાજપ અથવા એનડીએના ઉમેદવાર કરતાં ત્રીજા મોરચાના ઉમેદવારે વધારે મત મેળવ્યા તો ભાજપ્ના બીજી પસંદગીના મત ત્રીજા મોરચાના ઉમેદવારને જ મળશે. આ ત્રીજા મોરચામાં સમાજવાદી પાર્ટી, ડાબેરી પક્ષો હશે તો તેમના બીજી પસંદગીના મત કોંગ્રેસના ફાળે જશે. આ બધું ઉદાહરણ માટે જ છે. ઉમેદવાર કોણ ? તેની ગુણવત્તા કઈ ? આ બધું જોવામાં આવશે અને આ જ જોવાવું જોઈએ.

મતદાન ગુપ્ત પદ્ધતિથી થાય છે. વ્યક્તિગત પસંદગીનો પણ ચાન્સ છે. નિષ્ઠાવાન ધારાસભ્ય પણ પોતાની પહેલી પસંદગી પક્ષના ઉમેદવાર ઉપર ઉતારી બીજી પસંદગીનો મત પોતાના મનપસંદ ઉમેદવારને જ આપશે. અબ્દુલ કલામ, અઝીમ પ્રેમજી, અન્સારી, લાલકૃષ્ણ અડવાણી, પ્રકાશસિંગ બાદલ, પ્રણવ મુખર્જી, અનિલ કાકોડકર વગેરેને પણ ઊભા રહેવાની તક આપવી જોઈએ. જેટલા ઉમેદવાર તેટલા જ પસંદગીના ક્રમ મતદાતાઓને મળશે. પરંતુ આ લોકોએ પોતાના આ અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. પાર્ટી-નિષ્ઠા અને અનુશાસનના નામ પર માત્ર પહેલી પસંદગીનો મત આપી પોતાનો મત ખરાબ ન કરવો જોઈએ. સામાન્ય જીવનમાં પણ ચૂંટણી વખતે આપણે આવું જ કરીએ છીએ. પસંદગીનો ક્રમ બધે જ છે ? આ નહિ તો આ ? એવી આપણી ઇચ્છા હોય છે કે નહિ ? એવા પણ સમાચાર છે કે સહમતિથી ઉમેદવાર પસંદ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આવું થાય તો સારું જ છે, પરંતુ ચૂંટણી થઈ તો ડરવાની જરૂર નથી. પરંતુ રાષ્ટ્રપતિ આદિવાસી હોય અથવા મુસલમાન હોય આવાં વક્તવ્યો આ ઉચ્ચ પદનું અપમાન કરનારાં છે. આવાં વક્તવ્યો ન અપાય તો સારું.

ટિપ્પણીઓ નથી:

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.