રાષ્ટ્રપતિપદ છોડતાં પહેલાં શ્રીમતી પ્રતિભા પાટિલે કેટલાક નવા રકોર્ડ કરીને તમામ લોકોને આશ્ર્ચર્યચકિત કરી દીધા છે. છેલ્લાં 30 વર્ષ દરમિયાન આપણા રાષ્ટ્રપતિઓએ માત્ર અને માત્ર 10 કેસમાં જ ફાંસીની સજા રદ કરીને આજીવન કેદની સજામાં બદલી છે, પણ વર્તમાન રાષ્ટ્રપતિ આ બાબતે સૌથી ‘દયાળુ મહામહિમ’ સાબિત થયાં છે. રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે 35 જેટલા ખૂંખાર ખૂની, નરાધમ, બળાત્કારીઓ પ્રત્યે દયા દાખવી તેમની ફાંસીની સજાને આજીવન કારાવાસમાં ફેરવી દીધી છે. દયાહીન કૃત્યો કરનારા દયાની ભીખ માગે અને તેને ભીખ મળી જાય તે માત્ર અને માત્ર આપણા દેશમાં જ શક્ય બને. અહીં વાત દયા, દાન, જીવ બચાવવાની આવે તો હિન્દુસ્થાનીઓ જરા પણ પાછા પડે તેમ નથી. નરાધમીઓને માફી આપી તેમને જીવતદાન આપવું આપણી પરંપરા રહી છે, પણ વાત જ્યારે રાજકારણની આવે અને માત્ર અને માત્ર આ દેશની 15% વસ્તીને ખુશ કરવા વોટબઁક ખાતર આતંકવાદીઓનો બચાવ કરવામાં આવે ત્યારે જર લાગી આવે. લઘુમતીઓને ખુશ કરવા ફાંસીનું રાજકારણ રમાઈ રહ્યું છે તેવી ચર્ચાઓ પણ શ થઈ છે. આવા સંજોગોમાં રાષ્ટ્રપતિજીએ 35 જેટલા ગુનેગારોની ફાંસીની સજા રદ કરી ઉમરકેદમાં ફેરવી છે ત્યારે પ્રશ્ર્ન જર થાય કે અફ્ઝલ ગુરુ જેવા આતંકવાદીઓને બચાવવા એક પ્લટફાર્મ ઊભું કરવા તો આ કસરત થઈ રહી નથી ને ? આ પ્લટફાર્મ સફળ રીતે ઘડાઈ જાય તો અફ્ઝલ ગુરુ, અજમલ કસાબ, અબુ સલેમ અને તાજેતરમાં જ પકડાયેલ આતંકવાદી અબુ હમજાને આપણી કેન્દ્ર સરકાર ફાંસીના માંચડેથી બચાવી લાવશે અને તેમને આખી જિંદગી જેલમાં જમાઈની જેમ રાખી આપણા પૈસાનો બગાડ કરશે.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
- 35 ગુનેગારોની ફાંસીની સજા રદ કરી રાષ્ટ્રપતિએ સર્જ્યો નવો રકોર્ડ
- દયાહીન કૃત્યો કરનારા દયાની ભીખ માગે ત્યારે તેમના પ્રત્યે દયા બતાવવી જોઈએ કે કેમ ?
- ફાંસીનું રાજકારણ વોટબઁક માટે રમાય છે ?
- અફ્ઝલ ગુરુને બચાવવાનું આ એક કાવતરું તો નથી ને ?
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
6 મે, 1993. રાજસ્થાનના નોખલા ગામમાં રામચંદ્ર ઉર્ફે રાવજી તેની પત્ની, ત્રણ બાળકી અને તેના એક પડોશીની ઘાતકી હત્યા કરે છે. વાત જિલ્લા અદાલતમાં પહોંચે છે. જ્યાં રામચંદ્રને ફાંસીની સજા ફરમાવવામાં આવે છે. પરંપરા મુજબ કેસ હાઈકોર્ટને પછી સુપ્રીમ કોર્ટમાં જાય છે. અહીં પણ રામચંદ્રની ફાંસીની સજા એમને એમ જ રહે છે. જિલ્લા અદાલતથી સુપ્રિમ કોર્ટ સુધીની રામચંદ્રની લડત માત્ર બે - અઢી વર્ષમાં પૂરી થઈ જાય છે. આ લડાઈ બાદ રામચંદ્ર રાજસ્થાનના રાજ્યપાલ પાસે દયાની ભીખ માગે છે. રાજ્યપાલ દાદ આપતા નથી. પછી 1996માં રામચંદ્ર રાષ્ટ્રપતિ પાસે દયાની ભીખ માગે છે. બેત્રણ મહિનામાં જ રામચંદ્રને કહી દેવાય છે કે દયાની ભીખ મળશે નહિ. અંતે મે, 1996માં રામચંદ્રને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવે છે. એટલે કે રામચંદ્ર 1993માં ખૂન કરે છે ને માત્ર ત્રણ વર્ષમાં એટલે કે 1996માં બધી કાયદાકીય વિધિ બાદ તેને ફાંસી આપી દેવાય છે.
++++++++++++++++++++
બીજો કિસ્સો જુઓ. અફ્ઝલ ગુરુનું નામ તો તમે સાંભળ્યું જ હશે ને ! 3 ડિસેમ્બર, 2001ના રોજ ભારતીય સંસદ પર હુમલો થાય છે. આતંકવાદી અફ્ઝલ ગુરુને વર્ષ 2004માં સુપ્રીમ કોર્ટે આ બાબતે દોષી જાહેર કરી ફાંસીની સજા ફટકારી. 20 આક્ટોબર, 2006ના રોજ અફ્ઝલને ફાંસી આપવાની હતી, પરંતુ અફ્ઝલની પત્નીએ રાષ્ટ્રપતિ પાસે માફીની અપીલ કરી તે પછી 2011માં રાષ્ટ્રપતિએ અફ્ઝલ ગુરુની દયાની અરજી ફગાવી દીધી છે. હાલ 2012નું વર્ષ ચાલે છે. અફ્ઝલ ગુરુ આરામથી આપણા જ સૈનિકોના સુરક્ષા કવચ હેઠળ આપણા જ પૈસે બિરીયાની ખાઈ લહેરથી જીવન પસાર કરી રહ્યો છે.
+++++++++++++++++++++++
વોટબઁકની રાજનીતિ સમજાવતા આ ઉત્તમ કિસ્સાઓ છે. રામચંદ્ર અને અફ્ઝલ ગુરુમાં ફરક શો છે ? બંને આ દેશના ગુનેગાર છે બંનેને ફાંસીની સજા ફટકારાઈ છે તેમ છતાં રામચંદ્રને માત્ર ત્રણ વર્ષમાં જ ફાંસીએ લટકાવી દેવાય છે અને દેશની લોકશાહીના મંદિર સમાન સંસદ પર હુમલો કરનાર આતંકવાદી અફ્ઝલ ગુરુને 10 વર્ષ થયા છતાં ફાંસીએ લટકાવાયો નથી. અહીં ફાંસીની સજાની તરફેણ કરવાનો કોઈ જ ઇરાદો નથી, પણ જ્યાં સુધી આ દેશમાં ફાંસીની સજા આપવાનો કાયદો છે ત્યાં સુધી જેને આપણી ન્યાયપ્રણાલી દ્વારા ફાંસીની સજા ફરમાવવામાં આવી હોય તેને કોઈ પણ નાત - જાત કે અન્ય કોઈ પણ ભેદભાવ વિના સજા આપવી જ જોઈએ. તેનો યોગ્ય અમલ થવો જ જોઈએ. અહીં રામચંદ્રને માત્ર ત્રણ વર્ષમાં ફાંસી આપી દેવામાં આવી, કારણ કે રામચંદ્રને બચાવવા એક આખો સમાજ આગળ ન આવ્યો. આ નેતાઓને આ મામલે વોટબઁક તૂટવાની કોઈ ચિંતા ન હતી. એટલે કાયદાતંત્ર ફટાફટ ચાલ્યું, પણ અફ્ઝલ ગુરુ નામના આતંકવાદી પાછળ એક આખો સમાજ ઊભો છે એવું આપણા વોટબઁકના લાલચુ નેતાઓને લાગે છે. માટે જ આતંકવાદીઓને પણ દયા આપવાની વાત આ નેતાઓ જાહેરમાં કરી નાખે છે. આતંકવાદીઓના માનવ અધિકારની વાત કરતા તેમજ આતંકવાદીઓની તરફેણ કરતા રાજનેતા આપણને માત્ર ભારતમાં જ મળશે. શું આ દેશનો એક પણ એવો નાગરિક હશે જેણે અફઝલને કે કસાબને ફાંસીના માંચડે નહિ ચડાવવો હોય ? તેના પરિવારના સભ્યો અને અમુક નેતાઓ સિવાય આવો માણસ નહિ જડે. બેચાર લોકોની લાગણીને માન આપી આતંકવાદીઓ પર દયા ન થાય એ આ દેશના નેતાઓ ક્યારે સમજશે ?
દયાળુ મહામહિમ
ભારતીય બંધારણની કલમ 72માં રાષ્ટ્રપતિને, કોઈ પણ પ્રકારના ગુનામાં અપરાધી ઠેરવવામાં આવેલા વ્યક્તિને, ગુનેગારને સજા માફ કરી દેવા, સજા ઘટાડી દેવા સુધીની સત્તાઓ અપાઈ છે. આપણા રાષ્ટ્રપતિઓએ રર કેસમાં તેમને મળેલા આ અધિકારનો ઉપયોગ કરી અમુક લોકોને જીવનદાન આપ્યું છે, પણ આપણા વર્તમાન રાષ્ટ્રપતિ કંઈક વધારે દયાવાન નીકળ્યાં છે. પોતાના ત્રણ વર્ષના કાર્યકાળ દરમિયાન પ્રતિભા પાટિલે 35 જેટલા ગુનેગારોની ફાંસીની સજા રદ કરી તેને આજીવન કારાવાસમાં ફેરવી કાઢી છે. દુ:ખની વાત તો એ છે કે આ 35 જેટલા ગુનેગારોએ 60 લોકોની ઘાતકી હત્યા કરી છે.
પ્રતિભા પાટિલે માફી આપતી વખતે આ ગુનેગારોનાં જઘન્ય અને ઘાતકી કૃત્યોની અને પીડિત પરિવારોની તેમને ફાંસી આપવા સુધીની લડાઈને ધ્યાનમાં નહિ લીધી હોય ! એક છ વર્ષની બાળકી પર બળાત્કાર કરી તેને જાનથી મારી નાખનાર સતીશને પણ રાષ્ટ્રપતિએ દયાને કાબિલ સમજ્યો છે. હાલ આ છ વર્ષની બાળકીના પિતા સતીશની માફીના સમાચાર સાંભળી ખૂબ દુ:ખી છે. તેમની આંખોનાં આંસુ રોકાતા નથી, પણ રાષ્ટ્રપતિના અધિકાર સામે એક પિતા વિવશ છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે આપણી કેન્દ્ર સરકારે ઘૃણિત ગણી શકાય તેવા કેસોના ગુનેગારોને માફી આપવા રાષ્ટ્રપતિને અપીલ કરી હતી. મોલાઈ રામ અને સંતોષ યાદવ આ બંને ગુનેગારો એ જેલમાં જ જેલરની 10 વર્ષની દીકરી પર બળાત્કાર ગુજાર્યો હતો અને તેની હત્યા પણ કરી હતી. તે વખતે આ બંને ગુનેગારો મધ્યપ્રદેશની જેલમાં હતા. હવે જે ગુનેગારો જેલમાં રહી જેલરની દીકરી પર જ આવું કૃત્ય કરે અને આપણું ન્યાયતંત્ર તેમને ફાંસીની સજા ફટકારે તો તેને ફાંસી આપવી જોઈએ કે નહિ? પણ આપણા મહામહિમને તેમના પર દયા આવી અને મહામહિમે તેમને જીવનદાન આપી દીધું. એવી જ વાત ધર્મેન્દ્ર સિંહ અને નરેન્દ્ર યાદવની પણ છે. આ બંને નરાધમોએ એક જ પરિવારના પાંચ સભ્યોને એક જ ઝાટકે મોતને ઘાટ ઉતારી દીધા હતા. પરિવારમાં 12 વર્ષના બે દીકરા અને 15 વર્ષની એક દીકરી પણ હતી. નરેન્દ્ર સિંહે આ 15 વર્ષની છોકરી પર બળાત્કાર કરવાની કોશિશ કરી અને તે સફળ ન થયો તો તેણે તેના મિત્ર ધર્મેન્દ્ર સિંહને સાથે લઈ આખા પરિવારને પતાવી દીધો. રાષ્ટ્રપતિએ આ નરાધમોની પણ દયા ખાધી છે. માફી મેળવનારામાં છ લોકો તો એવા છે કે જેમણે ખૂબ જ ખરાબ રીતે ચાર લોકોને મારી નાખ્યા હતા. એ તો ઠીક પણ પ્રતિભા પાટિલે પંજાબના પ્યારા સિંહ અને તેના ત્રણ પુત્રને પણ માફી આપી છે. પ્યારા સિંહ અને તેના ત્રણ પુત્રોએ વ્યક્તિગત દુશ્મની રાખી એક પરિવારના લગ્નમાં ઘૂસી 17 લોકોને મારી નાખ્યા હતા. લગ્નના માહોલને સ્મશાનઘાટના માહોલમાં ફેરવી નાખનારા આ નરાધમોને પણ રાષ્ટ્રપતિએ ફાંસીથી બચાવી લીધા છે. આવા તો 35 લોકો છે જેમનાં કૃત્યો પરથી એવું લાગે કે તેમને માફી નહિ ફાંસી જ આપવી જોઈએ. પ્રશ્ર્ન એ થાય છે કે શું રાષ્ટ્રપતિએ આ ગુનેગારોના રકોર્ડ, તેમનાં જઘન્ય કૃત્યોની ફાઈલોનો અભ્યાસ નહિ કર્યો હોય, કે માત્ર રબરસ્ટેમ્પ્ની જેમ કેન્દ્ર સરકારના ઇશારે માત્ર આ લોકોનાં માફીપત્રો પર ‘માફી’ નામના સ્ટેમ્પ મારી દીધા હશે ! આ બાબતે રાષ્ટ્રપતિ ભવનનાં પ્રવક્તા અર્ચના દત્તાનું કહેવું છે કે રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલ બંધારણીય જોગવાઈથી વાકેફ હતાં કારણ કે તેઓ પોતે એક વકીલ પણ રહી ચૂક્યાં છે. રાષ્ટ્રપતિએ યોગ્ય અભ્યાસ બાદ આ લોકોની મૃત્યુદંડની સજા ઓછી કરવાનો નિર્ણય લીધો છે, પણ અત્રે ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રપતિએ આ 35 ગુનેગારોમાંથી એક એવા અપરાધીની ફાંસીની સજા પણ આજીવન કેદમાં બદલી નાખી છે કે જેનું મૃત્યુ પાંચ વર્ષ પહેલા જ થઈ ચૂક્યું છે. બગલકોટના બંડુ તિકડેએ એક 16 વર્ષની વિદ્યાર્થિનીનું અપહરણ કરી તેની સાથે દુષ્કર્મ કરી તેની હત્યા કરી હતી. તિકડેનું મૃત્યુ 2007માં જ થઈ ચૂક્યું છે. આવા કેસમાં રાષ્ટ્રપતિના નિર્ણય વિશે જર શંકા થાય. રાષ્ટ્રપતિએ મૃત્યુ પામેલા લોકોના પરિવારની ઇચ્છા જાણવાની કોશિશ કરી ? જેેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમના દર્દનું કોઈ મૂલ્ય નથી ? કદાચ નહિ !
... થોડું વધારે જાણવા જેવું !
* કલમ 72માં રાષ્ટ્રપતિને, કોઈ પણ પ્રકારના ગુનામાં અપરાધી ઠેરવવામાં આવેલા શખ્સની સજા માફ કરી દેવા, સજા ઘટાડી દેવા, સસ્પેન્ડ કરી દેવા સુધીની સત્તાઓ અપાઈ છે.
* રાષ્ટ્રપતિ, ગૃહપ્રધાન અને કેન્દ્રીય પ્રધાનમંડળના ઇશારે આગળ વધે છે.
* કારોબારીના વિશેષાધિકારની કવાયત ન્યાયિક સમીક્ષા સાથે સંકળાયેલી છે.
* પ્રતિભા પાટિલે જે 35 અપરાધીઓની મૃત્યુદંડની સજાને આજીવન કારાવાસમાં ફેરવી છે તે 35 અપરાધીઓ દ્વારા જે હત્યાઓ કરાઈ છે તેમાં 22 મહિલાઓ અને બાળકો છે.
* પાટિલે ત્રણ અરજીઓ ફગાવી દીધી છે.
* અફ્ઝલ ગુરુની દયાની અરજી પેન્ડીંગ છે.
* 1981 પછીથી 90થી વધુ દયાની અરજીઓ થઈ.
કોની કોની સજા ઘટી ?
* સતીષ (2001માં છ વર્ષીય વિશાખાની ઘાતકી હત્યા કરી હતી.)
* મોલાઈરામ - સંતોષ યાદવ (1996માં મધ્ય પ્રદેશની જેલમાં જેલરની 10 વર્ષીય પુત્રી પર બળાત્કાર ગુજારી હત્યા.)
* ધર્મેન્દ્રસિંહ અને નરેન્દ્ર યાદવ (ઉત્તર પ્રદેશના આ બે શખ્સોએ 1994માં એક દંપતી અને તેમનાં ત્રણ બાળકોની હત્યા કરી હતી.)
* પ્યારાસિંહ અને તેના ત્રણ પુત્રો (પંજાબમાં લગ્ન પ્રસંગમાં 17 લોકોની ઘાતકી હત્યા કરી.)
* શોભિત ચમાર (બિહારના એક જમીનમાલિકના પરિવારના છ સભ્યોની હત્યા કરી હતી, જેમાં બે બાળકો પણ સામેલ.)
* આર. ગોવિંદ સ્વામી (કેરળના આ શખ્સે તેના સગાંસંબંધી અને તેમનાં ત્રણ બાળકોની જમીનના વિવાદમાં હત્યા કરી હતી.)
* શ્યામ મનોહર, શિયોરામ, પ્રકાશ, રવીન્દ્ર સુરેશ અને હરીશ (આ શખ્સોએ સંપત્તિના વિવાદમાં એક 10 વર્ષીય બાળક સહિત પાંચની હત્યા કરી હતી.)
* ઓમ પ્રકાશ (ઉત્તરાખંડના આ શખ્સે એક નિવૃત્ત બ્રિગેડિયર અને તેમના પરિવારના બે શખ્સોની હત્યા કરી હતી.)
* સુશીલ મુરમુ (સમૃદ્ધિ મેળવવા માટે ઝારખંડના નવ વર્ષના પુત્રની બલી આપી હતી.)
* મોહન - ગોપી (તમિલનાડુના આ શખ્સોએ 10 વર્ષીય એક બાળકનું અપહરણ કરી લીધું હતું અને તેની હત્યા કરી દીધી હતી.)
* જય કુમાર (આ શખ્સે સગર્ભા ભાભી અને ભત્રીજીની હત્યા કરી હતી.)
વિશ્ર્વ અને ફાંસીની સજા...
માનવાધિકાર સંગઠન એમનેસ્ટી ઈન્ટરનશનલના રિપાર્ટ પ્રમાણે વિશ્ર્વમાં ચીનમાં સૌથી વધારે ફાંસીની સજા અપાય છે. ચીન પછી ફાંસી આપવા ઈરાન બીજા નંબરે અને આફ્રિકાના દેશો ત્રીજા નંબરે આવે છે. એમનેસ્ટીના રિપાર્ટ પ્રમાણે ગયા વર્ષે, 2011માં વિશ્ર્વમાં 2000 લોકોને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે. વિશ્ર્વના 97 જેટલા દેશોમાં હાલ ફાંસીની સજા નાબૂદ કરી દેવાઈ છે અને 57 જેટલા દેશોમાં હાલ પણ ફાંસીની સજા અપાય છે. એક અંદાજ મુજબ 2011માં જ ચીનમાં 676 લોકોને ફાંસીના માંચડે લટકાવી દેવાયા છે. આ તો સરકારી આંકડો છે બાકી વાસ્તવિક આંકડો વિશેષજ્ઞો કંઈક ઔર જ માને છે. અમેરિકા જેવા વિકસિત દેશની વાત કરીએ તો ફાંસીની સજામાં કોઈ ફેરફાર કર્યો હોય તેમ લાગતું નથી. ગયા વર્ષે જ અમેરિકાએ 43 લોકોને ફાંસી આપી હતી. એમનેસ્ટીના રિપાર્ટ પ્રમાણે વિશ્ર્વભરમાં હાલ 18,750 લોકોને મોતની સજા ફટકારવામાં આવી છે અને આ બધા જ લોકો જેલમાં મૃત્યુની રાહ જોઈ રહ્યાં છે.
17 વર્ષમાં માત્ર બેને જ ફાંસી
ભારતમાં ફાંસીની સજાની જોગવાઈ છે એટલે અનેક લોકોને ફાંસી અપાતી હશે એવું નથી. ભારતમાં 2004માં ધનંજય ચેટર્જીને ફાંસી આપવામાં આવી હતી. પહેલા 1996માં રામચંદ્રને ફાંસી અપાઈ હતી. એટલે કે 1995થી 2012 સુધીમાં માત્ર બે જણાને જ ફાંસી અપાઈ છે. એક વાત સાચી છે કે આ સમયગાળા દરમિયાન અનેક લોકોને ફાંસીની સજા સંભળાવવામાં જર આવી છે. 2001માં 33 લોકોને, 2002માં 23, 2005માં 77, 2006માં 40 અને 2007માં 100 લોકોને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ બધા કેદીઓ હાલ જેલમાં છે અને મૃત્યુની રાહ જોઈ રહ્યા છે.
ટિપ્પણીઓ નથી: