બૈંગલોરનું બૈંગલૂરુ, હુબલીનું હુબ્બાલી, શિમોગાનું શિવમોગ્ગા મદ્રાસનું ચેન્નાઈ થયું હવે ઇન્ડિયાનું ભારત ક્યારે?





દુનિયા આખી અંગ્રેજોએ બગાડેલાં નામ બદલી રહી છે. દેશોના કે વિસ્તારના નામ સાથે આખી સંસ્કૃતિ, પરંપરા જોડાયેલી હોય છે ત્યારે આવો, આ સંદર્ભે થોડી ચર્ચા કરીએ અને ઇન્ડિયાનું નામ ‘ભારત’ કરવા માટે આગળ વધીએ...

 કર્ણાટકે પોતાના બાર જેટલા વિસ્તારોનાં નામ સુધાર્યાં છે. હવે બેંગલૂરુ - બેંગ્લોર, હુબલી -હુબ્બલ્લી, શિમોગા - શિવમોગ્ગાના નામે ઓળખાશે. આ પહેલાં પશ્ર્ચિમ બંગાળે પોતાનું નામ બદલી ‘પશ્ર્ચિમ બંગ’ તથા ઉડીસાએ પોતાનું નામ ‘ઓડિશા’ કર્યું હતું. આ રીતે આઝાદી પહેલાં અંગ્રેજોએ જે નામો બગાડ્યાં હતાં તેને સુધારવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

વિદેશી શાસકો, આક્રમણકારીઓ દ્વારા જે જે દેશ-વિસ્તારનાં નામ બદલી નાખવામાં આવ્યાં છે અથવા જબરદસ્તીપૂર્વક થોપી દેવામાં આવ્યાં છે તેને દૂર કરવાની ચેતના સમગ્ર દુનિયામાં જાગી છે. કમ્યુનિઝમના પતન પછી રશિયા, યુક્રેન, મધ્ય એશિયા અને સંપૂર્ણ પૂર્વીય યુરોપમાં અસંખ્ય શહેરો, ભવનો, માર્ગોનાં નામ બદલવામાં આવ્યાં છે. રશિયામાં લેનિનગ્રાડને ફરી સેંટ પીટર્સબર્ગ, સ્તાલિનગ્રાડને વોલ્યોગ્રાદ નામ આપી દેવાયું છે. પાડોશી દેશ સીલોને પોતાનું નામ શ્રીલંકા કર્યું છે. આ નામ બદલવાની પાછળ ગહેરી સાંસ્કૃતિક, રાજનૈતિક ચેતના રહેલી છે. આથી જે લોકોએ ‘ત્રિવેન્દ્રમ’ને તિરુઅનંતપુરમ્, મદ્રાસને તમિલનાડુ, બૉમ્બેને મુંબઈ, કૈલકટા ને કોલકાતા, બેંગલોરને બેંગલૂરુ વગેરે... નામ આપવાનું, તેને બદલવાનું જરૂરી સમજ્યું છે તેવા લોકોને પ્રાર્થના છે કે બધા ભેગા મળી હવે ‘ઇન્ડિયા’ને ‘ભારતવર્ષ’ નામ આપે.

આ માત્ર ભાવનાની વાત નથી. દક્ષિણ આફ્રિકાએ છેલ્લાં ૧૫ વર્ષમાં પોતાનાં અનેક સ્થાનોનાં એક હજાર કરતાં પણ વધારે નામ બદલ્યાં છે. આમાં માત્ર શહેરો કે વિમાનમથકોનાં જ નહિ પણ નદીઓ, પહાડો, પુલોનાં નામ પણ દ. આફ્રિકાએ બદલ્યાં છે. ત્યાં આ વિષયને ગંભીરતાથી સ્વીકારવામાં આવ્યો છે. દક્ષિણ આફ્રિકા જ્યોગ્રાફિક્લ નેમ કાઉન્સિલ નામના આયોગની રચના પણ કરવામાં આવી છે. તેનો એક જ સિદ્ધાંત છે કે જે નામ જનમાનસને આહત પહોંચાડે તેવું હોય તેને બદલી નાખવું જોઈએ.



આથી આપણે પણ ‘ઇન્ડિયા’ને બદલી ભારતવર્ષ, ભારત, હિન્દુસ્થાન કરી દેવું જોઈએ. આપણી સંસ્કૃતિમાં તો નામકરણ એક સંસ્કાર, પરંપરા રહી છે જે વાત વ્યક્તિ માટે મહત્ત્વપૂર્ણ છે તે સામાજિક - રાજનીતિ જીવન માટે પણ ઓછી મહત્ત્વપૂર્ણ ન કહેવાય.

છેલ્લાં આઠસો વર્ષોથી વિદેશી આક્રમણકારીઓએ આપણા સાંસ્કૃતિક, ધાર્મિક, શૈક્ષણિક કેન્દ્રોને નષ્ટ કરી તેને નવું રૂપ અને નવું નામ આપવાનો પ્રયાસ કર્યો છે. આ નામ માત્ર એમ ને એમ બદલવામાં આવ્યાં નથી પણ તેની પાછળ એક મોટું વૈચારિક કાવતરું હતું.

જરા વિચારો. જ્યારે ૧૯૪૦માં મુસ્લિમ લીગના મુસલમાનોએ અલગ દેશની માગ કરી અને અલગ દેશ બનાવ્યો તો તેનું નામ અંગ્રેજોએ પાકિસ્તાન રાખ્યું. બાકી તેઓ ઇચ્છત તો ‘વેસ્ટ ઇન્ડિયા’ નામ રાખી શકત. જેમ જર્મની અને કોરિયાના વિભાજન વખતે નામ અપાયું. પરંતુ મુસ્લિમ લીગે એકદમ અલગ મજહબી નામ રાખ્યું. તેની પાછળ એક ઓળખ ઊભી કરવાની ઇચ્છા હતી. પોતાને મુગલોના ઉત્તરાધિકારી ગણાવતા મુસ્લિમ નેતાઓએ મુગલિયા શબ્દ ‘હિન્દુસ્તાન’ને પણ ન સ્વીકાર્યો. કેમ કે નામ, શબ્દ, ભાષા કોઈ નિર્જીવ વસ્તુ હોતી નથી. તે કોઈ સંસ્કૃતિનું સંરક્ષક છે અને એક ઓળખ હોય છે  તેની સાથે કોઈ સમાજ વર્ષો જૂની પરંપરા, રીતભાત અને જ્ઞાન સંકળાયેલું હોય છે. માટે જ્યારે કોઈ સમાજ, વ્યક્તિ, દેશ કોઈ ભાષા અથવા તેના શબ્દોનો ત્યાગ કરે છે તો તે જાણતાં-અજાણતાં તેમાં રહેલી ચેતના અને જ્ઞાન-ભંડારનો પણ ત્યાગ કરી દે છે.



સ્વતંત્રતા મેળવ્યા પછી પણ આપણા કર્ણધારોએ દેશનું નામ ‘ઇન્ડિયા’ જ આપ્યું, આ સૌથી મોટી ભૂલ હતી. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના પૂર્વ સંપાદક ગિરિલાલ જૈનના મતે આ એક શબ્દએ ખૂબ નુકસાન કરાવ્યું છે. આ દેશને જો સ્વતંત્ર દેશનું નામ ભારત રાખવામાં આવ્યું હોય તો ભારતીયતા સાથે જોડાવવા આજે કોઈને વિનંતી ન કરવી પડત. ગિરિલાલ જૈનના મતે ‘ઇન્ડિયા’ શબ્દએ ‘ઇન્ડિયન’ અને ‘હિન્દુ’ને અલગ કરી દીધા અને બીજી વાત ઇન્ડિયા શબ્દએ ‘ઇન્ડિયન’ને ‘હિન્દુ’થી મોટો બનાવી દીધો. જો આવું ન થયું હોત તો આજે સેક્યુલરિઝમ, ડાઇવર્સિટી અને મલ્ટી-કલ્ટી (બહુસાંસ્કૃતિક)ની હિન્દુ વિરોધી શબ્દજાળ રચનારા તથા કથિત બૌદ્ધિક લોકોનું કામ સરળ રહ્યું ન હોત.

જો દેશનું નામ ‘ભારત’ રખાયું હોત તો આ દેશના મુસલમાનો સ્વયં પોતાની ઓળખ ભારતીય મુસલમાન તરીકે કરાવતા હોત. ભારતીય મુસ્લિમોને આજે પણ અરબ દેશોમાં ‘હિન્દવી’, હિન્દી અથવા હિન્દુ મુસલમાન તરીકે ઓળખવામાં આવે છે. સદીઓથી વિદેશી લોકો ભારતીયોને ‘હિન્દુ’ જ કહેતા આવ્યા છે અને આજે પણ તેમને ‘હિન્દુ’ જ માની રહ્યા છે.

ઇન્ડિયાનું નામ બદલી તેનું નામ ભારત રાખવામાં આવે તો કોઈ ભાષા, ક્ષેત્ર, જાતિ કે સંપ્રદાયનો આમાં જરા પણ વિરોધ નહિ હોય, કેમ કે આ નામ કોઈ વિશેષ સમૂહ સાથે જોડાયેલું નથી. ભારત શબ્દનો ઉપયોગ આ દેશની બધી જ ભાષાઓમાં થતો રહ્યો છે. આથી જે કારણોસર મદ્રાસ, બાંબે, કૈલકટા, ત્રિવેન્દ્રમ વગેરેનું નામ સુધારવામાં આવ્યું તેમ દેશનું નામ પણ સુધારવાની જરૂર છે. ‘ઇન્ડિયા’ શબ્દ ભારત પર રહેલ બ્રિટિશ શાસનની યાદ અપાવે છે. થોડા સમય પહેલાં ગોવાના સાંસદ શાંતારામ નાઇકે આ સંદર્ભમાં રાજ્યસભામાં એક ખરડો રજૂ કર્યો હતો, જેમાં બંધારણની પ્રસ્તાવના તથા અનુચ્છેદ-૧માં ‘ઇન્ડિયા’ શબ્દને હટાવી ‘ભારત’ શબ્દ મૂકવાની વાત કરવામાં આવી હતી. ભારત શબ્દ વધારે વ્યાપક અને અર્થવાન છે, જ્યારે ઇન્ડિયા શબ્દ માત્ર ભૌગોલિક સ્થિતિ દર્શાવે છે. શ્રી નાઇક એક ખૂબ મોટા દોષને દૂર કરવા આગળ આવ્યા હતા પણ તેમના ખરડા પર વધારે ચર્ચા ન થઈ.

હકીકત તો એ છે કે દેશનું નામ ‘ભારત’ રાખવામાં આપણે કાળા અંગ્રેજો, વિશેષ કરીને ‘રેડિકલ’, ‘સેક્યુલરે’, ‘ગ્લોબલ’ કહેનારા બુદ્ધિજીવીઓને કોઈ રસ નથી. આવા અનેક લોકોને મદ્રાસ, કૈલકટા, બાંબેનું નામ બદલાય તો કોઈ વાંધો નથી પણ  ઇન્ડિયાનું નામ ભારત થાય તો તરત તેનો વિરોધ કરવા લાગે છે... આ લોકોને કોણ સમજાવે કે ‘ભારત’ એક શબ્દ નથી પણ આપણા શિક્ષણ, સંસ્કૃતિ અને ભાષા સાથે જોડાયેલ કડી છે, પરંતુ ભાષા સંદર્ભે આપણે ત્યાં ક્યારેય ગંભીરતાથી વિચારવામાં આવ્યું નથી. અંગ્રેજીની સામે બધી જ ભાષાને દબાવી દેવામાં આવે છે જે યોગ્ય નથી.

* * *



 ‘એ’ ફોર એપ્પલ નહિ ‘એ’ ફોર આર્યભટ્ટ

અંગ્રેજી માધ્યમ અને અંગ્રેજી ભાષા વચ્ચેનું અંતર આપણે સમજતા જ નથી. અંગ્રેજી ભાષા શીખવી જરૂરી છે, પરંતુ ભારતમાં શિક્ષણ, ન્યાયવ્યવસ્થા, શાસનના માધ્યમને અંગ્રેજી કરી દેવાય તે ઉચિત નથી. એ નુકસાનકારક છે. આને ઓછું નુકસાનકારક બનાવવાની નેમ સાથે કર્ણાટકના એક શિક્ષકે મહાપુરુષોની વર્ણમાલા બનાવી છે. સામાન્ય રીતે બાળકોને અંગ્રેજી મૂળાક્ષર શીખવતી વખતે એ ફોર એપ્પલ, બી ફોર બોય... ભણાવાય છે, પરંતુ કર્ણાટકના સેવાનિવૃત્ત શિક્ષક કલ્યાણ મરલીએ બાળકોને અંગ્રેજી મૂળાક્ષરોની સાથે મહાપુરુષોની જાણકારી આપતી એક પુસ્તિકા તૈયાર કરી છે. તેનું નામ છે ‘નેશનલાઇઝેશન ઓફ એ.બી.સી.ડી. આલ્ફાબેટ્સ.’ આ પુસ્તકમાં ૨૬ અક્ષરોમાં દેશના પ્રાચીન તથા આધુનિક સંતો, વૈજ્ઞાનિકો, રાજનેતાઓ, સમાજસુધારકો, ક્રાંતિકારીઓની સંક્ષિપ્ત માહિતી ક્ધનડ, અંગ્રેજી અને હિન્દી ભાષામાં આપવામાં આવી છે. તેમાં ખગોળશાસ્ત્રી આર્યભટ્ટ, કર્ણાટકના ક્રાંતિકારી બસવેશ્ર્વર, ચાણક્ય, સ્વામી દયાનંદ સરસ્વતી, એકનાથ રાનડે, ગુરુજી ગોલવલકર, વૈજ્ઞાનિક હોમી ભાભા જેવા ૨૬ મહાપુરુષોની માહિતી છે.


સાભાર - સાધના સાપ્તાહિક

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.