જાત ઘસાઈ જાય ત્યાં સુધી લડતા રહો. સફળતા જરૂર મળશે.

life style


સમાજ ભલે હાંસી ઉડાવે, નાની મોટી નિષ્ફળતાઓથી ડરવાની કે ડગવાની જરૂર નથી. જાત ઘસાઈ જાય ત્યાં સુધી લડતા રહો. સફળતા જરૂર મળશે.
એક સુંદર રૂપકકથા છે. એક ભાઈ એક વખત જમવા બેઠા હતા. થાળીમાં લાડુ અને વડું પિરસાયાં. ભાઈને પ્રશ્ર્ન થયો કે, ‘લાડુ વડા કરતાં મોટો છે તો પણ વડાને ‘વડું’ એટલે કે ‘મોટું’ કેમ કહેવામાં આવે છે ?’ આ પ્રશ્ર્ન એમણે વડાને કહ્યો ત્યારે વડાએ પોતાની આપવીતી ગાઈને કહેવા માંડી,
‘પહેલે થે હમ મર્દ, મર્દસે નાર હો ગયે,
કર ગંગામેં સ્નાન મેલ સબ દૂર હો કરાયે,
કર પથ્થર સે યુદ્ધ, ઘાવ બરછી કે ખાયે,
નિકલ ભયે જબ પાર, આજ હમ ‘બડે’ કહાયે’
વડાની વાતમાં ભાઈને કંઈ સમજ ના પડી એટલે એમણે એને સાદી ભાષામાં સમજાવવાનું કહ્યું. વડાએ સરળ ભાષામાં વાત સમજાવતાં કહ્યું, ‘સૌથી પહેલાં હું મગના રૂપમાં હતો. એટલે કે પુરુષ અવસ્થામાં હતો. એ પછી મારે વડું બનવું હતું એટલે હું બે પથ્થર વચ્ચે પીસાયો. બે પથ્થર વચ્ચે પીસાઈને હું ટુકડે ટુકડા થઈ ગયો. પણ મારી આ જાત વેતરી નાંખનારી મહેનતને સન્માનવાને બદલે સમાજે મારી હાંસી ઉડાવી. લોકો મને નારીવાચક શબ્દ ‘મગની દાળ’ કહીને બોલાવવા લાગ્યા. મારી નિષ્ફળતાની મજાક કરવા લાગ્યા. કહેવા લાગ્યા - આવ્યા હતા મોટા વડા બનવા અને બૈરું બનીને રહી ગયા.
પણ હું હિંમત ના હાર્યો. એ પછી ઘણા સમય પછી હું પાણીમાં ભીંજાઈને પડ્યો રહ્યો. એના લીધે મારી ફોતરાં રૂપી ચામડી પણ ઊખડી ગઈ. એ પછી મારે પથ્થર વચ્ચે પીસાવું પડ્યું. મેં પથ્થરો સાથે યુદ્ધ કર્યું. એટલે મારું અસ્તિત્વ કણ કણ થઈ ગયું ત્યાં સુધી હું લડ્યો. એ હાલત પણ ઓછી હોય એમ એ પછી મારામાં ગરમ મસાલા, મરચાં અને બીજી જાત જાતની ચીજો નાંખીને મને ઊકળતા તેલમાં તળવામાં આવ્યું. ઉપરાંત મારે અણીદાર સોયાના ભાલાનો માર પણ સહન કરવો પડ્યો. પણ હું હિંમત હાર્યા વિના છેક સુધી લડતું રહ્યું. મને સમાજની હાંસીની કે મારી જાત ઘસાઈ ગઈ એની જરા પણ ચિંતા નહોતી. મારે કોઈ પણ ભોગે વડા - ‘મોટા’ બનવું હતું. અને આખરે હું મારું લક્ષ્ય પાર કરીને જ રહ્યો. તેલમાં ભુંજાયા બાદ હું મગના સામાન્ય દાણામાંથી ‘વડા’ તરીકે સ્થાન પામ્યો. અને મારી હાંસી ઉડાવનાર એ જ લોકો મને ‘વડા’ ‘વડા’ કહીને સન્માન આપવા લાગ્યા.’
આ રૂપક કથા દરેક યુવાનોએ ગાંઠે બાંધી લીધા જેવી છે. તેમણે લક્ષ્ય સુધી પહોંચવું હોય, મોટા બનવું હોય તો ઘણો બધો ભોગ આપવો પડશે. સમાજ ભલે હાંસી ઉડાવે, નાની મોટી નિષ્ફળતાઓથી ડરવાની કે ડગવાની જરૂર નથી. જાત ઘસાઈ જાય ત્યાં સુધી લડતા રહો. સફળતા જરૂર મળશે.

રાજભોગ

પરિવર્તનશીલ હોય એને યુવાન કહેવાય, અને પ્રયોગશીલ, પ્રગતિશીલ, વિકાસશીલ, સંવેદનશીલ હોય અને નવું અપ્નાવવા તૈયાર હોય એને યુવાની કહેવાય. - ફાધર વાલેસ

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.