આપણા સમાજમાં
એક્ટર પ્રત્યે સામાન્ય રીતે બે પ્રકારના આત્યંતિક અભિગમો જોવા મળે છે. મોટા ભાગનાને
સિનેકલાકારોનું ઘેલું હોય છે. તેમના ફોટાઓ પણ તેઓ ઘરમાં મૂકે છે, દેખાવ પણ તેમના જેવો
કરીને, તેમની ફેશન અપ્નાવવામાં ધન્યતા અનુભવે છે, જ્યારે કેટલાકને એક્ટર પ્રત્યે કારણ
વગરની સૂગ હોય છે. કારણ વગર તેમની ટીકા કરવામાં પોતાની સાર્થકતા માને છે, પરંતુ આ બંને
અભિગમો અતિરેકી છે.
આંખ-કાન ખુલ્લા
રાખીને ઘણું જાણવા-શીખવા મળે છે
કોઈ પણ વ્યક્તિના
જીવનમાં યુવાની એ સુવર્ણ કાળ હોય છે. ભારતમાં આજે યુવાનોની બહુ મોટી સંખ્યા કરોડોમાં
થવા જાય છે. તેમણે પોતાના જીવનને ઉત્સવ બનાવીને માણવું જોઈએ અને પોતાના જીવનને ધન્ય
બનાવવું જોઈએ. તે માટે જ્યાંથી જે પ્રેરણા મળે, કાંઈક નવું જાણવા કે શીખવા મળે તેની
તક ઝડપી લેવી જોઈએ. રામ-કૃષ્ણ, શિવાજી, શંકરાચાર્ય, સ્વામી વિવેકાનંદ, મહર્ષિ અરવિંદ,
ગાંધીજી, પૂજનીય ગુરુજી, સરદાર પટેલ, વિનોબા ભાવે, રવિશંકર મહારાજ, નાનાજી દેશમુખ,
દત્તોપંત ઠેંગડીજી, અબ્દુલ કલામ જેવાના જીવનમાંથી પ્રેરણા લેવી જોઈએ... અરે, સૂર્ય,
ચંદ્ર, તારા, વૃક્ષો, પશુ, પંખી પાસે પણ શીખવાનું છે... તો તે જ હરોળમાં અમિતાભ, તેંડુલકર,
લતા મંગેશકર જેવા એક્ટર-કલાકારોમાં પણ કાંઈક એવું હોય છે જે પ્રેરક બની શકે. જ્યાંથી
જે સારું સારું મળે તેનું અવલોકન કરીને, સમજીને, પોતાના સ્વભાવ પ્રમાણે આચરણમાં મૂકવાની
જરૂર છે. કેળવણી એ નિરંતર પ્રક્રિયા છે. સમગ્ર જીવન એક વિદ્યાપીઠ છે. આંખ-કાન ખુલ્લા
રાખીને ઘણું જાણવા-શીખવા મળે છે. સ્વામી વિવેકાનંદ કહેતા કે ‘આપણા કાન શ્રેષ્ઠ કેળવણીકારો
છે’
એક્ટર પ્રત્યેનો
અભિગમ
આપણા સમાજમાં
એક્ટર પ્રત્યે સામાન્ય રીતે બે પ્રકારના આત્યંતિક અભિગમો જોવા મળે છે. મોટા ભાગનાને
સિનેકલાકારોનું ઘેલું હોય છે. તેમના ફોટાઓ પણ તેઓ ઘરમાં મૂકે છે, દેખાવ પણ તેમના જેવો
કરીને, તેમની ફેશન અપ્નાવવામાં ધન્યતા અનુભવે છે, જ્યારે કેટલાકને એક્ટર પ્રત્યે કારણ
વગરની સૂગ હોય છે. કારણ વગર તેમની ટીકા કરવામાં પોતાની સાર્થકતા માને છે, પરંતુ આ બંને
અભિગમો અતિરેકી છે. તેમનું ઘેલું પણ ન હોવું જોઈએ, અને તેમની પાસે કાંઈ શીખવા જેવું
નથી એમ પણ નહીં માનવું જોઈએ. ‘મારે કોઈ પાસેથી કશું શીખવા જેવું નથી’ એમ કહેવું એ પોતાના
વિકાસના દરવાજા બંધ કરવાની વાત થઈ કહેવાય. કોના મુખે, ક્યારે યાદગાર ઉદ્ગારો નીકળી
જાય તે કહેવાય નહીં. આપણામાં ખુલ્લાપણું હોવું જોઈએ.
![]() |
photo courtesy - google |
એક વ્યક્તિત્વ...
માધુરી દીક્ષિત
ભારતીય સિને જગતમાં
આભમાં આવો એક ચમક્તો સિતારો છે - માધુરી દીક્ષિત કેટલીક યાદગાર ફિલ્મોમાં, યાદગાર અભિનય
આપીને અદાકારીને અલવિદા કરીને પોતાના મધુર કૌટુંબિક જીવનમાં સ્થિર થઈ ગઈ છે. તેની અદાકારીથી
પણ મોહક છે તેનું નિર્દોષ સ્મિત. મધુર સ્મિત એ જ માધુરીના વ્યક્તિત્વની સૌથી મોટી પહેચાન
છે. ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં અનુરિતા રાઠોડ લખે છે કે ‘માધુરીના શબ્દો કે પ્રતિભા બોલે
તે પહેલાં તેનું સ્મિત બોલે છે.’ આજકાલ સ્મિત દોહ્યલું બનતું જાય છે ત્યારે માધુરીનું
સ્મિત એક મોટો સંદેશ આપી જાય છે. ક્રિકેટમાં વર્લ્ડ કપ્ની મેચો રમાય છે. બધા ખેલાડીઓના,
ખાસ કરીને કેપ્ટનના ચહેરાઓ યાદ કરો! કોઈ વાર, જરા પણ સ્મિતની છાંટ દેખાય છે? કરોડો
રૂપિયા કમાય છે, પણ ટેન્શન છે અને સ્મિત નથી. તે કરોડો રૂપિયા શા કામના? ભારતના પ્રધાનમંત્રી
શ્રી મનમોહન સિંહનો ટી.વી. પરનો ચહેરો યાદ કરો. કોઈ વાર ભૂલથી પણ સ્મિત જોયું છે ખરું?
સહજ, સ્વાભાવિક સ્મિત જેવું કીમતી કાંઈ નથી. કોઈએ સાચું જ કહ્યું છે કે ‘સ્મિત એ તો
પ્રભુના હસ્તાક્ષર છે.’
માધુરી કહે છે
ખાઓ, પ્રેમ કરો અને પ્રાર્થના કરો
વર્ષ ૨૦૧૧માં અમદાવાદની મુલાકાત દરમિયાન હજારો યુવાનો
તેને જોવા ભેગા થયા હતા. ત્યારે તેણે સરસ સંદેશ આપ્યો હતો. યુવાનો તેની સુંદરતાને જુએ છે તે રીતે તેની સુંદર
વાતોને પણ સમજતા હશે તેવું માની લઈએ. તેનો પહેલો સંદેશ એ છે કે આકર્ષક બનવું એ દરેકના
અધિકારની વાત છે અને દરેક માટે શક્ય છે. તેણે એક મહત્ત્વની વાત કરી. ખાઓ, પ્રેમ કરો
અને પ્રાર્થના કરો . કેટલું નાનકડું પણ જોરદાર સૂત્ર! મસ્તીથી ખાવામાં જે આનંદ છે તેની
તોલે કાંઈ ન આવે. આકર્ષક બનવાનું પહેલું રહસ્ય છે ખાવું. તે ડાયેટિંગ - ફાયેટિંગમાં
માનતી નથી. જો વધુ પડતુ ખાવું એ આ જમાનાનો રોગ હોય તો વધુ પડતા ભૂખ્યા રહેવુ એ પણ એક
રોગ જ છે. મેડિકલ સાયન્સ પણ કદાચ આ વાત સાથે સહમત થશે. ડાયેટિંગના નખરાં એ પશ્ર્ચિમથી
આયાત થયેલી વાત છે. અહીં તો સંયમિત આહારનો મહિમા હતો. જેને કામ કરવું હોય તેને ખાવુ
તો પડે જ! આજે ખાસ કરીને યુવતીઓમાં ‘ઝીરો ફિગર’નું ઘેલુ લાગ્યું છે ઝીરો ફિગર માણસને પણ
ઝીરો બનાવી દે છે. તે સૂત્રની બીજી વાત તો સૌથી મહત્ત્વની છે ‘પ્રેમ કરો’. વ્યાપક રીતે તેનો
અર્થ એવો થાય છે કે તમે જે કાંઈ કરો, જેને પણ મળો, જે ઘટના જુઓ... તેને પ્રેમ કરો.
તમારા કુટુંબને, સમાજને, દેશને, કામને, ધ્યેયને, સંજોગોને... પ્રેમ કરો. ફરિયાદ ન કરો,
રોદણાં ન રડો, પરંતુ પરિસ્થિતિનું પ્રેમપૂર્વક સ્વાગત કરો. આજે તમામ સમસ્યાઓ, ટેન્શન,
ડિપ્રેશન... પ્રેમ ન કરવાના કારણે છે. ડિગ્રી જોઈએ છે પણ અભ્યાસને પ્રેમ નથી કરવો.
ડિગ્રી જોઈએ છે પણ શિક્ષકને પ્રેમ નથી કરવો. પૈસા કમાવા છે, પરંતુ નોકરી કે પરિશ્રમને
પ્રેમ નથી કરવો. દેશ પાસે અપેક્ષા છે પણ દેશને પ્રેમ નથી કરવો, કુટુંબ તરફથી અપેક્ષા
છે પણ કુટુંબને પ્રેમ નથી કરવો... ચારે તરફ પ્રેમ કરવાથી મન સંતુલિત અને સ્વસ્થ રહે
છે. પ્રેમ એ મનનું વિટામિન છે જે તન-મનને સુંદર બનાવે છે. માધુરીએ અદાકારીને જેટલો
પ્રેમ કર્યો તેટલો જ પ્રેમ આજે તે તેના કુટુંબ-બાળકો-ગૃહિણીપદને કરે છે. સમગ્ર સૃષ્ટિને
સાચા હૃદયથી પ્રેમ કરવો એ માણસને સુંદર, મોહક અને આકર્ષક બનાવે છે.
સૌંદર્ય અંદર
પડેલું છે
લગ્નના સત્કાર
સમારંભમાં આજકાલ તાજાં વરઘોડિયાં સ્થાન પર મોડાં જ પહોંચે છે - કેમ? સીધાં બ્યુટીપાર્લરથી
આવતા હોય છે તેથી. તેમની સાથે તેમનાં મમ્મી-પપ્પા પણ મેકઅપ કરાવી લેતાં હોય છે. આ ઉપરાંત
જાતજાતનાં, ભાતભાતનાં રંગબેરંગી કપડાં, શેમ્પુ કરેલા વાળ, મોંઘાદાટ ઘરેણાં તો ખરાં
જ. ઉનાળાની ભરબપોરે ટાઈ-સુટ પહેરીને બેસૂરા, ઘોંઘાટિયા ફિલ્મી ધૂનોની કર્કશતામાં પરસેવે
રેબઝેબ થઈને નાચવું તેમને કેટલું સૌંદર્ય પ્રદાન કરે છે તે એક મોટો પ્રશ્ર્ન છે. બ્યુટી,
કંઈ પાર્લરમાં મળતી નથી, તે ઈશ્ર્વર-દત્ત હોય છે અને અંદર જ હોય છે. બ્યુટી ઈનબિલ્ટ
હોય છે. તે સૌમ્યતા અને પ્રેમથી પ્રગટે છે. શિકાગોની ધર્મપરિષદમાં શ્રોતા તરીકે બેઠેલા
કુ. મનરો સ્વામી વિવેકાનંદના ભાષણ પછી તેમના વ્યક્તિત્વ અને ભાષણ વિશે લખે છે કે ‘ભગવાં
વસ્ત્રોમાં સજ્જ એક દેખાવડા સાધુએ સુંદર અંગ્રેજીમાં શ્રેષ્ઠ વક્તવ્ય આપ્યું’. વિચાર કરો! ગોરી
ચામડીની એક પશ્ર્ચિમની યુવતી ભારતના સાધુ માટે 'handsome' શબ્દનો ઉપયોગ ક્યારે કરે?
તેને વિવેકાનંદ આકર્ષક લાગ્યા હશે તો જને? પ્રેમ, કરુણા, પવિત્રતાથી ભરેલા સ્વામીજીના
આધ્યાત્મિક તેજથી તેઓ સુંદર કહેવાયા. સુંદરતા બહારથી આવે એ ભ્રમણા છે. ગાંધીજીના અંતેવાસી
સ્વામી આનંદ પણ કહેતા કે ‘ફૂલ બનો, ભ્રમર આપોઆપ આવશે.’ હૃદયથી ફૂલ જેવા કોમળ બન્યા
વિના આકર્ષકતા આવતી નથી, આ કુદરતનો નિયમ છે. ગાંધીજી કહેતા કે ‘જ્યાં સુધી તમારા મુખ
પર સ્મિત નથી ત્યાં સુધી તમારો વેશ પૂર્ણ નથી.’. યુવાન મિત્રોએ આ સમજવાની જરૂર છે.
આકર્ષતા માટે માધુરીની ત્રીજી ભલામણ પ્રાર્થનાની પણ છે. પ્રાર્થના અંદરની ચેતનાને જાગ્રત
અને કાર્યાન્વિત કરે છે. પ્રાર્થના એક શક્તિ છે. પ્રાર્થના અંદરના એ આધ્યાત્મને અને
સૌંદર્યને આહ્વાન અથવા આમંત્રણ છે. પ્રાર્થના માનવીના અંદરને શ્રેષ્ઠત્વને બહાર લાવીને
તેને આકર્ષકતા પ્રદાન કરે છે. પ્રાર્થના એ દરેકનો વ્યક્તિગત અને સ્વતંત્ર વિષય છે.
પ્રત્યેક વ્યક્તિ પોતાની પદ્ધતિથી પોતાની રીતે પ્રાર્થના કરી શકે છે. પ્રાર્થના એ અંદરના
શુભ તત્ત્વ સાથેનો સંવાદ છે, જે દરેક માટે જરૂરી છે. એક એક્ટ્રેસ પ્રાર્થનાની વાત કરે
તે પણ ધ્યાન ખેંચે તેવી વાત નથી લાગતી? માધુરીનો સંદેશ સીધો, સરળ અને ટૂંકોટચ છે. શિક્ષક
હો તો અધ્યયન અને વિદ્યાર્થીને પ્રેમ કરો; કલાકાર હો તો કલાને પ્રેમ કરો; સમાજસેવક
હો તો સમાજને પ્રેમ કરો; ભક્ત હો તો ઈશ્ર્વરને પ્રેમ કરો; કર્મચારી હો તો કામને પ્રેમ
કરો; મા-બાપ હો તો સંતાનને પ્રેમ કરો; સંતાન હો તો મા-બાપ્ને પ્રેમ કરો, વૃક્ષને પ્રેમ
કરો, પશુ-પક્ષીને પ્રેમ કરો.
પ્રસન્નતા એ જ
સફળતા
પોતાની મુલાકાતમાં
માધુરી એ બીજી એક અગત્યની વાત કરી તે સફળતા વિશેની છે. તેણે કહ્યું કે ‘મારી પ્રસન્નતા
એ જ મારી સફળતા છે.’ તે સુખને જ સફળતા માને છે. તેને અદાકારી-નૃત્યથી આનંદ મળતો ત્યારે
તેના માટે અદાકારીની સફળતા હતી; આજે જ્યારે ગૃહિણીપદ આનંદ આપે છે ત્યારે તે તેને માટે
સફળતા છે.
આજની સમસ્યા એ
છે કે સફળતા અને સુખ એવા બે ભાગ માણસના મનમાં પડી ગયા છે. ઘણા સફળ લોકો સુખી નથી. ચરિત્ર
કલાકાર એ. કે. હંગલ સફળ કલાકાર હતા, પરંતુ દુ:ખી માનવી છે. ઘણા સફળ વૈજ્ઞાનિક, ઉદ્યોગપતિ,
ડાક્ટર... નિષ્ફળ માનવી તરીકે જીવે છે. સફળતા અને ખાલીપો કદી સાથે જઈ શકે નહીં, પરંતુ
આજકાલ અસંખ્ય કિસ્સાઓમાં તે જોવા મળે છે. યુવાનોએ યાદ રાખવા જેવું છે કે જેમાં આત્માનો
આનંદ, પરમ સંતોષ મળતો હોય તે સ્થિતિ જ સફળતા છે. તમને જે ગમે તે તમે કરો તેના કરતાં
તમે જે કરો તે તમને જ્યારે ગમે ત્યારે તે સ્થિતિ સફળતાની છે. તેંડુલકર રોજના રૂ.
2.5 કરોડ કમાય છે માટે સફળ છે એવું નથી પણ ક્રિકેટ રમવી એ તેના માટે એક ઉત્સવ છે તેથી
તે સફળ છે. સફળતા એટલે આત્માની તૃપ્તિનો અહેસાસ. પછી ભલે તે અહેસાસ નાનકડા કામથી કે
નગણ્ય એવા કામથી થતો હોય! આજે માણસ સુખના ભોગે સફળ થવાની દોટ મૂકી રહ્યો છે. આજે પોતાના
કુટુંબના ચૂરેચૂરા કરીને માણસ અમેરિકા, દુબઈ તરફની દોટ મૂકીને સફળતા મેળવવા નીકળ્યો
છે, પરંતુ તેની કેટલી મોટી કિંમત તે ચૂકવે છે તેની તેને જાણ નથી.
રંજ કરવાનો સમય
જ ક્યાં છે?
શ્રીમતી માધુરી
દીક્ષિત નેનેએ ત્રીજી પણ એક મહત્ત્વની વાત કરી. કોઈએ તેને પૂછ્યું ‘અદાકારીની તકો ગુમાવ્યાનો
તમને રંજ છે ખરો?’ ત્યારે તેણે હસતાં હસતાં કહ્યું ‘અહીં કશુંક ગુમાવ્યાનો રંજ કરવાનો
સમય જ કોની પાસે છે? મારો આખા દિવસનો કાર્યક્રમ ભરચક હોય છે.’ આજની એક મોટી સમસ્યા
એ પણ છે કે મોટા ભાગના લોકો પાસે કોઈ નક્કર કે રચનાત્મક કામ ન હોવાથી તેમને બીજાની
પંચાત કરવાનો, ફરિયાદો કરવાનો, રંજ કરવાનો, બળાપો કાઢતા રહેવાનો ખૂબ સમય મળે છે. ‘આહાહા...
શું એ દિવસો હતા!’ એમ કહીને ભૂતકાળમાં મહાલતા રહીને તે ગુમાવવાનો રંજ લોકો કરતા હોય
છે અને વર્તમાનની વાસ્તવિકતાને અવગણતા હોય છે. માધુરી ખુમારીથી કહે છે કે 'I don't
have time to miss anything.’ ‘આમ થયું હોત તો’, ‘તેમ થયું હોત તો’ જેવી દલીલો કદી
સફળ લોકો કરતા નથી. તેઓ તો આગળને આગળ વધતા જ જાય છે. આવા સક્રિય અને સમર્થ લોકોને અંગ્રેજીમાં
'unstopables' કહે છે. યુવાનો માટે મહત્ત્વનો સંદેશ છે - રંજ કરવાનું છોડો.
હું હૃદયના અવાજને
અનુસરું છું
માણસના જીવનમાં
બુદ્ધિ અને લાગણી વચ્ચે સતત સંઘર્ષ ચાલતો રહે છે. દિલની પ્રત્યેક વાત સામે તર્ક તેનો
મોરચો માંડીને બેઠો હોય છે. દિલ કહે છે - ‘મા-બાપ્ની સેવા કરું!’ તર્ક કહે છે ‘સમય
જ ક્યાં છે?’; દિલ કહે છે - ‘દેશની સેવા કરું!’ ‘તર્ક કહે છે પહેલાં દુબઈ જઈને પૈસા
કમાઈ લે’;
દિલ કહે છે ‘પ્રભુનું નામ લઉં!’ તર્ક કહે છે ‘પ્રભુનું નામ તો પછી પણ લેવાશે હમણાં
ચૂંટણી લડી લે!’ ...આમ દિલ અને બુદ્ધિ વચ્ચે સંઘર્ષ ચાલતો રહે છે અને ચંચળ બુદ્ધિની
મોટા ભાગે જીત થાય છે, પરંતુ સફળ લોકોના જીવનમાં બુદ્ધિ પર લાગણીનો વિજય થાય છે. વિવેકાનંદ,
આંબેડકર, ગાંધીજી, ડા. હેડગેવાર, સરદાર પટેલ... જેવા માણસોના જીવનનો અભ્યાસ કરતાં જણાય
છે કે તેમના હૃદયનો તેમના તર્ક પર વિજય થતો રહ્યો છે. જે માણસ અંદરના અવાજને અનુસરે
છે તેનો રસ્તો સરળ બને છે.
દરેકને હૃદય અને
બુદ્ધિ બંને મળ્યાં છે - વિકલ્પ દરેક સામે ખુલ્લો છે. કોઈ પણ વિકલ્પ વાપરવાની દરેકને
સ્વતંત્રતા છે. માધુરી કહે છે ‘મેં હૃદયનો વિકલ્પ પસંદ કર્યો છે.’ પરિણામ આપણી સામે
છે. ગાંધીજી આજના બુદ્ધિજીવીઓને હૃદયહીન બુદ્ધિજીવીઓ કહેતા. સફળતાને હૃદયના માર્ગ પરથી
પસાર થવું પડે છે. એક સફળ અને ટોચની લોકપ્રિય સિનેતારિકામાંથી એક ગૃહિણીના પદમાં સહજતાથી
સરકી જવું, લોકપ્રિયતામાંથી અનામિકતાના પ્રદેશમાં સરકી જવું કેટલું દુષ્કર છે? પરંતુ
હૃદયનું માનવાથી તે થઈ શકે છે, જે માધુરીએ પોતાના ઉદાહરણથી બતાવ્યું.
જો યુવાનો બુદ્ધિને
બદલે હૃદયને અનુસરતા થાય તો મા-બાપ સાથે રહેનારા, આ દેશ ન છોડનારા, ગામડાઓમાં જઈને
સેવા કરનારાં, નવા નવા પ્રયોગો કરનારા... યુવક-યુવતીઓની સંખ્યામાં અનેકગણો વધારો જરૂર
થાય, કારણ કે દરેકનું હૃદય તો શુભચિંતન જ કરતું હોય છે. રવાડે ચઢાવે છે બુદ્ધિ. જાગતે
રહો ફિલ્મમાં મુકેશના કંઠમાં ગવાયેલા એક ગીતના શબ્દો છે:
દિલને હમસે જો
કહા મૈંને વૈસા હી કિયા, ફિર કભી ફુરસદસે સોચેંગે બુરા થા યા ભલા’
યુવાન મિત્રો
માટેનો અહીં સંદેશ એવો છે કે તેઓ બુદ્ધિને આટલું જ કહે ‘થેન્કયુ વેરી મચ! હું તારી
વાત પર જરૂર વિચાર કરીશ, પણ ઈફ યુ ડોન્ટ માઈન્ડ! જરા હૃદયને પણ પૂછી લઉં. તેના ધબકારા
તે ક્યારનું કાંઈ કહેવા માગે છે!’
નવું નવું શીખવાની
તૈયારી
તે દિવસની નાનકડી
મુલાકાતમાં માધુરીએ ઘણું બધું કહી દીધું. ગાગરમાં સાગર ભરી દીધો. તે દિવસે તેણે એમ
પણ કહ્યું કે ‘મારી આજે પણ ગમે તે શીખવાની તૈયારી છે. હું બાળકો માટે તેમની સાથે ટેક્વેંડો
શીખી રહી છું’
ખરેખર, આ સિક્સર જ કહેવાય! માણસમાં જ્યાં સુધી ઉત્સાહ, કુતૂહલ, જિજ્ઞાસા છે ત્યાં સુધી
તે યુવાન જ છે. યુવાનીને ઉંમર સાથે નહીં, પરંતુ જુસ્સા સાથે સંબંધ છે. ‘એ જિંદગી! ગલે
લગાલે’
એમ જે કહે તે સાચો યુવાન છે. આપણે ત્યાં ઋષિઓ સો વર્ષ જીવવાની ઇચ્છા વ્યક્ત કરતા. શા
માટે? કારણ કે જીવન તેમના માટે એક ઉત્સવ હતું. સૃષ્ટિનાં રહસ્યો શોધી કાઢવાનો તેમને
શોખ હતો. જીવનની આંટીઘૂંટીઓને સમજવામાં તેમને મજા આવતી. કાંઈક નવું જાણવા, કરવા તેઓ
તત્પર રહેતા. જીવન દરરોજ, પ્રત્યેક ક્ષણે કોઈ નવું નિમંત્રણ લઈને આવે છે. ભારતના યુવાનો
પાસે પણ કૃષિ, ઔષધિ, ઉદ્યોગો, પર્યાવરણ, સાહિત્ય, સંસ્કૃત, અર્થતંત્ર, લગ્નસંસ્થા...
જેવા અસંખ્ય વિષયોમાં નવાં નવાં સંશોધનો, પ્રયોગો, સાહસોની અપેક્ષા છે. જે નવું શીખવાનું,
જાણવાનું છોડી દે છે તે વૃદ્ધ છે અને જેની જિજ્ઞાસા અકબંધ છે તે યુવાન છે.
અને છેલ્લે……
માધુરીને નિમિત્તે
બનાવીને આંતરિક સૌંદર્ય, અંતરાત્માના અવાજને અનુસરવું, રંજ ન કરતાં હકારાત્મકતાથી જીવનને
જોવું, મસ્તીથી ખાવું અને જીવનને માણવું, કોઈ પણ પરિસ્થિતિમાં અનુકૂલન સાધવું અને નિર્દોષ
હાસ્ય વેરતા રહેવું એવી કેટલીક મહત્ત્વની વાતો જાણી, જે કદાચ શાળા-કાલેજોમાં નથી જાણવા
મળતી. એક પુસ્તકમાં એક સાથે નથી જોવા મળતી અને કેટલીક વાર તો એક જ વ્યક્તિમાં પણ નથી
જોવા મળતી તેની ચર્ચા કરવાની તક મળી તેનો આનંદ છે.
ઈઝરાયેલના પહેલા
પ્રધાનમંત્રી બેનગુરિયનના સંદર્ભમાં કોઈકે લખ્યું છે કે ‘બેનગુરિયન સાથે વાતો કરતાં
કોઈ પણ એવું જાણી શકે છે કે તે જાણે છે’
...આ જ શબ્દો માધુરીને પણ લાગુ પડતા હોય એમ નથી લાગતુ?