દુનિયામાં કોઈ ને કોઈ આપણા મિત્ર હોવા જોઈએ એવો ભ્રમ ઘણા સેવે છે. કોઈને આપણો મિત્ર બનાવી એની સાથે રહી, એના બળે આપણે આપણું રક્ષણ કરી શકીશું એવું કેટલાક લોકો સમજે છે. આપણું રક્ષણ કરી શકે એવા મિત્રની વાત સાંભળી એક પુરાણી વાર્તા યાદ આવે છે.
પ્રાચીનકાળમાં ઘોડો પાલતુ ન હતો. ઘોડો સ્વતંત્ર રહેતો અને સ્વતંત્ર રીતે વનમાં ફરતો. એક વાર સિંહ એની પાછળ પડ્યો. ઘોડો જીવ બચાવવા દોડવા લાગ્યો. દોડી દોડીને એ થાકી ગયો, પરંતુ સિંહે એનો પીછો છોડ્યો નહિ. ઘોડો થાકીને નિરાશ થઈ ગયો. જીવન પ્રત્યે ઉદાસ થઈ ગયો. સંજોગવશાત્ એને એક માણસ જોવા મળ્યો. એણે એને કહ્યું, ‘અરે ભાઈ! મને આ સિંહથી છોડાવ. મારું રક્ષણ કર.’
માણસ કહે, ‘હું સિંહ સાથે લડી શકું, પણ પગપાળા લડી શકું નહિ. તું મને તારી પીઠ પર બેસવા દે. તારી પીઠ પર બેસી સહેલાઈથી એની સાથે લડી શકીશ અને એને મારી નાખીશ.’
ઘોડાએ માનવીની વાત માની. માનવી ઘોડા પર સવાર થઈ ગયો. એણે સિંહને માર્યો. ઘોડાનો જીવ બચી ગયો. ઘોડો ખૂબ ખુશ થયો. એણે ભક્તિભાવે ગદ્ગદિત થઈ માણસને કહ્યું, ‘ભાઈ, તેં મારા ઉપર મોટો ઉપકાર ર્ક્યો છે. હું કૃતજ્ઞ છું. હવે મારી પીઠ પરથી ઊતરો.’
પેલો માણસ કહે, ‘ભાઈ, તારી પીઠ પર બેસવામાં એટલો બધો આનંદ આવે છે કે હવે નીચે ઊતરવાનું મન જ થતું નથી.’ કહેવાય છે કે એ દિવસથી ઘોડો માણસનો ગુલામ બની ગયો.
કોઈને મદદે બોલાવો તો એ આપણે ખભે બેસી જશે અને પછી ઊતરવાનું નામ જ નહિ લે. સ્વેચ્છાએ એ ઊતરે તો ઊતરે. એને ઉતારવાની આપણામાં તાકાત નહિ હોય તો કેવળ આત્મીયતાને કારણે એ ક્યારેય નહિ ઊતરે. કોઈ ને કોઈ રીતે એ પછી તો એના ગુલામ બનીને રહેવું જ પડે છે.