ઈ.સ. 1923માં દુનિયાના નવ સૌથી ધનાઢ્ય લોકો શિકાગોની એડ્સવોટર બીચ હોટેલમાં ભેગા થયા હતા. માત્ર આ નવ ધનિકોની કુલ સંપત્તિ એ વખતે યુનાઈટેડ સ્ટેટ્સની કુલ સંપત્તિને આંબી જાય એટલી વિશાળ હતી. એવું કહી શકાય કે કરોડોની વસ્તી ધરાવતા આખાયે યુનાઈટેડ સ્ટેટ્સની જનતા અને સરકાર પાસે જેટલું ધન નહોતું એટલું ધન માત્ર નવ લોકો પાસે હતું. પૈસો કેવી રીતે બનાવવો અને એને કેવી રીતે જાળવવો એ આ નવ ધનપતિઓ સારી રીતે જાણતા હતા.
એ દિવસે હોટેલમાં તેઓ એની જ ચર્ચા માટે ભેગા થયા હતા કે વધુમાં વધુ પૈસો કેવી રીતે કમાવાય, એને કેવી રીતે જળવાય અને સુખી કેવી રીતે થવાય. યુનાઈટેડ સ્ટેટ્સના લોકોને જ નહીં દુનિયાભરના લોકોને આ નવ લોકોના નસીબની ઈર્ષા આવતી હતી, બધા એમની સાથે રહેવાની અને એમની પાસેથી પૈસા કમાવાની રીતો શીખવા માંગતા હતા.
- આ નવ ધનપતિઓની યાદી આ મુજબની હતી...
1. દુનિયાની સૌથી મોટી સ્ટીલ કંપ્નીના પ્રેસિડેન્ટ.
2. દુનિયાની સૌથી વિશાળ યુટિલીટી કંપ્નીના પ્રેસિડેન્ટ.
3. દુનિયાની સૌથી વિશાળ ગસ કંપ્નીના પ્રેસિડેન્ટ.
4. ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ.
5. બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના પ્રેસિડેન્ટ.
6. દુનિયાની સૌથી મોટા ઘઉંના વેપારી.
7. વોલ સ્ટ્રીટના માંધાતા.
8. મેમ્બર ઓફ પ્રેસિડેન્ટ હાર્ડિંગ્સ કેબિનેટ.
9. દુનિયાની ગ્રેટેસ્ટ મોનોપોલી માર્કેટના હેડ.
ઈ.સ. 1923માં આ નવે નવ લોકોએ શિકાગોની એ હોટેલમાં ખૂબ ચર્ચાઓ કરી અને એ પછી પણ આખી દુનિયાને પૈસા કમાવા અને પૈસા બચાવવા વિશે પ્રવચનો, ભાષણો અને ટીપ્સ આપતા રહ્યા. વિચાર કરો કે જો એ વખતે એમની પાસે અરબો-ખરબોની સંપત્તિ હોય તો એ પછીનાં
25 વર્ષ પછી એ લોકો ક્યાં હશે? વાંચશો તો ચોંકી જશો... એક પછી એક શરૂઆત કરીએ...
1. પચ્ચીસ વર્ષ પહેલાંની દુનિયાની સૌથી વિશાળ સ્ટીલ કંપ્ની એટલે કે બેથલહામ સ્ટીલ કોર્પના પ્રેસિડેન્ટ ચાર્લ્સ એમ સ્કોવને ગુજરી ગયાને એ વખતે પાંચ વર્ષ વીતી ગયાં હતાં અને આશ્ર્ચર્યની વાત તો એ છે કે એ મર્યા ત્યારે ઉછીના લીધેલા પૈસા પર જીવ્યા હતા. એટલે કે દેવું કરીને એમણે એમની પાછલી જિંદગી ગુજારી હતી.
2. પચ્ચીસ વર્ષ પહેલાંની દુનિયાની સૌથી વિશાળ યુટિલીટી કંપ્નીના પ્રેસિડેન્ટ સેમ્યુલ ઇનસ્યુલ મર્યા ત્યારે સાવ નિરાધાર અવસ્થામાં મર્યા હતા. ન તો એમની પાસે એકે પૈસો હતો ન તો સગાંવહાલાં.
3. પચ્ચીસ વર્ષ પહેલાંની દુનિયાની સૌથી વિશાળ ગસ કંપ્નીના પ્રેસિડેન્ટ હાવર્ડ હબ્સન એમની જિંદગીનાં પાછલાં વર્ષોમાં પાગલ થઈ ગયા અને એમ જ મરી ગયા.
4. પચ્ચીસ વર્ષ પહેલાંના ન્યુયોર્ક સ્ટોક એક્સચેન્જના પ્રેસિડેન્ટ રિચાર્ડ વિટનિય ગંભીર ગુના સબબ જેલમાં હતા અને ત્યાં જ અવસાન પામ્યા.
5. પચ્ચીસ પહેલાંના બેંક ઓફ ઇન્ટરનેશનલ સેટલમેન્ટના પ્રેસિડેન્ટ લીઅન ફાસરે પૈસાના અભાવે આત્મહત્યા કરીને જીવન ટૂંકાવી દીધું હતું.
6. પચ્ચીસ વર્ષ પહેલાંના સૌથી મોટા ઘઉંના વેપારી આર્થર કટને દેવાળું કાઢ્યું હતું અને એના આઘાતમાં એ ગુજરી ગયા.
7. પચ્ચીસ વર્ષ પહેલાંના વોલ સ્ટ્રિટના માંધાતા જેસ્સે લીવરમોરે આત્મહત્યા કરી હતી.
8. પચ્ચીસ વર્ષ પહેલાં મેમ્બર ઓફ યુનાઇટેડ પ્રેસિડેન્ટ્સ કેબિનેટ રહી ચૂકેલા આલ્બર્ટ ફોલને જેલમાંથી છોડી મુકાયા હતા, કારણ કે તેઓ શાંતિથી મરી શકે.
9. પચ્ચીસ વર્ષ પહેલાં દુનિયાની ગ્રેટેસ્ટ મોનોપોલી માર્કેટના હેડ રહી ચૂકેલા ઈવર ક્રુએગરે આત્મહત્યા કરી હતી.
* * * *
ઉપર જે ઉદાહરણો આપ્યાં છે એ નવે નવ નામો સાચ્ચાં છે અને હકીકતો પણ સાચ્ચી છે. જે નવ લોકો આખી દુનિયાના સૌથી ધનવાન માણસોમાંના એક હતા એ જ લોકો માત્ર પચ્ચીસ જ વર્ષ બાદ કશું જ નહોતા. એ લોકો જ્યારે પૈસા કેવી રીતે બનાવવા એ સલાહ આપવામાં મશગૂલ હતા ત્યારે જીવન કેવી રીતે જીવવું એ પોતે જ ભૂલી ગયા હતા અને એના પરિણામ સ્વરૂપે જ એ લોકો કાં તો ગાંડા થઈ ગયા હતા, કાં તો નાદાર થઈ ગયા હતા, કાં તો જેલમાં હતા અને કાં તો આત્મહત્યા કરવી પડી હતી.
આજે દુનિયામાં દરેક માણસ પૈસા પાછળ આંધળો બની દોડી રહ્યો છે ત્યારે એણે આ નવ ધનપતિઓની સત્યઘટનામાંથી કંઈક પાઠ શીખવાની જરૂર છે. પૈસા જરૂરી છે પણ એની પાછળની દોડમાં આપણે આપણી ફેમિલી જરૂરિયાતો પૂરી ના કરીએ એવું ના બનવું જોઈએ.
***
નાવને તરતી રાખવી હોય તો પાણી ખૂબ જ જરૂરી છે. પાણી વિના નાવ ના તરે એ સત્યઘટના છે. પણ સાથે સાથે એ હકીકત પણ યાદ રાખવી જોઈએ કે જો પાણી વધી જાય અને નાવમાં પ્રવેશી જાય તો નાવ ડૂબી જતી હોય છે. પૈસાનું પણ એવું જ છે, જીવન તરવા માટે જરૂરી છે પણ વધી જાય તો જીવનને ડૂબાડી પણ દે છે...