સુખની શક્યતા
ફિલસૂફ બટર્રાન્ડ રસેલ એક વાર ઊંડા ચિંતનમાં ડૂબેલા બેઠા હતાં. ત્યાં એક મિત્રે આવીને પૂછ્યું, ‘‘આટલી બધા તલ્લીન શેના વિચારમાં થઈ ગયા છો ?’’
‘‘મેં એક વિચિત્ર શોધ કરી છે.’’ રસેલે જવાબ આપ્યો, ‘‘જ્યારે જ્યારે હું કોઈ જ્ઞાનીની સાથે વાત કરું છું ત્યારે મને પ્રતીતિ થાય છે કે સુખની હવે ક્યાંય કોઈ શક્યતા રહી નથી અને મારા માળી સાથે વાત કરતા મને તદ્દન ઊલટી જ વાતની પ્રતીતિ થાય છે.’’
ધનવાન
એક વખત એક માણસ ગ્રીસ દેશના મોટા તત્ત્વજ્ઞાની ડાયોજિનીસની પાસે આવીને પોતે પણ કેટલો મોટો જ્ઞાની છે એ બતાવવા ડંફાસ મારતો કહેવા લાગ્યો, ‘‘તમે તો શું, તમારા કરતાંય મોટા મોટા વિદ્વાનોને હું મળ્યો છું, તેમની સાથે તત્ત્વજ્ઞાનની કેટલીય વાતચીત કરી છે.’’
ડાયોજિનીસ ધીમા સ્વરે બોલ્યા, ‘‘એમ ? મેં પણ દુનિયાના મોટા મોટા ધનવાનો જોયા છે, તેમને મળ્યો પણ છું, તેમની સાથે ઘણી વાતચીત પણ કરી છે, પરંતુ આમ કરવાથી હું ધનવાન નથી બન્યો !’’
ભાર
014.jpgડુંગરનું ચઢાણ આકરું હતું, બધા યાત્રાળુઓના મોં પર થાકના ચિહ્નો જણાતા હતાં. બધાની સાથે બારેક વરસની એક છોકરી પણ પર્વત ચઢી રહી હતી. કેડે ચારેક વરસનો છોકરો તેડ્યો હતો. કોઈકે દયાથી પૂછ્યું, ‘‘અલી છોકરી, આ છોકરાને ઊંચકીને ચડે છે તો તને ભાર નથી લાગતો ?’’
છોકરીએ જવાબ આપ્યો, ‘‘ભાર ! ના - રે, એ તો મારો ભાઈ છે !’’
સ્વર્ગ અને નર્ક
એકાંત સેવી અવધૂત એવા મસ્તરામ પાસે જઈને રાજાએ સવાલ પૂછ્યો, ‘‘મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો ?’’ અવધૂતે કોઈ જવાબ આપ્યો નહીં, રાજાએ ફરીથી એક વખત તેમને કહ્યું, ‘‘મને સ્વર્ગ અને નર્કના દ્વાર બતાવશો ?’’ અવધૂતે તેમની સામે તુચ્છકારભર્યંુ હાસ્ય કર્યંુ, રાજા હવે ઊભો થઈ જોરથી બરાડવા જતો હતો એટલામાં અવધૂતે કહ્યું, ‘‘તું કોણ છે ?’’ રાજા કહે, ‘‘હું રાજા છું આ આખાય નગરનો.’’ અવધૂત કહે, ‘‘તારા દીદાર તો ભિખારી જેવા છે... તું અને રાજા ?’’ રાજાનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો. તેણે તલવારની મૂઠ પર હાથ મૂક્યો, અવધૂત કહે, ‘‘એ કટાયેલી તલવારને ચલાવવાનું આવડે છે ?’’ રાજા તેમને તલવારથી મારવા જ જતો હતો કે અવધૂત બોલ્યા, ‘‘રાજન જુઓ, નરકના દ્વાર ખુલી રહ્યાં છે.’’ રાજાને સત્ય સમજાયું, તે અવધૂતના ચરણોમાં નમી પડ્યો, માફી માંગી પસ્તાવો વ્યક્ત કરવા લાગ્યો, અવધૂત કહે, ‘‘રાજન જુઓ, હવે સ્વર્ગના દ્વાર ખુલવા લાગ્યા છે.’’