આ રીતે બને છે ટુથ-પેસ્ટ
ટુથ પેસ્ટની બનાવટમાં અનેક ચીજોનો ઉપયોગ થાય છે, પરંતુ તેમાં સૌથી મહત્ત્વપૂર્ણ હોય છે ફલોરાઈડ જે કીટાણુઓથી દાંતોની રક્ષા કરે છે. કેલ્શિયમ ફોસ્ફેટ, એલ્યુમિના, કેલ્શિયમ કારબોનેટ અને સિલિકા કે જે દાંતોની સફાઈ કરે છે અને સોડિયમ લોરિલ સલ્ફેટ જે ફીણ ઉત્પ્ન્ન કરે છે. આ ઉપરાંત ટુથપેસ્ટને નરમ રાખવા માટે ગ્લિસરિન, સોરબિટલ અને પાણી ઉમેરવામાં આવે છે અને ટુથ પેસ્ટ લાંબા સમય સુધી ખરાબ ન થઈ જાય એ માટે તેમાં પ્રિઝર્વેટિવ્સ ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત સ્વાદ અને રંગ માટે અલગ-અલગ તત્ત્વો ઉમેરવામાં આવે છે.
પ્રસિદ્ધ વૈજ્ઞાનિક જ્યોર્જ ઇસ્ટમેને આત્મહત્યા શું કામ કરી હતી
કોડાક કંપ્નીના સંસ્થાપક જ્યોર્જ ઇસ્ટમેને કેટલાંય વર્ષોની મહેનત બાદ ફોટોગ્રાફી માટે ડ્રાઈટલેટસ બનાવી હતી અને ત્યાર બાદ કમેરા માટે રીલ તૈયાર કરવામાં આવી હતી અને સાથે સાથે એક હલકા કમેરાનું નિર્માણ કર્યું હતું. વર્ષ 1888માં જ્યારે આ કમેરો બજારમાં આવ્યો ત્યારે ઇસ્ટમેન દ્વારા સૂત્ર આપવામાં આવ્યું: ‘તમે માત્ર બટન દબાવો બાકી અમે જોઈ લઈશું.’ ઇસ્ટમેન એક મોટા સંશોધનકાર હોવાની સાથે સાથે ખૂબ જ સારા વ્યક્તિ પણ હતા, પરંતુ સિત્તેર વર્ષની ઉંમરે આ મહાન વૈજ્ઞાનિકને એક એવી તકલીફે ભરડામાં લીધા કે ના છૂટકે તેઓએ આત્મહત્યા કરી લીધી. ઇસ્ટમેનની કરોડરજ્જૂના નીચેના ભાગની તમામ કોશિકાઓ સખત થઈ ગઈ હતી, જેના પરિણામે તેમનું હલનચલન સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું. આ બીમારી લાઈલાજ હોવાથી સાજા થવાનું પણ શક્ય ન હતું, છેવટે પીડા સામે હારીને તેઓએ 14 માર્ચ, 1932ના રોજ આત્મહત્યા કરી લીધી હતી.
વિશ્ર્વનું સૌથી મોટું ફૂલ (સડેલી લાશ જેવું બદબૂદાર ફૂલ)
વિશ્ર્વના સૌથી મોટા ફૂલનું નામ રફ્લેશિયા છે. તે દક્ષિણ પૂર્વીય એશિયાનાં જંગલોમાં જોવા મળે છે. તેનું રફ્લેશિયા નામ સિંગાપુરના સંસ્થાપક સર ટામસ સ્ટેમ્ફર્ડ બિગલ રેફલ્સના નામ પરથી રાખવામાં આવ્યું છે અને આ ફૂલ કાબરચીતરા નારંગી ભૂરા કલરમાં હોય છે, પરંતુ આ ફૂલ સુગંધને બદલે બદબૂ ફેલાવે છે. તેથી તેને સ્ટિકિંગ કાટર્સ લિલી પણ કહેવામાં આવે છે, એટલે કે સડેલી લાશ જેવી ગંધવાળું ફૂલ. આ ફૂલનો ઘેરાવ ત્રણ ફૂટ સુધીનો હોય છે.
પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તેવું કહેનાર સૌપ્રથમ વિજ્ઞાની
નિકોલસ કોપરનિક્સ દ્વારા સૌપ્રથમ આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો. કોપરનિક્સને આધુનિક ખગોળ વિજ્ઞાનના પિતા માનવામાં આવે છે. સ.ન. 1530માં તેઓએ પોતાની રચના ડિ રિવાલ્યુશનિબસ પૂરી કરી હતી, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે પૃથ્વી પોતાની ધરી પર દરરોજ એક ચક્કર લગાવે છે, જ્યારે સૂર્યનું ચક્કર લગાવતાં પૃથ્વીને એક વર્ષનો સમય લાગે છે. જોકે ભારતનો દાવો છે કે છેક આર્યભટ્ટના સમયથી ભારતના વિજ્ઞાનીઓ આ જાણતા હતા.
આપણને તરસ શું કામ લાગે છે...
આપણને તરસ એટલા માટે લાગે છે કે આપણા શરીરમાં પાણીની અછત સર્જાય છે અને આપણું શરીર જે તત્ત્વોનું બનેલું છે તેમાં 2/3 પાણી હોય છે અને વિવિધ રીતે આપણા શરીરમાંથી દરરોજ ત્રણ લિટર જેટલું પાણી નીકળી જાય છે, જેમાંથી અડધા લિટર જેટલું પરસેવા મારફતે એક લિટર શ્ર્વાસોચ્છ્વાસ મારફત અને દોઢ લિટર જેટલું પેશાબ મારફતે નીકળી જાય છે. માટે જો આપણે પૂરતા પ્રમાણમાં પાણી નહિ પીએ તો આપણા શરીરમાં પાણીની અછત સર્જાય છે. સામાન્ય રીતે દરેક વ્યક્તિએ દૈનિક છથી આઠ ગ્લાસ જેટલું પાણી પીવું જોઈએ.