હળદરનું કાર્ય પાચનતંત્ર, રસ, રક્ત વગેરે બધી ધાતુઓ અને વાત, પિત્ત, કફ એ ત્રણેય દોષો પર પ્રભાવશાળી હોય છે. તેમાંય કફધાતુ પર તેનો પ્રભાવ વધારે પડે છે. હળદરના ઉપયોગથી કફપિત્તની વિકૃતિ નષ્ટ થાય છે. હળદરમાં દોષોને સૂકવવાનો ગુણ છે. તેથી શ્ર્લેષ્મિક કલાઓમાં કફની ઉત્પત્તિ વધારે થતી હોય, વિકૃત કફ અથવા આમવિષ શરીરના કોઈપણ ભાગમાં એકઠું થયું હોય તો તેને દૂર કરે છે અને બાળી નાખે છે. હળદરમાં વાતશામક ગુણ હોવાથી ઠંડી લાગીને થતા વાતનાડીના દાહ પર તે ખાવા માટે અપાય છે અને તેની બાહ્ય માલિસ પણ કરાય છે. હળદર પિત્તવિકૃતિ પર ફાયદાકારક હોવાથી કમળા અને પિત્તપ્રમેહ પર તેનો ઉપયોગ થાય છે તેમ જ પાંડુરોગ પર લોહી સાથે આપવાથી જલદી ગુણ આપે છે. હળદરમાં જંતુનાશક, દુર્ગંધહર, વિષહર અને લોહીને પ્રસરાવવાનો ગુણ હોવાથી રક્તવિકાર, કંડૂ, ત્વચારોગ, ગડગૂમડ, સડેલા વ્રણ, વગેરે પર તેનો લેપ અને પોટીસ કરાય છે. મૂઢ માર પર હળદરનો ઉપયોગ જાણીતો છે.
# હળદરનું ચૂર્ણ અને જવખાર સરખે ભાગે લઈ ગરમ પાણી સાથે પીવાથી જુદાં જુદાં ગામોનાં પાણીની ખરાબ અસર થતી નથી.
# ગરમ કરેલા દૂધમાં ચપટી હળદર નાખી રાત્રે પીવાથી સ્વરભેદ થયો હોય, સાદ બેસી ગયો હોય તો તે ઊઘડે છે.
# હળદર અને દૂધ ગરમ કરી તેમાં સહેજ મીઠું અને ગોળ નાખીને પિવડાવવાથી બાળકોને શરદી, કફ અને સસણી મટે છે.
# ગરમ કરેલા દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાથી સળેખમ, કફ અને ઉધરસમાં ફાયદો કરે છે.
# હળદરનો કકડો શેકી રાત્રે સૂતી વખતે મોંમાં રાખવાથી સળેખમ, કફ અને ઉધરસમાં ફાયદો કરે છે. ત્રાસ આપતી ખાંસી પણ તેનાથી ઓછી થાય છે.
# હળદરની ધુમાડીનો નાસ લેવાથી શરદી અને સળેખમ તરત જ મટે છે.
# આમળાના રસમાં કે ઉકાળામાં મધ અને હળદર નાખી પીવાથી પેશાબ માર્ગે જતું પરુ બંધ થાય છે.
# હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો કરે છે.
# હળદરનું ચૂર્ણ એક તોલો અને દહીં ચાર તોલાનું થોડા દિવસ સુધી સેવન કરવાથી કમળો મટે છે. પાંડુરોગ અને યકૃત વિકારમાં પણ એ ફાયદો કરે છે.
# બકરીના મૂત્રમાં હળદર મેળવીને પીવાથી મળબદ્ધતા, કબજિયાત મટે છે.
# ગાયના મૂત્રમાં પા કે અર્ધો તોલો હળદર મેળવીને પીવાથી કોઢ મટે છે.
# ગોમૂત્રમાં હળદરનું ચૂર્ણ તથા ગોળ મેળવીને કેટલાક દિવસ પીવાથી શ્ર્લીપદ - હાથીપગાનો રોગ મટે છે.
# હળદર અને જૂનો ગોળ છાસમાં મેળવીને પીવાથી પથરીમાં ફાયદો કરે છે.
# હળદર અને સાકર પાણીમાં મેળવીને પિવડાવવાથી મૂર્છા મટે છે.
# શીતળાનો રોગ - વાવર ચાલતો હોય ત્યારે આમલીનાં પાન અને હળદરના ઠંડા પાણીમાં વાટીને પીવાથી શીતળા નીકળવાનો ભય રહેતો નથી.
# હળદરનો ગાંઠિયો શેકી, તેનું ચૂર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી અર્શ-મસામાં ફાયદો કરે છે. કુંવારના ગર્ભમાં હળદર મેળવી, બંનેને પીસી, સહેજ ગરમ કરી, અર્શ-મસા પર તેનો લેપ કરવાથી અથવા પોટીસ બાંધવાથી પણ મસા નરમ પડે છે અને રાહત થાય છે.
# હળદરનો ગાંઠિયો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી ગાયના ઘીમાં પીસી, અર્શ-મસા પર લેપ કરવાથી મસા નરમ પડી તરત જ સણકા બંધ થાય છે.
# હળદરને કુંવારના ગર્ભમાં વાટીને સ્તન પર તેનો લેપ કરવાથી સ્તનનો સોજો મટે છે.
# હળદર અને કાથાનું બારીક ચૂર્ણ કરી શીતળાના ઝમી ગયેલા વ્રણ પર ભભરાવવાથી ફાયદો કરે છે.
# હળદર અને કળીચૂનાનો લેપ કરવાથી મૂઢ મારનો સોજો મટે છે.
# હળદર, જૂની માટી તથા મીઠું એકત્ર કરી, પાણી મેળવી, અગ્નિ પર મૂકી, ખદખદાવી, સહેવાય તેવો ગરમાગરમ લેપ કરવાથી મૂઢ મારનો સોજો મટે છે અને પીડા ઓછી થાય છે.
# હળદરને વાગેલા ઘા પર દબાવી દેવાથી ઘા-વ્રણમાંથી નીકળતું લોહી બંધ થાય છે અને ઘા રુઝાઈ જાય છે.
# હળદરને તેલમાં કકડાવી તે તેલ જલદી ન રુઝાતા અને વારંવાર ભરાતા ઘા-જખમ પર ચોપડવાથી ખૂબ જ ફાયદો કરે છે તેમ જ તે જલદી રુઝાઈ જાય છે.
# હળદર અને ફુલાવેલી ફટકડી એકત્ર કરી કાનમાં નાખવાથી કર્ણપાક અને કર્ણસ્રાવ જલદી મટે છે.
# હળદરને સોળગણા પાણીમાં ઉકાળી, બેવડ વાળેલા સ્વચ્છ કપડાથી ગાળી, શીશીમાં ભરી, તેનાં બબ્બે ટીપાં દિવસમાં બે વાર આંખમાં નાખવાથી દુખતી આંખો તેમજ આંખનાં ફૂલાં મટે છે.
# હળદરનો ગાંગડો તુવેરની દાળમાં બાફી, છાંયડે સૂકવી. પાણીમાં ઘસી, સૂર્યાસ્ત પહેલાં દિવસમાં બે વાર આંખમાં આંજવાથી ઝામર, ધોળા ફૂલાં અને આંખોની રતાશ મટે છે.
# હળદરની ભૂકી દેવતામાં નાખી, તેનો ધુમાડો વીંછીના ડંખને આપવાથી વીંછી ઊતરે છે. હળદરની ભૂકી ચલમમાં નાખી તમાકુની માફક પીવાથી પણ વીંછી ઊતરે છે. હળદરને ઘસીને, સહેજ ગરમ કરી જંતુના ડંખ પર લેપ કરવાથી આરામ થાય છે.
(માધવ ચૌધરી લિખિત ‘આહાર એ જ ઔષધ’ પુસ્તકમાંથી સાભાર)