દિશા વાકાણી - ‘લાલી લીલા’ની લાલી ‘દયા’ બની ઓર નિખરી છે....
સબ ચનલ પર આવતી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકે જોતજોતામાં દસ વર્ષ પૂર્ણ કરી લીધાં છે. કામેડી ધારાવાહિક તરીકે સફળતાનો ઇતિહાસ સર્જનાર આ સીરિયલનાં દરેક પાત્રો આજે દર્શકોને તેમના જીવનનો એક ભાગ લાગવા લાગ્યાં છે. સીરિયલને સફળતાની ટોચે પહોંચાડવામાં આમ તો તેનાં બધાં જ પાત્રોનો યથાયોગ્ય ફાળો છે, પરંતુ, ટિપિકલ ગુજરાતી ગૃહિણીની ઓળખ સમાન બની ગયેલા દયાભાભીના પાત્રે આ સીરિયલને ઘર-ઘર સુધી જાણીતી કરવામાં સિંહફાળો આપ્યો છે. દયાભાભી ઉર્ફે દિશા વાકાણીએ અહીં સુધી પહોંચતા પહેલાં અનેક સંઘર્ષો કર્યા છે. તેના પિતા ખૂબ નાટકોના પ્રોડ્યુસર, ડિરેકટર અને અચ્છા એકટર હોવા છતાં પણ દિશાએ પોતાની આગવી ઓળખ માટે આપબળે મહેનત કરી છે...
દસ વર્ષ પહેલાં જ્યારે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ધારાવાહિકનાં પાત્રોને અંતિમ ટચ અપાઈ રહ્યો હતો, ત્યારની આ ઘટના છે. અગાઉ નાટકોમાં નાના-મોટા અને છૂટાછવાયા ગંભીર રોલ કર્યા બાદ દિશા વાકાણી નામની એક નાટ્ય કલાકારને ધારાવાહિકના દયાભાભીના પાત્ર માટે પસંદ કરવામાં આવી હતી. નાટકના મુખ્ય પાત્ર જેઠાલાલ ઉર્ફે દિલીપ જોષી દિશા વાકાણીના અગાઉના અભિનયોથી સુપેરે પરિચિત હતા. એકવાર નાટકના બક સ્ટેજમાં દિશા એકદમ ઘેઘૂર અવાજમાં મોં વાંકું-ચૂકું કરીને કોઈની મિમીક્રી કરી રહી હતી. એ ઘટના દિલીપ જોષીએ નજરે નિહાળેલી અને બસ, પાત્રોનો આ ફાઇનલ ટચ અપાતો હતો, ત્યારે તેમણે સીરિયલના ડાયરેક્ટરને કહ્યું, દયાભાભીના જે સંવાદો છે, એ દિશા પાસે તે જે મિમીક્રી કરે છે તેવા અવાજમાં બોલાવીએ તો ? ડિરેક્ટરને પહેલાં તો આ ન રુચ્યું, પણ દિલીપ જોષીએ દિશા પાસે એક રિહસર્લ આ લહેકામાં કરાવી જોયું. અને બસ, એ પછી તો દિલીપ જોષી અને ડિરેક્ટરને આ લહેકો એટલો ગમી ગયો કે તેમણે દયાભાભીનો અવાજ આ જ રાખવાનું ઠેરવ્યું.બસ ત્યારની ઘડી અને આજનો દિવસ. દયાભાભી તેમના ઘેઘૂરા અવાજ સાથે આજે એટલાં લોકપ્રિય થઈ ગયાં છે કે તેમની સામે એકતાબહેનની ટિપિકલ નાયિકાઓ તુલસીઓ અને કમોલિકાઓ પણ પાછી પડે !
તારક મહેતા કા...માં દયાભાભીનું પાત્ર ભજવતી દિશા વાકાણીના લોહીમાં જ આમ તો અભિનય રહેલો છે. તેના પિતા ભીમ વાકાણી નાટ્ય મંચના મંજાયેલા અભિનેતા કહેવાય છે. વળી, તેમણે કેટલાંક નાટકોનું દિગ્દર્શન પણ કરેલું છે અને નાટકો પ્રોડ્યુસ કરવાના પણ પ્રયોગો કરેલા છે. પિતાના આ ગુણ દિશાને વારસામાં મળે એ સ્વાભાવિક છે. અને થયું પણ એમ જ. દિશામાં પિતાના જેટલી જ કહો કે આજની તારીખે તો કહેવું પડે કે પિતા કરતાં પણ સવાયી અભિનયક્ષમતા તેનામાં કેળવાઈ છે. અલબત્ત તેને પિતા તરફથી અભિનયના ગુણ જરૂર મળ્યા, પણ તેણે ટેલિવિઝનની દુનિયામાં સિક્કો જમાવવાનું કામ તો પિતાના બળ કરતાં વધુ આપબળે જ કર્યું.
મૂળ અમદાવાદની દિશાએ છેક તે આઠ-દસ વર્ષની હતી ત્યારથી જ અભિનય કરવાનું શરૂ કરી દીધું હતું. સ્કૂલમાં ફેન્સી ડ્રેસ કે નાટકોની હરીફાઈમાં તે ભાગ લેતી. એ પછી તો તેના પિતા ભીમ વાકાણીએ દિગ્દર્શિત કે પ્રોડ્યુસ કરેલાં નાટકોમાં તે બાળ કલાકાર તરીકે કામ કરતી. જો કે ત્યારે તો તેને ચીંધવામાં આવે એટલું કરવાનું રહેતું, છતાં નાનકડી દિશાનાં વખાણ એના ગોળમટોળ ગાલ ખેંચીને સાથી કલાકારો કરી લેતા. કદાચ, એટલે જ દિશા માને છે કે તેનામાં રહેલો અભિનયનો કીડો મોટો થઈ શક્યો એનું કારણ એ કાળે મળતી પ્રશંસા અને કામ જ હતું. કારણ કે બાળમાનસમાં આ દરમિયાન થયેલા અનુભવો અને પ્રશંસા ખાસ્સી અસર પાડતાં હોય છે. બાળપણમાં દિશાએ ‘મંગળફેરા, ‘પહેલો સગો’ વગેરે નાટકોમાં કામ કરેલું. આ જ ગાળામાં દૂરદર્શન પર આવતી ખજાનો જેવી ગુજરાતી સીરિયલમાં પણ દિશાએ અભિનય કર્યો હતો.
અમદાવાદની સિદ્ધાર્થ સ્કૂલમાં ભણતી દિશાનો અભ્યાસ જેમ-જેમ આગળ વધતો જતો હતો, એમ નાટકો કરવા તરફની તેની રુચિ પશનમાં પલટાતી જતી હતી. એક્ટિંગ માટેની વર્કશોપમાં પણ દિશા ભાગ લેતી. બારમા ધોરણની પરીક્ષા આપ્યાના થોડા જ દિવસોમાં દિશાએ ઇન્ડિયન નેશનલ થિયેટરના આઘાત નામના નાટકમાં કામ કર્યું, જેના બદલ દિશાને શ્રેષ્ઠ અભિનયનો અવોર્ડ પણ મળ્યો. સ્કૂલ છોડ્યા બાદ દિશાએ નક્કી કરી લીધું કે હવે તે કરીઅર પણ આ જ દિશામાં આગળ વધારશે. એ સમયે શ્રેષ્ઠ કાલેજોમાંથી જેની ગણના થતી હતી એ ગુજરાત કાલેજમાં નાટકનો ડિપ્લોમા કોર્સ કર્યો.
જો કે કાલેજમાંથી સર્ટિફિકેટ મળી જાય એટલે તરત જ કરિઅર ટોચે પહોંચી જાય છે, તેવું નથી હોતું. દિશાના કિસ્સામાં આમ જ થયું. તેણે શરૂઆતના તબક્કે કોઈ નાટકોમાં કલાકારનું રીપ્લેસમેન્ટ હોય તેવી અથવા બહુ નાની-નાની ભૂમિકા ભજવવી પડતી. તેના પિતા આ ક્ષેત્ર સાથે સંકળાયેલા હોવાથી તેઓ દિશાને માર્ગદર્શન ચોક્કસ આપતા, પરતું, કારકિર્દીનો પથ તો દિશાએ જાતે જ કંડારવાનો હતો. આવી જ એક રીપ્લેસમેન્ટની ભૂમિકાએ દિશાની અભિનયક્ષમતાને વ્યાપક સ્તરે ઓળખ અપાવવાનું કામ કર્યું. બન્યું એમ કે મુંબઈથી દેરાણી-જેઠાણી નામનું નાટક અમદાવાદ ખાતે શો લઈને આવ્યું હતું. આ નાટકમાં એક નર્સની નાની અમથી ભૂમિકા હતી. ત્યાંથી કલાકાર લાવવાને બદલે દિગ્દર્શકો આવી નાની ભૂમિકાઓ માટે અમદાવાદના જ કલાકારોનો ઉપયોગ કરતા. બસ, આ નાનકડી ભૂમિકા દિશાને મળી ગઈ. દિશાનો અભિનય દિગ્દર્શકને ગમ્યો પણ ખરો. થોડા સમય બાદ આ નાટક અમેરિકા ગયું. અને ખુદ દિશાને પણ નવાઈ લાગે તેવી ઘટના એ બની કે નાટકના દિગ્દર્શકે તેને નાટકની મુખ્ય ભૂમિકા દેરાણીનો રોલ આપ્યો. એકાએક જ દિશાનું નસીબ ચમકી ઊઠ્યું. એ પછી તો દિશાની અભિનયક્ષમતાને ધાર આપે તેવાં અનેક નાટકોમાં કામ કર્યું.
પરંતુ, દિશાને ખબર હતી કે જો કરીઅર બનાવવી હશે તો મુંબઈ ગયા વિના છૂટકો નહતો. કાલેજના છેલ્લા વર્ષની પરીક્ષા બાકી હતી ને બહેને ઘરમાં એક દિવસ ધડાકો કર્યો, પપ્પા, મારે મુંબઈ જવું છે અને તમે પણ મારી સાથે ચાલો. જો કે ખુદ દિશા કહે છે એમ તેણે ઘરમાં આ વાત તો કરી દીધી પણ તેણે જરાય વિચાર્યું નહોતું કે અહીં તેનો આખો પરિવાર વસે છે, મમ્મી-પપ્પા શિક્ષક છે, ભાઈ મયૂર અને તેની નાની બહેન ભણી રહ્યાં છે અને અચાનક કેવી રીતે આમ બધું છોડીને જતા રહેવાય ? પરિવારે તેને ખૂબ સમજાવી. પિતાએ કહ્યું, તું પરીક્ષા આપી દે પછી વિચારીશું. પણ દિશા મક્કમ હતી. છેવટે પોતાની લાડકી દીકરી માટે માતા-પિતાએ ઝૂકવુ પડ્યું. દિશાના પિતાએ વહેલી નિવૃત્તિ લઈ લીધી અને ઘરમાં નક્કી થયું કે ભીમ વાકાણી દિશા સાથે મુંબઈ જશે અને તેની માતા ભાઈ મયૂર અને નાની બહેનને અહીં રહીને સાચવશે.
મુંબઈમાં ગોરેગાંવ ખાતે એક ફ્લેટ ભાડે લઈને રહેવાનું શરૂ કર્યું. આ દરમિયાન દિશાને બેએક સીરીયલમાં નાના રોલ મળ્યા. જો કે તેનાથી તેની સ્ટ્રગલ પૂરી નહોતી થઈ. નવા શહેરમાં અને ભીડથી ખદબદતા શહેરમાં દિશા રોજ કોઈ ને કોઈ સિરીયલ માટે ઓડિશન્સ આપવા જવા માંડી. સાથે-સાથે નાટકો ભજવવાનું પણ ચાલુ રાખ્યું. આ દરમિયાન તેણે ઈટીવી પર આવતી ગીત ગુંજન માટે કામ કર્યું. આ કાર્યક્રમના એક હજાર જેટલા એપિસોડ દિશાએ કર્યા. જો કે પાછળથી અવારનવાર હૈદરાબાદ, મુંબઈ અને અમદાવાદ જવું પડતું હોવાના કારણે તેણે ગીત ગુંજન કાર્યક્રમમાંથી બ્રેક લીધો. થોડા સમય માટે દૂરદર્શન પર આવતી સહિયર અને સખી જેવી સીરીયલ પણ કરી. જો કે દિશાના અભિનયને સોળે કલાએ ખીલવવાનું કામ કર્યું લાલી-લીલા નાટકે. કમરેથી જોડાયેલી બે બહેનોની હૃદયસ્પર્શી વાત આ નાટકમાં હતી. લાલીની ભૂમિકામાં દિશાએ જાન રેડી દીધી. દેશવિદેશમાં તેના સાડા ત્રણસોથી વધુ શો થયા. આ ગાળામાં દિશાએ ફિલ્મોમાં પણ ઓડિસન આપવાનું ચાલુ કર્યું અને આશુતોષ ગોવરીકરની જોધા અકબરમાં તેને ઐશ્ર્વર્યા રાયની સખીનો રોલ મળ્યો.
એક તરફ નાટક, સીરિયલો અને ફિલ્મો છતાં, દિશાએ જે બાળપણથી પેપરોમાં ફોટા આવે અને હિરોઈન બની જાય તેવું જોયેલું સપ્નું તે હજુ સાકાર થયું નહોતું. પણ કહેવાય છેને કે જેઓ હાથની રેખાઓના ભરોસે નથી બેસી રહેતા તેઓને ખુદ ઈશ્ર્વર પણ સાથ આપે છે. દિશા વાકાણીની અઢળક મહેનત અને અભિનય તરફની તેને પેશને પણ છેવટે તેને એ જગ્યાએ લાવી દીધી જ્યાં ટેલિવિઝનમાં પ્રાઇમ ટાઇમમાં તે છવાઈ ગઈ. અગાઉ હમ સબ એક હૈ સીરિયલ કરી ચૂકેલા આસિત મોદી તારક મહેતા કા... સીરિયલનુ નિર્માણ કરવા જઈ રહ્યા હતા. અગાઉની ધારાવાહિક મુખ્ય કિરદાર બનેલી ડિમ્પલ શાહને તેઓ દયાભાભીના રોલમાં લેવા માંગતા હતા. પરંતુ ડિમ્પલ બીજા કામમાં અટવાયેલી હોવાથી તેણે દિશા વાકાણીનું નામ સૂચવ્યું. એ પછી સીરિયલના મુખ્ય કિરદાર જેઠાલાલનું પાત્ર ભજવતા દિલીપ જોષીએ પણ દયાના પાત્ર માટે દિશા વાકાણીનું નામ સૂચવ્યું.
છેવટે આસિતભાઈએ દિશાનું ઓડિશન લીધું અને એ પછી જે થયું એ આપણી સામે છે ! આજે દિશા વાકાણી ટેલિવિઝન ક્ષેત્રે બહુ આદરથી લેવાતું નામ બની ગઈ છે. જાતબળે સંઘર્ષો ખેડીને છેક અહીં સુધી પહોંચેલી દિશાની અભિનયક્ષમતા હવે સોળેકલાએ ખીલી ઉઠી છે. તારક મહેતા કા...માં કામેડી કરતી દિશા ગંભીર ભૂમિકા કરવા માટે પણ વખણાઈ છે. આજે ભારતમાં ભાગ્યે જ કોઈ એવો ટીવી દર્શક હશે જે દયાભાભી ઉર્ફે દિશા વાકાણીને ન ઓળખતો હોય !