જૂનાગઢનો કનડા ડુંગર- જ્યાં મહીયાઓનું બલિદાન ખાંભીઓમાં જડાયું

kanda dungar, junagadh


જૂનાગઢના રસ્તે આવતાં ગાડામાં ભરેલાં કપાયેલાં માથાં કોનાં હતાં?

અંગ્રેજ સરકારે 1930માં મીઠા પર કર લગાવતાં આઝાદી માટે અહિંસક લડાઈ છેડનાર ગાંધીજીએ દાંડીકૂચ કરી હતી. આ દાંડીકૂચનો સત્યાગ્રહ ઇતિહાસનાં પાનાંમાં અજર-અમર થઈ ગયો છે. ઈ.સ. 1883 એટલે કે 131 વર્ષ પૂર્વે જૂનાગઢ સલ્તનતની રક્ષા કાજે લોહી વહાવી બક્ષિસમાં મેળવેલા ગરાસો પર લદાયેલા કર સામે અહિંસક આંદોલન છેડનારા મહીયા શૂરવીરોનાં માથાં વાઢી નાખવાનો જઘન્ય હત્યાકાંડ એટલે ‘કનડાનો કેર’, જે આજે ઇતિહાસના ખૂણામાં ધરબાઈ ગયો છે. નિ:શસ્ત્ર મહીયા ક્ષત્રિય શૂરવીરોની હત્યાના ઇરાદે જૂનાગઢની સલ્તનતે આચરેલું ભયંકર જંગલિયતભર્યું અમાનવીય કૃત્ય મહીયાઓના ઉપકારનો બદલો અપકારથી વાળનારું હતું. પોષ માસની કડકડતી ઠંડી અને બે દિવસ માવઠાથી ભૂખ્યા-તરસ્યા મહીયા ઠંડીમાં ઠૂંઠવાતા એક સોનેરી સવાર ઊગવાનાં સપ્નાં સેવતા હતા. આગલી રાત્રે જ મહીયાઓએ સમાધાનરૂપે સલ્તનતની સામે અહિંસક આંદોલન પૂરું કરી કનડાનો ડુંગર છોડવાનો નિર્ણય લીધો હતો. એક મહિનાની વાટાઘાટોને અંતે સલ્તનત અને મહીયા વચ્ચે આખરે મડાગાંઠ ઉકેલાતાં તેઓ મનમારીને પણ ખુશ હતા. પરંતુ આ એક જઘન્ય હત્યાકાંડની ચાલ હોવાનો તેમને સપ્ને પણ ખ્યાલ ન હતો. મહીયા જાતિના 350 માણસો વહેલી સવારે ભરઊંઘમાં હતા ત્યારે જૂનાગઢ પોલીસ અને શીબંદીના 900 સશસ્ત્ર માણસોએ ત્રાટકી નરસંહાર કર્યો હતો. શૂરવીરોએ કર ન ચૂકવવા અહિંસક આંદોલન થકી મૃત્યુની સોડ તાણી કનડા ડુંગરને લોહીથી ભીંજવી દીધો પરંતુ આજે આ ઐતિહાસિક ઘટનાક્રમનું કાયમી સ્મારક કે પ્રવાસન સ્થળ ઊભું કરવામાં શાસકોનું લોહી થીજી ગયું છે. દર વર્ષે જૂનાગઢમાં સાસણગીર અને ગીરનારથી 30 લાખથી પણ વધુ લોકો મુલાકાત લે છે પરંતુ જૂનાગઢની સલ્તનત સામે અહિંસક આંદોલન ચલાવી મોતને વ્હાલું કરનાર 82 શૂરવીરોના ખાંભીસ્થળે આજે પણ ગણ્યાગાંઠો લોકો આવે છે. એમાં વાંક પર્યટકોનો નથી પણ જૂનાગઢની સલ્તનતની બગાવત સામે મોતને ભેટનાર મહીયાઓને ભૂલી જનારા વાંકદેખા તંત્રનો છે. કુળગૌરવ, ટેક, વટ અને ખમીર માટે આ મહીયા વીરોએ શહાદત વહોરી લઈ સૌરાષ્ટ્રના  ઇતિહાસમાં અને સાહિત્યમાં એક અજોડ, અભૂતપૂર્વ અને અનોખી ગાથા ઉમેરીને સોરઠને ગૌરવ અપાવ્યું છે, પરંતુ સોરઠ આ શૂરવીરોની શહાદતને ગૌરવ અપાવી શકયું નથી.

kanda dungar, junagadh


જૂનાગઢ જાવ તો આ ઐતિહાસીક સાહસિક સ્થળની એક્વાર મુલાકાત લેજો, થોડું આ સંદર્ભે વધારે વાચજો…રૂવાટા ઉભાથઈ જશે….

કેવી રીતે પહોંચશો ?

રાજ્ય : ગુજરાત
શહેર : જૂનાગઢ
જૂનાગઢથી તલાલા થઈ સાસણગીરના માર્ગે 28 કિ.મી. દૂર જતાં આવતા મેંદરડા પાસે કનડાનો ડુંગર આવેલો છે. પર્વતો ઉપર જતાં સાંકડા અને ટોચવાળા થતા જાય જ્યારે કનડાની ટોચે લગભગ 80થી 100 વાર પહોળું અને એટલું જ લાંબું મેદાન છે, જે સ્થળે પહોંચવા માટે પણ જે કેડીમાર્ગ છે તે હળવા ચડાણવાળો છે.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.