કચ્છની સંપૂર્ણ ઓળખ વિના ગુજરાતની ઓળખ અધૂરી છે. સૌથી મોટો જિલ્લો, સૌથી ઓછો વરસાદ, છતાં ખેતીવિષયક કાબેલિયત પ્રાપ્ત કરેલ જિલ્લાની કેસર કેરી ઇંગ્લૅન્ડના રાજમહેલમાં વખણાય છે. પીળી ખારેકની વાડીઓથી મઘમઘતું કચ્છ ઐતિહાસિક, ધાર્મિક તથા સાહસિક પર્યટન માટે પ્રખ્યાત છે, માટે જ તેના પ્રમોશન માટેની જાહેરખબરમાં અમિતાભ બચ્ચનના અવાજે ‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’ દેશી-વિદેશીઓને સફેદ રણ જોવા આકર્ષ્યા છે.
કળા, સંસ્કૃતિ, શિલ્પ-સ્થાપત્ય દર્શાવતા મહેલો, મંદિરો, મ્યુઝિયમ, પાઠશાળા તથા હસ્તકળા-હુન્નર, બાંધણીકળા, ભરતકામ, અજરખ પ્રિન્ટ, રોગાન કળા, બાટીકકળા અને માટીકળા ક્ષેત્રે કચ્છ શીરમોર છે. રણ, ડુંગર અને દરિયાથી ઘેરાયેલ કચ્છ એક વિશેષ ટાપુ છે. કચ્છની સાહસિક ખમીરવંતી પ્રજાએ આજથી ૧૨૫ વર્ષ પહેલાં વિદેશી પ્રવાસીઓ તરીકે વ્યાપાર સાહસ કર્યું. ભૂડીયા અને રાઘવાણી કુટુંબો, જેરામ, ખીમજી અને કનકજી કુટુંબોએ આફ્રિકન દેશોમાં કીર્તિમાન સ્થાપ્યા તો ક્રાંતિવીર શ્યામજી કૃષ્ણવર્માએ વિદેશની ધરતી પર રહી, ભારતની સ્વાતંત્ર્ય ચળવળમાં અનેરું યોગદાન આપ્યું. કચ્છની અન્ય ઓળખ એટલે ફિલ્મ-નિર્માતાઓને મળતું પ્રાકૃતિક સૌંદર્ય. જેસલ-તોરલ, હમ દિલ દે ચૂકે સનમ, રેફ્યુજી, લગાન, મુજસે દોસ્તી કરોગી, ધી ગુડ રોડ વગેરે ફિલ્મોનું શુટિંગ ત્યાં થયું અને છકડામાં બેસી પાઘડી, ચોયણી અને સુરવાલ પહેરી ફરતા કચ્છીઓને ફેરવતા બચ્ચન તે પણ આજની હરતીફરતી ઓળખ. આઈટી ક્ષેત્રે અઝીમ પ્રેમજી અને સંગીત-ફિલ્મ ક્ષેત્રે કલ્યાણજી આણંદજી અને સંજયલીલા ભણશાળી જેવા કચ્છીઓનું યોગદાન ઉત્કૃષ્ઠ છે.
ભૂગર્ભમાં વહેતી સરસ્વતી નદીની શોધ વખતે હડપ્પન સંસ્કૃતિનાં અનેક પ્રમાણો મળ્યાં છે. અને એક સૌથી મોટી વસાહત ધોળાવીરામાં મળી આવી, જે અંદાજિત ૫૦૦૦ વર્ષ જૂની સંસ્કૃતિ ઉજાગર કરે છે. બંધ કિલ્લામાં ગરનાળા દ્વારા જમીનમાંથી મેળવાતું પાણી પણ એક અજાયબી. રાવશ્રી ગોડજીએ ભૂજીયા ડુંગર પર બનાવેલ ભૂજીયા કિલ્લામાં જ ભૂજંગભાગની સ્થાપના કરી હતી. જેના પરથી ગામનું નામ ભુજ પડ્યું, તે આજનું જિલ્લા મથક. શરદબાગ પેલેસ, જમાદાર ફતેહ મહમ્મદ ખોરડો, મહમદ પન્નાહ મસ્જિદ વગેરે ઐતિહાસિક અને શ્યામજી કૃષ્ણવર્માનું સ્મારક બન્યું તે અર્વાચીન. અહીં ભારતીય સંસ્કૃતિ દર્શન મ્યુઝિયમ વિદ્યાધામ છે તો અન્ય બહુહેતુક કચ્છ મ્યુઝિયમ છે. સફેદ રણ, માંડવીનો દરિયાકિનારો, ભૂજીયો ડુંગર, નારાયણ સરોવર અને જેસલ-તોરલ સમાધિ એ કચ્છનો શૃંગાર છે.
સતી તોરલની તપશ્ર્ચર્યાએ બહારવટિયા જેસલ જેને ‘કચ્છનો કાળો નાગ’ કહેવાતો તેને તલવાર ત્યજી તંબૂરો લેવડાવ્યો અને તે ‘જેસલપીર’ તરીકે પૂજાયો. જેમ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકિ બન્યા હતા. કચ્છની આ પવિત્ર ભૂમિમાં સંતો, ઓલિયાઓમાં દાદા મેકરણ, મામૈદેવ, ત્રિકમસાહેબ, હરિસાહેબ, મહાત્મા દેવાસાહેબ, રાવળપીર અને નારાયણ સ્વામી મોખરે છે. તો દિલદાર અને ખમીરવંતી પ્રજાએ સ્વતંત્રતા મળ્યા પછી સિંધમાંથી આવેલ સિંધીઓને સમાવી લીધા તે ગાંધીધામની પણ અનેરી કહાની છે. કંડલા, માંડવી, મુંદ્રા અને જખૌ જેવાં ૪ બંદરો પરથી થતી આયાત-નિકાસ, ભારતના પશ્ર્ચિમ અને ઉત્તર ક્ષેત્રને મોટી સેવાઓ પૂરી પાડે છે. જ્યારે સૌથી મોટા પાવર પ્લાન્ટ્સ (૪૦૦૦ મેગાવોટ જેને અલ્ટ્રામેગા પાવર પ્લાન્ટ્સ કહે છે.) અદાણી અને ટાટા દ્વારા મુંદ્રામાં સ્થપાયેલ છે. સુઝલોન તથા પ્રાન્ધો વગેરે મળીને ૧૨૦૦૦ મેગાવોટનું વિક્રમ ઉત્પાદન કરતો કચ્છ જિલ્લો ગુજરાતને પાવર સરપ્લસ કરવામાં અગ્રિમ છે. ૨૦૦૧ના ભૂકંપ પછી સરકારી રાહતોના પગલે કચ્છમાં અનેક મોટી ઇન્ડસ્ટ્રીઝ સ્થપાઈ છે. જીંદાલ, સૂર્યા તથા અન્ય સો જેટલી મોટી પાઇપ ઇન્ડસ્ટ્રીઝ વિશ્ર્વમાં પાઇપ અહીંથી જ મોકલે છે. તો અન્ય સ્ટીમ, ટેક્ષટાઇલ તથા બોક્સાઇટ સપ્લાય ઇન્ડસ્ટ્રીઝ પણ કચ્છની આગવી પ્રતિભા છે.
અષાઢી બીજ એ કચ્છનું નવું વર્ષ છે.