ગુજરાતની લુપ્ત થતી કળા : સગડ
ચોરને ચાર આંખ હોય છે એમ કહેવાય છે, પણ આ ચાર આંખની ચાતુરી ચોરની આવન-જાવનમાં રહી ગયેલી નિશાનીઓને આધારે તેમને પકડી શકાય છે. ચોરના પગની નિશાનીઓને આધારે શોધ કરનારાઓ સગડિયા કે પગી કહેવાય છે. આ કલા હળવે હળવે લુપ્ત થતી જાય છે. પગની નિશાનીઓ પરથી પગેરું કાઢતા જઈને ચોરી કરનારને શોધવાની પ્રક્રિયા પરંપરાગત છે.
આ કળાના જાણકારો પોતાની કળા દ્વારા નાની-મોટી ચોરીઓના ભેદ પકડી પાડે છે. ગુજરાતમાં લગભગ દરેક ગામે નાના-મોટા પગી હોય છે પરંતુ સગડકળાના અચ્છા જાણકાર તરીકે ઝાલાવાડમાં જાણીતા પગીમાં પાણશીણાના વહાણ પગી, બોરણાના શાર્દુલ પગી, પાન્દ્રીના દેશળ પગી, ગોમટાના માલા પગી, બલદાણાના જેસીંગ પગી, ઝમરના છગન પગી અને સૌકાના નાથુ પગી ગણાવી શકાય.
આજે 60 વર્ષની ઉંમરે પહોંચેલ સૌકા તા. લીંબડીના ચુંવાળિયા કોળી જ્ઞાતિના શ્રી નાથુભાઈ કવાભાઈ વાઘરોડિયા પોતાની વીસ વર્ષની ઉંમરથી સગડ જોવાનું કામ કરે છે. તેમણે આ કામ વારસામાં મેળવ્યું છે. એમના બાપ-દાદા પણ ટોયાપણું કરતા. પિતા અને દાદા જ્યારે સગડ કાઢવા જતા ત્યારે નાથુભાઈ પણ સાથે જતા. તેમણે આ સગડ વિદ્યા નિરીક્ષણથી મેળવેલ છે. કોઈના શીખવાડ્યે તે ન આવડે. આજ સુધીમાં તેમણે ઘણી જગ્યાએ પગેરું શોધ્યું છે. પોલીસ ખાતામાં પણ તેમની જાણકારીનો ઉપયોગ કરાય છે.
મારગ માથે સગડ તો ઘણાયના પડ્યા હોય, તો કયા સગડ ચોરના છે એ શા પરથી ઓળખો છો? એના જવાબમાં તેઓ કહે છે કે, મારગ માથે ઘણાના સગડ હોય છે. એ ખરી વાત પણ ચોરની જે ચાલ હોય છે તે જુદી જાતની હોય છે, કારણ કે ચોરને બીકમાં ચાલવાનું હોય છે, તે સીધો એક માર્ગે ચાલી શકતો નથી. તેને આડુંઅવળું ચાલવું પડે છે. અમુક જગ્યાએ વસ્તીવાળો વિસ્તાર લાગે, જેમકે રસ્તામાં ક્યાંક - વાડી હોય જ્યાં માણસ રહેતા હોય ત્યાં કોઈ જોઈ જશે એવી બીક લાગે ત્યારે પણ તે આડા અવળા ચાલે છે. સીધા રસ્તે ચાલતા નથી. ક્યારેક તેમના માથે વજન હોય છે, જેને લીધે તેમનો પગ દબાતો હોય છે, તેથી ખબર પડે છે કે, ચોર માથે વજન લઈ ગયા છે. આવા સગડ ઉપરથી ચોરનું પગેરું શોધી શકાય છે. ચોર દોડીને નાસી ગયો હોય તો સગડ દૂરના અંતરે પડે. દોડીને જનારની ડાંફ (બે પગલાં વચ્ચેનું અંતર) લાંબી પડે. ચાલીને જનારની ડાંફ ટૂંકી હોય છે. સગડ જોઈને એ પણ કહી શકાય કે પગલું સ્ત્રી, પુરુષ કે બાળકનું છે, કારણ કે પુરુષના પગનાં તળિયાં ઘસાયેલાં હોવાથી તેમનાં પગલાં ટૂંકા અને સાંકડાં હોય છે. વળી બાઈઓના પગનાં આંગળામાં માછલી કે વીંટી પહેરેલી હોય છે તેથી પણ ખ્યાલ આવે છે, જ્યારે બાળકના પગની રેખાઓ ચોખ્ખી જ-સ્પષ્ટ હોય છે. વળી પગલાં પણ નાનાં હોય છે તેથી ખબર પડી જાય છે કે આ પગલું બાળકનું છે.
ચોરી કરનાર પગેરું કાઢનારને થાપ આપવા વિવિધ કીમિયા કરતા હોય છે. ચોરી કરવા આવે ત્યારે ચોર સગડ ભૂંસાડવા શણિયા, ગાભા કે કોબીજનાં પાંદડાં પગે બાંધીને આવે. કેટલાંક બૂટની એડી આગળ આવે તેમ પહેરે, તો વળી કેટલાક ચોર બે-ત્રણ જોડી પગરખાં લઈને આવે છે અને અમુક અંતરે પગરખાં બદલતા રહે છે. કોઈ દિવસ સ્ત્રી ચોરના સગડ મળે ખરા? એના જવાબમાં નાથુભાઈ કહે છે કે, હા, અમારા ગામના દાદુભા અરજણસંગના ખેતરમાંથી બાજરિયાના પૂળાની ચોરી થયેલી. મેં સગડ જોયા તો બાઈ માણસના લાગ્યાં. સગડે સગડે સામે ગામ પહોંચ્યા. એક ઠેકાણે સગડ મૂકીને ગામ આગેવાનોને ભેગા કર્યા. સગડ બતાવ્યા તો માલધારી કોમની ચાર બાઈઓના ઘરમાંથી ડૂંડાની ગાંસડીઓ મળી આવી. જોકે ઘણી વખત ચોર પ્રથમ ચોરી કબૂલતો હોતો નથી. અમારે તેને સાચું કબૂલાવવા ગામના માણસોની મદદ લેવી પડે છે. તેમ છતાં જો તે ન માને તો પોલીસને સોંપવાની વાત કરીએ એટલે સાચું કબૂલી લે છે.
સગડ સાચા પડે ત્યારે ચોર તમને હેરાન કરે કે તમારાથી બીએ? એવું પૂછતાં નાથુભાઈ કહે છે કે, તેઓ બીએય ખરા અને અમને બિવરાવવા પણ કેટલાક આવે પણ અમે તેમને દાદ નથી દેતા. ગામનું ટોયાપણું કરતાં ચોરીની જવાબદારી પગીની રહે છે.
સીમમાં ચોરી થાય અને જો પગી ચોરને પકડી ચોરાયેલ માલ પાછો ન લાવી આપે તો ગામનું પંચ જે નક્કી કરે તે નુકસાની પગીએ ભરપાઈ કરવી પડે છે. ટોયાપણાના બદલામાં તેમને ગામના ધારાધોરણ મુજબ એક વીઘે અઢી શેર બાજરો, જુવાર મળે. કપાસ-સી ઓ ટુ કપાસ વીઘે દોઢ શેર લેખે મળે. પાછેતર ચણા કે કાંઈ થાય તો સવાશેર લેખે મળે.
ટોયાપણું કરતાં તમે ચોર કેવી રીતે પકડો? એના જવાબમાં તેઓ કહે છે કે, હું સવારે ખેતરે આંટો દેવા જાઉં. ફરતાં ફરતાં જો કોઈ તાજો સગડ જોવા મળે તો સગડ કોના ખેતરમાં જાય છે તે જોઉં અને ખેતરમાં જઈ નજર કરું. જો કોઈ ચોરી થઈ હોય તો ખબર પડી જાય, પછી સગડે-સગડે પાછળ જઈ ચોરી કરનારને પકડી શકાય. આવી રીતે એક વખત અમારા ગામના રબારીના ઘેટાના ચોરને વીસેક કિ.મી. ચાલીને માણપુરથી પકડેલા.
સગડ અટકી જાય તો આગળ કેવી રીતે વધો? તેના જવાબમાં નાથુભાઈ કહે છે કે, જો ચોર ડામર રોડ પરથી આગળ નીકળી ગયા હોય તો ત્યાં સગડ ન હોવાથી તેની પાછળ જઈ શકાય નહીં, પરંતુ સગડ અટકી જાય ત્યાં તેની આજુબાજુમાં જો ચારેય તરફ પોચી કે ધફાવાળી (ઝીણી રેતી જેવી) જમીન હોય તો તેની અંદર સગડ આવે એટલે ત્યાંથી આગળ એ સગડે અમે જઈએ.
બાકી ઘાસ ઉપર કે ડામર રોડ ઉપર આવી સાબિતી મળતી નથી. તેથી ત્યાં સગડ કાઢવા મુશ્કેલ બને છે. જ્યારે પાણીમાં થઈ ચોર સામે કાંઠે ગયો હોય તો સામે કાંઠે સગડ જોઈ તે દ્વારા આગળ વધી શકાય. પોચી જમીન પર આવી નિશાનીઓ જલદી મળે છે.
દેશી રાજ્યોના સમયમાં રીઢા ગુનેગારોને ઓળખી લેવા અને તેમના ગુનાઓનો પીછો લઈ તેમને પકડી પાડવા સુધીની કામગીરીમાં કસબાના જાણકાર પગીઓનો ઉપયોગ થતો. કેટલાંક રાજ્ય આજુબાજુના મલકમાંથી સારા જાણકારને બોલાવતાં. કેટલાંક રાજ્યમાં કાયમી આજીવિકા માટે ખેતીની જમીનની દેણગી કરવામાં આવતી, આવી જમીનો પસાયતા જમીન તરીકે આજે પણ મહેસૂલી દફતરમાં નોંધાયેલ જોવા મળે છે. અંગ્રેજોના શાસનમાં પણ પગીઓની બોલબાલા હતી, પણ હવે તો વ્યવસ્થા બદલાઈ છે. રાજાને સ્થાને પ્રજાની સરકાર આવી છે. ગુનાશોધનની નવી રીત-રસમો પણ દાખલ થઈ છે. આમ છતાં હજીય પગીનું મહત્ત્વ રહ્યું છે. આજે પણ પોલીસ ખાતું નાથુભાઈ જેવા પગીને ચોરી અને ચોરોના સગડ કાઢવા માટે અવારનવાર બોલાવે છે.