ગુજરાતી ફિલ્મોનો ‘સુવર્ણયુગઃ જતો રહ્યો? હાલ ચાલી રહ્યો છે? કે હજી આવવાનો બાકી છે?

Gujarati Film History - ગુજરાતી ફિલ્મોનો ‘સુવર્ણયુગ


અનેક ગુજરાતી ચલચિત્રોને છેક ૧૯૬૦થી નેશનલ ઍવોર્ડથી સન્માનીત કરાયા છે. મહેંદી રંગ લાગ્યો, નંદનવન થી માનવીની ભવાઈ, અને ધ ગુડ રોડ તેમાં સ્થાન પામ્યાં છે, તો કાંતી રાઠોડની ‘કંકુ’ તો આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલ ફિલ્મ છે.





ગુજરાતી ફિલ્મ વૈભવની અસ્મીતા


ફિલ્મનું નામ પડતાં જ એક આનંદ, ઉલ્લાસ, માનસપટ પર અંકિત થાય. ગીત, સંગીત, કલાકાર, અદાકાર, વાર્તા, કથા કે તાકતવર સંવાદની છબી મનને ઘેરી લે. કળા એ ય જીવનનું એક આધ્યાત્મીક અંગ, માંહ્યલાને જગાડે. લયબદ્ધ ગવાતા કે ગુણગુણાતા ગુજરાતી ગીતો તારી આંખનો અફીણી..., તને જાતાં જોઈ પનઘટની વાટે મારું મન..., ચરર ચરર મારું ચગડોળ ચાલે..., મણીયારો તે હલુ હલુ..., હું અમદાવાદનો રિક્ષાવાળો..., મુંબઈની કમાણી મુંબઈમાં..., કે ધમ ધમક ધમ ધમ સાંબેલુ..., જીવનરસના અનેક શ્રૃંગારો સજીને ઝુમતા અનુભવાય. આ સુવર્ણયુગને જાણવો હોય તો ગુજરાતી ફિલ્મ ગીતકોશ. હરિશ રઘવુંશી લિખિત જોવો રહ્યો. ગુજરાતી ફિલ્મ વૈભવની અસ્મીતાના છડીદારની અનુભૂતિનું રસપાન એટલે ગીત, સંગીત, કળાની દુનિયાનું અમૃત.

નેશનલ ઍવોર્ડ અને ગુજરાતી ફિલ્મ

અનેક ગુજરાતી ચલચિત્રોને છેક ૧૯૬૦થી નેશનલ ઍવોર્ડથી સન્માનીત કરાયા છે. મહેંદી રંગ લાગ્યો, નંદનવન થી માનવીની ભવાઈ, અને ધ ગુડ રોડ તેમાં સ્થાન પામ્યાં છે, તો કાંતી રાઠોડની ‘કંકુ’ તો આંતરરાષ્ટ્રીય ખ્યાતી પામેલ ફિલ્મ છે. ‘કુછ દિન તો ગુજારો ગુજરાત મે’ ભલે બે-પાંચ વર્ષથી કહેવાતું હોય, શ્રી અમિતાભ બચ્ચને ‘નામ છે મારું ગંગા’ ફિલ્મમાં માત્ર અભિનય નથી કર્યો, તેમની કંપનીએ ‘સપ્તપદી’ ફિલ્મ પણ બનાવી છે. ૧૯૩૨માં સૌ પ્રથમ બનેલ ‘નરસિંહ મહેતા’ ફિલ્મથી માંડીને ૨૦૧૪માં બનેલ ‘બે યાર’ સુધીમાં ગુજરાતી ભાષામાં અંદાજીત ૧૧૯૧ ફિલ્મ બની છે. આમાં પાછળના ૩ વર્ષ ઉમેરવાના…!  ગ્રામ્ય-જીવન આધારીત શૌર્ય કથાઓ, સાંસારીક અને સામાજીક સમસ્યાઓ ઉજાગર કરતી અને ધાર્મિક કથાઓથી માંડીને નવી શૈલીમાં ઝડપથી કમાઈ લેવા જતા યુવકોની, પતિ-પત્નીના મીઠાં ઝઘડાઓના આશ્ર્ચર્યજનક પરિણામોની કે કોમેડી ફિલ્મો પણ બનતી રહી છે.

ગુજરાતી ફિલ્મમાંથી હિન્દી ફિલ્મ


નવલકથા આધારીત કે નાટકો પરથી બનેલ ફિલ્મોમાં ય કાનજી વિરુદ્ધ કાનજી, આંધળો પાટો, મહારથી, માય ડિયર ફાધર ઉલ્લેખનીય છે જ પણ તે હિન્દી ભાષામાં બન્યા છે. બોલીવૂડથી અંજાયેલા નવયુવાનોને ભાગ્યે જ ધ્યાન હોય કે ઉપેન્દ્ર-સ્નેહલતા, ઉપેન્દ્ર-અનુપમા, નરેશ-રીટાભાદુરી, રાજીવ-રીટા ભાદુરી, અરૂણા-કિરણકુમાર કે કિરણકુમાર-મલ્લિકાની જોડીઓ પણ ગુજરાતી ફિલ્મોના સુવર્ણયુગમાં રેખા-અમિતાભ, હેમા-ધરમ, ધક ધક - શાહરૂખ કે બેબો - પટૌડી જેટલી જ આકર્ષક મનમોહક રહી છે. ઉપેન્દ્ર ત્રિવેદી તો પદ્મશ્રી પુરસ્કારથી નવાજીત છે. ગુજરાતી ગીતો ગાવામાં પણ જગજીતસિંગ, અનુરાધા પૌંડવાલ, આશા ભોંસલે અને મીના કપુર છે.


 ગુજરાતી ફિલ્મો અને  બંગાળી, તમીલ, ક્ધનડ કે મરાઠી ફિલ્મો

એકવીસમી સદીમાં વિસરાઈ ન જવા જોઈએ તેવા મનહર રસકપૂર, જેમની જોગીદાસ ખુમાણ ફિલ્મ ૩ વખત બની, ત્રણેય સમયે દિગ્દર્શકો એક જ. રવીન્દ્ર દવે, ચંદ્રકાન્ત સાંગાણી, ગિરીશ મનુકાન્ત, અરુણ ભટ્ટ, કૃષ્ણકાંત, દિનેશ રાવલ, કાંતી મડિયા, કેતન મહેતા, કાંતીલાલ રાઠોડ જેવા અનેક દિગ્દર્શકોનો વારસો ગુજરાત પાસે છે તો અજીત મર્ચંટની સંગીત ક્ષેત્રે સેવા અને અવિનાશ વ્યાસ તો જાણે વિસરાઈ ગયેલી મુડી છે. આ ખજાનાના વારસદાર ગુજરાતીઓ અનેક ક્ષેત્રે સાહસિક છે, સફળ છે, ગૌરવભેર પ્રથમ પંક્તિમાં ઉભા રહે તેમ છે છતાંય; ગુજરાતી ચલચિત્રો બંગાળી, તમીલ, ક્ધનડ કે મરાઠી ફિલ્મો કરતાં પાછળ કેમ? ગુજરાતીઓનો ફિલ્મી મૂડ પારખવામાં નવોદીત દિગ્દર્શકો અભિષેક જૈન, આશિષ કક્કડ કે ઉત્પલ મોદી પણ - નવાસવા સાહસિકોના લીસ્ટમાં; અન્ય કળારસીકો કેમ નહીં! રમેશ મહેતા, પી. ખરસાણી કે ઇન્દુકુમાર જેવી હાસ્ય ફિલ્મો બનાવવાળા કેમ નહીં? પરેશ રાવલ અને મનોજ જોષી માત્ર અભિનય ક્ષેત્રે, ગુજરાતી ફિલ્મ ઉત્પાદન ક્ષેત્રે કેમ નહીં? યુવાન તથા અનેક સાહિત્યવિદોની કૃતિઓ આધારીત નવી ફિલ્મો કેમ નહીં? આત્મમંથન જરૂરી છે જ. ચલચિત્રો માત્ર નટ-નટીઓનો ખેલ નથી, સંસ્કૃતિનું અવિભાજ્ય અંગ છે. મનોરંજન સાથે લોકશિક્ષણનું પણ માધ્યમ છે. ધર્મ, કુટુંબ-પ્રબોધન, મૂલ્યઆધારીત જીવન, હળવાશ ભરેલું તંદુરસ્ત વાતાવરણ, કુદરત સાથે તાદાત્મ્ય, વન્ય જીવન સાથે સુસંવાદ અને સંગીતથી ડોલતું - મહેકતું - ધબકતું જીવન છે; લોકકળાનું હૃદય છે. તેને નવી સ્ફૂર્તિ, તાકાત, તાજગીની જરૂર છે. ચલચિત્ર નિર્માણના વિવિધ અંગો સાથે સરકારનો સંવાદ, સહાનુભુતી, સામંજસ્ય પણ એટલું જ જરૂરી છે. આ બાબતે પરિસંવાદ, વર્કશોપ, તેના સાધનો હોઈ શકે તો સબસિડી, ઍવોર્ડ, ટેક્ષ રાહત વગેરે તેમાં નવા પ્રાણ પુરી શકે. નવી પૉલિસી જે ઉત્સાહપ્રેરક હોય, રાહતો જેમાં આંકડાકીય ગુંચવણો નહીં, સરળતા હોય અને ઍવોર્ડસ જે સાદગીપૂર્ણ અપાઈ ગયા તે સમારંભ યોજીને પણ આપી શકાયા હોત. શું સરકાર એક ત્રિદિવસીય ગુજરાતી ચલચિત્ર ફેસ્ટીવલ માટે પહેલ કરી શકે? રાજ્યભરમાં આ બાબતે નવા ઉત્સાહનું - મેળાનું વાતાવરણ ઉભું કરી શકે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે અનેક ક્ષેત્રે સમસ્યાઓ ઉકેલવામાં દૃષ્ટિ અને નિષ્ઠાપૂર્વકના પ્રયાસો આદર્યા છે, તેવું જ ગુજરાતી ફિલ્મ નિર્માણ ક્ષેત્રે નિર્માતાઓ અને કલાકારોની સમસ્યાઓ વિશે પણ સમસંવેદનપૂર્વકના આયોજનની તાતી જરૂરત છે. નિર્માતાઓની દશા સુધરવી જોઈએ જેથી તે વખાના માર્યા ફિલ્મ નિર્માણ કરવાનું ઓછું અથવા બંધ ના કરી દે.


ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ

ચલચિત્ર ક્ષેત્રે બોલીવૂડનું પ્રાધાન્ય અને વિવેચકોનો ગુજરાતી ફિલ્મ માટેનો ઉપહાસ અકબંધ છે. તેને ઉચ્છેદીને આગળ વધવામાં જ સાહસ છે. હા હાલ, મલ્હાર ઠાકર, પ્રતિક ગાંધી જેવા અનેક નવયુવાનો અને ધારદાર કલાકરો ગુજરાતી ફિલ્મ જગતને મળ્યા છે. એક નવો દોર શરૂ તો જરૂર થયો છે. જોઇએ આ ગુજરાતી ફિલ્મનો સુવર્ણયુગ આ સાથીઓ લાવે છે કે હજી વાર છે….??!!


YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.