આ ઉનાળે આટલું જરૂર કરો, તમારું બાળક ક્યારેય બીમાર નહીં પડે

gujaratikemchho


આપણી ખરાબ આદતો અને દિનચર્યા આપણને બીમાર બનાવે છે અને આપણું જોઇ બાળક પણ એવું જ કરે છે. તો સૌથી પહેલા આપણામાં સુધાર લાવવાનો છે. પણ તે પહેલા આ સમજો...

બાળકોને જેમ વાળો તેમ વળે. બાળક સાંભળીને નહીં, જોઈને - અનુભવીને શીખે છે. આપણે હાથ ધોયા વગર જમવા બેસીશું તો તે હાથ નહીં ધુએ. આપણે બહારનાં વસ્ત્રો સાથે પથારીમાં લંબાવીશું કે પથારીમાં બેસી ખોરાક લઈશું તો તે એમ જ કરવાનું છે, જે તેને આળસુ સ્વભાવનું, ચામડી, પાચન, વિચારની નબળાઈથી પીડિત બનાવનાર નીવડશે. આમાં અતિશયોક્તિ નથી. થોડી આજુબાજુ નજર દોડાવી આદતો સુધારવા ટોકીએ.

આ માટે શું કરી શકાય?

#  બાળક પાસે સાંજે પ્રાથના કરાવી સાથે વાળુ કરવા બેસાડીએ.

#  તે પછી એક પ્રેરક બોધકથા કે સાહસકથા સંભળાવવી.

#  કોયડા, લોકકાવ્ય, કોઈ ગીત સંભળાવી નવ વાગતા સુધીમાં સુવડાવવું.

#  તે આપમેળે બ્રમુહૂર્તમાં ઊઠશે. ઊઠે એટલે મુખશુદ્ધિ, નાક ગળાને સાફ કરી આચમનપૂર્વક પાણી પીવડાવીએ.

#  આખા શરીરે, એક એક અંગ અને સાંધે સાંધા તલના તેલનું માલિશ કરવું.

#  એક ચમચો ચણાના લોટમાં અડધી ચમચી હાથે ખાંડેલી હળદરનું ચૂર્ણ, એક ચમચો મલાઈ અને જરૂર જેટલું દૂધ ઉમેરી તૈયાર થયેલા દ્રાવણથી અંગે અંગ, સાંધે સાંધા પર ઘસવું.

#  લીમડાનાં પાન નાંખી ઉકાળેલા પાણીથી લીમડાનાં પાન નિચોવી લેવાં.

#  માલિશ અને ઉબટન કરીશું એટલામાં પાણી ઠરી જશે. તે પાણીથી તેને સ્નાન કરાવવું.

આટલું કરો તો...

કોઈ ચેપી રોગ બાળક પાસે આવવા હિંમત નહીં કરે. ગરમી નહીં થાય, ફોલ્લી ફોલ્લા નહીં થાય. ચામડી મુલાયમ તો રહેશે જ, ડાઘા નહીં પડે. મોટી ઉંમરના પણ આ પ્રયોગ કરી શકે. તેમણે તલનું તેલ સહેજ ગરમ કરી લેવું અને વધારે રગડવું. કરચલીઓ નહીં પડે, ચામડીનો ચળકાટ જળવાશે અને ઉંમર સૂચક વિવિધ ડાઘાઓ નહીં પડે, પડ્યા હશે તો કાળક્રમે દૂર થશે.

સ્નાન કરી ચૂકેલા બાળકને સુતરાઉ ટર્કીશ કે ખાદીના ખરબચડા ટુવાલથી કોરું કરવું. વસ્ત્ર સફેદ (સુતરાઉ), ગૂગળનો ધૂપ આપેલાં પહેરાવી સૂર્યને અર્ઘ્ય અપાવવો. લોટો માંજી વ્યવસ્થિત સ્થળે મુકાવી તેના હાથે દીવા, અગરબત્તી કરાવવાં. નિત્ય પ્રાર્થના કરાવવી. આઠ વાગ્યા સુધીમાં ચા અથવા દૂધ સાથે તાજો બનેલો નાસ્તો કરાવવો. નવું કશુંક ભણાવવું, શીખવવું, બે કલાક પછી એક કલાક શ્રમદાન કરાવવું, જેમ કે ક્યારાની માટી પોચી કરવી, ઝાડને પાણી પાવું, વેલી છોડની માવજત કરવી, બાજુમાં રહેતાં બા કે દાદાનાં નાનાં નાનાં કામ હોય કે ઘરના વડીલોને મદદ કરવાની હોય. તે પછી હાથ, પગ, મોં ધોવડાવી પ્રાર્થનાપૂર્વક જમાડવું. સાથે ઘરનું કોઈ વડીલ જમે જેથી રોટલીના નાના ટુકડા, ચાવીને ખાવું, વચ્ચે વચ્ચે દાળ કે સૂપ કે કઢી કે ફજેતો પીતાં શીખવવું. પાણી ભોજન પહેલાં કે પછી ક્યારેય ન પીવા દેવું. વચ્ચે થોડું ભલે લે, પણ જરૂર ન પડે એવું જ ભોજન હોવું જરૂરી છે.

ઉનાળાની બપોરે સૂવાનું છે. ખસની ગટ્ટીથી સુગંધિત વાતાવરણમાં બાળક સ્વસ્થતાપૂર્વક સૂઈ શકશે. સાંજે પુન: થોડું શ્રમદાન, વાંચન, લેખન, કળા, કશું નવું જાણવા શીખવા મળે તે ધ્યાન રાખવું.

વકેશનના બે મહિના આ રીતે જળવાયેલા બાળક પાસે ખૂલતા સત્રે, નવા વર્ષ દરમિયાન કશી અપેક્ષા જરૂર રાખી શકાય. ભારતીય બાળકો પ્રતિભાવંત, સમજદાર, વિનયી, વિવેકી હોય જ છે. જરૂર હોય છે તેમની લાગણીઓને સમજીને વાળવાની, કેળવવાની.

આ ઉનાળે આટલું જરૂર કરીએ.

YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.