પ્રથમ પદ્મવિભૂષણ મહિલા ફોટોગ્રાફર : હોમાઈ વ્યારાવાળા

પદ્મવિભૂષણથી વિભૂષિત ભારતનાં આ પ્રથમ મહિલા ફોટોગ્રાફર Homai Vyarawallaનું ઘર એટલે સીધું સાદું ઘર

ભારે વજનવાળા રોલિફ્લેક્સ કમેરા લઈને દોડાદોડ કરવી. સારા એંગલથી ફોટા ખેંચવા જેવું અઘરું કામ હોમાઈજીએ કર્યું. એ વખતે માત્ર પુરુષ ફોટોગ્રાફરોની હરીફાઈમાં પોતાનો એકડો દાખલ કરવો એ અઘરું હતું, પણ હોમાઈજીએ એ કરી બતાવ્યું. વિપરીત સંજોગોમાં પણ ફોટોગ્રાફીના ક્ષેત્રના પોતાના પ્રદાન અંગે પ્રતિભાવ આપતાં તેઓ કહે છે ‘તે વખતના લોકોની સારમાણસાઈને કારણે મને બીજી કશી તકલીફ નથી પડી.’


મુંબઈ પાસેનું નવસારી ગામ એટલે પારસી પરિવારોનું હોમ ટાઉન. આ નવસારીએ માત્ર પારસી કોમને આશરો જ નથી આપ્યો. ધન અને ધર્મનો વારસો પણ આપ્યો છે. સંજાણના રાજાને દૂધમાં સાકર ભળે તેમ ભળી જવાનું વચન આપીને આખી પારસી કોમે એ પ્રામાણિકતાથી પાળી બતાવ્યું છે, એટલું જ નહિ આ કોમના આગેવાનોએ માત્ર મનથી નહીં પણ હૃદયથી ભારતને માતૃભૂમિ તરીકે સ્વીકારી લીધી અને તેના વિકાસમાં ભરપૂર યોગદાન આપ્યું.

આવા નવસારીના એક પારસી પરિવારમાં 1913ની સાલમાં એક દીકરીનો જન્મ થયો. તેનું નામ પાડ્યું હોમાઈજી. આ પરિવાર પૈસેટકે સુખી નહિ. છતાંય ખૂબ દુ:ખી પણ નહિ. ભણવામાં આગળ પડતાં હોમાઈજી આગળના અભ્યાસ માટે મુંબઈ ગયાં. અભ્યાસકાળ દરમિયાન જ તેમનો પરિચય માણેકશા સાથે થયો. માણેકશા એક ખાનગી કંપ્નીમાં નોકરી કરતા હતા. તેમને ફોટોગ્રાફીનો શોખ પણ ખરો. નોકરીમાંથી સમય કાઢીને ફોટોગ્રાફીના કામે લાગી જાય.

એ ગાળામાં મુંબઈ આગળ પડતું શહેર ગણાતું. આજે જેમ વિદેશથી આવતા ભારતીયો કે ગુજરાતીઓને પ્રજા આદરથી અને ક્યારેક કુતુહલથી જુએ છે તેમ તે વખતે મુંબઈવાસીની ગણના થતી.

માણેકશા સાથેનો પરિચય ધીરે ધીરે ગાઢ થતો ગયો અને પ્રેમમાં પરિણમ્યો. બંને માતપિતાની સંમતિથી પરણ્યાં.

તે વખતે પણ પશ્ર્ચિમની અસરતળે ઉછરતા મુંબઈમાં એક મહિલા ક્લબ ચાલે. આ ક્લબની સભ્યો પૈસેટકે સુખી હતી. 8-10 દિવસે એકાદ કાર્યક્રમ થાય. આજના યુગની કિટી પાર્ટી જેવી પ્રવૃત્તિઓ એ ક્લબમાં થતી. હોમાઈજી પણ તેની સાથે સંકળાયાં. આ ક્લબે એક પ્રવાસનો કાર્યક્રમ ગોઠવ્યો અને માણેકશાએ આ પ્રવાસને કમેરામાં કંડારવાનું સૂચન હોમાઈજીને કર્યુ. 1938ની સાલ હતી. કમેરા લઈને હોમાઈજી પણ પ્રવાસમાં જોડાયાં. આખા પ્રવાસને તેમણે કમેરામાં કંડારી લીધો. પણ હૃદય તો ધડક ધડક થતું કે ફોટા કેવા આવ્યા હશે? ફોટાનો રોલ ધોવડાવીને માણેકશા ઘેર આવ્યા. હોમાઈજીએ ફોટાઓ કવરમાંથી કાઢીને જોયા અને જોતાં જ રહી ગયાં. એ ફોટાઓ - તસવીરો સરસ હતી. બધાએ તસવીરો વખાણી અને માણેકશાએ આ દિશામાં આગળ વધવા તેમને પ્રેર્યાં.

એ જમાનામાં મહિલા આવા કામમાં આગળ વધે તો એની ટીકા થતી. ‘લ્યો ફોટા પાડવા લાગ્યાં’ શું અધૂરું હતું તે આ ફોટા પાડવાની લાઈન પકડી?’ પણ પતિ માણેકશાની હૂંફ અને હિંમતે તેમને બળ પૂરું પાડ્યું. ‘બામ્બે ક્રોનિક્લ’માં તેમના પાડેલા ફોટા છપાયા. એ વખતે તેમને ફોટાદીઠ એક રૂપિયો પુરસ્કાર મળતો. પણ તેના કરતાં પણ ફોટા છપાયાની હૈયાધારણે તેમને અધિક પ્રોત્સાહિત કર્યાં. પછી તો મુંબઈથી પ્રસિદ્ધ થતા ‘ઇલસ્ટ્રેટેડ વીકલી આફ ઇન્ડિયા’માં તેમના પાડેલા ફોટા છપાતા. યાદ રહે આ ‘ઇલેસ્ટ્રેટેડ વીકલી આફ ઇન્ડિયા’ અને ‘ધર્મયુગ’નો એક જમાનો હતો.

ફોટોગ્રાફર હોમાઈ વ્યારાવાળા


તેમની ફોટોગ્રાફીએ મુંબઈના સીમાડા વટાવી દીધા. બ્રિટિશ સરકારના ધ્યાન બહાર આ ભારતનાં આ પ્રથમ મહિલા ફોટોગ્રાફર ન રહ્યાં. તેમને અવારનવાર દિલ્હી પણ જવું પડતું છેવટે તેઓ દિલ્હીમાં જ સ્થાયી થયાં.

હવે એ સરકારી કે અન્યાન્ય ક્ષેત્રોના કાર્યક્રમોમાં વ્યસ્ત થતાં ગયાં. તેમની ફોટોગ્રાફી દિવસે દિવસે ખીલતી ગઈ. સરકારી ખાતાંઓમાં, જાહેર ક્ષેત્રોમાં, નાટ્યરસિકોમાં હોમાઈ વ્યારાવાલાનું નામ એક અપ્રતિમ ફોટોગ્રાફર તરીકે ચમકવા લાગ્યું.

ભારતના અગ્રણી નેતાઓ - પં. જવાહરલાલ નહેરુ, શાસ્ત્રીજી અને સરદાર પટેલ વગેરે સાથે તેમનો વ્યક્તિગત પરિચય વિકસ્યો.

15મી આગસ્ટ, 1947ના દિવસે દેશ આઝાદ થયો. દિલ્હીમાં યોજાયેલા આ મહત્ત્વના પર્વને હોમાઈજીએ કમેરામાં કંડારી લીધું. પોતાની તસવીરયાત્રા દરમિયાન, અંગ્રેજ શાસનની ગતિવિધિઓ ઉપરાંત અંગ્રેજોની વિદાય, બીજું વિશ્ર્વયુદ્ધ, દેશના સૌપ્રથમ પ્રધાનમંડળની શપથ વિધિ તેમણે ક્લિક કરી લીધી. આ ઉપરાંત પંડિત નહેરુ અને ગાંધીજી જેવા અનેક મહાનુભાવોને પણ તેમણે પોતાના કમેરામાં કેદ કર્યા.

તેમને એક પુત્ર હતો. તેનું નામ ફારુક. તે મૃત્યુ પામ્યો. 1969માં માણેકશા પણ બહિસ્તનશીન થયા. હવે હોમાઈજી દિલ્હીમાં એકલાં પડી ગયાં. તેમને એકલતા ખાવા ધાતી હતી. પતિ અને પુત્રની યાદોથી ભરેલું ઘર તેમને જંપીને જીવવા દેતું નહોતું એટલે 1970માં તેઓ વડોદરા આવ્યાં અને અહીં જ સ્થિર થયાં.

ભારે વજનવાળા રોલિફ્લેક્સ કમેરા લઈને દોડાદોડ કરવી. સારા એંગલથી ફોટા ખેંચવા જેવું અઘરું કામ હોમાઈજીએ કર્યું. એ વખતે માત્ર પુરુષ ફોટોગ્રાફરોની હરીફાઈમાં પોતાનો એકડો દાખલ કરવો એ અઘરું હતું, પણ હોમાઈજીએ એ કરી બતાવ્યું. વિપરીત સંજોગોમાં પણ ફોટોગ્રાફીના ક્ષેત્રના પોતાના પ્રદાન અંગે પ્રતિભાવ આપતાં તેઓ કહે છે ‘તે વખતના લોકોની સારમાણસાઈને કારણે મને બીજી કશી તકલીફ નથી પડી.’

એક તો પુત્રનું અકાળે અવસાન અને પતિની ચિરવિદાય તેમને સતત સાલતાં રહેતાં. સાવ એકાકી જીવન છતાંય તેમણે ફોટોગ્રાફી ચાલુ રાખી, પણ ફોટોગ્રાફરોની નવી પેઢીનો વ્યવહાર અને રાજકારણીઓની અવળચંડાઈએ તેમને થકવી દીધાં અને તેમણે કમેરાને અભરાઈએ ચડાવી દીધો.

એ વખતના રાજકારણીઓ વિશે મંતવ્ય રજૂ કરતાં તેઓ કહે છે ‘મહાત્મા ગાંધી જરા આકરા સ્વભાવના હતા. હરિજન આશ્રમમાં ફોટોગ્રાફી વખતે તેમણે મને બહાર નીકળી જવા મજબૂર કરી હતી. જવાહરલાલ નહેરુ વિચક્ષણ રાજકારણી ઉપરાંત અચ્છા અદાકાર જેવા હતા. કયા એંગલથી ફોટો પડાવીએ તો બીજા દિવસે છાપામાં સરસ રીતે છપાય તે પં. નહેરુજી સુપેરે જાણતા. જ્યારે અત્યંત પ્રેમાળ સ્વભાવના ડા. રાધાકૃષ્ણન સાથે મારે સૌથી વધુ બનતું. સરદાર પટેલ બધાથી હટકે હતા. તેઓ કાર્યક્રમોમાં પણ કમેરાથી દૂર રહેતા, દેખાડો કે દંભ બિલકુલ નહીં.’

 હોમાઈ વ્યારાવાળાની ક્લિક


વૃદ્ધત્વને લીધે શરીર નબળું પડ્યું , છતાંય તેમની યાદગીરી એવીને એવી સતેજ.  ફોટોગ્રાફીમાં આગળ વધ્યાં તે બદલ તેમને લાઇફટાઇમ એચિવમેન્ટ અને પદ્મવિભૂષણનો અવોર્ડ મળ્યા. પદ્મવિભૂષણથી વિભૂષિત ભારતનાં આ પ્રથમ મહિલા ફોટોગ્રાફરનું ઘર એટલે સીધું સાદું ઘર. ન કોઈ આડંબર ન કોઈ મોટો દેખાવ-માત્ર અને માત્ર સાદગીપૂર્ણ જીવન. વૈભવનું દર્શન કરાવે એવી એક પણ વસ્તુ તેમના ઘરમાં નથી.

તેમણે પોતાની જિંદગી ઈશ્ર્વરને સોંપી દીધી છે. પરિવારના દુ:ખે ન તો તેમને હતાશ કર્યાં છે કે ન તો લાઇફટાઇમ એચિવમેન્ટ અવોર્ડ અને પદ્મવિભૂષણ અવોર્ડે તેમને છકાવી દીધાં છે. તેઓ તો ગીતાના શ્ર્લોકની જેમ જય કે પરાજયમાં સ્થિતપ્રજ્ઞ જ રહ્યાં છે.  ૧૫ જાન્યુઆરી ૨૦૧૨ના રોજ ૯૮ વર્ષની ઉમરે તેમનું અવસાન થયું…



YOU MAY LIKE THIS

Blogger દ્વારા સંચાલિત.